વિશ્વના મહાનાયકોનો જરા વિચાર કરો. સૉક્રેટિસ, અબ્રાહમ લિંકન, આલ્બર્ટ આઇન્સ્ટાઇન કે મહાત્મા ગાંધી જેવા મહાનાયકોના જીવન પર દૃષ્ટિપાત્ કરીએ, તો ખ્યાલ આવશે કે એમણે પોતાના ધ્યેયની સફળતા માટે અવિરત અને અસાધારણ જંગ ખેલ્યો હતો. વિરાટ શિલાને ભાંગવા માટે તમે કરેલો એકસોમો પ્રહાર તેને તોડી નાખે છે, પણ શું તો એનો અર્થ એવો ખરો કે અગાઉ તમે કરેલા નવ્વાણુ પ્રહારો વ્યર્થ ગયા. ના, એવું સહેજેય નથી. તમારા નવ્વાણુ પ્રહારોને કારણે શિલા અંદરથી એટલી તૂટતી રહી કે એકસોમા પ્રહારને કારણે એના ટુકડેટુકડા થઈ ગયા. જો નવ્વાણુ પ્રહાર કર્યા બાદ વ્યક્તિ નિષ્ફળતા ઓઢીને બેસી ગઈ હોત તો?
સૉક્રેટિસ રાજકીય વિરોધ જોઈને ચૂપ થઈ ગયા હોત તો ? અબ્રાહમ લિંકન એમની ગરીબી અને વારંવારની નિષ્ફળતાઓના આઘાતથી નિરાશ થઈને માત્ર વકીલાત કરતા રહ્યા હોત તો ? આઇન્સ્ટાઇને વર્ષોનાં વર્ષો સુધી સાપેક્ષવાદના સિદ્ધાંતની શોધમાં ગાળવાને બદલે થોડા જ સમયે સંકેલો કરી લીધો હોત તો ? ગાંધીજીએ દેશની રાજકીય, આધ્યાત્મિક અને આર્થિક ગુલામી જોઈને આઝાદી માટેનું આંદોલન અભરાઈએ ચડાવી દીધું હોત તો ?
આ મહાનાયકોની વિશેષતા જ એ છે કે તેઓ નિરાશા, વિરોધ અને નિષ્ફળતા સામે ઝઝૂમતા રહીને દૃઢ સંકલ્પ અને પ્રબળ ઇચ્છાશક્તિથી એનો સામનો કરતા રહ્યા. પરિણામે એમણે પહાડ જેવી સમસ્યાઓને પોતાના લોખંડી મનોબળથી પરાજિત કરી.
જેમને ઊંચા શિખર પર બેસવું છે, એણે એની પગદંડીઓ પર આવતી પરેશાનીઓ પાર કરવાની હોય છે. આને માટે અથાગ પ્રયત્નની જરૂર છે અને મહાનાયકોએ પ્રયત્ન કરીને એ સિદ્ધ કરી બતાવ્યું કે વ્યક્તિ જન્મથી મહાનાયક બનતી નથી, પણ સંજોગો સામે સતત ઝઝૂમીને અંતે વિજય હાંસલ કરીને મહાનાયક બને છે.
કુમારપાળ દેસાઈ