વૃત્તિનું બંધન એટલે પોતાની સ્વતંત્રતાનો નાશ કરીને સ્વીકારેલી પરતંત્રતા !

એ સામે ચાલીને જીવન ખુવાર કરતો વ્યસની હોય કે વારંવાર ગુસ્સે થતો ક્રોધી હોય અથવા તો સતત સ્પૃહામાં ચોતરફ દોડતો પ્રલોભનગ્રસ્ત લોભી હોય. એ બધા એક અર્થમાં સમાન છે. એમણે સ્વયં જીવનમાં વ્યસન, ક્રોધ કે લોભનું બંધન સર્જ્યું અને પછી એ એમાં એવા ખૂંપી ગયા કે એમાંથી મુક્ત થવું મુશ્કેલ બની ગયું.

માનવી પ્રથમ પોતાની જાતને બંધનમાં બાંધે છે અને પછી એ બંધન પોતાને મુક્ત કરતું નથી, એવો શોરબકોર કરે છે. એ વૃક્ષના થડને જોશ અને આવેગથી વળગી પડે છે અને પછી મોટેથી બૂમો પાડે છે કે વૃક્ષનું થડ મને છોડતું નથી ! એ પ્રથમ દરિયામાં વગર વિચાર્યે છલાંગ લગાવે છે અને પછી અફસોસ વ્યક્ત કરે છે કે દરિયાના ઊંડા પાણીમાંથી બહાર નીકળવું મારે માટે શક્ય નથી. આથી આદિ શંકરાચાર્યે પ્રશ્ન કર્યો કે વાસ્તવમાં બંધનમાં કોણ છે ? અને એનો ઉત્તર આપતાં એમણે કહ્યું કે ‘વિષયોમાં આસક્ત એ બંધનમાં જકડાયેલા છે!’

સમય જતાં આ બંધન વ્યક્તિને વધુને વધુ બાંધતું જશે. પછી તો એવું બનશે કે કામવાસનાનું સહેજ સરખું નિમિત્ત મળતાં એના દિલમાં વાસનાની પ્રચંડ આગ પ્રજ્વલિત થઈ જશે. લાલચની થોડી તક મળતાં એની લોભવૃત્તિ નાચવા લાગશે. ગુસ્સાનું નાનકડું કારણ મળતાં એનો ભયાવહ ક્રોધાગ્નિ ફાટી નીકળશે. આમ વ્યક્તિમાં રહેલી વૃત્તિ પ્રગટ થવા માંડશે. એવું પણ બને કે એ વ્યક્તિ પોતાને વિશે એવું માનતી હોય કે એનામાં લેશમાત્ર લોભ નથી. આખું જીવન સંતોષથી પરિપૂર્ણ છે. જીવનમાં આવતી અને લોભ જગાડતી નાની-નાની વસ્તુઓનો એ ત્યાગ પણ કરતો રહે છે, પરંતુ એની અગ્નિપરીક્ષા તો મોટી લાલચ કે પ્રબળ પ્રલોભન આવે ત્યારે થાય છે. એ સમયે એના હૃદયના ઊંડાણમાં લોભની વૃત્તિ પડેલી હશે, તો એ તત્કાળ પ્રલોભનને પકડી લેવા પ્રયત્ન કરશે. વ્યક્તિમાં ક્રોધની વૃત્તિ હોવા છતાં એ સામાન્ય સંજોગોમાં કોપાયમાન નહીં થાય, પરંતુ કોઈ એને અપશબ્દો કહે કે નિંદા કરે તો એનો મિજાજ પરનો કાબૂ ગુમાવે છે. આ રીતે વૃત્તિ છે કે નહીં, તેનો સાચો ખ્યાલ એની સામેના પ્રબળ પડકાર સમયે જ મળે.

વૃત્તિ સાથે વર્તનને અવિનાભાવિ સબંધ છે. એક આવે એટલે બીજામાં પરિવર્તન થાય જ. તમારી વૃત્તિમાં કામવિકાર હશે, તો તમારા વિરોધી જાતિ સાથેના વર્તાવમાં પરિવર્તન આવી જશે. એટલે કે કામવિકાર માત્ર મનના વિચારોમાં જ નહીં, બલ્કે શરીરના વર્તનમાં અને આચરણમાં પ્રગટ થાય છે. ગુસ્સો ધરાવનારી વ્યક્તિ અકળાઈ ઊઠે તો એ હાથમાં જે કોઈ ચીજવસ્તુ આવે, તેને જમીન પર પછાડે છે અથવા એનો ઘા કરે છે. આજુબાજુ છોડ કે હરિયાળુ ઘાસ હોય, તો એને તોડી કે ઉખેડી નાખે છે. જોરથી ટેલિફોનનું રીસીવર પછાડે છે. બારણું ધીરેથી બંધ કરવાને બદલે પછાડીને અને ખુલ્લું રાખીને ચાલ્યો જાય છે.

