જીવનતીર્થની પરિક્રમા (મારો અસબાબ-1)

જેઠ વદ ત્રીજ, વિ.સં. ૨૦૭૦, ૧૫મી જૂન, ૨૦૧૪ અને રવિવારના દિવસે પાલનપુરના ગઠામણ દરવાજા પાસે આવેલા શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં યોજાયેલો પરિસંવાદ પૂર્ણ કરીને અમે સહુ મિત્રો પાલનપુરથી લક્ઝરીમાં બેસીને અમદાવાદ પાછા આવી રહ્યા હતા. મારી સાથેની બેઠક પર સાહિત્યકાર, નાટ્યલેખક અને ‘પ્રબુદ્ધજીવન’ સામયિકનું તંત્રીપદ સંભાળનાર ડૉ. ધનવંત શાહ બેઠા હતા અને પછી એમના વક્તવ્ય વિશે વાત ચાલી. એમણે એમના વક્તવ્યનો પ્રારંભ ‘એક દિવસ એવો આવશે’ એ યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના કાવ્યથી કર્યો હતો અને પછી તો ગોષ્ઠિ આગળ ચાલતી રહી અને મેં એમને કહ્યું,

‘જુઓ ને ! આજે કેવો દિવસ આવ્યો છે. જમાનો કેવો બધો બદલાયો છે. મારી પૌત્રી મોક્ષાને ‘મુછાળી મા’ ગિજુભાઈની કે જીવરામ જોશીની બાળવાર્તાઓમાં રસ પડતો નથી. એ કહે છે કે વાર્તાને બદલે કોઈ ઇન્સિડન્ટ કહો. આને કારણે એને મારા પરિચિતોના અને મને દેશવિદેશમાં થયેલા અનુભવોનું પુનઃસ્મરણ કરીને મારે જીવનના જુદા જુદા અનુભવોની વાત કરવી પડે છે. મને પુનઃસ્મરણનો આનંદ અને એને કોઈ રસપ્રદ ઘટનાનો રોમાંચ.’

આ સાંભળીને ધનવંતભાઈ બોલી ઊઠ્યા. ‘બસ, તો તમે તમારા અનુભવોના અસબાબની વાત કરો અને એ શ્રેણીનું નામ રાખીશું ‘મારો અસબાબ’. ધનવંતભાઈ પાસે તંત્રીની બાજ નજર હતી. આ અગાઉ પણ હું આવી જ રીતે એમની પાસે ઝડપાઈ ગયો હતો. એમની સાથે ‘જયભિખ્ખુ’ના જીવનના ખમીર અને ખુદ્દારીની ઘટનાઓની વાત કરતો હતો, ત્યારે એ તંત્રીની નજરમાં ઝડપાઈ ગયો અને એમણે કહ્યું,

‘તો પછી એ વાત નક્કી કે તમે ‘પ્રબુદ્ધજીવન’માં ‘જયભિખ્ખુ જીવનધારા’ લખો છો, જેટલા હપતા અને જેટલો સમય લખવું હોય તેટલું લખજો.’ પરિણામ એ આવ્યું કે પ્રબુદ્ધજીવનમાં જયભિખ્ખુ જીવનધારાના ૬૧ હપતા લખાયા. એ લેખમાળાને સાહિત્યસર્જકો અને સાહિત્યરસિકો તરફથી ઉમળકાભર્યો પ્રતિભાવ મળતા ‘જીવતરની વાટે, અક્ષરનો દીવો’ એ નામનું જયભિખ્ખુનું જીવનચરિત્ર લખ્યું અને એ ઉપરથી ‘એકલ દીપને અજવાળે, ચાલ્યો એકલવીર’ એ નામનું નાટક પણ પ્રસ્તુત થયું.

એનો છેલ્લો હપતો જુલાઈ, ૨૦૧૪માં લખ્યો એ પહેલાં ધનવંતભાઈએ ‘મારો અસબાબ’ લખવાનું વચન લઈ લીધું. પછી જ્યારે મળીએ, ત્યારે એની વાત થતી, પણ લખવાનું ઠેલાતું ગયું અને એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી.

