એક શબ્દ છે ઇન્દ્રિયસંલગ્ન અને બીજો શબ્દ છે ઇંદ્રિયાતીત. આ બંને બાબત માનવીના સુખનું માધ્યમ કે સાધન છે. જે ઇન્દ્રિયસંલગ્ન (જોડાયેલું) હોય છે, તે આકર્ષક જરૂર હોય છે, પણ એનો અંત દુ:ખદ હોય છે. વ્યક્તિને રસગુલ્લાં અત્યંત ભાવતાં હોય, એને જોતાં જ મોંમાં પાણી આવતું હોય અને સ્વાદવૃત્તિ પ્રબળ થઈ જતી હોય છે. એ થોડાં રસગુલ્લાં ખાય, ત્યાં સુધી વાંધો નથી. પેટ ભરાઈ જાય એટલાં રસગુલ્લાં ખાય, ત્યાં સુધી પણ વાંધો નથી, પણ જ્યારે ઠાંસી ઠાંસીને રસગુલ્લાં ખાવા લાગે, ત્યારે એની જીભની ૨સલોલુપતાને આનંદ આવતો હશે, પણ એનો અંત બીમારી કે હૉસ્પિટલની પથારી બને છે.
આમ જે સુખ આપણી બાહ્ય ઇન્દ્રિયો સાથે જોડાયેલું છે, એ સુખનો અંત ટ્રૅજિક હોય છે. જેમ ટ્રૅજેડી ધરાવતું નાટક જોતા હોઈએ, ત્યારે એમાં નાટક જોતી વખતે આનંદ આવે છે, પણ એનો અંત હંમેશાં કરુણ હોય છે. શેક્સપિયરનાં ‘ઓથેલો’ કે ‘હેમ્લેટ’ જેવાં નાટકો જોતી વખતે આપણે આ અનુભવમાંથી પસાર થઈએ છીએ.
માનવી પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે આંખો મીંચીને દોડ લગાવે છે, પરંતુ એ ઇન્દ્રિયો કદી તૃપ્ત થતી જ નથી. એ થોડી તૃપ્ત થાય, ત્યાં તો બમણી અતૃપ્ત થઈ જાય છે અને તેથી ઇન્દ્રિયના સુખની પાછળ દોડનારો માનવી જીવનમાં અનિત્ય, અસાર અને અશરણરૂપ બાબતોમાં ડૂબેલો રહે છે. જો એને સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થાય, તો એ ઇન્દ્રિયોને પેલે પાર જાય છે, જેને ઇન્દ્રિયાતીત કહેવામાં આવે છે. ઇન્દ્રિયસંલગ્નનું મુખ બહારની દુનિયા તરફ હોય છે. ઇન્દ્રિયાતીતનું મુખ ભીતરના જગત તરફ હોય છે. ઇન્દ્રિયસંલગ્ન થોડો સમય સુખ પામે છે, પણ એનો અંત વિષાદમય હોય છે, જ્યારે ઇન્દ્રિયાતીત એવું સુખ પામે છે કે જ્યાં માત્ર ઉલ્લાસ અને આનંદ જ હોય છે.
કુમારપાળ દેસાઈ