જીવનનો અસબાબ ખોલીએ એટલે તત્કાળ બાળપણનાં સોનેરી સ્વપ્નાં અને સ્મરણો મનના આકાશમાં ઊડાઊડ કરવા લાગે! બાળપણની નિર્મળ, નિર્દોષ આંખોમાં તીવ્ર જિજ્ઞાસાનું ઘેરું આંજણ આંજીને ચોપાસના જગતને જોયું, ત્યારે કેવો રોમહર્ષક અનુભવ થયો હતો ! આજે સાવ સામાન્ય કે નગણ્ય લાગતી કેટલીય વસ્તુઓ એ સમયે કેવી ભવ્ય અને આકર્ષક લાગતી હતી ! દોસ્તોની સાથે નદીમાં ધુબાકા લગાવવાની, ગોઠિયાઓ સાથે નિરુદ્દેશે ભ્રમણ કરવાની કે પછી પૂરી-પકોડીની જ્યાફત ઉડાડવાની ઘટના અપૂર્વ રોમાંચ જગાવતી હતી. ઉંમર વધતાં આનંદ અને રોમાંચ અનુભવવાની માત્રા સતત ઘટતી જાય છે !
જિજ્ઞાસાની પાંખે અને મનની આંખે એ સૃષ્ટિ કેવી અલૌકિક લાગતી હતી ! બાળપણની કેટલીય છાપ અને છાયા મનના કોઈ અગોચર ખૂણામાં લપાઈને બેઠી હોય છે. આવા બાળપણમાં જીવનઘડતરનાં જે બીજ રોપાય છે, એ પછી તે દ્વિગુણિત થતાં રહે છે. બાળપણનાં એ સ્મરણોને યાદ કરું તો એમ લાગે છે કે કેવા મહાન અક્ષરઆરાધકો સાથે બાળપણ ગાળવાનું મળ્યું ! ઝવેરચંદ મેઘાણીના ખોળામાં ખેલવાનું મળ્યું, ‘ધૂમકેતુ’ પાસેથી મજાની ચૉકલેટો મળી અને વિખ્યાત ચિત્રકાર કનુ દેસાઈ પાસેથી નિશાળનાં ડ્રૉઇંગ પેપર પર ચિત્ર મળ્યાં. ચિત્રકાર ‘ચંદ્ર’ હોય કે ‘શિવ’ – ઘેર આવે એટલે એમણે મને એક ચિત્ર દોરી આવવાનું દાપુ ચૂકવવું જ પડે.
પિતાશ્રી ‘જયભિખ્ખુ’ સાહિત્યકાર હોવાથી જીવનના પ્રારંભે જ સર્જકો વચ્ચે રહેવાનો લાભ મળ્યો. હજી આજેય કાન પર ઘરમાં પ્રવેશતા ઝવેરચંદ મેઘાણીનો ‘કાં ભાઈ’નો લહેકો અથડાયા કરે છે. ‘ધૂમકેતુ’ આવે ત્યારે પોતાના ખિસ્સામાં ચૉકલેટ લઈને આવે અને પહેલાં અમને બાળકોને બોલાવીને ચૉકલેટ આપે પછી ‘જયભિખ્ખુ’ સાથે સાહિત્યચર્ચા કરવા બેસે. કોઈ પણ ઋતુ હોય, પણ એમણે શાલ તો ઓઢેલી જ હોય ! ગુણવંતરાય આચાર્ય રજવાડાંની દુનિયાની અલકમલકની વાતો કહે, મજેદાર ટુચકા અને માર્મિક ઓઠાં કહે, પડછંદ કાયા અને પ્રભાવક ચહેરા સાથે વાતને મલાવીને હલકભેર કહેવાની એમની છટા જ અનોખી. મનુભાઈ જોધાણી કોઈ ગ્રામજીવનના પાત્રની વાત કરે, તો દુલેરાય કારાણી જુસ્સાભેર કચ્છની અજાણી વી૨કથાનું શૌર્યપાન કરાવે. કાગ બાપુનો આગવો દેખાવ, લાંબી દાઢી અને બાજુમાં હોકો અને પછી રામાયણની કથાનું રહસ્ય એવી રીતે પ્રગટ કરે કે ચિત્ત તરબોળ થઈ જાય.