એ પછી ‘પ્રબુદ્ધજીવન’નાં તંત્રી ડૉ. સેજલ શાહે ધનવંતભાઈના જેવો જ સ્નેહભર્યો આગ્રહ અવિરત ચાલુ રાખ્યો અને તેને પરિણામે આજે આ અસબાબમાંથી, આ ગઠરિયાંમાંથી મારી થોડી વાતો આપની સમક્ષ નમ્રતાભેર રજૂ કરું છું.

*

મારા અસબાબની ગઠરિયાં ખોલું, ત્યારે સઘળે માતાની તસવીર જોવા મળે છે. હજી આજે આટલે વર્ષે પણ એની કોઠાસૂઝ, આતિથ્ય અને સાહજિક રીતે સહુનો પ્રેમ સંપાદન કરવાની કળા પ્રત્યે આશ્ચર્ય અનુભવું છું અને તેથી સ્વાભાવિક રીતે માતાની સ્મૃતિ મનમાં અને જીવનમાં અકબંધ જળવાઈ રહી છે.

મારા સાહિત્યકાર પિતા ‘જયભિખ્ખુ’ પાસેથી સાહિત્યસર્જનનો વારસો પ્રાપ્ત થયો એ સાચું, પરંતુ જીવનકળાનો વારસો તો મારાં માતુશ્રી જયાબહેન દેસાઈ પાસેથી મળ્યો. જીવનભર સતત એ અનુભવ થતો રહ્યો કે પિતાએ મૂલ્યનિષ્ઠાભર્યો જીવનપથ બતાવ્યો, પરંતુ એ જીવનપથ પર આગળ ડગ ભરતી વખતે આવતાં ઝંઝાવાતો, તોફાનો, આકરો ઉનાળો કે કડકડતી ઠંડીનો કઈ રીતે સામનો કરવો, એ તો માતાએ એની કોઠાસૂઝથી કરી બતાવ્યું. રસ્તા પર આવતાં કંટકો, કાંકરાઓ, પથ્થરો અને સામે આવતા અવરોધો જોવાની, સમજવાની અને એને પાર કરવાની સૂઝ એમની પાસે હતી..

રાણપુર એમનું ગામ. સૌરાષ્ટ્રનાં રજવાડાંઓની દુનિયામાં મહાત્મા ગાંધીજીની હાકલે થનગનતું આઝાદી-આશિકી ધરાવતું ગામ. જયાબહેનના પિતા મોહનલાલ શેઠની મુખ્ય બજારમાં ચૂડાના ઝાંપે મોટી દુકાન આવી હતી. દુકાનમાં એ સમયે બીજી ચીજવસ્તુઓ સાથે ટૂંક (પતરાંની બૅગ) પણ વેચતા હતા અને તેથી બીજા મોહનલાલ સાથે નામની ભેળસેળ થઈ જાય નહીં, તે માટે એ ‘મોહનલાલ ટૂંકવાળા’ તરીકે ગામમાં ઓળખાતા. રાણપુરના શેઠ ફળિયામાં રહે. એ ફળિયું ગામના સુખી શ્રાવકોની વસ્તી ધરાવતું હતું.

રાણપુરમાં એ સમયે આઝાદીના આંદોલનનો જુવાળ ફેલાયેલો હતો. નીડર પત્રકાર અમૃતલાલ શેઠનું ‘ફૂલછાબ કાર્યાલય’ રાણપુરમાં હતું અને ઝવેરચંદ મેઘાણી અને ગુણવંતરાય આચાર્ય જેવા સાક્ષરો આ કાર્યાલયમાં બેસીને લેખનકાર્ય કરતા હતા. ગામમાં રોજ પ્રભાતફેરી નીકળતી અને જયાબહેન એમાં હોંશે હોંશે ભાગ લેતાં. ગાંધીજીના અસહકાર આંદોલન વિશેનાં કેટલાંય કાવ્યો મારાં બા જીવનભર ગાતાં રહ્યાં. ગામમાં નીકળતાં અંગ્રેજ સરકાર સામેનાં સરઘસોમાં ભાગ લેતાં અને સભાઓમાં બરાબર હાજરી આપતાં. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પત્ની દમયંતીબહેન સાથે રહીને આઝાદીના આંદોલનમાં સક્રિય રીતે ભાગ લીધો. ઝવેરચંદ મેઘાણીનાં ખૂટે નહીં એટલાં સ્મરણો એમની પાસે હતાં.

