બાળપણથી જ આઝાદી માટે પ્રાણની આહુતિ આપનારા શહીદોની કથાઓ જ મનમાં ગુંજતી હોય, એમાં વળી પારિવારિક વાતાવરણ અને પુસ્તકોમાંથી વાંચેલી મહાત્મા ગાંધીજીના જીવનની ઘટનાઓ ચિત્તમાં તરવરતી હતી અને એ સમયે 19 વર્ષની ઉંમરે લાલબહાદુર શાસ્ત્રીને મળવાનું બન્યું. એમને જોઈને એમ લાગ્યું કે જો મહાત્મા ગાંધીજી જીવતા હોત તો જરૂ૨ એમના આ અનુયાયીની સાદાઈ, સચ્ચાઈ અને દેશભક્તિ જોઈને પ્રસન્ન થયા હોત. કારમી ગરીબી અને અવિરત પુરુષાર્થ ખેડીને આવતો દેશનેતા જ દેશની પ્રજાની નાડ પૂરેપૂરી પારખી શકે. જનતાનો એ માનવી જનતાની વચ્ચે બેસી શકે અને હળીભળી શકે.
લાલબહાદુર શાસ્ત્રીનાં સ્મરણોની તો સતત વણઝાર ચાલે છે. કેટકેટલા પ્રસંગો અને અંગત જીવનની ઘટનામાંથી પસાર થવાનું બન્યું. એક વાર લાલબહાદુર શાસ્ત્રી નૈનીતાલના પ્રવાસમાં જુદી જુદી ફૅક્ટરીઓ જોવા ગયા હતા. એ પછી એમને એક ફૅક્ટરીની અગાશી પર લઈ જવામાં આવ્યા અને ત્યાં એક નાનકડી સભાનું આયોજન થયું હતું. એમને માટે અને એમના સાથીઓને બેસવા માટે ખુરશીઓ રાખવામાં આવી હતી અને ફૅક્ટરીના મજૂરોને માટે નીચે જાજમ પાથરી હતી. લાલબહાદુર શાસ્ત્રી ઊંચી ખુરશી પર બેસવાને બદલે મજૂરોની સાથે નીચે જાજમ પર બેસી ગયા. એમને ઊંચે ચઢીને મંચ પર બેસવાનું ક્યારેય પસંદ નહોતું. બધાની વચ્ચે અને બધાની સાથે જ બેસવાનું ગમતું.
બિહારના સારણ જિલ્લાના મહારાજગંજ નામના ગામના રામધન નામના ગરીબે લાલબહાદુર શાસ્ત્રી સમક્ષ પોતાની મુશ્કેલી પ્રગટ કરી. આઝાદીનો આશક રામધન બે વાર તો અંગ્રેજ શાસન દરમિયાન કારાવાસ ભોગવી ચૂક્યો હતો. એ પછી આપણા દેશની સરકારે દર મહિને સ્વાતંત્ર્યસેનાનીને સહાય કરવાની જાહેરાત કરી હતી. આ સ્વાતંત્ર્યસેનાનીને એક વાર બસો રૂપિયા મળ્યા, પરંતુ આ બસો રૂપિયા મેળવવા માટે એને સ૨કારી તુમારશાહીમાં 75 રૂપિયાનો ખર્ચ કરવો પડતો ! શાસ્ત્રીજીને આ હકીકત બનારસીદાસ ચતુર્વેદીએ એક પત્ર દ્વારા જણાવી, તો લાલબહાદુર શાસ્ત્રીએ એમને તત્કાળ ઉત્તર આપ્યો કે હું બિહારના મુખ્યપ્રધાનને રામધન અંગે યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરું છું. એમણે જાણ પણ કરી, પણ એક વર્ષ વીતી ગયું છતાં કશું બન્યું નહીં. આથી બનારસીદાસ ચતુર્વેદીએ શાસ્ત્રીજીને પરિસ્થિતિની જાણ કરતાં એમણે તરત જ ત્રણસો રૂપિયા રામધનને મોકલી આપ્યા અને એ પછી બિહારના મુખ્ય પ્રધાનને તાકીદ કરી કે તમે કેમ રામધનને મદદ કરતા નથી, તમારે જાણવું જોઈએ કે ખરેખર રામધને તમને મદદ કરી છે. આજે તમે આઝાદ દેશમાં જે સત્તાસ્થાને બેઠા છો, તેનું કારણ રામધન જેવા સ્વાતંત્ર્યસેનાનીઓ છે.
