બીજાના પ્રાણ બચાવવા માટે હું મારો પ્રાણ આપવા તૈયાર છું …

ઘોર હિંસા, કારમી ગરીબી, જીવલેણ બીમારી અને નિરંકુશ અનાચાર વચ્ચે વહી એક અપ્રતિમ કરુણાની ધારા 

તારાઓ એ આકાશની કવિતા છે, તો તાઈ મા એ ધરતી પરની કરુણા છે. 

પૂજ્ય શ્રી તાઈ માને નામે જાણીતાં આચાર્યશ્રી ચંદનાજીએ જગતને અહિંસા, સેવા અને કરુણાનો વિરલ પથ બતાવીને ૨૨મી એપ્રિલે સમાધિ લીધી, પરંતુ એમના કાર્યને એ આજની, આવતીકાલની અને સદાકાળની માનવતા યાદ કરશે. 

કહે છે કે સત્યને આ ધરતી પર જન્મવાનું મન થયું અને તે મહાત્મા ગાંધી રૂપે આપણને પ્રાપ્ત થયું, સર્વોદયને આ દેશમાં પ્રગટવાનું મન થયું અને તે વિનોબા ભાવે રૂપે મળ્યું, યોગને વિસ્તરવાનું મન થયું અને તે યોગી શ્રી અરવિંદ રૂપે સાંપડયું, સૌંદર્યને આ દેશમાં ખીલવાનું મન થયું અને તે રવીન્દ્રનાથ ટાગોર રૂપે મળ્યું, એ રીતે આપણે એમ કહી શકીએ કે કરુણાને આ ધરતી પર જન્મવાનું મન થયું અને તે આપણને પૂજ્ય શ્રી તાઈ મા રૂપે પ્રાપ્ત થઈ. 

એક સમયે બિહારની જે ભૂમિ પર ભગવાન મહાવીરના જીવન અને કાર્યથી અહિંસાનો ભવ્ય જયઘોષ ગૂંજતો હતો, ત્યાં એમણે ચોતરફ હિંસાનો દાવાનળ સળગી રહ્યો હતો. 

એક સમયે આ રાજગૃહી નગરીમાંથી ભગવાન મહાવીરની વિશ્વશાંતિ અને માનવ-કલ્યાણની પાવનવાણી જન-જનનાં હૃદયમાં શુદ્ધતા અને સાત્વિકતા જગાડતી હતી, એ જ ધરતી પર અડાબીડ જંગલોની વચ્ચે પ્રાણીઓનો ક્રૂર રીતે શિકાર થતો હતો. 

એક સમયે રાજગૃહી નગરીની વૈભારિગરીની તળેટીમાં રચાયેલા સમવસરણમાંથી ભગવાન મહાવીરની માલકૌંસ રાગમાં સર્વ કલ્યાણકારી દેશના (ઉપદેશ) વહેતી હતી, તે સ્થળે હિંસા, અનાચાર, ગરીબી અને બીમારી વર્ષોથી ધામો નાખીને બેઠાં હતાં. કલ્પના પણ કરવી મુશ્કેલ હતી કે આ રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરે ૧૪ વખત ચાતુર્માસ કર્યાં હતા, પરંતુ કાળના વારાફેરા અને ઇતિહાસના પરિવર્તનોને કારણે આ ભૂમિ ભેંકાર બની ચૂકી હતી. 

અહીં વસતા લોકો પાસે કારમી ગરીબીને કારણે દર્દીનાં ઈલાજ કરાવવાની કોઈ ૨કમ નહોતી અને આસપાસ એવી કોઈ વ્યવસ્થા નહીં. એમાં વળી નક્સલવાદીઓનાં હુમલા થતા રહે અને ગરીબ પ્રજાની પીડામાં ઉમેરો થતો રહે. જેણે જગતને મુક્તિનો માર્ગ બતાવ્યો એવા મહાવીરની જન્મભૂમિ પર માનવયાતનાની કોઈ સીમા નહોતી. આવે સમયે પોતાના ગુરુદેવ ક્રાંતદ્રષ્ટા ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજે આહવાન કર્યું કે, ‘ભગવાન મહાવી૨ની ૨૫૦૦મી નિર્વાણ-શતાબ્દીના પ્રસંગે જો રાજગૃહીમાં એક આનંદદીપ પ્રજ્વલિત થાય, તો તે સમસ્ત માનવજાતિના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરતો રહેશે. પ્રભુ મહાવીરનો કલ્યાણકારી મંગલ સંદેશ સમગ્ર વિશ્વમાં વ્યાપી વળવો જોઈએ.’ 

