ઈશ્વર : કમિશન એજન્ટ કે ઇમરજન્સી સર્વિસ

માનવીએ ઈશ્વરને એની ભૌતિક લાલસાને કારણે કેવો ‘કમિશન એજન્ટ’ બનાવી દીધો છે. જો મને પ્રમોશન મળશે, તો એક હજાર રૂપિયાનો હે ઈશ્વર, તને થાળ ચડાવીશ. જો મને પ્રધાનપદ મળશે તો ચાંદીનું છત્ર બનાવીશ. જો મને સંતાનપ્રાપ્તિ થશે, તો તને સોનાનો મુગટ પહેરાવીશ. જો ઇન્કમટૅક્સની રેડમાંથી પેનલ્ટીમાંથી બચાવીશ, તો તને માલામાલ કરી દઈશ.

આમ ભગવાનને માણસે પોતાના સ્વાર્થની પૂર્તિ માટે કમિશન એજન્ટ બનાવી દીધો છે. એ ગુનો કરે છે અને પછી ગુનો ન પકડાય એ માટે ભગવાનનું રક્ષણ માગે છે. એ શત્રુ ઊભા કરે છે અને પછી શત્રુનાશ માટે મંત્રાનુષ્ઠાન કરાવે છે. આમ માણસ ભગવાનને સતત ‘મૅનેજ’ કરતો રહે છે. એ પોતે ઇચ્છે એવી રમત ભગવાનને રમાડે છે અને તેથી જ નવરાત્રીને નામે માતાની ઉપાસનાને બદલે ક્લબહાઉસના ગરબાઓમાં ઘૂમવા જાય છે. જન્માષ્ટમીમાં ઉપવાસ કરીને કૃષ્ણજન્મની ઉજવણી કરવાની હોય છે, એને બદલે ઉપવાસ છોડીને જુગારાષ્ટમી ઊજવે છે.

મહાવીર જન્મવાંચનના દિવસે મહાવીરનું ચરિત્ર જાણવાને બદલે બોલીઓમાં સમય વ્યતીત કરે છે. ક્યારેક ઈશ્વરનો ૧૦૮ ઇમરજન્સી સર્વિસ જેવો ઉપયોગ કરવામાં આવે છે. સુખ હોય ત્યારે એને યાદ પણ ન કરે, એના અસ્તિત્વની કોઈ નોંધ પણ ન લે અને દુઃખ આવી પડે ત્યારે હિંદી ફિલ્મની માફક ઈશ્વરને અરજન્ટ હાજર કરવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