ભારતની બહાર સૌપ્રથમ જૈન દેરાસર કેન્યાના મોમ્બાસા શહેરમાં નિર્માણ પામ્યું!

ભારતની બહાર અમેરિકા, એન્ટવર્પ અને બ્રિટનમાં ચાલતી જૈન ધર્મની પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કર્યા પછી હવે આફ્રિકા ખંડ તરફ નજર ઠેરવીએ. આફ્રિકા ખંડમાં જૈનોએ પહેલાં ઝાંઝીબાર અને પછી કેન્યા અને તાન્ઝાનિયામાં પ્રવેશ કર્યો. દ્રઢ ધાર્મિક સંસ્કારો સાથે ભારતથી હજારો માઈલ દૂર આવેલા આફ્રિકામાં જૈન ધર્મના સંસ્કારોએ જૈન વેપારીઓની પ્રગતિમાં ઘણું મોટું પ્રદાન કર્યું છે. ભારતમાંથી મળેલા ધર્મસંસ્કારોએ આ પરાયી ધરતી પર એમના જીવનને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. નાઈરોબીમાં આજે શિખરબંધી દેરાસર છે. ૧૯૮૪ ની ૧૧ મી ફેબ્રુઆરીએ આ દેરાસરની પ્રતિષ્ઠા થઈ અને સાથે ઉપાશ્રય પણ તૈયાર કર્યો અને પ્રાંગણમાં સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસંગોની ઉજવણી માટે બે હોલ પણ તૈયાર કર્યા. આરંભથી જ દેરાસર થતાં જૈન દ્રઢ સંસ્કારો અહીં જળવાઈ રહ્યા અને વધુ ને વધુ દ્રઢ થતા ગયા. આ ઉપરાંત અહીં દિગંબર જૈન મુમુક્ષુ મંડળનું પણ એક જિનાલય છે અને ઇ.સ. ૧૯૪૦ આસપાસ સ્થપાયેલી જીનશાળામાં પણ એક નાનું દેરાસર છે.

આધુનિક ઇતિહાસમાં ભારતની બહાર સર્વપ્રથમ જૈન દેરાસર તરીકે આગવું સ્થાન ધરાવતું આરસપહાણથી બનાવેલું ભવ્ય દેરાસર મોમ્બાસા શહેરની મધ્યમાં આવેલું છે. એક જ સંકુલમાં જિનાલય, ઉપાશ્રય, આયંબિલ શાળા, પાઠશાળા અને ગ્રંથાલય આવેલાં છે તેમજ સંઘની દેખરેખ હેઠળ ચાલતી શાળામાં એક હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૨૦૧૩ માં મોમ્બાસાના શ્રી પાર્શ્વ વલ્લભ જિનાલયની સુવર્ણજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

કેન્યાના થિકા ગામમાં પણ ભવ્ય શિખરબંધ દેરાસર આવેલું છે, માન્ચેસ્ટર ઓફ કેન્યા તરીકે ઓળખાતા થિકા શહેરમાં આ ભવ્ય શિખરબંધી દેરાસરનો પ્રતિષ્ઠામહોત્સવ ૧૯૯૮ની ત્રીજીથી સાતમી ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો.

પૂર્વ આફ્રિકાના ટાંગાનિકા શહેરના પાટનગર દારેસલામમાં ‘જૈન કોમ્યુનિટી હાઉસ’ નામના જૈન સંઘના મકાનમાં દેરાસર અને ઉપાશ્રય બંનેનો સમાવેશ થાય છે અને અહીં શ્વેતાંબર, સ્થાનકવાસી અને તમામ જૈનો સ્નેહ અને સુમેળથી ધર્મ-આરાધના કરે છે. ૧૯૩૦માં અહીં જૈન સંઘની સ્થાપના થઈ. ૧૯૪૦માં એક મકાન ભાડે રાખી ધર્મપ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. ૧૯૩૨ થી અહીં જૈન પાઠશાળા શરૂ થઈ અને ત્યારબાદ જૈન સમાજની વસ્તી વધતાં ૧૩,૧૦૦ ફીટની જગ્યા પર જૈન કોમ્યુનિટી હાઉસ શરૂ થયું. થોડા સમય પૂર્વે દારેસલામના આ જૈન સંઘે એના રોપ્ય મહોત્સવની ઉજવણી કરી હતી.

૧૯૯૪માં યુગાન્ડામાં થોડાક જૈનોએ મળીને ધર્મપ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. દેરાવાસી, સ્થાનકવાસી અને દિગંબર જૈન સહુ સાથે મળીને સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ અને ખાસ કરીને પર્વાધિરાજ પર્યુષણ સમયે એકત્રિત થતા હતા. ૨૦૦૦ની સાલથી કેમ્પાલામાં ઘર દેરાસરની સ્થાપના થઈ અને એ પછી નાગુરા હિલ કેમ્પાલા, યુગાન્ડામાં નવા જૈન સંકુલની સ્થાપના થઈ. આફ્રિકામાં બનેલું આ પ્રકારનું પહેલું દેરાસર છે, જેમાં શ્વેતાંબર દેરાસર, સ્થાનકવાસી ઉપાશ્રય, દિગંબર દેરાસર, કોમ્યુનિટી હોલ અને આરાધનાભવન એ બધાંનો સમાવેશ થાય છે.

