એ દિવસે અનુભવેલી નવી તાજગીનું સ્મરણ આજે પણ એટલું જ તરોતાજા છે. એ દિવસે પિતાની આંખમાં આશા હતી, તો માતાની આંખમાં ઉમંગ. દીકરો આજે નિશાળે ભણવા બેસવાનો ! ઘરના વાતાવરણમાં ચોતરફ નવો ઉત્સાહ અને ઉજાસ પ્રવર્તતો હતો. દફતર બરાબર તૈયાર કર્યું. એમાં પાટી અને પેન મૂક્યાં અને પછી માતા-પિતાએ કહ્યું, ‘નિશાળમાં ભણવાની બહુ મજા આવશે. કેટલાય દોસ્તો મળશે. ખૂબ ખૂબ ભણવા મળશે અને તું ખૂબ ભણજે.
નવું નકોર શર્ટ અને ચડ્ડી પહેરાવ્યાં અને પછી પિતા ‘જયભિખ્ખુ’એ પેંડાનું પૅકેટ કાઢીને પહેલાં ઘરમાં અને પછી પટેલના માઢમાં પડોશમાં રહેતા પટેલોને વહેંચ્યાં. અમદાવાદની વાડીલાલ સારાભાઈની હોસ્પિટલ પાસે આવેલા માદલપુર ગામમાં માઢમાં વસતા પટેલોને ‘જયભિખ્ખુ’નો ઉમંગ ઓળખાયો નહીં. દીકરો નિશાળે જાય, એમાં તે વળી કઈ મોટી વાત ! અહીં કેટલાક પટેલો ખેતી કરતા હતા, તો કેટલાકના ઘરની બહાર ઢોર-ઢાંખર બાંધેલાં હોય. પશુપાલન એ જ એમનો વ્યવસાય. પણ પડોશી પટેલોના મનમાં ‘જયભિખ્ખુ’ને માટે એવો ફાંકો હતો કે આપણાં વાસમાં પંડિત પણ વસે છે, અને તેય છેક કાશી બનારસમાં ભણી-ગણીને આવેલા પંડિત લેખક છે, એની જાણ નહીં ! એટલે એમણે મન વાળી લીધું કે જે પોતે પંડિત હોય અને એનો દીકરો ભણવા બેસાડે, તેમાં આવો હરખ થતો હશે.
એ જમાનામાં ‘નર્સરી સ્કૂલ’ એ માત્ર સંપન્ન પરિવારોનો એકાધિકાર ધરાવતી હતી. એમનાં સંતાનો ત્યાં ભણે. વળી અમારા કુટુંબમાં આવી કોઈ ‘નર્સરી સ્કૂલ’ની વાત પણ થતી નહોતી. હજી માંડ શહે૨માં સ્થિર થતા હતા, ત્યાં આર્થિક રીતે સહેજે પરવડે તેવું પણ નહોતું. આથી માદલપુરના માઢની બાજુમાં આવેલી મ્યુનિસિપલ શાળા નં. 6માં મેં પ્રવેશ મેળવ્યો. એ સમયે નવચેતન કે દીવાન બલ્લુભાઈ શાળા જેવી પ્રતિષ્ઠાસંપન્ન સ્કૂલો હતી, પરંતુ અમારે માટે તો આ સ્કૂલ એ કુટુંબની પહેલી પસંદ હતી, કારણ કે અમારા વડીલોનાં સંતાનોએ આ મ્યુનિસિપાલિટી નિશાળમાંથી જ વિદ્યારંભ કર્યો હતો.
