અંતિમ વેળાએ અમૃત (મારો અસબાબ-2)

1969ની ચોવીસમી ડિસેમ્બરની સાંજની પ્રત્યેક ક્ષણ આજેય ચિત્તમાં એટલી જ તાદૃશ છે. આજે પણ સાંજે ઘેર બેઠો હોઉં, ત્યારે અસ્તાચળની ઉદાસી મન પર ગમગીનીની છાયા લીંપી દે છે.

કેટલીક ઘટનાને કાળ ભૂંસી શકતો નથી કે સમય ભુલાવી શકતો નથી. ચિત્ત પર એ એવી અંકિત થઈ ગઈ હોય છે કે એની નાનીશી સ્મરણ-રેખાનું સ્મરણ થતાં આપોઆપ એ ભૂતકાલીન ઘટનાના પળેપળનાં આઘાત-પ્રત્યાઘાતનાં દૃશ્યો સ્મૃતિની ઊંડી ગર્તામાં બહાર આવીને મનઃપ્રત્યક્ષ થઈ જાય છે. પાંચ પાંચ દાયકા વીતી ગયા હોવા છતાં એ ઘટના ચિત્તની આંખ સામેથી જરાય અહીં-તહીં ખસી નથી અને એની દૃશ્ય-રેખાઓ મનમાં સહેજે વિલાઈ નથી.

એ સાંજે મારા પિતા (સાહિત્યકાર જયભિખ્ખુ) પર હાર્ટઍટેકનો ગંભીર હુમલો થયો અને બે-ત્રણ મિનિટમાં તો એવો ધરતીકંપ સર્જાયો કે અમે સહુ એ અકલ્પ્ય ઘટનાથી દુઃખ-વેદનામાં ધરબાઈ ગયા.

અકળ મૃત્યુને તો કોણ કળી શક્યું છે ? જેણે એમ કહ્યું કે હું કળી શકું છું અને એ ઘડી કહી શકું છું, એય ભાગ્યે જ કળી શક્યા છે. આમ તો ‘જયભિખ્ખુ’નો દેહ રોગનું ઘર બન્યો હતો. છેલ્લાં પંદર વર્ષથી ડાયાબિટીસ હોવા છતાં તેમણે મોજથી મીઠાઈ ખાધી ને અન્યને ભાવથી ખવડાવી હતી. પિસ્તાળીસથી વધુ વર્ષથી આંખો નબળી હતી. દસ વર્ષથી બ્લડપ્રેશર રહેતું હતું. છેલ્લાં બે વર્ષથી કિડની પર પણ થોડી અસર થઈ હતી. પગે સોજા રહે, ક્યારેક કબજિયાત કે કફ થઈ આવે, આમ છતાં ઇચ્છાશક્તિના બળે પોતીકી મોજ-મસ્તીથી રહેતા હતા. પોતાની રોજનીશીમાં અવસાનના એક મહિના પૂર્વે રોગોની લાંબી સૂચિ આપીને નોંધે છે.

‘મનમાં ખૂબ મોજ છે, જિંદગી જીવવાની રીતે જિવાય છે.’

‘જિંદગી જાત્રા જેવી, રાજા-મહારાજા જેવી, શ્રીમંત-શાહુકાર જેવી ગઈ છે, તેથી પાછળ સહુએ હસતે મોઢે રહેવું.’

એમણે લખી રાખેલા વિદાય સંદેશનું અંતિમ વાક્ય છે, ‘સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.’

આવાં દર્દો ધરાવનારનું મૃત્યુ સામાન્યતઃ દીર્ઘ અને દર્દભરી બીમારી બાદ થતું હોય છે, પણ કોણ જાણે કેમ જયભિખ્ખુ એમના આગવા મિજાજથી મિત્રોને અને પરિવારજનોને કહેતા કે મારું મૃત્યુ એકાએક જ થશે. અરે ! વહેલી સવારે તમે અખબાર ખોલશો અને જાણ થશે કે તમારા આ મિત્રએ વિદાય લીધી છે ! વિદાય લેતાં પૂર્વે મારા સ્વજન તરીકે મને તમારી પ્રેમાળ ઉપસ્થિતિ મળશે નહીં.

