‘સાધારણ’ શબ્દની આગળ માત્ર ‘અ’ અક્ષર લગાડતાં સઘળું કેવું બદલાઈ જાય છે ! સાધારણ અને અસાધારણ વચ્ચે માત્ર એક અક્ષરનું જ અંતર છે. સાધારણ વ્યક્તિ ચીલાચાલુ જીવન જીવતી હોય છે. એ હંમેશાં કોઈ પણ પ્રશ્નનો ‘પ્રૅક્ટિકલ’ વિચાર કરતી હોય છે. આ ‘પ્રૅક્ટિકલ’ વિચારને કારણે એ પોતાના વર્ષો જૂના ચીલાચાલુ રસ્તે જ ચાલવું પસંદ કરે છે. કોઈ નવો ચીલો પાડવાનું એને પસંદ હોતું નથી. પ્રગતિને માટે સામે ચાલીને સંઘર્ષ કરવો, એ એના લોહીમાં હોતું નથી અને ધ્યેયને ખાતર માથું મૂકવાને બદલે એ વિચારે છે કે ધ્યેયની માથાકૂટમાં પડવું નહીં, એને માટે રાતના ઉજાગરા કરવા નહીં કે સવારે વહેલા ઊઠવું નહીં.
અસાધારણ માણસ રાતના ઉજાગરા કરનારો હોય છે અર્થાત્ એ પોતાના ધ્યેયને માટે સર્વસ્વ ન્યોછાવર કરનારો હોય છે. ન્યાય કે સત્યને માટે કોઈ સંઘર્ષ ખેડતાં અચકાતો નથી અને ભૌતિક સુખશાંતિને બદલે પોતાના હેતુને પ્રધાનતા આપે છે. એ હેતુને માટે એ અથાગ પ્રયત્નો કરે છે, પુરુષાર્થ ખેડે છે અને પોતાના જીવનનો પ્રત્યેક શ્વાસ એની સિદ્ધિ માટે લેતો હોય છે. માર્ગમાં આવતી અસિદ્ધિને એ ઉચ્છવાસની માફક કાઢી નાખે છે અને ફરી પાછો સિદ્ધિ માટે શ્વાસ ભરવા લાગે છે.
એનું આખું જીવન આ શ્વાસ અને ઉચ્છ્વાસમાં વ્યતીત થઈ જાય છે, પરંતુ સાધારણ માણસનો નિરાંતભર્યો શ્વાસ અને અસાધારણનો અજંપાભર્યો શ્વાસ એ જ સાધારણ અને અસાધારણ વ્યક્તિ વચ્ચેનો ભેદ છે.
કુમારપાળ દેસાઈ