જ્યાં અન્યાય એ જ ન્યાય મનાય છે, જ્યાં સ્ત્રી એ ધિક્કાર, તિરસ્કાર અને બળાત્કારનું પાત્ર ગણાય છે, જ્યાં તમારી જાતિ એ તમારા જીવન કે મૃત્યુનો પરવાનો બને છે, જ્યાં સત્તાની જોહુકમી એ આજ્ઞાપાલનનો આદેશ મનાય છે, જ્યાં નરસંહાર એ સત્તાના સર્જન માટે અનિવાર્ય લેખાય છે એવી ભેદભાવભરી ભયાનક પરિસ્થિતિની વચ્ચે નાવી પિલ્લુએ આપેલી લડત એક નવો ઇતિહાસ સર્જી ચુકી છે.
વર્તમાનયુગમાં જ્યાં સત્તાની નશાખોરી હોય કે પછી યુદ્ધથી નિર્દોષોનો સંહાર કરવાનો શોખ જાગ્યો હોય એવા સમયે નાવી પિલ્લેએ વકીલ અને ન્યાયાધીશ તરીકે મોતને મુઠ્ઠીમાં લઈને નવો ઇતિહાસ રચ્યો છે. જેનું કોઈ ન હોય એની નાવી પિલ્લે હોય, જ્યાં બેફામપણે નરસંહાર થતો હોય ત્યાં નાવી પિલ્લે અદાલતનો આશરો લઈને નરસંહાર અટકાવતી હોય.
નાવી પિલ્લેને માનવઅધિકારો માટેની લડત કાજે નોબેલ પારિતોષિક મળ્યું. એની સિદ્ધિના સહુએ યશોગાન કર્યા, પરંતુ એ સિદ્ધિની પાછળ અવિરત સંઘર્ષ ખેડનારી નારીની છબી જોવી છે. એ છબીમાં તમને દક્ષિણ આફ્રિકામાં ગિરમિટીયાઓનાં અધિકારો માટે લડત આપતા મહાત્મા ગાંધીનું સ્મરણ પણ થાય.
નાવી પિલ્લે ભારતીય મૂળના તમિલ પરિવારના છે અને એમને દક્ષિણ આફ્રિકામાં પારાવાર પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડયો છે. એક તો એ સ્ત્રી હોવાથી એમને પોતાના અધિકારો માટે ઝઝૂમવું પડયું. આવા લિંગભેદની સાથે દક્ષિણ આફ્રિકાના રંગભેદ દ્વારા એમને અન્યાય થતો હતો. ૧૯૫૬માં કાયદાની ડિગ્રી મેળવ્યા પછી વકીલાતની પેઢીમાં નોકરી મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ ગોરી પ્રજાની વકીલાતની પેઢીઓએ એમને નોકરી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો. એમને કહેવામાં આવ્યું કે શ્વેત સેક્રેટરીઓ કોઈ અશ્વેત વ્યક્તિની સૂચનાઓ સ્વીકારે તેવી પરિસ્થિતિઓ કદી સહન ન થઈ શકે. માટે ઘરભેગા થઈ જાવ. પરિણામે એમની કાનૂની લાયકાત હોવા છતાં એમના અશ્વેત રંગે એમને સઘળેથી જાકારો આપ્યો.
નાવી પિલ્લેને માટે આવો જાકારો કોઈ નવી વાત નહોતી. હકીકતમાં તો દક્ષિણ આફ્રિકામાં રંગભેદના અજગરી ભરડાની વચ્ચે એ હિંમતભેર જીવંત શ્વાસ લેતા હતાં. કાયદાનાં અભ્યાસ માટે પુસ્તકોની જરૂર હતી, પરંતુ અશ્વેતને માટે પુસ્તકો ઉપલબ્ધ નહોતાં. આથી એક પુસ્તક હોય અને અનેક બિનશ્વેત વિદ્યાર્થીઓ સાથે મળીને અભ્યાસ કરતા હોય. વળી રંગભેદને કારણે બહુ મર્યાદિત સુવિધાઓ એમને મળતી હતી અને યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થીઓને વંશને આધારે અલગ પાડવામાં આવતા હતા.
આઘાતજનક બાબત તો એ છે કે જાહેર સ્થળો પર અશ્વેતને માટે પ્રવેશ પર પ્રતિબંધ હતો. રંગભેદના સમયગાળામાં શ્વેત લોકો માટે અનામત રાખવામાં આવેલા ઉદ્યાનો અને દરિયાકિનારાઓ પર તેઓ પગ મૂકી શકતા નહોતા. આ પ્રતિબંધો વ્યક્તિનાં દૈનિક જીવનમાં ખૂબ અસર કરતા હતા. જ્યારે નોકરી મેળવવા માટે વકીલાતની પેઢીઓમાં એ ફરી રહ્યા હતા, ત્યારે કોઈએ એવો પ્રશ્ન કર્યો કે, ‘તેઓ ગર્ભવતી થશે તો શું થશે ?’ આ પ્રશ્ન એ દર્શાવે છે કે એમની સામે માત્ર વંશીય ભેદભાવ જ નહીં, બલ્કે મહિલા હોવાને કારણે પૂર્વગ્રહ પણ રાખવામાં આવતો હતો.
