ચિંતાથી મુક્ત થવા જતાં વ્યક્તિ ક્યારેક ચિંતાનો ભોગ બને છે ! એ એમ માને કે સઘળું કામ છોડીને નિરાંતે બેસીએ, ઘરમાં આરામ કરીએ અથવા તો નિવૃત્ત થઈ જઈએ, તો જીવનની સઘળી ચિંતા દૂર થઈ જશે. આમ ચિંતા-ત્યાગ માટે વ્યક્તિ કાર્યત્યાગ કરતી હોય છે. એ એમ માને છે કે આ રીતે હવે એના જીવનમાંથી ઝંઝટ ઓછી થઈ જશે. એને પ્રવૃત્તિઓનો થાક નહીં લાગે અને મનમાં ચાલતું ચિંતાવલોણું અટકી જશે. પણ બને છે એવું કે આવી વ્યક્તિ કામ વિના બેસે એટલે એનું મન વળી કોઈ જુદા માર્ગે ચાલવા લાગે છે. નવરા માણસનું મન શેતાનનું કારખાનું છે એમ કહેવાય છે, પણ એમાં મૂળ ઉત્પાદન તો ચિંતાનું થાય છે. માણસ કામધંધા વિના બેસી રહે એટલે એ એના મનમાં બીડીની ગડીની જેમ ચિંતાની ગડી વાળ્યા કરે છે અને સમય જતાં માણસ પોતાની જાતે હારી જાય છે.
તમે જોયું હશે કે કોઈ યંત્ર ચાલતું રહે તો એના પાર્ટ્સને વાંધો આવતો નથી પરંતુ જો એ મશીન એમ ને એમ પડી રહે તો થોડા સમયમાં એના પર કાટ ચડી જાય છે અને એના પાર્ટ્સ જ નહીં, પણ આખુંય મશીન નકામું થઈ જાય છે. ચિંતાથી બચવા માટે માણસે કામ કરવું જ જોઈએ, કારણ કે કામને કારણે એ પોતાના લક્ષ્ય સાથે અને જીવંત અસ્તિત્વ સાથે જોડાયેલો રહે છે. માત્ર એ કામ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ અનુસાર નિરપેક્ષ રહીને કરવું જોઈએ. દ્વિતીય મહાયુદ્ધમાં અઢાર-અઢાર કલાક પરિશ્રમ કરીને બ્રિટન અને મિત્ર રાજ્યોને વિજય અપાવનાર ઇંગ્લૅન્ડના પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલ એમ કહેતા કે મારી પાસે એટલું બધું કામ છે કે ચિંતા કરવાની મને ફુરસદ નથી.
કુમારપાળ દેસાઈ