એમ કહેવાય છે કે કંકાસી દાંપત્ય એ અત્યંત કથળેલા સ્વાસ્થ્ય કરતાં પણ વધુ ખરાબ અને નુકસાનકર્તા છે. કોઈ સ્થૂળ ભાષામાં એમ પણ કહે કે પતિ-પત્ની વચ્ચેનો સબંધ ૩૬ને બદલે ૬૩નો હોવો જોઈએ. કોઈ કહેશે કે પતિ અને પત્ની વચ્ચેના કલહને કારણે એમની આનુવંશિક સંરચનામાં પણ પરિવર્તન થવાની શક્યતા રહે છે. એક ગણતરી મુજબ પતિ અને પત્ની વચ્ચે ત્રીસ મિનિટથી વધુ સમય તનાવ રહે, તો એમની પ્રતિરોધક ક્ષમતા એક તૃતીયાંશ ઓછી થઈ જાય છે. અર્થાત્ એમની અવરોધો સહન કરવાની શક્તિ સતત ઘટતી જાય છે. એમ પણ કહી શકાય કે સતત કલહ અને તનાવમાં રહેતા દંપતીઓમાં એપાઇનફ્રીન, નોરપાઇનફ્રીન અને એસીપીએચ હાર્મોન્સ વધી જાય છે અને આ વધે તો એનો સીધો પ્રભાવ એમની સહનશીલતા પર પડતો હોય છે. હકીકતમાં હાર્મન્સ પ્રોલેક્ટિન એ વ્યક્તિની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને આવા કલહને કારણે એનો સીધો પ્રભાવ હાર્મોન્સ પ્રોલેક્ટિન પર પડે છે.
આવી પરિસ્થિતિમાં કરવું શું જોઈએ ? વિદેશમાં વૈવાહિક સંબંધોના પુનર્ગઠનનો વિચાર કરવાની રીત છે. ફરી નવેસરથી એકલા જિંદગી જીવવાનો વિચાર કરવો અને થોડા સમય બાદ પુનઃદંપતી તરીકે રહેવું કે નહીં તે નક્કી કરવું. આ પુનર્ગઠનની વિચિત્રતા એ છે કે આને માટે પતિપત્ની બંને છૂટાછેડા લે છે. થોડો વખત જુદા રહે છે અને પછી પુનર્ગઠન સાધે છે. હકીકતમાં ભારતીય પરંપરામાં પતિપત્ની તરીકે રહીને જ બંને પુનર્ગઠન માટેનો પ્રયાસ કરે છે. ભારતીય નાટકોમાં તો મુશ્કેલ પરિસ્થિતિમાં પતિપત્ની વિખૂટાં પડી જાય, તોપણ તેમનું પુનર્મિલન થાય છે. આ પુનર્મિલન માટે એમને છૂટાછેડાની જરૂર પડતી નથી. હકીકતમાં સંબંધોનું પુનર્મિલન એ વિખૂટા પડવાથી નહીં, પણ પરસ્પરની સમજણ કેળવવાથી શક્ય બને છે.
કુમારપાળ દેસાઈ