દુનિયાભરમાં GOAT એટલે કે ‘ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ’ ગણાતા ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ ૩૧મી ઓગસ્ટ, સોમવારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી અને પોતાના વ્હાલા દેશ આર્જેન્ટિનાની વાદળી-સફેદ જર્સીને અલવિદા કહી. આમ તો એમણે ગઈ ૨૧મી જુલાઈએ નિવૃત્તિની નોંધ લખી હતી, પરંતુ એ પછી પિતાનું અવસાન થતા આર્જેન્ટિના તરફથી ૨૦૭ મેચોમાં ૧૨૫ ગોલ કરનાર લિયોનેલ મેસ્સીએ પોતાની પ્રિય ૨મતમાંથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિદાય લીધી, પણ મેસ્સીના નિવૃત્તિના નિર્ણયને વધારે બળ મળ્યું, એના પિતા જોર્જે હોરાસિયો મેસ્સીના અવસાનને કારણે.
કારણ એટલું જ કે આ પિતાએ પુત્રની ક્ષમતાને આંત૨૨ાષ્ટ્રીય સ્તરે પ્રભાવક બનવા માટે સ્વજીવનનો અને સમગ્ર કારકિર્દીનો ભોગ આપ્યો હતો. ૧૯૫૮માં આર્જેન્ટિનાના રોસારિયોમાં જન્મેલા લિયોનેલ મેસ્સીના પિતા જોર્જે કેમિકલ ટેકિનશિયન હતા, સ્ટીલ કંપનીમાં કામ કરતા હતા, યુવાવસ્થામાં ફૂટબોલમાં મિડ ફિલ્ડર તરીકે ખેલતા હતા અને ચાર પુત્રોનાં પિતા એવા એમણે પોતાના ત્રીજા પુત્ર લિયોનેલની પ્રતિભા પારખી લીધી અને જીવનનાં અંતિમ શ્વાસ સુધી પુત્રની પ્રતિભાને વિશ્વભરમાં વધુને વધુ પ્રગટાવવા માટે પુરુષાર્થ કર્યો.
એ પુરુષાર્થનો પ્રારંભ થયો લિયોનેલ માત્ર ચાર વર્ષના હતા ત્યારે. ફૂટબોલમાં પ્રમાણમાં ઊંચા ખેલાડીઓ હોય. લિયોનેલનું કદ નીચું હતું, પરંતુ એમના પિતાને માટે કદની મર્યાદા મહત્ત્વની નહોતી, પણ ખેલની ખૂબીઓ અગત્યની હતી. આ ઉંમરે જ એમણે જોયું કે લિયોનેલ બોલ પર અદ્ભુત પકડ જમાવે છે અને એથીયે વધારે એને અત્યંત સહજતાથી નિયંત્રિત કરી શકે છે. બસ, ચાર વર્ષે નિરખેલી આ પ્રતિભાને વિશ્વભરમાં પ્રગટાવવા માટે પિતાએ સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું.
અગિયાર વર્ષની ઉંમરે લિયોનેલ મેસ્સીને ગ્રોથ હોર્મોન ડેફિસિયન્સી હોવાનું નિદાન થયું. જોર્જને માટે એક મોટી સમસ્યા હતી, કારણ એ કે આને માટે નિયમિત સારવાર લેવી પડતી હતી અને એ સારવાર ઘણી ખર્ચાળ પણ હતી. લાંબા સમય સુધી પરિવા૨ આ સંભાળી શકશે એમ લાગ્યું નહીં. જોર્જે આર્જેન્ટિનાની વિવિધ ફૂટબોલ ક્લબો પાસે મદદની શક્યતાઓ શોધી, પરંતુ લાંબી સારવાર માટે મોટો ખર્ચ ઉપાડી શકે એવી કોઈ વ્યવસ્થા થઈ શકી નહીં.
