સફળતાનો એજન્ટ

જીવનમાં મળતી ઘોર નિષ્ફળતાનું કારણ શું ? વ્યવસાયમાં કે વ્યવહારમાં, આયોજનમાં કે સંસ્થામાં મળતી નિષ્ફળતાનું કારણ શોધીએ તો ખ્યાલ આવે કે એનાં મૂળ તો આપણા સ્વભાવમાં જ પડેલાં છે. નિષ્ફળ વ્યક્તિ પોતાની આસપાસ નિષ્ફળતાના નૅગેટિવ વિચારોનું એવું કવચ રચે છે કે જેને કારણે એ સામેની વ્યક્તિની રુચિ, ઇચ્છા કે આનંદ પર નજર સુધ્ધાં કરતી નથી. જીવનમાં કે જગતમાં મળેલી અસફળતાને પરિણામે વ્યક્તિનો દૃષ્ટિકોણ વધુ ને વધુ સ્વકેન્દ્રી થતો જાય છે અને એથી જ સામી વ્યક્તિને વિશે એ કોઈ રસ કે રુચિ દાખવતો નથી. એના પ્રત્યે નજ૨ સુધ્ધાં કરતો નથી.

સામી વ્યક્તિના જીવનમાં રસ કે રુચિ નહીં દાખવનારી વ્યક્તિને પોતાના જીવનમાં ઘણી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિ સામેની વ્યક્તિનો વિચાર કરવાને બદલે એને નુકસાન કરવાનો વિચાર કરશે. જો આપણે બીજી વ્યક્તિમાં રુચિ લેવાનો પ્રારંભ કરીએ તો વાતાવરણ એકાએક સાનુકૂળ થઈ જશે. સામી વ્યક્તિના રસ અને રુચિનો વિચાર કરવાથી સહૃદયતાની આબોહવા રચાશે. એ વ્યક્તિ હકીકતમાં તમારી સફળતાની ‘એજન્ટ’ બની જશે. બીજાને માટે વધુ સારા જીવનની કલ્પના કરીને સ્વ-જીવનને વધુ સારું બનાવી શકે છે. સામેની વ્યક્તિમાં તમે રુચિ ધરાવતા ન હો તો એવું બનશે કે એ વ્યક્તિ તમને સાથ નહીં આપે અને તમારી નિષ્ફળતાઓ વધુ ને વધુ ઘૂંટાતી રહેશે.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