તમારા અંત:કરણની ફરિયાદ તમે કદી સાંભળી છે ?

આટલા બધા પ્રાચીન ધર્મગ્રંથો, આટલા બધા જ્ઞાનીઓએ રચેલા ગહન ધર્મશાસ્ત્રો અને ધર્મને લગતા આટલા બધા ઉપદેશો હોવા છતાં ધર્માચરણ કેમ જોવા મળતું નથી?

ક્રિયાકાંડોની ભરમાર ચાલતી હોય, ધર્મપ્રવૃત્તિના કાર્યક્રમો યોજાતા હોય અને ધર્મપોષક આયોજનો રચાતા હોય, તેમ છતાં ધર્મપ્રાપ્તિની બાબતમાં એનો સરવાળો શૂન્ય કેમ?
એક બાજુ સ્વર્ગ કે પરલોક વિશેની લોભામણી વાતો હોય અને બીજી બાજુ નર્ક વિશેની બિહામણી વાતો હોય, તેમ છતાં માનવી આ ધરતી પરનું જીવન કેમ સારી રીતે જીવતો નથી? માણસની મતિ- બુદ્ધિ કેમ અવળી ચાલે છે? એ સુખને બરાબર સમજે છે, તેમ છતાં એ દુ:ખ તરફ કેમ દોડ લગાવે છે? આનું એક કારણ છે બહિર્મુખતા અને અંતર્મુખતા વચ્ચે માનવીમાં ચાલતું સતત દ્વંદ્વ. એ બધું જાણે છે, છતાં બહિર્મુખતા છોડી શકતો નથી અને અંતર્મુખતા અપનાવી શકતો નથી. એની પાસે ભવભ્રમણ કરાવતો સંસાર છે અને ભવમુક્તિ કરાવતો મોક્ષ છે. એ વાત મોક્ષપ્રાપ્તિની કરે છે અને એની વૃત્તિ વધુને વધુ બાહ્ય જગત અને ભૌતિકતા પ્રતિ ઢળતી જાય છે. વાત ધર્મની કરે છે અને જીવન અધર્મમય બની જાય છે.

અહીં એક કથાનું સ્મરણ થાય છે : એક વ્યક્તિએ પોતાના પુત્રને કહ્યું, ‘સત્ય એ જ પરમેશ્વર છે, સદા સત્યની પૂજા થવી જોઈએ. જીવનમાં ગમે તેટલાં સંઘર્ષો આવે, તેમ છતાં સત્યના પથ પરથી સહેજે ડગવું જોઈએ નહીં. અપાર સંકટો આવે તેમ હોવા છતાં કદી અસત્ય બોલવું જોઈએ નહીં.’

પોતાના પુત્રને આ શીખામણ આપતો હતો, એ વખતે જ ટેલિફોનની ઘંટડી રણકી. એટલે આ વ્યક્તિએ પુત્રને કહ્યું, ‘બેટા, જો મહેશભાઈનો ફોન હોય, તો કહી દે જે કે હું ઘરમાં નથી. આજે બહારગામ છું અને ત્રણેક દિવસ પછી આવવાનો છું.’

આ કથા સૂચવે છે કે વ્યક્તિની વાણી અને વર્તન વચ્ચે ઘણી મોટી ખાઈ જોવા મળે છે. ઉપદેશ એક પ્રકારનો હોય અને એનું આચરણ બીજા પ્રકારનું હોય. એની વાત ધર્મ, સેવા અને સમર્પણની હોય છે, પરંતુ એ બધું માત્ર વાતોમાં જ રહી જાય છે! વાસ્તવમાં ધર્મને બદલે અધર્મનું, પુણ્યને બદલે પાપનું અને સેવાને બદલે સ્વાર્થમય જીવન ગાળતો હોય છે. એક અર્થમાં કહીએ તો વ્યક્તિ બે ચહેરા ધારણ કરીને જીવતો હોય છે. અમુક લોકોને બતાવવા માટે એક ચહેરો રાખે છે અને બીજાને માટે બીજો ચહેરો. આને પરિણામે એ મુખેથી ભક્તિની વાત કરે છે, પરંતુ એના જીવનને ઇંદ્રિયોના ભોગોપભોગ ઘેરી વળે છે. આ ઇન્દ્રિયોની લીલા પણ અજબ છે. એ વ્યક્તિના સમગ્ર જીવનને પોતાના વ્યાપમાં લઈને એના પર પ્રભુત્વ મેળવે છે. આ સંદર્ભમાં સંત કબીરે માર્મિક રીતે કહ્યું:

કબીર ખેત કિસાન કા,

મિરગન ખાયા ઝારિ

ખેત બિચારા ક્યા કરે,

ધની કરે નહીં બારિ

એટલે કે જીવરૂપી ખેડૂતના સત્સંગ-ભક્તિ રૂપી ખેતરને ઇન્દ્રિય- મન તથા કામ-ક્રોધ વગેરે રૂપી પશુઓએ એકદમ ખાઈ લીધું. એમાં ખેતરનો બિચારાનો શું દોષ? જો જીવરૂપી સ્વામી એની રક્ષા નથી કરતા.

ઇન્દ્રિયો આપણને બાહ્યાનુભવ કરાવે છે અને ભીતર ખાલી રાખે છે. વ્યક્તિનું જીવનખેતર ઇંદ્રિય રૂપી પશુઓ સાવ ઉજ્જડ કરી નાખે છે. આ ઇન્દ્રિયો બાહ્યાનુભવ કરાવે છે અને એને પરિણામે વ્યક્તિનું ભીતર ખાલી રહે છે. એ વ્યક્તિને બહાર દોડાવે છે. આલિશાન મકાનો, વૈભવશાળી હોટલો, અતિ સુંદર અભિનેત્રીઓ અને અત્યંત કિંમતી અલંકારો અને વસ્ત્રોને એ જુએ છે અને પછી એનું મન એમાં જ ફેરફુદડી ફર્યા કરે છે. ઇન્દ્રિયોની દોડ એટલે જ ફે૨કુંદડી. જરા એમાં ઊભા રહો અને વચ્ચે સ્થિર થાઓ ત્યારે ખબર પડે કે આજુબાજુનું જગત જે ઘૂમતું લાગતું હતું, તે તો તદ્દન સ્થિર છે.
આમાં સ્થિરતા બે પ્રકારની છે, ફેરફુદરડી ફરતી વ્યક્તિ ઊભી રહેશે એટલે પહેલાં તો એની આંખે અંધારા આવશે, આંખો ચોળીને સ્વસ્થ થવા પ્રયત્ન કરશે અને પછી ખ્યાલ આવશે કે એની સામે તો કશુંય ફરતું નથી. બધું જ સ્થિર છે. આનો બીજો અર્થ એ છે કે વ્યક્તિ ઇન્દ્રિયોની ફેરફુદરડીમાંથી સ્થિર થાય, તો એને એના આંતરચેતનનો અનુભવ થાય છે. ઇન્દ્રિયો તો સતત માગણની પેઠે વ્યક્તિ પાસે યાચના કરે જ જશે. એને તો બહાર ઘૂમવા જોઈએ છીએ, ચોપાસ રમવા જોઈએ છીએ. એને ધનવૈભવ જોઈએ છે. આત્મશ્લાઘામાં જીવવાનું અને પારકી નિંદામાં મજા માણવાનું એને ગમે છે. એનાં વૃત્તિઓના કોલાહલમાં સંગીત સંભળાય છે અને વાસનાની તૃપ્તિ માટેની દોડમાં પરમ સાર્થક્ય માને છે.

વ્યક્તિ ક્યારે એની બહિર્મુખતા છોડી શકે? કઈ રીતે એના જીવનમાંથી ઇન્દ્રિયોનો આ ઉધમાત શાંત પડે? આને માટે જરૂર છે સંકલ્પની. વ્યક્તિના મનમાં પ્રબળ ઇચ્છા કે સંકલ્પ જાગે તો જ એ આંતરચેતના તરફ વળી શકે છે, આંતરચેતનાને પામવાની વાત તો ઘણી દૂરની રહી, કિંતુ આંતરચેતનાના અસ્તિત્વની જાણકારી માટે પણ એણે પ્રબળ ઇચ્છા કરવી પડશે. બાહ્ય આનંદને બદલે ભીતરી આનંદની અંત:કરણમાં ખોજ કરવી પડશે. આ પવિત્ર અંત:કરણ એ જ સાધક અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે. એકવાર સાધક એ સેતુ પાર કરીને પરમાત્માનો સ્પર્શ કરે, તો પછી એનું પવિત્ર અંત:કરણ એને આત્માનું દર્શન, સ્વ-ભાવનો અનુભવ અને બ્રહ્મની અનુભૂતિ કરાવે છે.
પાડુઆ એન્થનીએ તો કહ્યું છે કે ‘એ વ્યક્તિ આંધળો છે કે જે પોતાના અંત:કરણને નથી જોતો અને એ વ્યક્તિ લંગડો છે, જે સત્યના માર્ગે ચાલતો નથી.’