એવું એક સ્મરણ યાદ આવે છે. મારા મોસાળ રાણપુરથી નીકળીને મારા ફુઆને ત્યાં લીંબડી જતાં હતાં. એ સમયે હું ઘણો નાનો હતો. વચ્ચે ચૂડા જંક્શન આવતું હતું. એ પહેલાં મને તરસ લાગી. એ સમયે ટ્રેનમાં મેઘાણીભાઈ પણ સાથે હતા. તરસને કારણે રડવા લાગ્યો હતો એવામાં ચૂડા જંક્શનનું સ્ટેશન આવતાં મેઘાણીભાઈ પાણીનો લોટો લઈને નીચે ઊતર્યા, દોડીને પ્લૅટફૉર્મ પરના ‘પ્યાઉ’માં જઈને પાણી લાવ્યા. નામાંકિત વ્યક્તિઓની નમ્રતા કેવી હોય એની વાત કરતાં એ મેઘાણીભાઈના વિરલ સૌજન્યને યાદ કરતાં હતાં.

૧૯૩૦ની મે મહિનાની ૧૩મી તારીખે વૈશાખ વદ એકમ અને મંગળવારના દિવસે રાણપુરના શેઠ કુટુંબની પુત્રી જયાબહેન(એમનું નામ વિજયાબહેન પણ હતું)નાં લગ્ન બાલાભાઈ દેસાઈ સાથે થયાં. લગ્ન કરવા માટે બાલાભાઈ (જયભિખ્ખુ) આવ્યા ત્યારે એમણે ખાદીનાં કપડાં પહેર્યાં હતાં. કોઈએ એ સમયે એમને ટોક્યાં પણ હતાં કે લગ્નમાં આવાં કપડાં ન પહેરાય. પણ જયભિખ્ખુ એમની વાતમાં અડગ રહ્યા.

લગ્ન બાદ જયાબહેન થોડો સમય વરસોડા રહ્યાં અને વરસોડાનાં ઊંચાં કોતરો વીંધીને નદીએ કપડાં ધોવા જતાં એની વાત પણ કરતાં. લગ્ન બાદ થોડા સમયે ગ્વાલિયર પાસે આવેલા શિવપુરી ગુરુકુળની ‘તર્કભૂષણ’ની પદવી અને કૉલકાતા સંસ્કૃત ઍસોશિયેશનની ‘ન્યાયતીર્થ’ની પદવી પ્રાપ્ત કરી જયભિખ્ખુ પાછા આવ્યા અને ગુરુકુળમાં પ્રારંભકાળમાં લખેલી પુસ્તિકાઓ અને ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’નું વાંચન એમને કહેતું હતું કે જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીને વિદેશમાં ધર્મજ્ઞાનનો પ્રસાર કરે તેવા શિક્ષક બનવું નથી અને સાથોસાથ પિતા રજવાડાંમાં સારું ઊંચું પદ અને પ્રતિષ્ઠા ધરાવતા હતા, પણ એ આધારે રજવાડાંમાં નોકરી મેળવવી નથી.

પોતાની આસપાસના જૈન સમાજમાં અને પોતાના સ્નેહીજનો પણ અભ્યાસ પૂર્ણ કરીને અંતે તો કોઈ ને કોઈ વેપારમાં જોડાતા હતા. વૈશ્ય પુત્ર સહેલાઈથી વેપાર તરફ ખેંચાય. વળી કુટુંબની રાખ-રખાપત જાળવવા માટે સારી એવી આવકની જરૂર રહેતી હોવાથી એને માટે વેપાર એ જ એકમાર્ગી રસ્તો હતો.