આથી માતા-પિતાને બદલે મારા બાપુજી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના પુત્ર નીતિનભાઈ મને સ્કૂલમાં મૂકવા માટે સાથે આવ્યા. તેઓ આ સ્કૂલમાં ભણતા હોવાથી મારો પ્રવેશ અને પરિચય આસાન બનશે, એવી સહુની ધારણા હતી. એ જમાનામાં મ્યુનિસિપાલિટી સ્કૂલનો પણ એક મોભો-મરતબો હતો, પણ આપણે એવી શિક્ષણવ્યવસ્થા ઊભી કરી કે પ્રાઇવેટ સ્કૂલોનો મહિમા વધ્યો અને મ્યુનિસિપાલિટી સ્કૂલ સાવ પડી ભાંગી ! હમણાં અમદાવાદ મહાનગરમાં એવો સર્વે કરવામાં આવ્યો કે મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણીને કેટલા લોકો આગળ વધ્યા છે, તેની નામાવલિ તૈયાર કરવી. એનો અર્થ જ એ કે આજે એનું શિક્ષણ એ ઇતિહાસનો અવશેષ બની ગયું છે.
પણ ખેર, મારી મ્યુનિસિપલ શાળા નં. 6 ત્રણ માળ ધરાવતી હતી. નાની સાંકડી જગામાં ઊંચું મકાન. અડોઅડ ગોઠવી દીધેલી બેન્ચ અને સામે ટેબલ-ખુરશી અને બ્લૅકબોર્ડ. આટલું એક ખંડમાં સમાવી શકાય એટલે એ વર્ગખંડ કહેવાય.
પહેલા દિવસે નિશાળમાં પ્રવેશતાં જ આસપાસ આખી કોલાહલભરી બાળસૃષ્ટિ ઊભી થઈ ગઈ. કેટલાક તોફાન-મસ્તી કરવા લાગ્યા, જ્યારે હું ચૂપચાપ બેન્ચ પર બેસી રહ્યો. સ્વભાવમાં સંકોચ પણ ખરો અને એથીયે વધારે તો એકમાત્ર સંતાન હોવાને કારણે આપોઆપ જાગેલું અતડાપણું પણ. એ સમયે વર્ગમાં શિક્ષકનો પ્રવેશ થાય, એ આશ્ચર્યની અવધિ ગણાય. બસ, એમને તાકી તાકીને જોયા કરીએ. એમની કઠોર વાણી અમારામાં શિસ્ત તો ઠીક, પણ ભય જગાવતી હતી. એવી કઠોરતા કે આજ સુધી ચિત્તમાં કોઈ શિક્ષકનું નાનું સરખુંય સ્મરણ રહ્યું નથી ! નિશાળ એટલે ભય ! એમાં સહુથી વધુ આનંદની ઘડી, તે નિશાળમાંથી મળતો મુક્તિનો સમય. રિસેસ પડે એટલે એકાએક કોલાહલની સુનામી સર્જાય અને નિશાળ છૂટવાનો જરા લાંબા સમય સુધીનો ઘંટ વાગે ત્યાં સુધીમાં તો સીડી પર ધક્કામુક્કી કરતાં ધસમસતાં બાળકો સ્કૂલની બહાર નીકળી જાય. મુક્તિનો કેવો અપરંપાર મહિમા !
‘નિશાળમાં બેસાડવાના’ પહેલા દિવસ જેવો ઘટનાપ્રધાન દિવસ જિંદગીમાં બીજો એકે હોતો નથી ! બાળકને લઈને માતા કે પિતા પ્રવેશે, ત્યારે એમનાં મનમાં પરમ આશ્ચર્યનો ભાવ હોય ! સાથે આંગળી પકડીને આવેલું બાળક ક્યાંક ગભરાયેલું હોય, થોડું ડરી ગયેલું પણ હતું. એકાએક કોઈ અણધાર્યા વિશ્વમાં આવી ગયું ન હોય ! કોઈ બાળકના ચહેરા પર આશ્ચર્યલોકમાં આવ્યાની ચિંતાગ્રસ્ત રેખાઓ ઊપસી આવી હોય, તો કોઈ ‘અવિરત ધારે’ ભેંકડો તાણતું હોય. માતા કે પિતા એને શાંત પાડવાનો, સમજાવવાનો કે પટાવવાનો મરણિયો પ્રયાસ કરતાં હોય. કોઈ બાળક તો એવું રડે કે ખુદ શિક્ષક પણ કહે કે તમે જરા બહાર બેસજો. જો એ વધુ રડશે તો તમારે એને ઘેર પાછો લઈ જવો પડશે. કોઈ મનોવિજ્ઞાનીએ નિશાળમાં પ્રવેશ પામતા બાળકની મનઃસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ, તો એને માનવ-મનમાં વસતા ભવિષ્યના ભય અંગે ઘણી ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થાય. શરૂઆતના દિવસોમાં જે બાળકોએ નિશાળમાં પ્રવેશ મેળવ્યો હોય, એમાંના કેટલાક બાળકોની માતા મ્યુનિસિપલ સ્કૂલની સામે આવેલા હનુમાનજીના મંદિરના ઓટલા પર બેસતી હતી. સમય જતાં આવી માતાઓની મંડળી જામતી હતી અને પછી એવુંય લાગ્યું કે જેમ બાળક નિયમિતપણે નિશાળ જાય, તે રીતે એની માતા પણ ‘જનની-મંડળી’માં સમયસર હાજરાહજૂર થઈ જાય. બાળક વર્ગમાં ભણે અને માતા મંદિરના ઓટલા પર આસનબદ્ધ બનીને ગામ-ગપાટાં લગાવે.