શૈશવમાં કોઈની છબીએ સૌથી વધુ પ્રભાવ પાડ્યો હોય તો તે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ. કિશોર અવસ્થામાં શીતળાને કારણે પંડિત સુખલાલજીએ બંને આંખો ગુમાવી હતી, પણ પ્રજ્ઞાનું તેજ અપાર હતું. તમે એમને મળવા માટે રૂમમાં પ્રવેશો ત્યારે માત્ર પગરવ પરથી તમારા નામ સાથે આવકારો આપતા ! એમણે ગ્રંથો તો નરી આંખે જોયા નહોતા, પરંતુ એના સંદર્ભો એવી રીતે આપે કે જાણે એમણે મનની આંખે આખો ગ્રંથ વાંચ્યો ન હોય ! કોઈ વિચારના આધાર માટે કોઈ આધ્યાત્મિક શ્લોકનો ક્રમ આપીને પોતાની વાતને પુષ્ટ કરતા. એમની વાણીમાં શાસ્ત્રોનો અભ્યાસ સત્યપૂત રીતે પ્રગટ થતો.
એ સમયે એવો અનુભવ થયો કે અંધ કે વિકલાંગ વ્યક્તિમાં કેટલી અપાર શક્તિ રહેલી હોય છે. ઇંદ્રિયોની મર્યાદાને ઓળંગવાનો કેવો પ્રચંડ પુરુષાર્થ એમના જીવનમાં રહેલો છે ! આવી છબીને કારણે વિકલાંગ(દિવ્યાંગ) વ્યક્તિની શક્તિને જોવા માટે મેં સતત પ્રયાસ કર્યો. એને પરિણામે સમય જતાં ‘અપંગના ઓજસ’ નામનું પુસ્તક લખ્યું. વિકલાંગ વ્યક્તિઓએ પોતાની શારીરિક મર્યાદાઓ કેવી રીતે ઓળંગી અને કઈ રીતે ઐતિહાસિક સિદ્ધિઓ અને વિક્રમો હાંસલ કર્યાં તેની કથાઓ મેળવીને તેમની સંઘર્ષગાથાનું એમાં આલેખન કર્યું. શૈશવની એ છાપ ગ્રંથ રૂપે શબ્દસ્થ થઈ ને ગુજરાતીમાં ‘અપંગનાં ઓજસ’ (આઠ આવૃત્તિ) અને એ પછી એનો અનુવાદ ‘Brave Hearts’ (ચાર આવૃત્તિ) અને ‘अपाहिज तन, अडिग मन'(ત્રણ આવૃત્તિ) જેવાં પુસ્તકોની રચના થઈ.
ચોપાસ પુસ્તકોની દુનિયા અને વાચનનો શોખ. કોઈ પુસ્તક નવું આવે કે જોવા મળે તો જાણે કોઈ નવી દુનિયા મળી ગઈ ! શબ્દના સથવારે એ દુનિયાનો અનુભવ પામવા દોડી જતો. પુસ્તકનું ‘વાચન’ સમયનું વિસ્મરણ કરાવી દેતું ! ભોજન બાજુએ પડ્યું રહેતું અને વાંચનની સફરમાં સાંજ છેક મધરાત સુધી લંબાઈ જતી.
એ સમયે ‘ગુજરાત સમાચાર’ દૈનિકની જીવાદોરી એનું બાલસાપ્તાહિક ‘ઝગમગ’ હતું. ‘ગુજરાત સમાચાર’ દૈનિકની દસેક હજાર કૉપી ખપતી હતી ત્યારે એના બાળસાપ્તાહિક ‘ઝગમગ’ની ચાલીસ હજાર ! એણે ગુજરાતનાં બાળકોમાં જેટલો રસ જગાવ્યો હતો, એટલો ભાગ્યે જ કોઈ બાળસામયિકે જગાવ્યો હશે ! એલિસબ્રિજ વિસ્તારમાં ફેરિયાઓ ‘ઝગમગ’ બાલસાપ્તાહિક સહુ પહેલું એલિસબ્રિજ (આજના ગાંધીગ્રામ) સ્ટેશન પર વેચવા લઈ આવતા. રેલવે-સ્ટેશને વહેલો પહોંચી જતો અને ફેરિયાની બૂમની રાહ જોતો. કોઈક દિવસ મોડું થયું હોય તો માદલપુરથી રેલવેના પાટા પર દોટ મૂકીને સ્ટેશન પર પહોંચી જતો. વરસાદ આવતો હોય તો ‘ઝગમગ’ સાપ્તાહિકને ખમીસ નીચે ઢાંકીને, સહેજે પલળે નહીં તે રીતે જાળવીને ઘેર લાવતો હતો. ઘેર પહોંચીને પહેલું કામ એ આખુંય સાપ્તાહિક વાંચવાનું કરતો. વાંચ્યા પછી સાપ્તાહિકના અંકોની ગોઠવણી કરીને સરસ ફાઈલ બનાવતો.