‘જયભિખ્ખુ’ના મનમાં લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે દ્વંદ્વ જાગ્યું. એક બાજુ આજીવિકા અને જવાબદારી એમને લક્ષ્મીપ્રાપ્તિ ભણી ખેંચતી હતી, તો બીજી બાજુ સાહિત્યની સૃષ્ટિ અને હૃદયનો આનંદ એમને સરસ્વતીની ઉપાસના પ્રત્યે આકર્ષતાં હતાં. સતત વિચારવલોણું ચાલવા લાગ્યું, આવે સમયે ૧૯૩૩ની ૧૭મી જુલાઈ અને સોમવાર(વિ. સં. ૧૯૮૯, અષાઢ વદ દશમ)ના દિવસે જયભિખ્ખુએ અમદાવાદમાં દૃઢ સંકલ્પ કર્યો કે કલમને ખોળે માથું મૂકી, મા સરસ્વતી જે ઓછું-વધું આપે એનાથી જીવનનિર્વાહ કરીશ.

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલની નજીક આવેલા માદલપુર ગામના પટેલના માઢમાં બે રૂમવાળું એક મકાન ભાડે રાખ્યું. પહેલા માળે આવેલા આ બે રૂમવાળા મકાનમાં જયભિખ્ખુ અને રતિભાઈ સાથે રહેતા હતા. ગારના લીંપણવાળા એ ઘરમાં એમણે અમદાવાદમાં વસવાટનો પ્રારંભ કર્યો.

એ સમયે યુવાન જયભિખ્ખુએ સંકલ્પ કર્યો હતો કે નોકરી નથી કરવી, પૈતૃક સંપત્તિ લેવી નથી અને પુત્રને આપવી નથી. જીવનમાં સ્વમાનભેર જીવવા માટે સ્વાવલંબન જરૂરી છે. સંકલ્પ તો લીધો, પણ એ સમય એવો હતો કે જ્યારે ‘લેખક બનવા માટે’ સામયિકોમાં સામે ચાલીને પૈસા આપીને લેખો છપાવવા પડતા.

એ વખતે છેક માદલપુરથી શાક સસ્તું મળતું હોવાથી જયાબહેન માણેકચોકમાં શાક લેવા જતાં અને પૈસા બચાવવા માટે છેક માણેકચોકથી માદલપુર સુધી શાકના થેલા ઊંચકીને ચાલીને આવતાં. જયભિખ્ખુ પાસે એક કોટ હતો. એ સમયે તેઓ ‘જ્યોતિ કાર્યાલય’માં લેખન-કાર્ય માટે જતા, ત્યારે એ કોટ પહેરીને જતા. સાંજે એ પાછા આવે એટલે જયાબહેન કોટ ધુએ, પછી સૂકવે અને સવારે ઇસ્ત્રી કરે અને ફરી સવારે એ કોટ પહેરીને જયભિખ્ખું ‘જ્યોતિ કાર્યાલય’માં જાય. કોઈ મિત્રએ એકાદ વખત ટકોર પણ કરી : ‘તમે રોજ એક ને એક રંગનો કોટ શા માટે પહેરો છો ?’

જયભિખ્ખુએ ખુમારીથી ઉત્તર આપ્યો, ‘અરે દોસ્ત ! શું કરું ? એક જ રંગના કાપડના ત્રણ કોટ સિવડાવ્યા છે, તેનું આ પરિણામ છે.’

આ સમયે જયભિખ્ખુ ત્રણ નામોથી જાણીતા હતા. કુટુંબમાં એમનું હુલામણું નામ ભીખાલાલ હતું. સ્નેહીઓમાં એમના મૂળ નામ બાલાભાઈથી જાણીતા હતા. ‘જયભિખ્ખુ’એ લખવાનું શરૂ કર્યું ત્યારે ચાર નામે ચાર વાર્તા લખી. એ નામ હતાં બાલાભાઈ વીરચંદ દેસાઈ, ભિક્ષુ સાયલાકર, વીરકુમાર અને જયભિખ્ખુ. મારાં માતા જયાબહેનના નામમાંથી ‘જય’ શબ્દ અને મારા પિતાનું લાડકું નામ ‘ભીખાલાલ’ હતું. એમાંથી ‘ભિખ્ખુ’ શબ્દ લઈને ‘જયભિખ્ખુ’ ઉપનામ સર્જાયું. બન્યું એવું કે આ ચારે નામથી ચાર વાર્તા લખી હતી. તેમાંથી ત્રણ જગ્યાએ પ્રગટ થયેલી વાર્તાનો એ ભારે આર્થિક ભીંસના સમયમાં કોઈ પુરસ્કાર ન આવ્યો, પણ ‘જયભિખ્ખુ’ ઉપનામથી લખેલી વાર્તાનો પુરસ્કાર મળ્યો. એ ઉપનામને શુકનવંતું માનીને મારા પિતાએ એ ઉપનામથી સાહિત્યસર્જન કર્યું. પતિ-પત્ની બંનેનું નામ ધરાવતું આવું બીજું ઉપનામ ગુજરાતી સાહિત્યમાં કોઈ સર્જકનું મળતું નથી. (જુઓ ‘તખલ્લુસો’, લે. ત્રિભુવન વીરજી હેમાણી) પહેલાં પટેલોની વસ્તીવાળા માદલપુરમાં અમે રહેતા હતા ત્યારે ઘણા લોકો મારી માતાનાં શુકન લઈને બહાર જતા.