ગુરુની આ ભાવનાને સાકાર કરવા માટે દાર્શનિક અને નિર્ભિક શિષ્યા મહાસતી શ્રી ચંદનાશ્રીજીએ વંદનપૂર્વક ગુરુદેવ પાસે આજ્ઞાા માંગી અને કહ્યું, ‘આપની એ ભાવના અને યોજનાને સાકાર કરવા માટે હું જીવન-સમર્પણ કરવા પણ તૈયાર છું.’ ગુરુદેવ ઉપાધ્યાય મુનિશ્રી અમરમુનિને તેમના પર પૂર્ણ વિશ્વાસ હોવાથી કહ્યું કે, ‘તેઓને માટે સઘળું શક્ય છે, કશું અશક્ય નથી.’ અને પછી રાજગૃહીના વૈભારગિરીની તળેટીમાં વીરાયતન નામની સંસ્થાનો પ્રારંભ થયો. વીર એટલે મહાવીર અને આયાતન એટલે પવિત્ર સ્થળ અને જાણે ૨૫૦૦ વર્ષ પૂર્વેની આ ભૂમિની પવિત્રતા ધીરે ધીરે પ્રગટવા લાગી. 

આ ઘટના પૂર્વે ૩૫ વર્ષથી પૂ. મહાસતી ચંદનાશ્રીજીએ અધ્યયન અને ધર્મોપદેશ આપ્યો હતો. દર્શનશાસ્ત્રના ગહન ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો, પરંતુ એક બાજુ ધર્મની ઉન્નત વાણી વહેતી હોય અને બીજી બાજુ આસપાસનો સમાજ હિંસા અને દુરાચારમાં ગ્રસ્ત હોય તે કેવું? ક્યાંક ચિકિત્સાના અભાવે અંધાપો આવતો હોય તો ક્યાંક સારવાર ન મળતા જીવનભર પોલિયોને કારણે વ્યક્તિઓ પીડાતી હોય. મનમાં સતત એમ થતું કે ભગવાન મહાવીરનું સંપૂર્ણ જીવન અને દર્શન કરુણાથી પરિપૂર્ણ છે. બસ, તો પ્રભુ મહાવી૨ની આ ભૂમિ પર મારે માનવોન્નતિ કરતું કરુણાનું પવિત્ર ઝરણું વહેવડાવું છે. 

આદિવાસી વિસ્તારમાં આવેલા આ વીરાયતનના સર્જનને માટે પારાવાર સંઘર્ષો ખેલવાં પડયાં. પ્રાણીના શિકારને સામાન્ય બાબત માનતા લોકોની વચ્ચે એમણે પ્રાણીપ્રેમનાં પાઠો શીખવ્યાં, પરંતુ આ કોઈ સરળ કામ નહોતું. આને માટે એમને શિકારીઓનો સામનો કરવો પડયો. ક્યારેક પ્રાણીઓને લઈ જતી ટ્રકોની સામે ઊભા રહેવું પડયું. એક શિકારીએ તો કહ્યું, ‘તમે શા માટે તમારા જાનને જોખમમાં નાખો છો’, ત્યારે સાધ્વીશ્રીએ કહ્યું, ‘બીજાનો પ્રાણ બચાવવા માટે મારો પ્રાણ આપવા તૈયાર છું.’ આવી તો કેટલીય ઘટનાઓ બની, પણ ધીરે ધીરે મહાસતીશ્રી ચંદનાશ્રીજીના સેવાકાર્યોની સુવાસનો સ્પર્શ થતો ગયો.

આચાર્યશ્રી ચંદનાજીએ ‘આચાર્ય રત્ન’ અને ‘શાસ્ત્રી’ જેવી ઉપાધિ પ્રાપ્ત કરી હતી, પરંતુ જેમ જેમ જૈન અને વૈદિક શાસ્ત્રોનો અભ્યાસ કરતાં ગયાં, અર્વાચીન ફિલોસોફરોના વિચારોનું અધ્યયન કરતાં ગયાં તેમ તેમ નવી દ્રષ્ટિ, નવો માર્ગ અને નવી પ્રેરણાનો અનુભવ થયો. આ વિચારના પ્રચારનો પ્રારંભ એમણે કોલકાતામાં ‘વીરાયતન બાલિકા સંઘ’થી કર્યો. 