કેનેડાના ઓન્ટારિયોમાં ૨૦૦૯ની ૧૯ મી જુલાઈએ ભૂમિપૂજન કરવામાં આવ્યું. ૨૦૧૧ની ૧૧ મી મે એ એના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ. આ દેરાસર પૂજ્ય કાનજીસ્વામીના આશીર્વાદથી માનસસ્તંભ સાથેનું પ્રથમ શિખરબંધી દેરાસર છે. ૧૫,૪૦૦ ચોરસ ફૂટમાં અનેક સુવિધાવાળા આ દેરાસરમાં પ્રાર્થનાખંડ, પૂજાખંડ, પ્રવચન હોલ, ડાઈનિંગ હોલ વગેરે આવેલાં છે. અહીં પ્રત્યેક ઉંમરના લોકોનાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટેના નિયમિત રૂપે યોગના વર્ગો પણ ચાલે છે.

છેક બીજા વિશ્વયુદ્ધ પછી સિંગાપોરનાં ૭૯ વોટરલૂ સ્ટ્રીટમાં આવેલા સ્થાનમાં જૈન ધર્મની પ્રવૃત્તિ ચાલતી હતી અને જૈન પર્વોની ઉજવણી થતી હતી. ૧૯૭૨માં ૬૦૦ સભ્યો સાથે ‘સિંગાપોર જૈન રિલિજિયસ સોસાયટી’ની સ્થાપના થઈ અને એ પછી ૧૮ જલન યાસિન માર્ગ પર બે માળના મકાનમાં સિંગાપોર જૈન રિલિજિયસ સોસાયટી એની ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા લાગી. અહીં કોઈ પણ પ્રકારના સાંપ્રદાયિક ભેદ વિના જૈન સિદ્ધાંતો પ્રમાણે જૈન એકતા જાળવીને કાર્ય કરવામાં આવે છે. જૈન વિદ્વાનોનાં તો ખરાં જ, પરંતુ વિશ્વવંદ્ય મોરારીબાપુ, પૂ.રમેશ ઓઝા વગેરેનાં પ્રવચનો પણ અહીં યોજાય છે અને એ પછી સાતસો જેટલી સભ્યસંખ્યા થતાં નવું જૈન સ્થાનક તૈયાર કરવામાં આવ્યું. જ્યાં દર રવિવારે પાઠશાળા ચાલે છે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પુસ્તકો ધરાવતું ગ્રંથાલય છે, પર્વાધિરાજ પર્યુષણ અને અન્ય આરાધનાઓ થાય છે.

એ જ રીતે હોંગકોંગમાં ૨૦૦ જેટલા જૈનોની વસ્તી છે અને શ્રી આદિનાથ ભગવાનનું જિનાલય છે. જ્યારે મલેશિયામાં ૩૦૦૦ જેટલા જૈનો વસે છે અને શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર આવેલું છે. થાઈલેન્ડ, દુબઈ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ જૈન દેરાસરો મળે છે. હાલ પૂરતી ઉપલબ્ધ થયેલી માહિતી અને અમુક દેશોના પ્રવાસને પરિણામે અહીં વિદેશમાં ચાલતી ધર્મપ્રવૃત્તિનો આલેખ આપ્યો છે. આમાંના મોટા ભાગના દેશોમાં મેં જોયું કે પર્વાધિરાજ પર્યુષણની તપશ્ચર્યાઓ અને સાંવત્સરિક પ્રતિક્રમણની સુંદર આરાધના થાય છે. જાપાનના કોબેમાં એ વિસ્તારની આસપાસ વસતા જૈન કુટુંબોએ જિનાલયનું નિર્માણ કર્યું છે. વિદેશમાં પ્રસરેલી જૈન ધર્મની પ્રવૃત્તિઓમાં એક સામ્ય જોવા મળે છે. પ્રથમ તો કોઈ શ્રાવકના નિવાસસ્થાને સાંવત્સરિક પ્રતિક્રમણ માટે થોડા ધર્મોપાસકો એકત્રિત થતા હોય છે. પછી મહાવીર જયંતીનું આયોજન થાય છે. ત્યારબાદ પર્વાધિરાજ પર્યુષણની આરાધના થાય છે. આ માટે પહેલાં ઘરદેરાસરમાં પ્રવૃત્તિ થાય છે. પછી અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે. ત્યારબાદ સેન્ટરની સ્થાપના થાય છે અને અંતે જિનાલયનું નિર્માણ થાય છે. એની સેન્ટરના સાથે મકાનમાં વિવિધ પ્રવૃત્તિઓ પણ થવા લાગે છે.