૧૯૩૩માં એવો પણ સમય આવ્યો કે જ્યારે અમદાવાદના રાયપુરની હવેલીની પોળમાં આવેલા ‘જૈન જ્યોતિ’ કાર્યાલયમાં જઈને લેખનકાર્ય ક૨વાનું એમણે સ્વીકાર્યું. એ લેખનકાર્ય પેટે જયભિખ્ખુને શ્રી ધીરજલાલ ટો. શાહ દ્વારા મહિને એકતાલીસ રૂપિયા મળતા હતા. આ કપરા દિવસોમાં ક્યારેક જયાબહેનના આણાના પૈસા વાપરવા પડતા હતા. એવામાં જયભિખ્ખુના પિતા વીરચંદભાઈનું અવસાન થયું. આ સમયે ઘણા સ્વજનોએ જયભિખ્ખુને કહ્યું, ‘પિતાની મિલકતમાં તમારો અડધો ભાગ છે, તો તમે કેમ લેતા નથી ?

જયભિખ્ખુ આનો માર્મિક ઉત્તર આપતાં કહેતા, ‘પિતાની મિલકતમાં ભાગ નથી જોઈતો. એમની આબરૂમાં ભાગ જોઈએ છે.’

એક વડીલે જયભિખ્ખુને ટોણો મારતાં કહ્યું, ‘તમે તમારી વાત જ કરો છો, પણ તમારાં પત્નીનો વિચાર કરતા નથી. કોઈ સ્ત્રી આવો ભાગ જવા ન દે.’

ત્યારે જયભિખ્ખુએ વડીલને કહ્યું : ‘કોણે કહ્યું કે હું મારી પત્નીનો વિચાર કરતો નથી? પહેલાં તમે એનો વિચાર તો પૂછો ને !’

એ વડીલ સમગ્ર કુટુંબના વગદાર મોભી હતા. એમણે જયાબહેનને પૂછ્યું, : ‘જુઓ, પુરુષોની વાત અલગ હોય છે. સ્ત્રીઓ તો ભાગ માગે. મજિયારામાં તો બે ચમચા માટે પણ લડે, ત્યારે તમારે ભાગ નથી લેવો ?’ જયાબહેને સ્મિત સાથે હસીને કહ્યું, ‘ના, એમની ઇચ્છા, એ મારી ઇચ્છા.’

જયભિખ્ખુનો પ્રેમ અને ગુસ્સો બંને ઉગ્ર. પણ મારાં માતુશ્રી એમની એકેએક ચીજની બરાબર સંભાળ રાખે. એક વાર બંડીના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો. રૂમાલ ફાટેલો હતો એટલે જયભિખ્ખુએ બધાં કપડાં ખાનામાંથી કાઢીને પાથરીને મૂકી દીધાં. જયભિખ્ખુ જ્યારે લખતા હોય ત્યારે સહેજે અવાજ ન થવો જોઈએ, આથી મારાં માતુશ્રી ખૂબ શાંતિથી ઘરકામ કરે. સહેજે અવાજ ન થાય એની સાવધાની રાખે. કોઈ મળવા આવે તો એવી જગાએ બેસાડે કે જેથી એનો અવાજ એમને સંભળાય નહીં.