નિશાળની સીડી પરથી કોઈ બાળક રડતું રડતું ઊતરતું હોય કે તરત આ બધી માતાઓની નજર એકસામટી એ તરફ જતી. શિક્ષિકા હાથ પકડીને એને ઘેર લઈ જવાનું કહે અને માતા બાળકને વર્ગમાં બેસવા સમજાવે ! નિશાળ પ્રવેશનો પહેલો દિવસ એ જિંદગીમાં ગમ કે ખુશી આપનારી પહેલી ઘટના. ગમ વધુ, ખુશી ઓછી. સુખ અલ્પ અને દુઃખ વધુ. મ્યુનિસિપાલિટી શાળા નં. 6માં ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. બીજા ધોરણમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો, ત્યારે ઇનામમાં અબ્રાહમ લિંકનનું જીવનચરિત્ર મળ્યું હતું. એ પુસ્તક અને એના પરનું લખાણ એ મારા પ્રાથમિક શિક્ષણની એકમાત્ર ગ્રંથ-સ્મૃતિ. એથી આજેય એને જોઉં ત્યારે મ્યુનિસિપલ શાળા નં. 6 હાજર થઈ જાય. જેમ આ પુસ્તક સ્મરણ બની રહ્યું, એ રીતે એક બીજી ઘટના પણ હજી ચિત્તમાંથી સહેજે ભૂંસાઈ નથી.
એક વખતની વાત છે, શાળામાં છેલ્લા ચારેક દિવસથી એકાએક પરિવર્તન દેખાતું હતું. રૂમોની સફાઈ થઈ, ક્યાંક પુરાણા બ્લૅકબોર્ડને વિદાય મળી. અત્યાર સુધી જે ભાંગેલી બેન્ચો લાંબા સમયથી બાળકોના નિસાસા સહન કરીને જીવતી હતી, એ ભાંગેલી બેન્ચોને સ્થાને નવી બેન્ચો મૂકવામાં આવી. કડક શિક્ષકોએ બાળકોને નમ્ર બનીને સમજાવ્યા કે ‘જુઓ, સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવી રહ્યું છે. તમારે શિસ્તબદ્ધ રીતે રહેવાનું છે.’ આ ઇન્સ્પેક્શન એ વળી કઈ બલા હશે ? અમારા ભયમૂર્તિ શિક્ષકોને પણ ભયભીત કરે એવું આ જગતમાં કોણ હશે ? અને તેઓ નમ્ર બનીને વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ શીખવવા લાગ્યા. કહ્યું કે, ‘એ દિવસે તેઓ જે પાઠ શીખવે, તેના વિદ્યાર્થીઓએ બરાબર જવાબ આપવા અને ઇન્સ્પેક્શનમાં આવેલા અધિકારી પણ જો કંઈ પૂછે તો હોશિયાર વિદ્યાર્થીએ તરત આંગળી ઊંચી કરીને ઉત્તર આપવા.’ આમ ઇન્સ્પેક્શન માટેની આખી વ્યૂહરચના ગોઠવાઈ ગઈ.
