તમારી પાછળ ક્યો વારસો મૂકી જશો ? વર્તમાન જીવનના અંત પછી આ ધરતી પર શું મૂકી જશો ? આ વાસ્તવ જગતમાં તમારી ઉપસ્થિતિ ન હોય અને છતાં આ જ જગતમાં તમારું શું ટકશે ?
જમીન-જાયદાદ, બંગલો કે ધનસંપત્તિ અથવા તો મૂલ્યવાન ઘરેણાં વારસામાં આપતા જશો ? વસ્તુ રૂપે આપેલો વારસો ત્યાં સુધી જીવંત હોય છે, જ્યાં સુધી એ હસ્તાંતરિત થાય નહીં. એક વ્યક્તિ પાસેથી કે એક હાથમાંથી બીજી વ્યક્તિ પાસે કે બીજા હાથ પાસે ગયા, એટલે એ સઘળું તમારું રહેતું નથી. જમીન કે બંગલો બીજા પાસે જશે, એટલે તમારા નહીં રહે.
હકીકતમાં જિંદગીમાં વ્યક્તિએ એક એવો પૉઝિટિવ વારસો આપીને જવાનું છે કે જે અન્ય વ્યક્તિના સદાય સ્મરણમાં રહે. કોઈ વ્યક્તિને મળીએ અને બીજી ક્ષણે એને ભૂલી જઈએ છીએ, પરંતુ કોઈ એવી પણ વ્યક્તિ મળે છે કે થોડી વાર મળી હોય તોપણ જીવનભર એની દૃષ્ટિ, એના વિચાર યાદ રહી જાય.
તમારા પ્રેમભર્યા વર્તાવને એ યાદ રાખે. તમે એનાં દુ:ખોને શાંતિથી સાંભળ્યાં હોય તો તેનું સ્મરણ કરે. એની વેદના જાણીને આશ્વાસન આપ્યું હોય કે ખરે સમયે મદદ કરી હોય તો તેને યાદ કરે. આમ તમે જે કંઈ કામ કરતા હો, તેની સાથે તમારી પૉઝિટિવ એનર્જીનો સામેની વ્યક્તિને અનુભવ થવો જોઈએ. આ પૉઝિટિવ એનર્જી વ્યક્તિને અધ્યાત્મ સાથે જોડે છે અને વ્યક્તિએ આપેલો આવો વારસો સમય જતાં એનો મૂલ્યવાન આધ્યાત્મિક વારસો બની રહે છે.
કુમારપાળ દેસાઈ