નિર્વાણ, મોક્ષ કે વૈકુંઠની પ્રાપ્તિ એ તો ઘણી દૂરની વાત છે. સૌથી પહેલી વાત અને પહેલું ધ્યેય તો આપણા પોતાના ભીતરની શાંતિ છે. તમારા ભીતર પર કોણ બિરાજેલું છે ? તમારા હૃદયના સિંહાસન પર કોનું રાજ પ્રવર્તે છે ? હૃદયમાં થતાં રુધિરાભિસરણ સમયે લોહીના લાલ રંગ સાથે ક્યો બીજો રંગ ભળેલો છે ? એનો વિચાર કરીએ એટલે ખ્યાલ આવે કે હૃદય તો સતત વ્યથા, ચિંતા અને વેદનાથી ભરેલું છે. એ હૃદયમાં કેટલાય દુર્ભાવોનો દરિયો ઊછળે છે. કેટલાય દુષ્ટ વિચારો ઘૂમે છે. પરિચિત સાથે થયેલો ઝઘડો, કુટુંબમાં ચાલતો કંકાસ કે જગતના લોકો પ્રત્યેની કટુતા – એ બધું હૃદયમાં વ્યાપ્ત હોય છે.
મજાની વાત એ છે કે તમારું ભીતર એ તમારું પોતાનું છે અને છતાં તમારા ભીતરમાં તમારી શાંતિ અને સ્વસ્થતાને ખલેલ પહોંચાડનારાઓ પલાંઠી વાળીને આસન જમાવીને બેઠા હોય છે. તમારા જીવનમાં અવરોધરૂપ થનારાઓ માટે અજંપો સળવળતો હોય છે. તમારી દુશ્મનાવટનું વેરઝેર એ હૃદય સિંહાસનના પાયામાં હોય છે. વિચિત્રતા તો એવી કે તમારું હૃદય શુભભાવનાનો ગુલદસ્તો બનવાને બદલે દુર્ગંધમય ઉકરડો બની ગયું છે. શાંતિ પામવી હોય તો તમારા હૃદયના સિંહાસન પર કોણ બેઠું છે એ જુઓ અને એ પછી તમારા ભીતરને તમારું પોતાનું કરવા માટે એના પરની સઘળી ખલેલ, અજંપો, શત્રુતાને દૂર કરો.
કુમારપાળ દેસાઈ