આ અંત:કરણ પણ ઓળખવા જેવી ચીજ છે! વ્યક્તિના જીવનમાં અંત:કરણ જેવો એનો બીજો કોઈ સાક્ષી હોતો નથી. એ જ અંત:કરણ વ્યક્તિને એના પાપનું સ્મરણ કરાવે છે અને પ્રાયશ્ચિત્ત તરફ દોરે છે. એ જ અંત:કરણ વ્યક્તિએ જો કોઈ દુષ્કૃત્ય કર્યું હોય તો એને સુખેથી જીવવા દેતું નથી. ઘણીવાર વ્યક્તિનું પોતાનું જ અંત:કરણ એની સામે ફરિયાદી કે આરોપી બનીને ઊભું રહે છે. અંત:કરણને ઓળખવાની ઇચ્છા જાગે એટલે બાહ્યજગતનો માર્ગ ભુલાઈ જશે અને આંતરજગતના રસ્તે વ્યક્તિ ચાલવા લાગશે. એ પોતાના આંતરજીવનનો વિચાર કરશે. આથી જ જ્યાં સુધી ભીતરનો પોકાર જાગતો નથી, ત્યાં સુધી વ્યક્તિ પોતાના અંત:કરણને ઓળખી શકતી નથી. એકવાર ભીતરનો અવાજ જાગે છે એટલે બહારની દુનિયામાં ધરતીકંપ સર્જાઈ જશે, ઉલ્કાપાત થશે.
કલ્પના કરીએ કે જ્યારે રાજમહેલ છોડીને મીરાં સંતોની સાથે ગાતી-નાચતી નીકળી હશે, ત્યારે કઈ સ્થિતિ સર્જાઈ હશે? એ જ તીવ્ર આરતને પરિણામે અખાએ ઘરબાર છોડયા અને એને જ કારણે મહાયોગી આનંદઘને નગરને બદલે વનમાં મસ્તીથી જીવન ગાળવાનું મુનાસિબ માન્યું.

આ ભીતરનો પોકાર વ્યક્તિને અંત:કરણની ઓળખ આપવાની સાથોસાથ બહારના જગતનો જુદો માર્ગ ચાતરી આપશે. એ બાહ્યજગતમાં થતો વૃત્તિઓનો કોલાહલ જોશે, પરંતુ એ કોલાહલ જાણે બહેરા કાને અથડાતો હોય એ રીતે એના પ્રત્યે ઉદાસીન રહેશે. બાહ્ય આકર્ષણોમાં કોઈ આકર્ષણ નહીં લાગે અને પછી જેમ ફેરફુદરડી બંધ થઈ જાય અને બધું સ્થિર થઈ જાય, એમ એ વ્યક્તિ ભીતરમાં સ્થિર થશે. બહાર ઘટનાઓ તો અગાઉની માફક બનતી જ રહેશે, પરંતુ ભીતરમાં સ્થિર થયા પછી એ ઘટનાઓના આઘાત-પ્રત્યાઘાત અનુભવવાને બદલે એને માત્ર સાક્ષીભાવે જોયા કરશે. પહેલાં જે ઘટનાની ચોટ સીધેસીધી ચિત્ત પર થતી હતી, હવે ચિત્ત એ ઘટનાની ચોટ અનુભવવાને બદલે એનાથી દૂર રહીને એને જોવા માંડે છે.

આમ વ્યક્તિના મનમાં ઇચ્છા જાગશે, તો જ એ ભીતરને જોઈ શકશે. એવું નહીં બને તો એના જીવનમાં માત્ર બહારની દુનિયા દેખાડતી બારી ખુલ્લી રહેશે અને એ બારીમાંથી એ જગતનાં આકર્ષણો, પ્રપંચો, ઉદ્વેગો વગેરે જોતો રહેશે અને પોતાને સ્પર્શે તેવું હોય ત્યાં એ સઘળાને અનુભવતો રહેશે.

કુમારપાળ દેસાઈ

5-7-2026 જાણ્યું છતાં અજાણ્યું

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