મને આત્માનું અસ્તિત્વ બતાવો!

ઇ.સ. પૂર્વે પાંચસોની વૈશાખ સુદિ અગિયારસ, એકાદશીના દિવસે સક્લશાસ્ત્ર શિરોમણિ, વેદવિદ્યા- પારંગત એવા પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમના સંશયના નિવારણથી જૈનદર્શનના શિખરસમા ગણધરવાદના દાર્શનિક પ્રભાતની ગરિમામયી ઉષાનું પ્રાગટય થયું. પાવાપુરીથી વીસ માઈલ દૂર આવેલા આજના ગુણિયાજી તીર્થમાં ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીના મેળાપની ઘટના બની. જૈન ધર્મના શ્રુતજ્ઞાનની આ પાવન ગંગોત્રીમાંથી સમય જતાં શ્રુતજ્ઞાનની પાવન ગંગાનો વિશાળ પટ સર્જાયો.

દીવાની આસપાસ ચોતરફ ઝળહળતો પ્રકાશ હોય, પરંતુ એની નીચે અંધારું હોય તેમ મહાજ્ઞાની ગૌતમના ચિત્તમાં આત્માના અસ્તિત્વ વિશે સંશય હતો અને એ સંશયના કારણ રૂપે ભગવાન મહાવીર કહે છે કે વેદપંક્તિના અર્થને બરાબર સમજવો જોઈએ. विज्ञानधन एव एतेभ्यो भूतेभ्यः समुत्थाय, तान्येवानु विनश्यति, न प्रेत्यसं ज्ञाडस्तीति ।’

ભગવાન મહાવીરે કહ્યું કે,’આના પરથી તમે સમજ્યા કે જીવનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, પંચ મહાભૂતોમાંથી જીવ ઉત્પન્ન થાય છે અને એમાં જ વિલીન થાય છે. જ્યારે અન્ય સ્થાને વેદમાં આત્માના અસ્તિત્વની ઘોષણા કરવામાં આવી છે, પરંતુ આવા પરસ્પર વિરોધી એવા વેદવાક્યોને કારણે તમારા મનમાં શંકા ઉત્પન્ન થઇ કે જીવનું અર્થાત્ આત્માનું અસ્તિત્વ ખરેખર છે કે નહીં ? મારી વાત સાચી છે ને ?

આ સાંભળી સક્લ વેદશાસ્ત્ર વિશારદ ઇન્દ્રભૂતિ ગૌતમ આશ્ચર્યમાં ડૂબી ગયા. ભગવાન મહાવીરે જાણે વર્ષોથી એમની દુ:ખતી રગ જ પકડી ન હોય ! વળી એમના મનમાં રહેલો સંદેહ સૌ સમક્ષ પ્રગટ થવાથી ઇન્દ્રભૂતિ ગૌતમની અલ્પજ્ઞાતા પ્રગટ થઈ ગઇ અને એમનો ગર્વ ઓગળવા લાગ્યો. આમ છતાં ઇન્દ્રભૂમિ ગૌતમ પોતાના મનને સમજાવવા લાગ્યા, ‘કદાચ વેદોના અધ્યયન દરમિયાન એમના મનમાં પણ આ જ રીતે સંદેહ ઉત્પન્ન થયો હોય, જે મારા મનમાં પ્રગટ થયો છે. એટલે ફક્ત સંદેહ પ્રગટ કરવામાત્રથી ભગવાન મહાવીરને એમને સર્વજ્ઞા માની લેવા એ નર્યુ ભોળપણ છે. જો તેઓ મારા સંદેહનું નિવારણ કરી આપે, મારી શંકાનું સમાધાન કરી આપે, મારા પ્રશ્નનો સાચો ઉત્તર આપીને, મને સંશય-મુક્ત કરે, તો હું જરૂરથી એમને ‘સર્વજ્ઞા’ માનું.

ઇન્દ્રભૂતિએ કહ્યું,’મારા ચિત્તમાં જીવના અસ્તિત્વ વિશે વર્ષોથી શંકા ઘોળાતી હતી. તમારી વાત સાચી છે, હવે એનો યોગ્ય ઉત્તર આપો તો હું તમને સર્વજ્ઞા માની શકું. નહીં તો નહીં છે. કોઈ જવાબ એનો તમારી પાસે ?’