ભારતથી આવેલી પહેલી પેઢીએ વિદેશમાં પહેલાં વ્યવસાયની ખોજ કરી. પછી પોતાના માટે અને ભાવિ પેઢીને કાજે સંસ્કારો જાળવવાની ચિંતા કરી. આ માટે એમણે ધર્મસ્થાનોના નિર્માણ માટે અથાગ પુરુષાર્થ કર્યો. હવે ધીરે ધીરે આ દેશોમાં બીજી પેઢી આવી રહી છે. એક સમયે જ્ઞાાતિનાં બંધનને કારણે જ્ઞાાતિમાં જ લગ્નો થતાં. પછી ધીરે ધીરે અન્ય જ્ઞાાતિ સાથે, પછી અન્ય ધર્મી સાથે અને આજે એથીયે વિશેષ અન્ય દેશવાસી સાથે લગ્ન થવા માંડયા છે. આનું સીધું પ્રતિબિંબ વિદેશનાં ધર્મસ્થાનકોનેં ઉપાસકોની ઘટતી સંખ્યામાં જોવા મળે છે. એમાં માત્ર એક શુભ ચિન્હ એવું આવ્યું કે ભારતથી ધાર્મિક અભ્યાસ કરીને ગયેલા યુવાનોએ પોતાની કારકિર્દીના ઘડતરની સાથોસાથ જૈન સેન્ટરોમાં સક્રિયપણે ભાગ લેવા માંડયા. એમનાં વિધિવિધાનોની જાણકારીનો લાભ મળવા લાગ્યો. જોકે આને પરિણામે કેટલાંક સેન્ટરોમાં ધાર્મિક આચારો અંગે થોડા વિવાદ પણ થયા, પણ તેમ છતાં એ વિસંવાદમાં પરિણમ્યા નથી, એ સદ્ભાગ્યની બાબત ગણાય. મંદિર નિર્માણની એક સમયે તાતી જરૂરિયાત હતી, પણ હવે એમાં મર્યાદા રખાય તે જરૂરી છે.

કેટલાક ક્રિયાકાંડો કે પરંપરા વિદેશમાં જન્મેલી પેઢીને સમસ્યારૂપ લાગે છે. જેમકે મહાવીરવાચનના દિવસે ત્રણેક કલાક સુધી ચાલતી બોલીમાં આજના યુવાનોને રસ પડતો નથી. એને મહાવીર જન્મવાચનના દિવસે મહાવીરના જન્મ અને એમણે આપેલા સિદ્ધાંતો જાણવા રસ હોય છે. એને બદલે આમાં સમય જાય, ભારે કોલાહલ પણ થાય, ક્યાંક સધાર્મિકવાત્સલ્ય સમયે ગરિમા પણ ખંડિત થાય એવી ઘટનાઓ ઘણાને ખૂંચે છે. આવી જ રીતે સાંવત્સરિક પ્રતિક્રમણનાં સૂત્રો સમજાતાં નથી, તેવું લાગતાં હવે પ્રતિક્રમણનાં જુદાં જુદાં સ્વરૂપો પ્રચલિત થયાં છે. જેમાં યુવાનોને વિશેષ લક્ષમાં રાખવામાં આવ્યા છે અને બાળકો માટે પણ પ્રતિક્રમણ યોજાય છે. આનંદની વાત એ છે કે વિદેશમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા જેવા ધાર્મિક પ્રસંગોમાં ધાર્મિક પ્રશ્નો ઊભા થાય, ત્યારે ભારતમાંથી આચાર્યશ્રીઓનું માર્ગદર્શન લઈને એનું નિરાકરણ સાધવામાં આવે છે.

અમેરિકામાં જૈન યુવક-યુવતીઓની કોન્ફરન્સ યોજાય છે. યુવાનોને ટેક્નોલોજી, ધાર્મિક પરિસ્થિતિ, સામાજિક મૂલ્યો વગેરે અંગે જુદા જુદા પરિસંવાદો યોજાય છે. જિનાલયોમાં પૂજનમાં વિશેષ સંખ્યા જોવા મળે છે, જોકે એ પૂજનોમાં એનું હાર્દ કેટલું જળવાય છે એ મોટો પ્રશ્નાર્થ છે. ક્યાંક હજી સંકુચિત સાંપ્રદાયિકતા બરકરાર છે, પરંતુ નવી પેઢી આવી સાંપ્રદાયિકતાને નાપસંદ કરે છે. છતાં નાછૂટકે એને સ્વીકારવી પડે તો એ ક્યારેક ધર્મસ્થાનથી વેગળા થઈ જાય છે.

કુમારપાળ દેસાઈ

23 જુલાઈ, 2026 (આકાશની ઓળખ)

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