નારીશક્તિના દ્રઢ વિશ્વાસનું આ સૂચક હતું. એ પછી ધીરે ધીરે વીરાયતનના જનસમૂહ સાથે પોતાની ભાવનાનો તાર સાંધતાં ગયાં. એમણે જોયું કે આ પ્રદેશમાં સૌથી વધુ લોકો નેત્રરોગથી પીડિત છે. આંખોના સા૨વા૨ના અભાવે એમને અંધાપો આવે છે. આવે સમયે આધ્યાત્મિક અજવાળાનો ઉપદેશ આપવાને બદલે એમણે ગરીબ અને નિ:સહાય લોકોની આંખોનાં અજવાળાંનો વિચાર કર્યો અને ૧૯૭૪ની શરદપૂર્ણિમાએ ૨૫૦ જેટલા આંખોની બિમારી ધરાવનારાઓની નિ:શુલ્ક ચિકિત્સા કરી અને મોતિયાના ઓપરેશન કર્યાં. 

એક સમયે એમનો વિરોધ કરનારી આદિવાસી પ્રજામાં ધીરે ધીરે પૂ. તાઈ માની સેવાભાવનાના સ્પર્શે સદ્ભાવના જગાડી. પોતાના ગુરુ અને જીવનદર્શન આપનાર ઉપાધ્યાયશ્રી અમરમુનિજીના ૮૦મા જન્મદિવસે ‘શ્રી બ્રાહ્મી કલામંદિર’ નામના જૈન ધર્મના બોધક પ્રસંગોનું મ્યુઝિયમ ઊભું કર્યું. 

અતિ આવશ્યક એવા નેત્રચિકિત્સાના કાર્યને સ્થાયી રૂપ આપવા માટે ‘નેત્રજ્યોતિ સેવા મંદિર’ની સ્થાપના કરી અને ધીરે ધીરે આસપાસના લોકોની શ્રદ્ધા જાગતા તેઓ એમના પૂજ્ય ગુરુમાતા શ્રી સુમતિ કુંવરજી મહારાજનાં વ્યાખ્યાનોમાં આવવા લાગ્યા અને એને પરિણામે હજારો લોકોએ શરાબ, શિકાર અને માંસાહારનો ત્યાગ કર્યો. ૧૯૮૭ની ૨૬મી જાન્યુઆરીએ એક વિશિષ્ટ ઘટના એ બની કે ઉપાધ્યાય મુનિશ્રી અમરમુનિજીએ સાધ્વીજી ચંદનાજીને આચાર્યપદથી અલંકૃત કરી. અગાઉ માત્ર સાધુઓ સુધી જે પદ સીમિત હતું, તે પદ એક સાધ્વીને આપીને નારીશક્તિનું મહિમાગાન થયું. એ પછી તો આચાર્યશ્રી ચંદનાશ્રીજીએ વિદેશની ધરતી પર જઈને ભારતીયોને આહવાન કર્યું, 

‘તમારી માતૃભૂમિની સંસ્કૃતિ અને સંસ્કારોને ઉત્તમ વ્યવહાર દ્વારા વિદેશમાં સર્વત્ર ફેલાવો અને અહીંની ટેકનોલોજી અને સંપન્નતાથી તમારા દેશની સેવા કરો.’ ધીરે ધીરે અનેક દેશોમાં વિદ્યાપીઠની સ્થાપના થઈ અને તેના દ્વારા સંસ્કૃતિ અને સ્વાધ્યાયનાં કાર્યો શરૂ કર્યાં. એમના કાર્યનો મુખ્ય મંત્ર છે : શિક્ષા, સેવા અને સાધના. શિક્ષાથી બૌદ્ધિક તાકાત આવે અને એમાં પણ એમણે મૂલ્યલક્ષી શિક્ષણ ઉમેરીને શિક્ષણનાં નવાં આયામો સર્જ્યું. સેવાથી ૫૨માર્થવૃત્તિ જાગે અને સાધનાથી ભીતરનું આત્મબળ કેળવાય. આ ત્રણ સિદ્ધાંતોને લઈને વીરાયતનનું બીજ ધીરે ધીરે વૃક્ષ અને પછી વટવૃક્ષ બની ગયું. આજે નેપાળ, અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, થાઈલેન્ડ, કોરિયા જેવા વીસ દેશોમાં વીરાયતનનાં સાધ્વી સંઘ દ્વારા રચનાત્મક કાર્યો ચાલે છે. એમના આ કાર્યોમાં શ્રી નવલખજી ફિરોદિયા અને ‘અભય પ્રભાવના’ નામે પુણેમાં અદ્વિતીય મ્યુઝિયમ સર્જનાર અભય ફિરોદિયાનો સાથ મળ્યો. 