આમ જીવનમાં વંશ, લિંગ અને આર્ર્થિક સ્થિતિનાં આધારે થતા ભેદભાવની આકરી તાવણી વચ્ચેથી નાવી પિલ્લેને પસાર થવું પડયું, પરંતુ નમે તે નાવી નહીં. એણે એની લડત ચાલુ રાખી, વકીલાતની કોઈ કંપનીએ તેને સ્વીકારી નહીં, તેથી શું થયું ? ૧૯૬૭માં તેણે પોતાની વકીલાતની પેઢી શરૂ કરી. દક્ષિણ આફ્રિકાના નેટલ પ્રાંતમાં પોતાની વકીલાતની પેઢી શરૂ કરનાર તેઓ પ્રથમ મહિલા બન્યાં અને એ સમયે રંગભેદથી ખદબદી રહેલા દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં પ્રથમ અશ્વેત મહિલા વકીલ તરીકે નાવી પિલ્લેએ કાર્ય શરૂ કર્યું.
જે રંગભેદને કારણે એમને અભ્યાસની પૂરતી તકો મળી નહીં, જે રંગભેદને કારણે એમને ઉપેક્ષા અને અપમાનો સહન કરવા પડયાં, જે રંગભેદને કારણે એમને નોકરી મળી નહીં – એ જ રંગભેદને હટાવવાનો નાવી પિલ્લેએ દ્રઢ નિશ્ચય કર્યો અને કેટલાંય રાજકીય કાર્યકરો અને જેલમાં ગોંધી રાખવામાં આવેલા કેટલાંય રાજકીય કાર્યકરોને ન્યાય અપાવવા માટે ઝઝૂમવા લાગ્યા. એમણે એ ખમીર બતાવ્યું કે જે શ્વેતપ્રજાની જોહૂકમી-ભરી વ્યવસ્થા એમને વકીલ તરીકે સ્વીકારવા તૈયાર નહોતી, એ જ વ્યવસ્થાની સામે એમણે અન્યાયનો ભોગ બનેલા લોકોનાં અધિકારો માટે લડત આપી અને પરિણામે આ પ્રચંડ સંઘર્ષમાં મળેલી સફળતા એ એમની ઝઝૂમવાની શક્તિની સફળતા નથી, પરંતુ એથીયે વિશેષ રંગભેદી ભેદભાવ સહન કરનાર વ્યક્તિ પોતાના જ્ઞાન અને વ્યવસાય દ્વારા અન્ય લોકોનાં અધિકારોનાં રક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકે છે, તે બતાવ્યું.
૨૦૦૮થી ૨૦૧૪ સુધી સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવઅધિકાર માટેનાં હાઈ કમિશ્નર પણ રહ્યાં. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા નાવી પિલ્લે સામે રવાન્ડાનાં નરસંહારનાં પીડિતોનો ખટલો આવ્યો. તેઓ ૧૯૯૫માં ૨વાન્ડા માટેનાં આંત૨૨ાષ્ટ્રીય ફોજદારી ન્યાયાધીકરણમાં ન્યાયાધીશ બન્યાં. રુંવાડા કંપી ઉઠે તેવા રવાન્ડાનાં નરસંહાર સાથે સંકળાયેલા ગુનાઓની સુનવણીમાં એમણે મહત્ત્વનું યોગદાન આપ્યું. કેટલાંક ઐતિહાસિક ચુકાદાઓ પણ આપ્યાં અને કહ્યું કે, ‘કોઈ સંરક્ષિત સમૂહનો નાશ કરવાના ઈરાદાથી કરવામાં આવેલો બળાત્કાર કે જાતિય હિંસા એ નરસંહારનો એક ભાગ જ ગણાય.’ એમના આ ચુકાદાએ ઘણી મોટી કાર્યસિદ્ધિ મેળવી અને જાતિય હિંસાનો ભોગ બનેલી મહિલાઓને ન્યાય મળ્યો, પણ સૌથી વિશેષ તો આંતરરાષ્ટ્રીય કાયદાને એક નવો માર્ગ મળ્યો.
૨વાન્ડાનો આ કેસ પ્રોસિક્યુટર વિરુદ્ધ જીન-પૉલ અકાયેસુ તરીકે જાણીતો થયો. આ સમયે રવાન્ડાનાં સંહારના પીડિતોને ન્યાય અપાવવાનો હતો. નાવી પિલ્લે આરોપી તરફથી વકીલ નહોતા, પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ હતાં. બન્યું હતું એવું કે ૧૯૯૪માં ૨વાન્ડામાં તુત્સી સમુદાયનાં લોકોનો આયોજનબદ્ધ નરસંહાર થયો. આખી દુનિયા કંપી જાય તેવી આ ઘટના હતી. હુતુ ઉગ્રવાદીઓ અને તેમની સાથે સંકળાયેલા સશસ્ત્ર જૂથોએ મોટાપાયે હત્યા કરી. તો બીજી બાજુ મધ્યમમાર્ગી હુતુ સમુદાયના લોકોએ વિરોધ કર્યો અને તેઓને પણ સહન કરવું પડયું.