આવું શા માટે કહેતા હશે ? કદાચ એવું પણ હોય કે ખુમારી અને મિજાજથી જિંદગી જીવનારા આ સર્જકને લાંબી બીમારીની લાચારી પસંદ ન હોય. પિતાની સમૃદ્ધિમાંથી એક પાઈ પણ ન લેનાર અને વેપારને ખોળે માથું મૂકીને જીવતા સમાજમાં કલમને ખોળે માથું મૂકીને ખુમારી અને સ્વમાનથી જીવનાર જયભિખ્ખુને મૃત્યુ વેળાએય કોઈ લાચારી ખપતી નહોતી.

અમને સહુને તો ઘણી વાર કહેતા કે હું જાતે પાણીનો પ્યાલો પીતો હોઉં, તે રીતે આખરી વિદાય લઈશ. કોઈ પાણી પાય અને મારે પાણી પીવું પડે એવું ઓશિયાળાપણું સહેજે ન પરવડે. એમની આવી વાત સાંભળીને ઘણી વાર જયાબહેન મીઠો ઝઘડો પણ કરતાં અને કહેતાં પણ ખરાં કે શું અમે બધાં એવાં છીએ કે તમારી સેવા ન કરીએ ? પણ જેમ જીવનમાં એમણે એમનું ધાર્યું કર્યું, એ જ રીતે મૃત્યુમાં પણ પોતાનું ધાર્યું જ કર્યું !

1969ની ચોવીસમી ડિસેમ્બરની એ સાંજે એમને ફ્લૂનો 102 ડિગ્રી તાવ હતો; અમે બધાં એમના લેખન-ખંડમાં બેઠાં હતાં. કહ્યું કે કૉફી પીવી છે. કૉફી આવતાં મારાં માતાએ કહ્યું, ‘લાવો, હું તમને પિવડાવું.’ એમણે ચોખ્ખી ના પાડી. કોઈના ટેકા વિના જાતે પલંગ પર બેઠા અને રકાબીમાં કૉફી લઈને નિરાંતે પીધી. એ પછી પથારીમાં જરા આડા પડ્યા કે સિવિયર હાર્ટઍટેક આવ્યો. તરત ડૉક્ટર આવ્યા, મસાજ કર્યું, પણ કશું કારગત ન નીવડ્યું.

અમારા સહુને માથે તો ધોળે દિવસે વીજળી પડી ! ખરે બપોરે મધરાત થઈ. એકાએક કોઈ ડુંગર માથા પર તૂટી પડે અને એ ડુંગરની શિલાઓ સતત નીચે ગબડતી હોય એવો અનુભવ થયો. મેં માત્ર છત્રછાયા સમા પિતા જ ગુમાવ્યા નહોતા, બલ્કે એક જિગરજાન મિત્રે એકાએક હાથતાળી આપી દઈને પળમાં છેતરીને વિદાય લઈ લીધી હોય, તેમ લાગ્યું !

આવે સમયે હું સતત ગમગીન રહેતો હતો. રોજ ‘જયભિખ્ખુ’ની સાથે બેસીને ભોજન લેવાનું હોય, આથી ટેબલ પર બેસું કે સઘળી સ્મૃતિઓ સળવળી ઊઠે ! હું જમ્યા વિના જ ઊભો થઈ જતો.

બે દિવસ પછીની એક સાંજે હું ઉદાસ બેઠો હતો. મારાં માતા મારી પાસે આવ્યાં અને હિંમતથી કહ્યું, ‘તું સિંહનું સંતાન છે. તું આમ કાયર ન થા. મને જો, હું કેટલી હિંમત રાખું છું. તું જાણે છે કે મને એમને માટે કેટલું બધું હતું, પણ હવે હું તારા દીકરા પર નજર રાખીને જીવું છું.’

માતાની હિંમત જોઈને હું ચકિત થઈ ગયો. વાત સાવ સાચી હતી.