પ્રભુ મહાવીરે હળવા હાસ્ય સાથે કહ્યું,’સર્વજ્ઞાતા એ કોઈના માનવા ન માનવા પર નિર્ભર નથી. જરૂર માનવાની નહીં, પણ જાણવાની છે. વેદવાક્ય તો સર્વથા સાચું જ છે. પણ તેનો અર્થ તમે જે સમજો છો, તે બરાબર નથી.’

અને પછી પ્રભુ મહાવીર એનો અર્ત દર્શાવતાં કહે છે કે, ‘વિજ્ઞાનઘન (ગમન-આગમન વગેરેથી ચેષ્ટાવાળો, ચૈતન્યના પિંડરૂપ) આત્મા જ આ (પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ નામના પાંચ) મહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને નષ્ટ થતાં નષ્ટ થઈ જાય છે. મર્યા પછી સંજ્ઞા (જીવ) રહેતી નથી.’ દરેક શરીર વિશેષ સંજ્ઞાથી ઓળખાય છે, પણ આત્મા કદી નાશ પામતો નથી. આત્મા ધ્રુવ અને નિત્ય જ રહે છે.

વેદ પદોનો આ જ ધ્વનિ છે. કાળાં વાદળોથી ભર્યું ભર્યું આકાશ એકાએક નિરભ્ર થઈ જાય અને ઝળહળતો સૂર્ય પ્રકાશિત થાય તે રીતે જ્ઞાનનો સૂર્ય અને આત્માના અસ્તિત્વની વાત સમજાવા લાગી.

આ પંચમહાભૂતો શરીર રૂપે પરિણમે છે, ત્યારે આ ઘરો છે, આ ઘર છે, આ મનુષ્ય છે એમ જાણી શકીએ અને એ રીતે સર્વ જ્ઞાનનો અને જ્ઞોયનો સમુદાય ઉત્પન્ન થાય છે, પણ આ સર્વ પદાર્થનું જ્ઞાન કરનાર આત્મા નામનો પદાર્થ છે, એમ તમે માનતા નથી. કેમ કે તમે માનો છો કે જેમ પંચભૂતો ઉત્પન્ન થાય છે અને જળનાં પરપોટાની જેમ લય પામે છે. આત્મા નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી, આથી માનો છો કે પરલોક નથી અને પરલોક ન હોય તો એમ પણ માનવા લાગશો કે પરલોકથી અહીં કોઈ આવતું નથી. વળી જ્યાં આત્મા જ ન હોય, ત્યાં લોક-પરલોક ક્યાંથી હોય ?ળ

પ્રભુ મહાવીર વિશેષમાં કહે છે, ‘હે ઇન્દ્રભૂતિ ! તર્કથી તમને આ વાત સંગત લાગે છે કે આત્મા સ્પર્શાદિ અનુભવથી પ્રત્યક્ષ જણાતો નથી. જો આત્મા હોય તો એ દેખાવો જોઈએ. એટલે કે એ પ્રત્યક્ષ નથી એ જ રીતે અનુમાનથી પણ આત્મા માની શકાતો નથી. રસોડામાં કોઈએ અગ્નિનો ધુમાડો જોયો હોય, તો વ્યક્તિ જ્યારે અન્યત્ર ધુમાડો જુએ, ત્યારે અગ્નિનું અનુમાન કરી શકે છે, પણ આત્મા એમ અનુમાનથી પ્રત્યક્ષ જણાતો નથી.’

વળી શાસ્ત્રોમાં પણ કોઈ નિશ્ચિત અર્થ નથી. કોઈ કહે છે કે આત્મા છે, તો કોઈ વળી કહે છે કે આ જગતમાં આત્માને સરખાવી શકાય તેવો કોઈ પદાર્થ નથી. જો આવું જ હોય તો પછી આત્માને કોના જેવો માનવો ?

આમ એક બાજુ આત્માની ઉપસ્થિતિ સિદ્ધ થઈ શકતી નથી અને બીજી બાજુ આત્મા છે, એવું જણાવનારાં વેદવાક્યોને તમે જાણો છો અને તેથી જ તમે આ મહાસંશયમાં પડયા છો. વેદવાક્યોનો યોગ્ય અર્થ નહી સમજવાને કારણે આવો સંશય જાગ્યો છે. એ સંશયને દૂર કરતા ભગવાને પ્રત્યક્ષ પ્રમાણથી સમજાવ્યું.