શિક્ષકોની અગ્નિપરીક્ષા હોય એવું લાગ્યું. અમારે મન આશ્ચર્ય તો એ હતું કે આપણા શિક્ષકોમાં એકાએક કેવું હૃદયપરિવર્તન અને વર્તનપરિવર્તન થઈ ગયું. વિદ્યાર્થીઓને સદાય ખડે પગે રાખનારા અને સજા ફટકારનારા શિક્ષકોને ઇન્સ્પેક્શનના દિવસે આજ્ઞાંકિત બનીને અધ્ધરશ્વાસે શિસ્તબદ્ધ ઊભેલા જોયા. ઇન્સ્પેક્શન માટે સાહેબોનાય સાહેબ આવ્યા. સહુ સ્તબ્ધ બની ગયા. વર્ગમાં આવીને એમણે અભ્યાસ કરાવતા શિક્ષક તરફ નજર ઠેરવી. વિદ્યાર્થીઓને નહીં, પણ શિક્ષકોને એક-બે પ્રશ્નો કર્યા.
દરમિયાન એકાએક મોટો ભૂકંપ સર્જાય તેવી ઘટના બની ગઈ. સ્કૂલમાં અભ્યાસક્રમમાં નિયત નહીં એવાં ગાઇડ જેવાં કેટલાંક પુસ્તકો શિક્ષકો ભણાવતા હતા. ઇન્સ્પેક્શન કરી રહેલા સાહેબોને ગંધ આવી ગઈ હોય કે ગમે તે થયું હોય, પણ એકાએક સ્કૂલના આચાર્ય એ પુસ્તકો છુપાવવા માટે દોડાદોડી કરતા હતા. માર્ગદર્શિકા(ગાઇડ)ની જીવનરક્ષા’ કરવાની ઇમરજન્સી જાહેર થઈ. અમને વિદ્યાર્થીઓને આચાર્યનું આવું ગભરાયેલું, અણધાર્યું સ્વરૂપ પરિવર્તન સમજાયું નહીં, પણ ખેર, એ સમયની ઘટનાઓનાં દૃશ્યોની તંગદિલી મનમાં મઢાઈ ગઈ.
નિશાળનો અભ્યાસ ચાલતો હતો અને એવામાં એક ટ્યૂશન રાખ્યું. નારણભાઈ નામના શિક્ષક ટ્યૂશન માટે ઘેર આવે. કુટુંબમાં ત્રણેક વિદ્યાર્થીઓ સાથે બેસે. નારણભાઈ હરિજન હતા અને સાચે જ હરિજન હતા. અમારા કુટુંબમાં ગાંધી વિચારધારાનો પ્રભાવ હોવાથી કોઈ ભેદભાવની વાત જ નહોતી. વિદ્યાવાન કુટુંબમાં શિક્ષકને સાહજિક આદર સાંપડતો હોય છે. એવો આદર અમારા વડીલો પણ નારણભાઈને આપતા. નારણભાઈ અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા હતા. એ સમયે એ વિસ્તાર ઘણો દૂરનો વિસ્તાર હતો. એક અલાયદું ગામ જ હતું. તેઓ વાસણાથી સાઇકલ પર બેસીને આવે અને અમને સહુને ગણિત અને વિજ્ઞાન શીખવે. વિજ્ઞાનમાં આનંદ આવે, પણ ગણિત સહેજે ગમે નહીં. ‘વારસાગત વૈશિષ્ઠા’ હોય કે પછી આંકડાઓમાં એકાગ્ર થવાની અશક્તિ હોય, પણ ગણિતના વિષયમાં વારંવાર ભૂલો થતી. આવે સમયે નારણભાઈ ગુસ્સે થવાને બદલે ફરીથી સમજાવતા. વિદ્યાર્થીનું જીવન ડરામણું કે રળિયામણું બનાવવાનો કેટલો મોટો આધાર શિક્ષક પર છે !