હકીકતમાં હું વિચારતો હતો કે મારી માતા તો કેટલી બધી નોંધારી થઈ ગઈ ! એના જીવનનું કેન્દ્ર જ નહીં, કિંતુ જીવનસર્વસ્વ પળમાં હરાઈ ગયું હતું. પણ આ વિપદ વેળાએ સંતાન અને પરિવારને કાજે એમણે અડગ ધૈર્ય દાખવ્યું. પિતાની એવી ઇચ્છા કે એમના મૃત્યુ વખતે કોઈ રડે નહિ. એમણે એ જ દૃઢતા રાખીને એમની ઇચ્છાનું એમના મૃત્યુ પછી પૂર્ણ રૂપે પાલન કર્યું.

મારા પિતાનું અવસાન થયું ત્યારે મારા મામા હૉસ્પિટલમાં હતા. એમણે અમદાવાદના વિખ્યાત આંખના ડૉક્ટર શ્રી મદનમોહન પરીખ પાસે મોતિયાનું ઑપરેશન કરાવ્યું હતું. એ જમાનામાં મોતિયાના ઑપરેશન પછી અઠવાડિયું હૉસ્પિટલમાં ચત્તાપાટ સૂઈ રહેવું પડે. કાળા ડાબલા જેવાં મોટાં ચશ્માં પહેરવાં પડે. આંખની ખૂબ સંભાળ લેવી પડે. ઉધરસ કે છીંક ન આવવી જોઈએ. એમને આ સમાચાર મળે તો સાહિજક રીતે જ પોતાના બનેવીના અવસાનના આઘાતથી રડવા લાગે. તો હંમેશને માટે દૃષ્ટિ ગુમાવવાનો ભય હતો. એમને આ સમાચાર મળે નહીં, તે માટે અમે સહુએ એમની ચોપાસ પહેરો ગોઠવ્યો હતો.

હૉસ્પિટલમાં મારાં મામી મળવા આવનારને પહેલેથી જ સૂચના આપતાં કે આ માઠા સમાચાર અંગે એક શબ્દ પણ બોલશો નહીં. દૈનિક પત્ર પણ એમને મળે નહીં. કદાચ કોઈ વાંચી સંભળાવે અને જાણ થઈ જાય તો ! મારા પિતાના અવસાન બાદ ત્રણેક દિવસે મામાને ઘેર લાવ્યા. હવે એમને આ અકાળ અવસાનના કારી આઘાત સમા સમાચાર કહેવા કઈ રીતે ? બહેન પરનો વજ્રાઘાત ભાઈ પર કેટલો બધો દુઃખદ નીવડે ? કોણ સમજાવે ? કોણ સાંત્વના આપે ? ઘણા સંબંધીઓ અંગે વિચારણા થઈ. છેવટે મારી માતાએ એમને સમજાવવાનું માથે લીધું. મામાની પાસે જઈને સ્વસ્થતાથી ધીરે ધીરે સઘળી વાત કરી. મામા લાગણીનો ઊભરો ઠાલવે તે પહેલાં એમને અટકાવતાં મારી માતાએ કહ્યું, ‘ભાઈ, રડશો નહિ. રડશો તો મરનારને દોષ લાગશે. બનવાનું હતું તે બની ગયું છે.’

અને આ રીતે એક મહાસંકટમાંથી અમે મુક્ત થયાં. આમેય મારા પિતા એમની હિંમત અને સાહસ માટે આસપાસના સમાજમાં જાણીતા હતા. જાનનું જોખમ વહોરીને એમણે અસામાજિક તત્ત્વોને ઝડપવામાં કે ખુલ્લાં પાડવામાં ક્યારેય પાછી પાની કરી નહોતી. મારા પિતાનું સાહસ સામાજિક કાર્યોમાં પ્રગટ થયું, તો મારાં માતાનાં ધૈર્ય અને હિંમત કુટુંબવ્યવહારની કપરી ગૂંચો ઉકેલતી વખતે જોવા મળ્યાં.