જોર્જે સામે એક પ્રશ્ન ઊભો થયો, ‘આવો પ્રતિભાવાન પુત્ર આરોગ્યને કારણે મૂરઝાઈ જાય તે કેમ ચાલે ?’ એણે તપાસ કરી તો એની નજ૨ બારસેલોના સ્કાઉટ્સ પર ગઈ. સવાલ એ હતો કે તેર વર્ષના લિયોનેલને સ્પેનના બાર્સેલોનામાં મોકલવો ? એ સમયે બાર્સેલોનાની ફૂટબોલ ક્લબે આ સામાન્ય સ્થિતિ ધરાવતા છોકરાની સારવાર અંગે લાંબી વિચારણાને અંતે તૈયારી બતાવી હતી. એણે સારવારનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો અને એ દિવસથી બાર્સેલોના સાથે મેસ્સીનો ગાઢ સંબંધ બંધાયો. બાર્સેલોનાનાં તત્કાલીન ડિરેક્ટરે મેસ્સી સાથે ફૂટબોલ રમવા માટેનો કરાર કરવાનું નક્કી કર્યું, પરંતુ એમની પાસે પેપર ન હોવાને કારણે એક સામાન્ય પેપર નેપ્કિન પર મેસ્સીની પ્રથમ સાઈન કરાવી હતી. આ નેપ્કિન આજે ફૂટબોલના ઇતિહાસની સૌથી કીમતી વસ્તુ ગણાય છે.
આર્જેન્ટિના છોડીને સ્પેનમાં વસતા લિયોનેલની એકલતાના સમયમાં એના પિતા સતત સાથે રહ્યા. લિયોનેલને પ્રારંભે એને ધારી સફળતા મળતી નહોતી, ત્યારે એને હિંમત આપી. લિયોનેલ મેસ્સીને બાર્સેલોનાની લા મેસીઆ ક્લબમાં પ્રવેશ મળ્યો અને એનું જીવન પલટાઈ ગયું. સ્પેનમાં પુત્રની સાથે રહેતા હોવાથી જોર્જે પણ આર્જેન્ટિનાની એસિદર કંપનીની નોકરી છોડી દીધી અને ધીરે ધીરે લિયોનેલ મેસ્સીના પ્રતિનિધિ (એજન્ટ) બન્યા અને એની વ્યવસાયિક બાબતો સંભાળવા લાગ્યા.
આનાથી મેસ્સીને સૌથી મોટો લાભ એ થયો કે એના આંતરરાષ્ટ્રીય કરારો, નાણાંકીય બાબતો, વ્યવસાય અંગેનાં નિર્ણયો અને અન્ય વ્યવસાયોની સંભાળ એના પિતા લેતા હતા, જેથી એ પોતાની ૨મત પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો અને સમય જતાં ૨મતવીરોનો સાચો આઈકૉન બની રહ્યો. એની કુદરતી પ્રતિભા, પ્રતિકૂળતાના સમયે એકાગ્રતાથી ખેલવાની ક્ષમતા, અવિરત કાર્યશક્તિ અને ટીમના સાથી ખેલાડીઓને પ્રેરીત કરવાની ક્ષમતા ઝળકી ઊઠી. અસાધારણ ઝડપ, તાકાત અને કૌશલ્યએ એને સર્વકાલીન મહાન ખેલાડીઓમાં સ્થાન અપાવ્યું.
એ ક્યારેક ઈજાગ્રસ્ત થયો, જાહે૨ ટીકાઓ પણ સહેવી પડી, પરંતુ પોતાના પિતાના સાથને કારણે એ મજબૂત રીતે એમાંથી બહાર આવ્યો. બાળપણથી જ મેસ્સીને પોતાના પિતાના સાથ, સહયોગ અને અભિપ્રાયની જરૂર રહી. ફૂટબોલની મેચ પૂરી થાય કે તરત જ મેસ્સી એના પિતાને પૂછતા કે, ‘મારું પ્રદર્શન કેવું રહ્યું ?’ આ રીતે જોર્જે લિયોનેલની રમત વિશેનો પ્રતિભાવ આપનાર કડક સમીક્ષક હતા અને લિયોનેલને સતત પ્રગતિ કરવા માટે એ પ્રેરણા આપતા હતા.
સૌથી મોટી બાબત તો એ હતી કે આર્જેન્ટિનાથી સ્પેનમાં ગયેલા તેર વર્ષના મેસ્સીને એક જુદી જ ભાષા, જુદો જ દેશ અને એથીયે વધારે સાવ જુદા પ્રકારની ફૂટબોલની સ્ટાઈલ સામે ખેલવાનું હતું. વળી એ સમયે એ પરિવારથી દૂર હતો અને તેથી જોર્જે પણ એની સાથે તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો. વચ્ચે એક એવી શક્યતા ઊભી થઈ કે લિયોનેલ મેસ્સી આર્જેન્ટિના પાછા જાય, પરંતુ એ બાર્સેલોનામાં પોતાના પિતાની સાથે જ રહ્યા અને એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરતો રહ્યો.
