તમે કાચબાને જોયો છે ? એ કેવો સ્થિતિસ્થાપક હોય છે. એ જ્યાં બેસે, ત્યાં પોતાની ઢાલનું રક્ષણ સ્વીકારીને એની અંદર શરીરનું કોકડું વાળીને બેસી જાય છે. પોતાનું મુખ ઢાલની અંદર સંતાડીને જીવે છે. કારણ કે બહાર કાઢવું અસુરક્ષિત લાગે છે. કેટલીક વ્યક્તિઓ આ કાચબાની માફક સ્થિતિસ્થાપક જીવન ગાળતી હોય છે. એ જ્યાં હોય ત્યાં ખોડાઈ રહે છે. એમનામાં ન ગતિ હોય છે કે ન પ્ર-ગતિ હોય છે અને ધીરે ધીરે એમનું ચિત્ત પણ સ્થિતિસ્થાપક બની જાય છે. એના જીવનના રંગ, ઢંગ કે રફતારમાં સહેજે ફેરફાર આવતો નથી અને પરિસ્થિતિમાં નાનકડો ફેરફાર થાય તો એને એમ લાગે કે એનું બધું જ વેરવિખેર થઈ ગયું છે ! ઑફિસમાં તમારા ટેબલનું સ્થાન બદલાઈ જાય કે દિશા ફેરવાઈ જાય, એની સાથે તમારું ચિત્ત પણ ફેરવાઈ જાય છે. ઘરમાં ચાવીઓનો ઝૂડો રાખવાની જે જગા હોય કે પછી ડિશ રાખવાનું જે સ્ટૅન્ડ હોય, એ સહેજ બદલાય એટલે પહેલાં તો મન પારાવાર અકળામણમાં ડૂબી જશે. આવી નાની શી ઘટના પણ સ્થિતિસ્થાપક ચિત્તને બેચેન રાખતી હોય છે.
પિંજરામાં પુરાયેલા પંખીને તમે એને ઉડાડી દો, તોપણ એને વિશાળ આકાશમાં ઊડવું ગમશે નહીં, પરંતુ એ પાછું પાંજરામાં આવીને પુરાઈ જવું પસંદ કરશે. આથી સ્થિતિસ્થાપક ચિત્ત કોઈ નવો ફેરફાર સહન કરવાની શક્તિ ધરાવતું નથી. એનામાં ધૈર્યનો અભાવ અને સાહસની શૂન્યતા હોય છે અને તેથી જ જીવનની પરિસ્થિતિમાં લેશમાત્ર પરિવર્તન આવતા હેરાન-પરેશાન થઈ જાય છે.
કુમારપાળ દેસાઈ