ક્યારેક મહિનાના છેલ્લા દિવસોમાં લાલબહાદુરને આર્થિક ભીડ પણ અનુભવવી પડતી હતી. તેઓ ભારતના ગૃહપ્રધાન હતા એ સમયે એમના પૌત્રએ સ્લેટની માગણી કરી, ત્યારે ભારતના ગૃહપ્રધાને જવાબ આપ્યો, બે દિવસ તું ગમે તે રીતે ચલાવી લે. પહેલી તારીખે પગાર આવતાં લાવી આપીશ.’ આજે આવા પ્રધાનની કલ્પના થાય છે ખરી ? અરે ! એવું સ્વપ્નમાં પણ જોવા મળતું નથી ! આવી જ રીતે ક્યારેક લાલબહાદુર શાસ્ત્રી લલિતાદેવીને કહેતા કે હવે બે શાકને બદલે એક શાક બનાવો, કારણ કે બે શાક બનાવવાં પરવડે તેમ નથી.
લાલબહાદુર પર વિશાળ કુટુંબના ભરણપોષણની જવાબદારી હતી, છતાં એમની ખુમારી કે ગરિમા ક્યારેય ઓછાં થયાં નહીં. એક વાર લાલબહાદુર પોતાનું કામ પતાવીને ઘેર આવ્યા. આવતાંની સાથે જ બાળકોને ખુશખુશાલ જોયાં. બાળકો લાલબહાદુરને વીંટળાઈ વળ્યાં. એમણે સમાચાર આપ્યા કે એમના બંગલાના આગળના ભાગમાં ફૂલર મૂકવાની વ્યવસ્થા થઈ રહી છે. લાલબહાદુરે જોયું તો સરકારના જાહેર બાંધકામ ખાતાના માણસો આ કામ કરી રહ્યા હતા.
બાળકોનો આનંદ અપાર હતો, પણ લાલબહાદુર ગંભીર બની ગયા. એમણે કહ્યું, ‘આપણે ત્યાં કૂલર ન હોય. આવતી કાલે સ્થાન બદલાતાં આપણે અલ્લાહાબાદના કોઈ જૂના મકાનમાં જઈને રહેવું પણ પડે. આવી આદત ખોટી. આપણા દેશમાં લાખો લોકો ધૂપ-તાપ સહન કરે ને આપણે આમ રહીએ એ સારું ન કહેવાય.’ એમણે તરત જ અધિકારીને ફોન કરીને જણાવી દીધું કે એમના ઘરમાં કૂલરની કોઈ આવશ્યકતા નથી.
લાલબહાદુર ભારત સરકારમાં પ્રધાનપદ ધરાવતા હોવા છતાં એમની સચ્ચાઈ અને સંનિષ્ઠાને કારણે દિલ્હીમાં થોડો સમય ઘર વિના વસવું પડ્યું. આથી એમણે પંડિત જવાહરલાલ નહેરુના નિવાસસ્થાન ‘તીનમૂર્તિ’માં જ પોતાના ડેરાતંબૂ નાખ્યા. ન ખાવાનું નક્કી, ન સૂવાનું નક્કી, આથી ‘તીનમૂર્તિ’ના નોકરો શાસ્ત્રીના ઓરડામાં ભોજન ઢાંકી જાય. લાલબહાદુરને પોતાને સમય મળે ત્યારે જમે. ઘણી વાર નોકરો બીજે દિવસે એમ ને એમ ઢાંકેલી થાળી જુએ. કામને આડે લાલબહાદુર જમવાનું પણ ભૂલી જાય ! લાલબહાદુર સૂએ પણ આ ઓરડામાં જ. ચાર પાંચ હાથા વિનાની ખુરશીઓ એ એમની પથારી. લાઇનમાં ગોઠવીને ઉપર લંબાવે, વહેલી પડે સવાર ! ચૂંટણીના દિવસો નજીક આવવા લાગ્યા, જમવા માટે આવવા-જવામાં કાર્યકરોનો સમય બગડતો, હોવાથી બધાની જમવાની વ્યવસ્થા ‘તીનમૂર્તિ’ બંગલામાં જ કરવામાં આવી.
