પરિવારમાં પ્રેરણા છુપાયેલી હોય છે ! આજે સંયુક્ત કુટુંબો વિખરાઈને વિભક્ત કુટુંબમાં પરિવર્તિત થયાં છે અને વ્યક્તિનો પરિવાર વધુ ને વધુ નાનો થઈ રહ્યો છે, ત્યારે પરિવારની ભાવનાના અભાવના પરિણામો પણ જોવા મળે છે. પેન્સિલવેનિયાની કાર્નેગી રિસર્ચ મેલન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ કહ્યું છે કે જે લોકો પરિવારના મજબૂત પ્રેમથી બંધાયેલા હોય છે, તેઓ બીમારીઓથી દૂર રહે છે અને સવિશેષ સ્વસ્થ રહે છે. આનું કારણ એ કે પરિવાર વ્યક્તિના હૃદયને સાંત્વના, આસાએશ કે સધિયારો આપે છે. જીવનના સુખદુઃખની ક્ષણોને પરિવારજનો વહેંચીને ખાતા હોય છે. એમાં પણ અકસ્માત, આઘાત, મૃત્યુ જેવા અણધાર્યા પ્રસંગોએ પરિવાર વ્યક્તિને ભાંગતો અટકાવે છે. વળી, એને ટેન્શન સામે લડવાની શક્તિ આપે છે.
પરિવારના સભ્યો સાથે રહીને, પરસ્પર વાત કરીને કે પછી સલાહ લઈને ટેન્શન ઓછું કરી શકે છે એટલું જ નથી, બલ્કે એ ટેન્શનમાંથી બહાર નીકળવાનો ઉપાય પણ મેળવે છે. પારિવારિક કલહ કે કંકાસોની ગમે તેટલી વાત થાય, તોપણ પરિવારે લાગણી અને સંસ્કારોનું ઘણું મોટું જતન કર્યું હોય છે. પરિવારમાં વ્યક્તિ કદાચ ભરતી-ઓટનો અનુભવ કરે, પરંતુ એની જીવનસફરમાં પરિવારનું ઘણું મોટું પ્રદાન હોય છે. પરિવારો ભાંગશે તો શું થશે ?’ એવી ચિંતા સમાજ પ્રગટ કરતો રહ્યો અને ભૌતિકતા, સંકુચિતતા કે સ્વપ્રગતિના મોહમાં પરિવાર ભાંગતો ગયો છે, ત્યારે પરિવારવિહોણા સમાજના દર્દની કોઈ દવા આજે તો દેખાતી નથી.
કુમારપાળ દેસાઈ