આ સમયે રોજ સવારે મારા પિતા ‘જયભિખ્ખુ’ને લેખનકાર્ય કરતા જોતો હતો. તેઓ ટેબલ પર બેસીને શાહીમાં કલમ બોળીને સુંદર અક્ષરે લખતા હોય. એ લેખ દૈનિકો અને સામયિકોમાં પ્રગટ થતા હોય. મને પણ એમ થતું કે આવું લખવા મળે અને તે પ્રગટ થાય તો કેવું સારું !
કોણ જાણે કેમ પણ બાળપણથી જ દેશના ક્રાંતિકારીઓની જીવનકથા વાંચવી ખૂબ ગમતી હતી. ક્યારેક અંગ્રેજોને થાપ આપીને અદૃશ્ય થઈ જતા નાનાસાહેબ પેશ્વા દેખાય તો ક્યારેક હસતે મુખે દેશને ખાતર ફાંસીના માંચડા પર ચડી જતા ભગતસિંહ મનને ઘેરી લેતા હતા, તો વળી ક્યારેક મૂછ પર તાવ દેતા ચંદ્રશેખર આઝાદની છબી મનમાં જડાઈ જતી હતી. રાત્રે સ્વપ્નમાં પણ અંગ્રેજોને હંફાવતા ક્રાંતિકારીઓ જોવા મળતા. એમનાં પરાક્રમોથી મારી બાળસૃષ્ટિ ઊભરાઈ જતી.
એક દિવસ હાથમાં કલમ લઈને કોઈ કથા લખવાનો વિચાર કર્યો. બીજી કથા આવે પણ ક્યાંથી ? એક અનામી શહીદની વાર્તા લખી અને મારા પ્રિય સાપ્તાહિક ‘ઝગમગ’માં મોકલી. મનમાં થયું કે નામ શું લખું ? વિચાર કર્યો કે ‘જયભિખ્ખુ’નો પુત્ર છું એવું કોઈ કાળે જણાવા દેવું નહોતું, કારણ કે એ કારણે વાર્તા પ્રગટ થાય તો એમાં મજા શી ? ‘જયભિખ્ખુ’નું મૂળ નામ હતું બાલાભાઈ. કદાચ બાલાભાઈ નામ લખવાથી પણ તંત્રીને ખ્યાલ આવી જાય તો ? પરિણામે ‘કુ. બા. દેસાઈ’ના નામથી અનામી શહીદની વાર્તા ‘ઝગમગ’માં પ્રસિદ્ધ કરવા માટે ગુજરાત સમાચાર કાર્યાલયમાં ટપાલથી મોકલી.
વળતી ટપાલે સ્વીકારનો પત્ર આવ્યો અને આપણા આનંદનો તો પાર ન રહ્યો ! જાણે ઈડરિયો ગઢ જીત્યા ! પહેલો લેખ સ્વીકારાય અને પ્રગટ થાય એ સમયની લહેજત, રોમાંચ અને સિદ્ધિના શિખરે બિરાજતો આનંદ કંઈક ઓર હોય છે ! એ પછી જીવનમાં ગમે તેટલી વાર્તા પ્રગટ થાય, પુસ્તક લખાય, પણ પેલા પ્રથમ પ્રેમ સમો રોમાંચ પુનઃ સાંપડતો નથી.