આ નરસંહાર દરમિયાન ભયાવહ હત્યાની સાથોસાથ મહિલાઓ સાથે વ્યાપક જાતીય હિંસા પણ થઈ અને ગુનાની તપાસ અને જવાબદારી નક્કી કરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે એક આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલની રચના કરી હતી. આ કેસ જીન-પૉલ અકાયેસુ સામે ક૨વામાં આવ્યો. એ રવાન્ડાના તાબા નામનાં વિસ્તારનો મેયર હતો. સ્થાનિક લોકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી એની હતી, પરંતુ એની ઉપેક્ષાને કારણે આ તાબા વિસ્તારમાં વસતાં તુસ્રી લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી.
પરિણામે મેયર જીન-પૉલ અકાયેસુ સામે નરસંહાર માટે જાહે૨માં ઉશ્કેરણી, હત્યા, ત્રાસ, બળાત્કાર અને માનવતા વિરુદ્ધનાં ગુનાઓ સહિતના પંદર આરોપ મુકવામાં આવ્યા.
નાવી પિલ્લુએ ન્યાયાધીશ તરીકે ઉપલબ્ધ પુરાવાઓનું મુલ્યાંકન કરવાનું હતું. અકાર્યસુની મેયર તરીકે જાતીય હિંસા વિશેની જવાબદારી નક્કી કરવાની હતી અને સૌથી વધુ તો નરસંહારના ગુનામાં જાતીય હિંસાની ભૂમિકા કેવી રીતે સામેલ થઈ શકે એ અંગે કાનુની સિદ્ધાંતો સ્પષ્ટ કરવાના હતા. ન્યાયાધીશોએ સર્વ સંમતિથી ચુકાદો આપ્યો. એની સુનાવણી દરમિયાન મહિલાઓએ તાબા વિસ્તારમાં આશ્રય મેળવવા ગયા, ત્યારે તેમની સાથે થયેલી જાતીય હિંસા અંગે જુબાની આપી. આ પુરાવાઓનાં આધારે તારણ કાઢવામાં આવ્યું કે અકાયેસુએ આવી હિંસાને પ્રોત્સાહન આપ્યું હતું અને એ તુત્સી સમુદાયના વિનાશની પ્રક્રિયાનો ભાગ બન્યો હતો. એને આજીવન કેદનો ચુકાદો સંભળાવવામાં આવ્યો. આ ચુકાદાની વિશેષતા એ છે કે આંતરરાષ્ટ્રીય અદાલતે પહેલી વાર નરસંહારનાં ગુનામાં જાતીય હિંસાને સ્પષ્ટ રૂપે સામેલ કરી. એણે એવો સિદ્ધાંત સ્થાપિત કર્યો કે જો બળાત્કાર અથવા અન્ય જાતીય હિંસા કોઈ સંરક્ષિત સમુદાયનો સંપૂર્ણ કે આંશિક નાશ કરવાના ઈરાદાથી કરવામાં આવે તો તે નરસંહારનો ગુનો બની શકે છે.
આનો અર્થ એટલો કે દરેક બળાત્કાર આપમેળે નરસંહાર ગણાય. અંતે મેયર અકાયેસુને એમના ૫૨ લગાડવામાં આવેલા પંદરમાંથી ૯ આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા અને એમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. આ કેસમાં પીડિત મહિલાઓની જુબાની અને એમના અનુભવોને આંત૨૨ાષ્ટ્રીય ન્યાયની પ્રક્રિયામાં મહત્ત્વનું સ્થાન મળ્યું અને એ રીતે નાવી પિલ્લેએ એક ન્યાયાધીશ તરીકે માનવઅધિકારોનું રક્ષણ કરવાની સાથે કાયદાનું જ્ઞાન, પુરાવા એકત્ર કરવાની ક્ષમતા અને અન્યાય સામે લડવાનું પ્રબળ મનોબળ બતાવ્યું, પણ હજી એને એવી કેટલીય લડાઈ બાકી લડવાની હતી કે જ્યાં એના પરિવાર પર જોખમ હતું, કે પછી જ્યાં એને નેલ્સન મંડેલા જેવા વિશ્વપ્રસિદ્ધ માનવતાવાદી નેતા પર રોબિન આઇલેન્ડના જેલ અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની હતી. નોબેલ પારિતોષિક મેળવનારી નાવી પિલ્લેની માનવ અધિકારો માટેની લડતનાં અનેક આયામો છે.
કુમારપાળ દેસાઈ
1 નવેમ્બર, 2026 (પારિજાતનો પરિસંવાદ)