આમ એક જ સમયે શિક્ષકનાં બે રૂપ જોવા મળતાં. એક નિશાળના ધમકાવતા શિક્ષકો અને બીજાં સમજાવતા શિક્ષકો, શિક્ષકમાં નમ્રતા, સૌજન્ય અને અભ્યાસ કરાવવાની કેવી લગની હોય એનો પરિચય નારણભાઈ પાસેથી મળ્યો. શિક્ષક વિદ્યાર્થીને કેટલું બધું આપે છે, એ માત્ર પાઠ્યપુસ્તકના પાઠ જ ભણાવતા નથી, બલ્કે જીવનગ્રંથનાં પ્રકરણો પણ શીખવે છે. સાચો શિક્ષક જ્ઞાનસાધનથી હૃદયસમૃદ્ધિ કરે છે. એ જ્ઞાન પુસ્તકોમાં વસતું નથી, કિંતુ વિદ્યાર્થીના હૃદયમાં ધબકે છે.
મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ચાર ધોરણ કરીને પછી અમદાવાદના પ્રિતમનગરના અખાડા પાસે આવેલી પ્રોપરાયટરી સ્કૂલમાં દાખલ થયો અને આ સ્કૂલમાં એક જુદા જ વાતાવરણનો અનુભવ થયો. એમાં પણ ઇતિહાસના શિક્ષક શ્રી વલ્લભભાઈ ધારૈયાના વર્ગની તો કાગડોળે રાહ જોતો. હાથમાં ઇતિહાસનું પુસ્તક લઈને તો એ ક્યારેય ઇતિહાસ ભણાવતા નહીં, પરંતુ વર્ગમાં ઇતિહાસનાં પાત્રોના ચરિત્રનું કથામાં રૂપાંતર કરીને એને છટાદાર અને રસપ્રદ રીતે પ્રસ્તુત કરતા. અભ્યાસક્રમની તો ઐસીતૈસી. ઇતિહાસને પ્રકરણવાર શીખવવાની કોઈ પરવા નહીં, પણ એમણે છટાદાર શૈલીમાં અભિનય સાથે જીવંત કરી દીધેલી એ ઇતિહાસકથાઓએ વર્ગખંડની એ દીવાલોને ઓગાળી દીધી હતી. ઇતિહાસનાં એ પાત્રો રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વર્ગખંડમાં મુખોમુખ નજરે પડતાં. આનાથી ઇતિહાસમાં રસ જાગ્યો. એવું પણ બનતું કે કોઈ શિક્ષક ગેરહાજર હોય, ત્યારે ધારૈયાસાહેબ વર્ગ લેવા આવતા અને જેમ રાજવીનો દરબારપ્રવેશ થતો હોય અને જેવો હર્ષભર્યો આનંદ ઊભરાતો હોય એવા આનંદ-સત્કારથી અમે એમનું સ્વાગત કરતા.
ગણિતના શિક્ષક પુરુષોત્તમ સુથારની ખૂબ કડક શિક્ષક તરીકે છાપ હતી. ભૂલ થાય તો સાદી કેદની સજા રૂપે વિદ્યાર્થીને બેન્ચ પર ઊભા રાખતા. જરૂર પડે, પાકી કેદની સજા ફરમાવતા, તમાચો લગાવતા અથવા અંગૂઠા પકડાવતા. આવી એમની સજાનો મને પણ એક વાર લાભ મળ્યો હતો. જ્યારે જયંતીભાઈ ડેલીવાલા ખૂબ સ્નેહથી ભણાવતા. વિદ્યાર્થીઓ પર વાત્સલ્યભાવ રાખતા. દસમા ધોરણમાં નિશાળમાં યોજાયેલી વક્તૃત્વ-સ્પર્ધામાં ઝુકાવ્યું. પ્રથમ ઇનામ સાથે ડેલીવાલાસાહેબની ઉમળકાભરી શાબાશી પણ મળી હતી. અભ્યાસકાળ પછી પણ એમની સાથે ગુરુ-શિષ્યનો સંબંધ રહ્યો. ક્યારેક મારા ઘેર પણ આવતા, ઇન્ડિયન રેડક્રૉસનાં સેવાકાર્યોમાં સક્રિય હતા અને એથી જ એમણે મારી પાસે રેડક્રૉસના સ્થાપક હેન્રી હૂનાન્ટનું ચરિત્ર લખાવ્યું હતું.
