ક્રોધ આદત બની જાય !

વારંવાર ગુસ્સો કરનારી વ્યક્તિ સામાન્ય બાબતોને અસામાન્ય મહત્ત્વ આપે છે. નાની વાતને ચગાવીને રજૂ કરે છે. વાતને સમજ્યા વિના ગુસ્સો કરે છે અથવા તો સામેની વ્યક્તિને જાણ્યા વિના ગુસ્સાથી જ વાત કરે છે. સમય જતાં ગુસ્સો એ એની ઓળખ બની જાય છે.

ઋષિ દુર્વાસાનું સ્મરણ થતાં એમના અતિ ક્રોધનું તત્ક્ષણ સ્મરણ થાય છે. તેઓ અત્રિ ઋષિના પુત્ર હતા. તે સમર્થ મંત્રશક્તિ ધરાવતા હતા એવું કશું યાદ આવતું નથી. કારણ એટલું જ કે ક્રોધ એ એમની આદત બની ગઈ હતી. વ્યક્તિ ગુસ્સો કરે ત્યારે એમ માને છે કે આમ કરવાથી જ પરિસ્થિતિ તરત થાળે પડશે, પરંતુ હકીકત એ હોય છે કે એમ કરવાથી પરિસ્થિતિ સાવ વણસી જાય છે.

વળી વ્યક્તિ જેમ જેમ ગુસ્સો કરતી જાય, તેમ તેમ ભાવનાત્મક રીતે અસંતુલિત થતી જાય છે. આનું કારણ એ કે ગુસ્સો એ એણે ધારણ કરેલું કવચ હોય છે અને પછી ગુસ્સાનું કવચ જાળવી રાખવાનો પ્રયાસ કરતાં એ પોતાની જાતને ભૂલી જાય છે. ગુસ્સો કરનારી વ્યક્તિ પોતે હોય છે તેવી દેખાતી નથી, પરંતુ બીજાને દેખાય છે, તેવી થઈ જાય છે.

વારંવાર ગુસ્સે થનારી વ્યક્તિ સ્વયં એનું સન્માન ગુમાવતી હોય છે અને એથીય વિશેષ તો એના વિરોધીઓને એ ખ્યાલ આવી જાય છે કે એનામાં આત્મનિયંત્રણની શક્તિ નહીં હોવાથી એને નષ્ટ કરવો કે એની અવગણના કરવી સહજ છે. સમય જતાં ગુસ્સાબાજની અભિવ્યક્તિ પર ગુસ્સો છવાઈ જાય છે અને પછી એની અભિવ્યક્તિમાંથી ધીરે ધીરે લાગણી, સંવેદના કે ઉદારતા ઓછી થતી જાય છે. જો વ્યક્તિ આત્મનિયંત્રણ કરીને પોતાના ગુસ્સા પર કાબૂ મેળવે, તો એની ભીતરમાંથી ઊર્જાનો એક પ્રબળ સ્રોત પ્રગટ થાય છે, જેનો એ સારો ઉપયોગ કરીને પોતાના જીવનને વધુ સુઘટિત બનાવી, મનોરમ આકાર આપી શકે છે.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