મારાં માતા વિશે વિચારું છું ત્યારે મને એમની દૃઢ હિંમત કરતાં એમનું અપાર વાત્સલ્ય વધુ સ્પર્શી જાય છે. માતાને વાત્સલ્યનું રૂપ કહ્યું છે અને આજે પણ મને સતત પ્રશ્ન થાય છે કે મારાં માતાનું વાત્સલ્ય માત્ર મને જ સાંપડ્યું છે ? ના, મારા મસિયાઈ ભાઈ કિશોરભાઈ દોશી અમેરિકાના હ્યુસ્ટનમાં બાયપાસ સર્જરી કરાવતી વખતે ઇચ્છા રાખે કે માશી એ સમયે હાજર રહે તો સારું. ઇંગ્લૅન્ડ વસતા મારા કાકાના દીકરા ડૉ. શરદ દેસાઈને સૌથી વધુ ખબર પૂછવાની આતુરતા મારાં માતાની રહેતી હતી. આવી જ રીતે જ્યાં જોઉં છું ત્યાં મારી આસપાસના મિત્રો, સ્નેહીઓ અને સગાંઓનું હૃદય આજેય મારાં માતા પાસેથી પ્રાપ્ત કરવા વાત્સલ્યથી ભરપૂર છે. આ વાત્સલ્ય પર મારા એકલાનો અધિકાર છે ? ના, એ સહુ કોઈ પર વાત્સલ્યની વર્ષા કરનારાં માતા હતાં !

1990માં એમને ‘બુલિસ પેમ્પીંગૉઇડ’ નામનો સ્કીનનો યાતનાભર્યો રોગ થયો. શરીર પર દાઝ્યા હોય, તેવા મોટા ફોલ્લા થાય, અસહ્ય પીડા થાય. સ્થૂળ શરીરને કારણે ચાલવાની વાત તો દૂર રહી, પણ બેસવાનીય મુશ્કેલી પડવા લાગી. આવે સમયે પ્રસિદ્ધ સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉ. સી. એફ. શાહ એમને તપાસવા આવ્યા, મારાં માતાએ ખૂબ શાંતિથી એમની સાથે દર્દ અંગેની સઘળી માહિતી આપી. ડૉક્ટરને આશ્ચર્ય થયું કે આટલું બધું ગંભીર દર્દ અને ચહેરા પર આટલી બધી શાંતિ ! વાણીમાં આટલું બધું વહાલ ! એમણે નીકળતી વખતે કહ્યું, ‘ભાઈ, કેટલાક દર્દી ડૉક્ટરને શીખવે છે. તમારાં માતુશ્રીની શાંતિ અને સમતામાંથી અમારે શીખવા જેવું છે.’

લગભગ છ મહિના સુધી એમની માંદગી ચાલી. એ સમયે અનિવાર્ય એવા અધ્યાપનકાર્ય સિવાય ક્યાંય બહાર ગયો નહીં. પર્યુષણપર્વ સમયે સિંગાપોર જૈન સોસાયટીમાં પ્રવચનો આપવા જવાનું હતું. એને માટે મારા મિત્ર અને સિંગાપોરના જૈન સમાજના અગ્રણી શ્રી નગીનદાસ દોશીએ વારંવાર અતિ આગ્રહ કર્યો અને પ્રત્યેક સમયે મારે ક્ષમાયાચના જ કરવી પડી ! દાનવીર શ્રી દીપચંદભાઈ ગારડીને મારાં માતાની બીમારીની જાણ થઈ. એ મુંબઈથી ખબરઅંતર પૂછવા માટે ખાસ આવ્યા અને જતી વખતે એકત્રિત થયેલા પરિવારને એમણે કહેલા એ શબ્દો આજેય સ્મરણમાં છે. એમણે કહ્યું,

‘તમને બધાને સેવા ક૨વાનો મહાપુણ્યનો અવસર મળ્યો છે.’

ધીરે ધીરે માતાનો જીવનદીપ બુઝાતો જતો હતો અને એક દિવસ મને એમની પાસે બોલાવ્યો. બારણું બંધ કરવાનું કહ્યું. મને થયું કે જરૂ૨, કુટુંબની સંભાળ અંગે કોઈ અંગત વાત કરવાની હશે, ત્યારે એમણે કહ્યું, ‘મારે કોઈની સંભાળ તને સોંપવાની નથી. આપણા કુટુંબના બે યુવાન છોકરાઓ પર આપત્તિ આવી હતી અને એમના પરિવારને જાળવવાની જવાબદારી મેં તને સોંપી હતી તે તો તેં નિભાવી છે. હવે મારે તને એક વાત કહેવાની છે.’