થોડા સમયમાં ‘ઝગમગ’ સાપ્તાહિકના તંત્રીએ અનામી શહીદની વાર્તા ત્રીજે પાને સરસ રીતે પ્રગટ કરી. મનમાં થયું કે બે-ત્રણ વધુ નકલ લઈ આવું કે જેથી મિત્રોને એ રુઆબભેર બતાવી શકાય. એની નકલો લેવા માટે ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયમાં ગયો અને ‘ઝગમગ’ના તંત્રીને મળ્યો. એમણે કુ. બા. દેસાઈ જેવા વિચિત્ર નામની સમજૂતી આપી. એ સમયે હું પકડાઈ ગયો. સાચી ઓળખ છતી થઈ ગઈ. જ્યારે એમણે જાણ્યું કે ગુજરાતના સિદ્ધહસ્ત લેખક ‘જયભિખ્ખુ’નો હું પુત્ર છું, ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો. એમણે મને બેસાડ્યો અને ‘ઝગમગ’માં દર અઠવાડિયે નિયમિત રૂપે એક કૉલમ લખવા કહ્યું. એ કૉલમનું નામ હતું ‘ઝગમગતું જગત’ અને આમ નાની વયથી જ નિયમિત કૉલમ લખવાનો મહાવરો થઈ ગયો. એ પછી શ્રી રમણલાલ ના. શાહને ‘બાલજીવન’ માટે વાર્તા મોકલી. આ વાર્તાને પહેલું ઇનામ મળ્યું અને એ રીતે લખવાનું શરૂ કર્યું. ત્રેવીસ વર્ષની ઉંમરે તો પહેલું પુસ્તક પ્રકાશિત થયું. શૈશવનાં સ્વપ્નાં શબ્દોમાં પરિણમ્યાં. આમાં માતૃભૂમિ માટે સમર્પણ કરનારા ભેખધારીઓની કથા આપી. પુસ્તકને નામ આપ્યું, ‘વતન, તારાં રતન’. આ પુસ્તકમાં અંગ્રેજોના દમનનો સામનો કરનાર લાલા લજપતરાયની કથા હતી, તો યુવાન ચંદ્રશેખરની શહીદ-ગાથા હતી. બંને આંખે બહુ ઓછું જોઈ શકનારા પં. વિષ્ણુ દિગમ્બરના પુરુષાર્થની કથા લખી, જેમાં તેઓ અપાર મુશ્કેલીઓ વેઠીને કઈ રીતે મહાન સંગીતકાર બન્યા, તેની પુરુષાર્થ કથા લખી. બાસઠ પાનાંનું એ પુસ્તક બાળકો માટે લખ્યું હતું અને ત્યારથી બાલસાહિત્ય લખવાનો આરંભ થયો.
બાળપણમાં સહુને મોસાળમાં રહેવું બહુ ગમે. મારું મોસાળ હતું રાણપુર. આ રાણપુરમાં નદીએ ફરવા જઈએ તથા એની બાજુમાં આવેલા વિશાળ ગઢમાં ઘૂમીએ. ગઢના રાણાનાં પરાક્રમની ઘણી વાતો સાંભળવા મળતી. આખોય ઇતિહાસ ગઢના કાંગરામાંથી ગુંજતો હોય તેવું લાગે. ગઢમાં કેવી રીતે યુદ્ધ ખેલાયું હશે તેની કલ્પના આવે. નીચા વળીને ભમ્મરિયો કૂવો જોવાની બહુ મજા આવે. એના અંધારા અવાવરું ભોંયરામાં પણ થોડો સમય જતા. આ સ્મૃતિઓએ ઇતિહાસમાં રસ જગાડ્યો. એને પરિણામે શૌર્યકથાઓ અને ઇતિહાસકથાઓની રચના કરી.
શૈશવનાં એ સ્મરણોને યાદ કરું ત્યારે મને સાગરનાં મોજાં ઊછળતાં દેખાય છે. મુંબઈનો ચોપાટીનો કિનારો હોય કે પછી સોમનાથના મંદિર પાસે ઘૂઘવતો દરિયો હોય – એની સામે બેસીને કલાકો સુધી દરિયો જોયા કરતો. દરિયાનું એવું તો આકર્ષણ કે સઘળું ભૂલી જાઉં. આ વિરાટ દરિયા સામે બેસીને કેટલાય વિચારો આવે. એનાં ઊછળતાં મોજાંઓ, એના ફરતી નૌકાઓ અને અફાટ પાણી વચ્ચે ઘૂમતા નૌકાખેડુઓ – આ બધાં દૃશ્યો મનમાં જડાઈ જતાં. -શૈશવથી માંડીને આજ સુધી કુદરતી સૌંદર્યએ અઢળક આનંદ આપ્યો છે. શૈશવમાં શબ્દશિલ્પીઓનું સાંનિધ્ય મળ્યું. શહીદોનાં સ્વપ્ન મળ્યાં અને પ્રકૃતિનો પરિવેશ મળ્યો અને તેથી આજે શૈશવનાં મીઠાં સ્મરણો સંઘરી રાખવાં અને વારંવાર વાગોળવાં ગમે છે.