પશ્ચિમની વિચારધારા ગાઈ વગાડીને કહે છે કે ‘પ્રયોજન’ પર લક્ષ્ય ઠેરવો. રાત-દિવસ ફળની ચિંતા કરો, કોઈ પણ ભોગે ‘ટાર્ગેટ’ સિદ્ધ કરો. એ લક્ષ્યપ્રાપ્તિ માટે સઘળા માર્ગો અપનાવો, કારણ કે જીવનમાં પરિણામની જ બોલબાલા છે. ‘ફાવ્યો તે જ વખણાય’ એ દુનિયાની રીત છે.
આપણા શાસ્ત્રગ્રંથો આનાથી સાવ વિપરીત વાત કરે છે. એ કહે છે કે જેણે કર્મફળ અર્પણ કરી દીધું, એનું જીવન સફળ થઈ જાય છે. કર્મ કરો, પણ ફળની સહેજે આશા કે એષણા વિના. કારણ એટલું જ કે ફળ તરફ નજર રાખવા જતાં વ્યક્તિ એના જીવનનો આનંદ અને પ્રાપ્તિ માટેનાં સાધનોનો વિવેક ઘણી વાર ગુમાવી બેસે છે. એ ઘણી વાર કાર્યનો મહિમા કરવાને બદલે ફળનો મહિમા કરે છે. ફળ પ્રત્યેની દોડ એને રાગદ્વેષમાં ફસાવે છે અને રાગદ્વેષ આવતાં નિંદાના ભાવ જાગે છે.
એ પોતાની પ્રાપ્તિને માટે ઉપયોગી વ્યક્તિનાં સાચાં-ખોટાં વખાણોના હારના હાર પહેરાવશે અને એમાં અવરોધ થતાં એની નિંદા તો કરશે જ, પરંતુ સાચી-ખોટી બદબોઈ કરતાં પણ અટકશે નહીં.
આમ ફળની આસક્તિ માનવીને અધીર બનાવે છે. ઝડપભેર ફળપ્રાપ્તિ માટે ધીરજ ગુમાવી દોડે છે. એને અંધ બનાવે છે, કારણ કે એની આંખે રાગ-દ્વેષનાં પડળ બાઝી જાય છે અને એને અસ્વસ્થ બનાવે છે, કારણ કે પ્રાપ્તિની આસક્તિ એનાં તન-મનને સતત પરેશાન કર્યા કરે છે. આથી ભારતીય ગ્રંથોએ કહ્યું કે તમારાં કર્મોનું પુષ્પ પ્રભુનાં ચરણોમાં ધરી દો.
કુમારપાળ દેસાઈ