એક વાર લાલબહાદુરને ભોજનમાં માખણ અને ઘી આપવામાં આવ્યાં. લાલબહાદુરે પૂછ્યું, “શું માખણ અને ઘી બધા કાર્યકર્તાઓને આપવામાં આવ્યાં છે ?”
સંચાલકે કહ્યું, “ના, આ તો ખાસ આપના માટે વ્યવસ્થા કરવામાં આવી છે.”
લાલબહાદુરે માખણ અને ઘીનો અસ્વીકાર કરતાં કહ્યું, “આ બરોબર નથી. કાર્યકરો અને મારી વચ્ચે કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં.”
કૉંગ્રેસને આ ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યો. આ વિજયમાં લાલબહાદુરનો મોટો હિસ્સો હતો.
ખેડૂતો ને મજૂરોના તો શાસ્ત્રીજી પ્યારા નેતા હતા. નિખાલસ હૃદય, સરળ વાણી ને સાદા પોશાકથી સહુ કોઈ શાસ્ત્રીજીને પોતાના માનતા હતા. એમણે અલ્લાહાબાદ જિલ્લાની કૉંગ્રેસ સમિતિના કાર્યકર, મંત્રી અને અધ્યક્ષ તરીકે લાંબા વખત સુધી ખેડૂતો ને મજૂરોની સેવા કરી, તેમનાં સંગઠનો રચ્યાં અને તેમનામાં સ્વાતંત્ર્ય અને સેવાની ભાવના જાગૃત કરી.
1934-35ની કૉંગ્રેસની સ્થિતિ જુદી હતી. એ સમયે કૉંગ્રેસ સમિતિ પાસે નહોતું ધન કે નહોતું વાહન. મોટેભાગે બધા ભાંગેલા-તૂટેલા એક્કા કે ઘોડાગાડીઓમાં મુસાફરી કરે. એવા સ્થળે જવાનું હોય કે જ્યાંના ખાડા, ટેકા ને કોતરોમાં એક્કો પણ ન ચાલી શકે, આવે સમયે પગપાળા ચાલીને જવું પડતું.
શાસ્ત્રીજી અલ્લાહાબાદ જિલ્લાના કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ હતા. ખેડૂતોમાં જાગૃતિ પેદા કરવાનું કામ એમના માથે આવ્યું. શાસ્ત્રીજી વહેલી સવારે ઘેરથી નીકળી પડે, પછી ભલે ગરમીનો દિવસ હોય કે વરસતો વરસાદ હોય ! ઘણી વાર તો ગોળ ને ચણા ખાઈને દિવસ પસાર કરવો પડે. ક્યારેક કોઈકની ઝૂંપડીમાં તો ક્યારેક કોઈની તૂટેલી ખાટ પર રાત વિતાવવી પડે. ખાવા-પીવાની કોઈ સગવડ નહીં. એમાં વળી ધૂળિયા રસ્તા પર પગપાળા ચાલવાનું ! આમ છતાં શાસ્ત્રીજીના મોં પર ક્યારેય થાક ન કળાય. ઘણી વાર એમના સાથીઓ થાકી જાય, પણ શાસ્ત્રીજીના દેશપ્રેમની અને સેવાની ભાવનાને આવી કોઈ મુશ્કેલી રોકી શકતી નહીં.
1946માં શાસ્ત્રીજી ઉત્તરપ્રદેશના સંસદીય મંત્રી બન્યા. આ પછી તેઓ ગઢવાલના પ્રવાસે ગયા. આ પ્રદેશ એવો કે જ્યાં ભાગ્યે જ કોઈ ઉચ્ચ અધિકારી પ્રવાસે આવે. એની મુસાફરી જ ભલભલાને થકવી દે તેવી. પણ ગઢવાલના લોકો તો શાસ્ત્રીજીના આગમનના સમાચાર સાંભળી હર્ષોન્માદ અનુભવી રહ્યા.