જ્ઞાનનો સૂર્ય ઊગે અને આખુંય આત્માનું આકાશ ઝળહળ થઈ જાય એવી સ્થિતિ સર્જાઈ. પ્રભુ મહાવીર એમને આગમ પ્રમાણથી સાબિત કરી આપે છે તેમજ પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, અર્થાપતિ સંભવ (ઐતિહ્ય) પ્રમાણોથી પણ આ સમજાવે છે. આને વર્તમાન સંદર્ભમાં સમજીએ.

૧) કોઈ એમ કહે કે અમે આત્માના અસ્તિત્વને માનતા નથી, ત્યારે એટલું તો સિદ્ધ થાય છે કે આત્મા નામનો કોઈ પદાર્થ છે તો ખરો. જેમ સંશય એ જ્ઞાનનો એક પ્રકાર છે, એ જ રીતે તર્ક, જિજ્ઞાસા અને બોધ પણ જ્ઞાનના પ્રકાર છે.

૨) માનવીનો મૃતદેહ હલનચલન કરી શક્તો નથી, કારણકે એમાં આત્મા હોતો નથી. વળી આત્મા અનુભવે છે અને એથી તો આપણે હર્ષ, શોક, સુખ અને દુ:ખ અનુભવીએ છીએ. સવાલ એટલો છે કે આપણને આપણી મૂર્તિ ઇંદ્રિયોથી અમૂર્ત આત્માની ઓળખ થતી નથી, તેથી આવું માની બેઠા છીએ.

એક વાર સ્વામી વિવેકાનંદને અમેરિકાના પ્રવાસ દરમિયાન કુશાગ્ર બુદ્ધિ ધરાવતા એક વકીલે સવાલ કર્યો,’તમે આત્માની બહુ વાતો કરો છો, તો મને આત્માનું અસ્તિત્વ બતાવો.’

સ્વામી વિવેકાનંદે એક સોય લીધી અને એ વકીલના હાથ પર જરાક ભોંકી કે તરત જ એ વકીલ ચીસ પાડી ઊઠયા, ‘અરે, આ શું કરો છો ? તમે તો કેવા છો ? આ સોય વાગતાં મને કેટલી વેદના થઈ, તેની તમને ખબર છે ?’

સ્વામી વિવેકાનંદે કહ્યું કે,’ઓહ, તમને ઘણી વેદના થઈ. ખરું ને ? જરા, મને એ વેદના પ્રત્યક્ષ બતાવો તો ખરા.’

‘વેદનાને તો કોઈ રીતે બતાવી શકાય ? એ તો અનુભવની ચીજ છે.’

સ્વામીજીએ વળતો ઉત્તર આપ્યો,’વેદનાની જેમ આત્મા પણ અનુભવની ચીજ છે, એને પ્રત્યક્ષ બતાવી શકાય નહીં.’

૩) આત્માનો અનુભવ એ માટે થતો નથી કે મન વિષય-કષાયથી મલિન હોય, બાહ્ય જગતના રાગ-દ્વેષોમાં ખૂંપેલું હોય, એનો ચહેરો જ ભૌતિક દુનિયા તરફ હોય, ત્યારે એને ભીતરમાં બેઠેલા આત્માનો ક્યાંથી ખ્યાલ આવે ?

પાણી જામીને બરફ થઈ જાય તો એમાં પ્રતિબિંબ જોઈ શકાતું નથી, ફાનસની ચીમની ધુમાડાને લીધે કાળી પડી જાય તો પ્રકાશ બહાર આવી શક્તો નથી, એ જ રીતે આપણું મન વિષય-કષાયથી મલિન હોય, ત્યાં સુધી આત્માનો અનુભવ થતો નથી. એને માટે તો આરાધના અને સાધના જોઈએ. પ્રભુ મહાવીર ગણધર ગૌતમને આત્માના અસ્તિત્વ વિશે પ્રમાણો આપીને સમજાવે છે.

કુમારપાળ દેસાઈ

11 સપ્ટેમ્બર, 2026 (આકાશની ઓળખ)

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