તમે વિકલાંગ છો ખરા ? માનવીની પાસે હાથ, પગ, આંખ, કાન, નાક એ સઘળાં અંગો હોય છે, પરંતુ આ અંગોમાં કોઈ અંગ કાર્યક્ષમ ન હોય કે એનો ભાવ હોય, તો આપણે આને વિકલાંગ કહીએ છીએ. કિંતુ વાસ્તવમાં વિકલાંગ એ છે કે જેણે ઈશ્વરે આપેલી સૌથી મોટી ભેટનો સહેજે ઉપયોગ કર્યો નથી. માનવીને મળેલી સૌથી મોટી ભેટ એ એનું ‘ત્રીજું નેત્ર’ છે. કોઈ એને આજ્ઞાચક્રનો ઉઘાડ કહે છે, કોઈ એને ધ્યાનની સર્વોચ્ચ અવસ્થા કહે છે, કોઈ એને અદૃશ્ય આંખ કે અંતિમ જ્ઞાન કહે છે. કોઈ વળી એને મન-બુદ્ધિને પાર એવી ‘પ્રજ્ઞા’ તરીકે ઓળખાવે છે.
સામાન્ય રીતે માનવી પોતાનાં બે નેત્રોથી આ દુનિયાનું દર્શન કરતો રહે છે. એનાં આ બે નેત્ર એને બહારની દુનિયામાં રાખે છે અને પરિણામે એને પોતાના ‘સ્વ-રૂપ’નો કે પછી પોતાના ભીતરી વ્યક્તિત્વનો અણસાર પણ અનુભવતો નથી. હકીકતમાં આ ત્રીજું નેત્ર માનવીને એવી પ્રસન્નતા આપે છે કે જે પ્રસન્નતા એને કોઈ બાહ્ય ભૌતિક ચીજવસ્તુ કે પદાર્થ અથવા તો પંચેન્દ્રિયોથી પ્રાપ્ત થતા આનંદમાંથી મળતા નથી. આનું કારણ એ છે કે એનું આખુંય જગત પોતાની આસપાસની દુનિયામાં જ ઘૂમતું હોય છે. હકીકતમાં આ ત્રીજું નેત્ર ખૂલે એટલે પહેલાં તો એની બાહ્ય દૃષ્ટિમાં પરિવર્તન આવે છે. જગત જોવાની એની નજર બદલાઈ જાય છે અને ધીરે ધીરે બાહ્યસુખોને બદલે આંતરિક પ્રકાશના આનંદમાં એ લીન બની જાય છે. ધ્યાન દ્વારા એ પોતાના ભીતરમાં પ્રવેશે છે અને ભૌતિકતાના સઘળા અંધકારને ઓગાળી નાખે છે.
કુમારપાળ દેસાઈ