આ રીતે એના વર્તનમાં વૃત્તિનું પ્રતિબિંબ ઝીલાતું હોય છે. આનો અર્થ જ એ કે એના હૃદયમાં વૃત્તિઓનો વાસ હતો જ, માત્ર નિમિત્ત કે કારણ મળતાં એ પ્રગટ થઈ.

જેમ જેમ સમય વીતે, તેમ તેમ વૃત્તિ વ્યક્તિની જીવન શૈલી પર પ્રભુત્વ મેળવે છે. જો એને ધનનો મોહ હશે તો ધનિકો સાથે મૈત્રી બાંધવાના પ્રયાસોમાં કશી કચાશ નહીં રાખે. જો એ કામવિકારથી લુબ્ધ હશે, તો એ એવા જ મિત્રો પસંદ ક૨શે અને એવું જ સાહિત્ય વાંચશે કે જે એની વિકારવૃત્તિને પંપાળ્યા કરે. ચિત્રપટ જોતો હોય ત્યારે પણ એની દ્રષ્ટિને પ્રકૃતિનાં દ્રશ્યો જોવામાં એટલો આનંદ નહીં આવે, જેટલો સ્ત્રીના માંસલ અંગોને જોવામાં આવશે. આ રીતે વૃત્તિ એ વ્યક્તિની જીવનદ્રષ્ટિ અને શૈલી બદલી નાખે છે અને એક સમય એવો આવે છે જ્યારે આ વૃત્તિઓ એ વ્યક્તિ પર એવો પ્રભાવ સર્જે છે કે પછી એ વિવેક, ભલાઈ, પરોપકાર, મૈત્રી, મૂલ્યો કે જીવનના ઉચ્ચ આદર્શોની ઘોર ઉપેક્ષા કરે છે અને વૃત્તિનો દાસાનુદાસ બની જાય છે. કઠપુતળીની માફક વૃત્તિનો દોર એને જેમ નચાવે, તેમ એ નાચે છે.

આ વૃત્તિ ભીતરમાં હોવા છતાં વ્યક્તિ બહારની બાબતને કારણભૂત ગણે છે. પત્ની સાથે બોલાચાલી થતાં પતિ ગુસ્સે થઈને એના પર હાથ ઉગામે, ત્યારે એ પોતાની પત્નીને દોષ આપે છે. હકીકતમાં ખરો ગુનેગાર તો એના હૃદયમાં પડેલો ક્રોધ હોય છે. આનો અર્થ એ થયો કે હૃદયમાં રહેલો ક્રોધ હજી ગયો નથી. એ વૃત્તિ પર કોઈ કાબૂ મેળવાયો નથી. એવું બને છે કે વ્યક્તિ એ વૃત્તિથી થતી હાનીને માટે બીજાને દોષિત માનવા લાગે.

આ સમગ્ર પ્રક્રિયા જોતા ખ્યાલ આવશે કે બહારની કોઈપણ બાબતનું બંધન વ્યક્તિને બાંધી શકતું નથી. એના ભીતરમાં પડેલી વૃત્તિ જ એને અંદર-બહારથી બંધનમાં કેદ કરે છે.

વૃત્તિના બંધનમાં જકડાયેલી વ્યક્તિ પોતાનાં બંધનને યથાર્થ ઠેરવવા કોશિશ કરે છે. જો એક બંધન ન ફાવે, તો એ એના પરથી કૂદકો મારીને બીજું બંધન પકડતો-સ્વીકારતો હોય છે. ભીતરમાં રહેલી વૃત્તિઓને બાહ્ય આધારસ્થાન જોઈએ છીએ. માણસ મુક્ત થવાની ઘણી વાતો કરે છે. વિષય ત્યાગી બનીને સ્થિતપ્રજ્ઞા થવાની ભાવના સેવે છે, પરંતુ હકીકતમાં એ એના બંધનમાં વધારે ને વધારે જકડાતો જાય છે. આમ વ્યક્તિ પોતે જ વૃત્તિનાં બંધનો સર્જે છે અને પછી જીવનભર એમાં જકડાયેલો રહે છે.

આ બંધનમાંથી મુક્તિ કઈ રીતે પામી શકાય ? એણે કયા બંધનો તોડવા જોઈએ, કે જેથી મુક્તિનો માર્ગ સરળ બને ? બંધનમાંથી મુક્તિના માર્ગ પર અનેક કંટકો બિછાવેલા હોય છે. બંધનના માર્ગનું એક પોતીકું આકર્ષણ પણ હોય છે. આવા આકર્ષણને કા૨ણે ઘણીવાર આખી જિંદગી વ્યતીત થાય, તો પણ વ્યક્તિને પોતાના ભીતરના બંધનોની પહેચાન સાંપડતી નથી. આથી તો સંત કબીરે આવી મોહદશાનું વર્ણ કરતાં કહ્યું છે.
એક મોહ કે કારને, ભરત ધરી દુઈ દેહ.

તે નર કૈસે છૂટે હૈં, જિનકે બહુત સનેહ.

