ચાર પ્રકારના સંબંધ

જગતમાં ચાર પ્રકારના સંબંધ જોવા મળે છે. એક સંબંધમાં માલિકીપણાનો ભાવ હોય છે કે જ્યાં બંનેનો અહંકાર પરસ્પરના પ્રેમ વચ્ચે અહમની દીવાલ ચણી નાખે છે. પછી એ પ્રેમ ગૌરવને બદલે ગૂંગળામણ, આનંદને બદલે આપત્તિ, ઉત્સાહને બદલે ઉપેક્ષા અને આત્મીયતાને બદલે અળગાપણું સર્જે છે. બીજો અહોભાવ છે, જ્યાં સામી વ્યક્તિ તરફ પ્રશંસાયુક્ત દૃષ્ટિ હોય છે. સંબંધનો ત્રીજો પ્રકાર તે આત્મીયતાનો, જ્યાં પરસ્પર વચ્ચે સ્નેહનો સેતુ રચાઈ ચૂક્યો હોય છે અને સંબંધનો ચોથો પ્રકાર છે આનંદભાવો. જ્યાં સંબંધનું પ્રેમમાં રૂપાંતર થઈ ગયું હોય છે અને એવો પ્રેમભાવ જાગતા પ્રભુત્વભાવ અસ્ત પામે છે. સંબંધોનો મહિમા જ એ છે કે બે વ્યક્તિઓ સાચા સ્નેહથી મળે તે મિલન કહેવાય, અને હજારો લોકો મળે છતાં જો સ્નેહ ન હોય તો તે સભા કે ટોળું ગણાય !

સંબંધોનો પાયો જ સહજતા અને સ્વતંત્રતા છે. સહજતાથી સધાયેલો સંબંધ ટકતો હોય છે, કારણ કે એમાં નિસ્વાર્થતા અને નિર્વ્યાજ પ્રેમ હોય છે. સંબંધોની પહેલી શરત અને પરસ્પર પ્રેમનો પાયો એ સ્વતંત્રતા છે. સ્વતંત્રતા વિના સ્નેહ સંભવિત નથી. આથી આપણા સંબંધોમાં આવતા પરિવર્તનનું કારણ શું ? એક સમયે આનંદનો સાગર ઉછળતો હોય, ત્યાં વિષાદ કે વિખવાદનો મહાસાગર સર્જાય છે કેમ ? એક સમયે જે પ્રગાઢ મિત્રો હોય, એમની વચ્ચે દુશ્મન જેવી ગાંઠ સર્જાય છે કેમ ? એકબીજા વિના એક ક્ષણ પણ નહીં રહી શકતા પ્રેમીઓ શા માટે વિખૂટા પડવાનો વિચાર કરતા હોય છે ? સંબંધો ક્ષણજીવી કે ક્ષણભંગુર કેમ બની જતા હોય છે ? આનું કારણ એ છે કે પહેલાં જેમનું મિલન મેના અને પોપટ જેવું હતું અને બંને સાથે મળીને ગગનમાં મુક્તપણે ઉડ્ડયન કરતા હતા, એ પછી એવું બને છે મેના પોતાના અધિકારના પાંજરામાં પોપટને પૂરવા માગે છે અને પોપટ મેનાને માલિકીપણાના પાંજરામાં કેદ કરવા ચાહે છે.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