દુનિયાએ તો બાર્સેલોના અને આર્જેન્ટિના માટે લિયોનેલે ગોલ કર્યો, ત્યારે ઓળખ્યો, પરંતુ એના પિતા જોર્જે તો એને પહેલેથી ઓળખી લીધો હતો. લિયોનેલના જીવનમાં સતત સફળતા અને નિષ્ફળતા આવતી રહી. ૨૦૨૬ની ૨૪મી જૂને એના જન્મદિવસે લિયોનેલને એક અપ્રતિમ સિદ્ધિ મળી. ‘ફૂટબોલ કિંગ’ કહેવાતા આ ખેલાડીએ ‘બ્યુટીફૂલ ગેમ’ તરીકે જાણીતી ફૂટબોલમાં સિદ્ધિઓનાં એવરેસ્ટને આંબી ગયો. ફિફા વિશ્વકપમાં એણે ૧૮ ગોલ નોંધાવીને આ વિશ્વવ્યાપી સ્પર્ધામાં સૌથી વધુ ગોલ સર્જનારનો વિક્રમ સ્થાપ્યો. એ પૂર્વે અલ્જિરિયા સામેની મેચમાં મેસ્સીએ ગોલની હેટ્રિક લગાવી હતી અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને પરાજિત કર્યું. આ રીતે ૨૦૨૧માં આર્જેન્ટિનાને કોપા અમેરિકા સ્પર્ધામાં વિજય અપાવનાર મેસ્સી ૨૦૨૨માં ફિફા વિશ્વકપમાં વિજય અપાવનાર બન્યો.
એ પૂર્વે મેસ્સીએ નિષ્ફળતાઓની વણઝાર સહન કરી હતી. સ્પેનના બાર્સેલોનાની ટીમ તરફથી અનેક ટ્રોફી જીતનાર મેસ્સી આર્જેન્ટિના સાથેની રમતનાં પ્રારંભમાં એક પછી એક પરાજય પામતો રહ્યો હતો. ૨૦૧૪ના વિશ્વકપ ફાઈનલમાં પરાજય મળ્યા બાદ કોપા અમેરિકા ફાઈનલમાં એને ફરી પરાજય મળ્યો અને પછી આ પરાજયોથી પરેશાન મેસ્સીએ એક સમયે આંત૨૨ાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી, પણ એના પિતા જોર્જને હજી લિયોનેલની શક્તિમાં વિશ્વાસ હતો અને એમાં પણ ૨૦૨૨ની વર્લ્ડ કપમાં જે બાળકને તેઓ રોસારિયોથી બાર્સેલોના લઈ ગયા હતા એ લિયોનેલ હવે આર્જેન્ટિના સાથે વિશ્વકપમાં વિજયી થયો.
આ સઘળા સમય લિયોનેલને માટે જોર્જ એક માનસિક આધારરૂપ હતા. એ હકીકત છે કે એની પાસે વિશ્વના શ્રેષ્ઠ કોચ, સાથી ખેલાડીઓ અને ફૂટબોલ નિષ્ણાતોની ફોજ હતી, પરંતુ એને માટે પિતાનો અભિપ્રાય એ એક આગવું મહત્ત્વ ધરાવતો હતો. મંચ પૂર્ણ થયે પિતાની પ્રતિક્રિયા જાણવી એ એની ટેવ બની ગઈ હતી અને એને પરિણામે પિતા સાથે ગાઢ ભાવનાત્મક સંબંધ ધરાવનાર લિયોનેલ ૨૦૨૬ના વિશ્વકપ દરમિયાન પિતાની બીમારીને કારણે અનેક પ્રસંગોએ ભાવુક બની જતા હતા. ૬૮ વર્ષની વયે એના પિતા જોર્જે રોસારિયો શહેરમાંથી વિદાય લીધી અને જીવનભર પિતાને કારણે ફૂટબોલથી જોડાયેલા રહેનારા મેસ્સીએ પણ આર્જેન્ટિનાની ટીમમાંથી વિદાય લીધી, પણ પિતાનું સમર્પણ અને પુત્રની સિદ્ધિ ૨મતના ઇતિહાસમાં અદ્વિતીય બની રહી !
6-9-2025 પારિજાતનો પરિસંવાદ
કુમારપાળ દેસાઈ