”એક હરણના બચ્ચામાં મોહ થઈ જવાથી મોહવશ ભરતજીને બે શરી૨ (બેવાર જન્મ) ધારણ કરવા પડયા તો પછી તે મનુષ્ય ભવ- બંધનમાંથી કેવી રીતે છૂટશે જેમના હૃદયમાં ઘણાઓનો મોહ સમાયેલો છે.”

ભવબંધનમાંથી મુક્ત થવા માટે આ મોહ ત્યજવો જોઈએ, પરંતુ એ નોંધવું જોઈએ કે આ મોહ તે માનવીના મન દ્વારા સર્જાયેલો હોય છે અને એટલે જ મોહમુક્તિ એટલે મનને મોહમાંથી મુક્તિ, આત્માને નહીં, કારણ કે આત્મા એ તો નિત્ય મુક્ત છે, પરંતુ નિત્ય મુક્ત આત્માનો અનુભવ પરમાત્મા પાસે જવાથી પામી શકાય. એ માર્ગે ચાલીને મુક્તિ મેળવી શકાય.
વૃત્તિનો માર્ગ એ સંસારનો માર્ગ છે એમાં વ્યક્તિ સતત પોતાની વૃત્તિને વધા૨વાની કોશિશ કરતો હોય છે. એમાં એ બહેકી જતો હોય છે અને જીવનના પ્રસંગોમાં એ પોતાની નાવ સ્થિર રાખી શકતો નથી. આથી વ્યક્તિએ પ્રથમ વિચાર વૃત્તિના મૂળનો કરવો જોઈએ. પોતાની ભીતરમાં એ વૃત્તિ બેઠી બેઠી એને કેવાં ખેલ ખેલાવે છે એનું ચિંતવન કરવું જોઈએ. એટલે કે કોઈપણ બંધનને ફગાવવા માટે પહેલું કાર્ય એ બંધનના મૂળ સ્વરૂપને ઓળખવાનું થવું જોઈએ. એ પછી કેવા સંજોગો, કારણો, નિમિત્તો કે ઉપાદાનો મળતાં તે પ્રગટ થાય છે, તેની ક્રિયા- પ્રક્રિયાનો વિચાર કરવો જોઈએ અને એ પછી એ બંધનના બાહ્ય કારણોને દૂર કરવાનો સક્રિય પ્રયાસ થવો જોઈએ. એટલે કે બંધનનું કારણ તોડવું જોઈએ.

જો વ્યક્તિ બંધનનું કારણ તોડે નહીં તો એ કસોટીના પ્રસંગે નિષ્ફળ જાય છે. ઋષિ વિશ્વામિત્રના તપનો સ્વર્ગની અપ્સરા મેનકા તપોભંગ કરી શકી હતી. વળી બીજી બાબત એ છે કે બંધનના મૂળ પર ઘા કરીએ નહીં, તો એ વૃત્તિ પ્રત્યે ઉદાસીનતા જાગતી નથી. શુકદેવમાં કામ પ્રત્યે કેવી ઉદાસીનતા હતી. જનકવિદેહીને રાજ્યલોભ સ્પર્શી શક્યો નહોતો કારણ કે એમને પ્રતીતિ હતી કે આમાં મારું કશું નથી. આ રાજ્યની માલિકી પણ મારી નથી. ત્રીસ વર્ષ સુધી જુના ચશ્મા વાપરનારા અને ચશ્માની દાંડી તૂટી જતાં એકબાજુ દોરી બાંધનારા સરદાર વલ્લભભાઈને ધન કે પ્રદર્શનનો મોહ સેહેજે સ્પર્શ્યો નહોતો. જ્યાં સુધી એ વૃત્તિ કે ભાવ પ્રત્યે ઉદાસીનતા જન્મતી નથી, ત્યાં સુધી વૃત્તિનું આક્રમણ થાય તો જોખમ ઊભું થવાની પૂરેપૂરી શક્યતા.

આ વૃત્તિ પણ કૂદાકૂદ કરવાની શોખીન હોય છે. એને સંપત્તિના પ્રદર્શનનો મોહ હોય, તો એ સંન્યાસી બન્યા પછી પણ એના સંસા૨મોહને કારણે મોંઘી લગ્નપત્રિકા જેવી મંદિરોની પ્રતિષ્ઠા-પત્રિકા બનાવે અને લગ્નની માફક જ હાથી, બગી કે બેન્ડવાજાનું પ્રદર્શન યોજે.

આમ જો બંધનનું મૂળ કારણ દૂર થાય નહીં તો એ બંધન જુદા સ્વરૂપે પ્રગટ થતું હોય છે અને એ બંધન જ રહે છે. આથી જેને જીવનમાં બંધન મુક્ત થવું હોય તેણે પહેલાં એ સમજવું જોઈએ કે આ જગતમાં દરેક માનવી સ્વતંત્ર છે. બંધન એ તો મેં સામે ચાલીને મારી સ્વતંત્રતાનો નાશ કરીને સ્વીકારેલી પરતંત્રતા છે.

1 નવેમ્બર, 2026 (જાણ્યું છતાં અજાણ્યું)

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