જયભિખ્ખુ ઘેર આવે ત્યારે તદ્દન શાંતિ હોવી જોઈએ એવો એમનો આગ્રહ. આથી એ બહારથી આવીને સાંજે ઘરમાં પગ મૂકે એટલે મારાં માતુશ્રીને તૈયાર થઈને સ્વચ્છ કપડાં પહેરીને બેસવાનું હોય. જયભિખ્ખુ એકેએક માન્યતાને જ નહીં, બલ્કે એમની પ્રત્યેક ધૂનને એમણે હસતે મુખે પ્રેમથી જાળવી હતી અને આનંદથી માણી હતી. લગ્ન પછી બારમા વર્ષે મારો જન્મ થયો. નાનપણમાં શરીરનો બાંધો ઘણો નબળો એટલે વારંવાર બીમારી આવે. એકના એક સંતાનને ખૂબ જતનથી જાળવે. રોજ મારી પાછળ નાસ્તાની વાટકી લઈને ફરે. પિતાનો સ્વભાવ ગુસ્સાવાળો એટલે વારંવાર માતાના વાત્સલ્યસ્થાનમાં હૂંફ મેળવવા દોડી જતો. ઘરકામનો એને કદી કંટાળો નહિ. ગમે તેટલા અતિથિ આવે, તો એમને આનંદથી જમાડે. રસોઈ બનાવવાની કુશળતા તો ખરી જ, પરંતુ કોને શું ભાવે છે એ બરાબર યાદ રાખે અને એ ભોજન માટે આવે, ત્યારે ખાસ એ વાનગી બનાવીને આપે. જમતી વખતે પાસે બેસીને ભાવથી જમાડે. મારા પિતાને ભોજનમાં એકેએક વસ્તુ જોઈએ, પણ મારી માતા રસોડામાં લાંબો સમય હોય તો એને મજાકમાં રસોઇયણ કહે. મારા પિતા ઘેર ન હોય ત્યારે અથવા તો રાત્રે છાનામાના મારાં માતા કોઈ વાનગી કે ચીજવસ્તુ બનાવી રાખે.

કોઈ વાર કંઈક વધુ કામ કરવું પડે તો કોઈનીય સાથે કશી ચડભડ કર્યા વિના કામ કરે. તેઓ વારંવાર કહે, ‘કામનો થાક તો આરામ કરવાથી ઊતરી જાય, પરંતુ વિખવાદથી થયેલો મન પરનો થાક ઊતરતો નથી.’ એમનામાં વ્યવહારકુશળતા પણ ઘણી. કુટુંબમાં લગ્ન હોય તો ઘણા દિવસ અગાઉથી સહુ એમને બોલાવે અને વ્યાવહારિક સલાહસૂચનો લેતા હતા.

ગરીબો તરફ ભારે હમદર્દી. ઘર પાસેથી કોઈ ચપટી લોટ લીધા વિના જાય તો એને ખેંચે. પોતાની મૂડીનો ઉપયોગ દાનમાં જ કરે. કોઈ જરૂરિયાતવાળો આવે તો એને ભાવથી બેસાડે. કુટુંબની વ્યક્તિની માફક એને ચા-નાસ્તો આપે અને પછી જે કંઈ મદદ કરવાની હોય તે કશુંય બોલ્યા વિના એમ જ એના હાથમાં મૂકી દે !

કુટુંબની પ્રત્યેક વ્યક્તિ માટે મરી પડે ! કોઈ બીમાર છે એવી ખબર પડે તો વાના જૂના દર્દને કારણે પગથિયાં ચડાતાં ન હોય તોય એ દાદરા વચ્ચે બેસીનેય એમની ખબર પૂછવા જાય. દેરાણીઓ તરફ સગી બહેનો જેવી મમતા રાખે. વર્ષમાં ચારેક વખત કુટુંબીજનોનો મેળો થતો, ત્યારે નાનાંમોટાં સૌની સાથોસાથ મારાં માતા ગાવા લાગી જાય. એમના આવા આનંદસભર જીવનમાં એક અણધારી આઘાતજનક ઘટના બને છે અને ફરી એમની સૂઝ, સમતા અને ધૈર્યની કસોટીનો પડકાર ઊભો થાય છે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