આ પ્રદેશમાં પહેલી જ વાર કોઈ મંત્રી આવતો હતો, અને એમાંય વળી જનતાનો પ્યારો માનવી આવતો હતો ! બધા એમને સત્કારવા થનગની રહ્યા.
ઘણે સ્થળે સ્થાનિક નેતાઓ અને જનતાએ એમને માટે ભરચક કાર્યક્રમો રાખ્યા. ઘણી જગ્યાએ બેકાબૂ ભીડને લીધે કાર્યક્રમ સમયસર શરૂ પણ ન થયા. આ સમયે ઘણો શ્રમ આપે તેવા અથવા ગુસ્સો કરાવે તેવા પ્રસંગો પણ ઉપસ્થિત થયા, પણ શાસ્ત્રીજીના ચહેરા પર અણગમાની સહેજે અસર નહિ ! એ તો હંમેશાં હસતા ને હસતા. લોકોને મળતાં સઘળી અંગત મુશ્કેલી ભૂલી જાય ને આગળ વધે જાય.
એક વાર જસરા શહેરથી આગળ ગામડાંઓ તરફ જીપમાં શાસ્ત્રીજી જઈ રહ્યા હતા. બંને બાજુ હર્યાંભર્યાં ખેતરોમાં ચણાના છોડ ઝૂમી રહ્યા હતા. બધાને ચણા ખાવાની ઇચ્છા થઈ. શાસ્ત્રીજીને પણ ચણા ખૂબ ભાવે. એવામાં ખેતરનો માલિક દેખાયો. બધાએ જીપ ઊભી રાખીને એને પાસે બોલાવ્યો ને થોડા ચણા આપવા માગણી કરી.
ખેડૂત પોતાના નાનકડા નેતાને ઓળખી ગયો. એ તો ઉમંગથી ચણાનો છોડ ખેંચવા જતો હતો, એવામાં એના નાનકડા નેતા શાસ્ત્રીજીએ બૂમ પાડી, ‘અરે, છોડ ન તોડશો, ડાળીય ન તોડશો, માત્ર ચણાના પોપટા જ ચૂંટી આપો.’
પેલા માલિકને તો પોતાના ખેતરમાં પોતે ચોર હોય એવું લાગ્યું ! એણે સાચવીને ચણાના પોપટા ચૂંટ્યા. એના નાનકડા નેતાએ એ ભાવથી ખાધા.
લાલબહાદુર શાસ્ત્રીમાં અનોખી હાસ્યવૃત્તિ હતી. પોતાની ઓછી ઊંચાઈને કારણે એ સ્વયં ઘણી વાર પોતાની મજાક કરતા. લાલબહાદુરના જીવનની એક સૌથી મોટી ઘટના 1956ના નવેમ્બરમાં બની. એ સમયે લાલબહાદુર શાસ્ત્રી ભારત સરકારના રેલવે અને વાહનવ્યવહાર ખાતાના મંત્રી તરીકે કાર્યરત હતા. એમને માથે ઘણી કપરી જવાબદારીઓ હતી. રેલવેમાં બાર લાખ કર્મચારીઓ કાર્ય કરતા હતા અને રેલવે એ દેશના વાહનવ્યવહારનું એક અગત્યનું સાધન હતું. યોજનાઓ, ઉદ્યોગો અને અર્થકારણ માટે પણ રેલવેની ઘણી જરૂર હતી. આવે સમય રેલવેપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ રેલવેમાંથી ફર્સ્ટક્લાસ કાઢી નાખ્યો, સેકન્ડ ક્લાસને ફર્સ્ટક્લાસમાં ફેરવી નાખ્યો. એ સમયે રેલવેમાં ચાર ‘ક્લાસ’ હતા એના બદલે એમણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ – એમ ત્રણ ક્લાસ કર્યા. એમની ઇચ્છા તો માત્ર બે જ વર્ગ કરવાની હતી ! વળી ત્રીજા વર્ગના મુસાફરો માટે રિઝર્વ બેઠકોની વ્યવસ્થા કરી. ત્રીજા વર્ગના ડબ્બામાં પંખા નંખાવ્યા. રાત્રિ મુસાફરી દરમિયાન સૂવા માટેની સીટ આપી. ટ્રેનની ડાઇનિંગ કારમાં જમવાની સગવડ આપી.
