તમે ‘થર્ડ ગિયર સિન્ડ્રોમ’થી ગ્રસિત છો ખરા ? સ્કૂટર કે મોટર માત્ર ‘થર્ડ ગિયર’માં ચલાવવાથી શું થાય ? વાહનચાલક રસ્તાની સ્થિતિ પ્રમાણે અને વાહનવ્યવહાર મુજબ ક્યારેક ન્યૂટ્રલમાં અથવા તો બાકીના ગીયરોમાં વાહન ચલાવે છે. પરંતુ ‘થર્ડ ગિયર સિન્ડ્રોમ’ ધરાવતી વ્યક્તિ જીવન, વ્યવસાય, વ્યવહાર બધે જ બધું કામ ‘ફટાફટ’ કરવામાં માને છે. કોઈ પણ કામ હોય, એને ધડાધડ હાથમાં લઈને ફટાફટ પૂરું કરવું, એ એની આદત હોય છે. આથી ક્યારેક એનાં કામો થાય છે, પરંતુ એનાં ઘણાં કામો એની ઉતાવળને કારણે કાં તો નિષ્ફળ જાય છે અથવા તો બીજા અનેક પ્રશ્નો ઊભા કરે છે.
આવી ‘ફટાફટ’ સંસ્કૃતિ આજના સમયમાં વધુ ને વધુ ફેલાઈ રહી છે અને માણસને કામ કરતી વખતે કામ વિશે વિચારવાની પળનીય ફુરસદ હોતી નથી. એ કામ કરવા જેવું છે કે નહીં, કે પછી એ કામ કરવાથી કેવાં કેવાં પ્રત્યાઘાતો અને પરિણામો આવશે એને વિશે એ લેશમાત્ર ચિંતા સેવતો નથી. ‘બસ, કામ નિપટાવી દેવું’ એ જ એનો એકમાત્ર ભાવ હોય છે અને પરિણામે એ કામ વિશે ગંભીર રીતે કે ઊંડો વિચાર કરતો નથી અને કામ સામે આવતાં જ તત્કાળ, તત્ક્ષણ એ ઉત્સાહભેર કામ કરવા મંડી પડશે.
જેમ માત્ર થર્ડ ગિયરમાં ગાડી ચાલે નહીં, એ રીતે આપણાં કામોની ગાડી પણ ફટાફટ ચાલી શકે નહીં. કોઈ પણ કાર્યને માટે સ્વસ્થ વિચારણા જરૂરી છે અને આવી વિચારણા હશે તો જ વ્યક્તિ સારું પરિણામ મેળવી શકશે.
વિખ્યાત વિજ્ઞાની સર આઇઝેક ન્યૂટને કહેલી વાતનું સ્મરણ થાય છે કે, ‘જો મેં કોઈ શોધ કરી હોય તો તેનું શ્રેય મારી પ્રતિભાને બદલે મારા ધીરજભર્યા પ્રયાસોને આપવું જોઈએ.’ આજે માનવી મનથી અસહિષ્ણુ બન્યો છે અને એના કાર્ય પરત્વેના અભિગમમાં પણ એ જ અધીરાઈ, અસહિષ્ણુતા અને ઉતાવળ નજરે પડે છે.
કુમારપાળ દેસાઈ