‘કહો’,

એમણે કહ્યું, ‘મારે તને ત્રણ શીખ આપવાની છે. એક એ કે ‘સારું જોજે.’

આ જગતમાં ઘણા કાંટા જીવનમાં ચુભાતા હોય છે, પરંતુ એને ભૂલીને સઘળે ગુલાબ જોજે. શુભ દૃષ્ટિથી તને સોહામણું જગત મળશે. બીજી વાત એ કે ‘સૌનું જોજે’. પોતે સુખી હોય તેટલું પૂરતું નથી. પરિવારજનો સુખી હોય અને આસપાસના સ્વજનો સુખી હોય, તેને માટે પ્રયત્ન કરજે અને ત્રીજું ‘ઊંચું જોજે.’ જે કંઈ પ્રાપ્ત થયું હોય, એનો મિથ્યા ગર્વ કે અભિમાન કરવાને બદલે તારાથી વધુ ઊંચી પ્રાપ્તિ કે સિદ્ધિ મેળવનારને નમ્રતાથી જોજે અને તે પામવા પ્રયત્ન કરજે. બસ ! મારી આ ત્રણ વાત છે.’

છ મહિનાની લાંબી માંદગીમાં સ્વસ્થતાથી દર્દની વેદના પચાવનારાં માતાએ 1990ની પહેલી મેએ વિદાય લીધી, પણ એમનો વિદાયસંદેશ એ મને આગમસૂત્રો, ઉપનિષદો કે શ્રીમદ્ ભગવદ્ગીતા કરતાંય વધુ જીવનકલા શીખવી ગયો. એમણે આપેલી કોઠાસૂઝ, વિષમ પરિસ્થિતિ વચ્ચે શાંતિથી ટકી શકવાનું બળ, વિરોધો વચ્ચે માર્ગ કાઢવાની શક્તિ અને પરોપકાર અને પ્રસન્નતાથી જીવવનાની એમની દૃષ્ટિ આજેય અદૃષ્ટ માર્ગદર્શન આપે છે !

પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર લેખક જયભિખ્ખુના પરમ મિત્ર હતા અને જયભિખ્ખુ અને ધીરુભાઈ ઠાકરના કુટુંબ વચ્ચે ઘરોબો હતો. આથી જયભિખ્ખુ અને જયાબહેન બંનેના સ્નેહને પામનારી ડૉ. ધીરુભાઈ ઠાકરની પુત્રી હિના નીતિન શુક્લ મને હંમેશાં કહે છે : ‘તમે બાલાકાકા(જયભિખ્ખુ)નું જીવનચરિત્ર લખ્યું, પરંતુ તમારે જયાકાકીનું જીવનચરિત્ર લખવું જોઈએ.’

પણ ક્યાંથી લખી શકું ? જેમ જેમ જીવન વ્યતીત થાય છે, તેમ તેમ એમણે આપેલી સમજનાં નવાં પુષ્પો નિહાળું છું.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં અમારાં આદરણીય સહયોગી એવાં ગુજરાતનાં પ્રસિદ્ધ લેખિકા ધીરુબહેન પટેલ ઘણી વાર કપરા સંજોગોને શાંતિથી ઉકેલવાની મારી રીત જોઈને મને સવાલ કરે છે કે આ આવડત તમને મળી ક્યાંથી? ત્યારે હું જવાબ આપું છું, ‘મારાં માતા પાસેથી’. એ હસતાં હસતાં કહે છે, ‘મને તમારી માનો એક ફોટો આપો ને !’ જે ફોટાએ જીવન આપ્યું અને એથીય વધારે જીવનકલા શીખવી, એ હૈયાસરસો ચાંપી રાખેલો ફોટો હું તમને કઈ રીતે આપી શકું ?

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