શ્રીમતી કુસુમબહેન રમેશભાઈ પંડિત નવમા ધોરણમાં મારાં વર્ગશિક્ષક હતાં. ખૂબ ચીવટપૂર્વક ભણાવતાં અને સમયસર અભ્યાસક્રમ પૂરો કરતાં. એમની ગંભીર પ્રકૃતિ અને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરાવવાની પદ્ધતિ ગમી ગઈ. બન્યું એવું કે શૈક્ષણિક વર્ષની અધવચ્ચે એમને અન્ય વર્ગના વર્ગશિક્ષક તરીકે જવાબદારી સોંપાઈ. એમની વિદાય સાંભળીને વિદ્યાર્થીઓમાં સન્નાટો મચી ગયો. એ દિવસે વર્ગમાં બધા વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવ્યાં હતાં. જો શિક્ષક ગંભીર, અભ્યાસનિષ્ઠ અને અભ્યાસક્રમને પૂરેપૂરો ન્યાય આપનારો હોય તો એ વિદ્યાર્થીના મનમાં સદાકાળ વસી જતો હોય છે. એ પછી તો કુસુમબહેન મારી નજીકના વિસ્તારમાં રહેવા આવ્યાં અને એમને અવારનવાર મળવાનું બન્યું.
વિજ્ઞાનના અધ્યાપક અને લેખક ડૉ. એન. એમ. શાહનાં પુત્રી મંદાબહેન શાહ અને કવિ ન્હાનાલાલનાં પુત્રી ઉષાબહેન કવિ આ બંનેની છબી મનમાં જુદી રીતે અંકિત થઈ ગઈ. શ્રી એમ. એન. શાહ સાથે મારા પિતાશ્રી ‘જયભિખ્ખુ’ને અંગત સંબંધ હતો. એમની સાથેના પારિવારિક સંબંધને કારણે મંદાબહેનનો સ્નેહ સાંપડ્યો, પણ મારી શરમાળ વૃત્તિને કારણે એમને ભાગ્યે જ મળવા જતો. ‘જયભિખ્ખુ’ પાસેથી કવિશ્રી ન્હાનાલાલની ઘણી વાતો સાંભળી હોવાથી ઉષાબહેનને જોતો, ત્યારે કવિ ન્હાનાલાલની છબી નજરે પડતી. એ સમયે આચાર્ય અને અંગ્રેજીના શિક્ષક વિક્રમભાઈ દેસાઈની હાઈસ્કૂલમાં ભારે ધાક હતી. વિક્રમભાઈ જ્યારે નિશાળના વર્ગની બાજુમાંથી પસાર થતા હોય કે તરત જ શાંતિ સ્થપાઈ જતી.
એ સમય વીતી ગયો ત્યારબાદ તો સ્કૂલના કાર્યક્રમોમાં ‘અતિથિવિશેષ’ તરીકે જવાનું બન્યું. એમાંય ‘પદ્મશ્રી’નું સન્માન મળ્યું, ત્યારે સ્કૂલના ટ્રસ્ટીમંડળના ચૅરમૅન એવા જસ્ટિસ બી. જે. દીવાનસાહેબના પ્રમુખપદે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ સમયે આંખો ધારૈયાસાહેબ અને ડેલીવાલાસાહેબના સ્મરણથી ભીની થઈ ગઈ ! માતાના પ્રેમની જેમ સ્કૂલનો પ્રેમ કદી છૂટતો નથી અને વહાલસોયા શિક્ષકની સ્મૃતિ કદી વિલીન થતી નથી !