ધર્મને માત્ર ઉપદેશ ગ્રંથોમાં કે વાણીમાં સીમિત ક૨વાને બદલે જ્યારે જ્યારે માનવજીવન પર પ્રાકૃતિક મુશ્કેલીઓ આવી, ત્યારે એણે માનવતાનો સાદ સાંભળીને દ્રષ્ટાંતરૂપ રાહતકાર્યો કર્યા છે. એમાં પણ કચ્છમાં કરેલું સેવાકાર્ય એ તો સર્વથા વિશિષ્ટ ગણાય. ૨૦૦૧ના ભીષણ ધરતીકંપ સમયે આ સંસ્થાએ કચ્છમાં રાહતકાર્ય કર્યું, પણ માત્ર ભોજન કે આવાસ આપીને પોતાના કાર્યની ઇતિશ્રી માની નહીં. એણે કચ્છમાં એક વિશાળ શિક્ષણ સંકુલનું સર્જન કર્યુ, જે શિક્ષણ સંકુલે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ સેવાકાર્યો પણ કર્યાં. કચ્છના જખનિયા અને રુદ્રાણી ગામમાં પહેલીવાર શિક્ષણનો પ્રકાશ વેર્યો, તો દૂરના ગામડાંઓમાંથી આવતા વિદ્યાર્થીઓને માટે હોસ્ટેલનું આયોજન કર્યું. જુદાં જુદાં ૩૬ જેટલાં વ્યવસાયી કોર્સ દ્વારા કચ્છના ૧૨,૦૦૦ જેટલાં લોકોને સ્વ-નિર્ભર બનાવ્યાં. ધરતીકંપ વેળાએ તો દસ હજારથી વધુ બાળકોને સમાવતી સ્કૂલો ઊભી કરી હતી, પરંતુ ધરતીકંપ પછી એનું કાર્ય વધુને વધુ વિસ્તૃત બનતું ગયું અને આજે કચ્છમાં ફાર્મસી, એન્જિનીયરીંગ, કમ્પ્યુટર એપ્લિકેશન વગેરે અભ્યાસક્રમો શીખવતી કોલેજો સર્જાઈ છે. 

આમ રાજગૃહી નગરીના વીરાયતનને પૂજ્ય તાઈ માએ વિશાળ આકાશ આપ્યું છે. દેશ અને વિદેશમાં કેટલાય વીરાયતન અર્થાત્ ભગવાન મહાવીરની ભાવના અને ઉપદેશને વ્યાપક સંદર્ભમાં વ્યક્ત કરતાં પવિત્ર સ્થળો ઊભાં કર્યાં. મહાવીરના સિદ્ધાંતો સહુ કોઈને માટે, તો પછી આ વીરાયતન સર્વ જનને માટે હોય તે સ્વાભાવિક છે. આજે પૂજ્ય શ્રી તાઈ માની સર્વજનની સર્વાંગી ઉન્નતિનો અહાલેક જગતને પ્રેરણા આપી રહ્યું છે અને એવા જીવનકાર્યને મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય એવા નરસિંહ મહેતાના ભજનની પંક્તિઓથી અંજલિ આપીએ-

‘વૈષ્ણવજન તો તેને રે કહીએ, 

જે પીડ પરાઈ જાણે રે 

પર દુ:ખે ઉપકાર કરે, 

તોય મન અભિમાન ન આણે રે.’

કુમારપાળ દેસાઈ

તા. 30-4-2026; ઈંટ અને ઈમારત

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