ભારતના રેલવેપ્રધાન તરીકેનો કાંટાળો તાજ એમને શિરે પહેરાવવામાં આવ્યો. એ સમયે રેલવેપ્રધાન પ્રવાસે નીકળે ત્યારે સઘળી સલૂન સાથેનું પૂરેપૂરી સાહ્યબીવાળો ખાસ ડબ્બો હોય. વાઇસરૉયના સલૂનથી થોડું જ ઊતરતું હોય ! પણ લાલબહાદુરે આવું ઠાઠમાઠવાળું સલૂન છોડી દીધું. તેઓ હંમેશાં બીજા વર્ગના ડબ્બામાં થોડો ફેરફાર કરીને એમાં જ મુસાફરી કરતા.
વળી અગાઉના રેલવેપ્રધાનો પ્રવાસ દરમિયાન સરકીટ હાઉસમાં ઊતરે. આમાં એમના માટે બધી વ્યવસ્થા હોય, પણ લાલબહાદુર રેલવેના ડબ્બામાં જ રહેવું પસંદ કરતા. ત્યાં જ આરામ કરતા, ત્યાં જ મળતા ને ત્યાં જ કામ કરતા. રેલવેપ્રધાન તો રેલવેના ડબ્બામાં જ હોય ને ! એમની આવી સાદાઈ જોઈ સહુને લાલબહાદુર પોતીકા સ્વજન જેવા લાગતા. દેશના વિભાજન બાદ રેલવેનું વિશાળ તંત્ર ધીરે ધીરે વ્યવસ્થિત થતું હતું. એન્જિનો, વેગનો, પાટાઓ વગેરે ઘણાં જૂનાં થઈ ગયાં હોવાથી એને બદલવાં જરૂરી હતાં. બીજી બાજુ ઘણી નવી માગણીઓ સામે પહોંચી વળવું રેલવેવિભાગ માટે મુશ્કેલ હતું. અછતગ્રસ્ત વિસ્તારોમાં અન્ન મોકલવાનું અને ઉદ્યોગો માટે કોલસો લાવવાનું તો કોઈ પણ સંજોગોમાં અનિવાર્ય હતું.
આવી પરિસ્થિતિમાં રેલવેના અકસ્માતો ખૂબ વધી ગયા. ટ્રેનો અનિયમિત રીતે ચાલવા લાગી. માલને લઈ જવા માટેનાં વેગનો મળવાં મુશ્કેલ બન્યાં, આથી રેલવે અકસ્માતોની પરંપરા વધી. 1956ના ઑગસ્ટ માસમાં મહેબૂબનગર પાસે ગમખ્વાર અકસ્માતમાં એકસો ને બાર માણસો મરી ગયા. લાલબહાદુરને આનાથી ભારે આંચકો લાગ્યો. એમણે કોઈ કર્મચારીનો દોષ ન જોતાં પોતાનો દોષ જોયો. બીજા ઉપર આળ ન ઓઢાડતાં પોતે ઓઢી લેવા તૈયાર થયા. કોઈ તપાસ સમિતિ નીમીને વાતને વિલંબમાં ન નાખી. ન કોઈ કમિશન રચ્યું. એમણે તો તરત રેલવે વિભાગના પ્રધાનપદેથી પોતાનું રાજીનામું આપ્યું, પણ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તે સ્વીકાર્યું નહીં.
ફરી ત્રણ મહિના બાદ વળી એક કારમો અકસ્માત થયો. દક્ષિણ ભારતના અરિયાલુર ખાતે એકસો ને ચૌદ માણસોએ પોતાના જાન ગુમાવ્યા. લાલબહાદુરે ફરી રાજીનામું ધર્યું. વધારામાં વડાપ્રધાનને એ પણ જણાવ્યું કે હવે તેઓ વધુ સમય આ પદ પર રહેવા તૈયાર નથી. લાલબહાદુરનું રાજીનામું સ્વીકારાયું. આવા પ્રધાન એ પછી આપણા દેશે દીઠા નથી, જે બીજાની ભૂલ માટે પોતાને દોષિત માનીને સ્વયં સજા ભોગવે.’
એક વાર એમના મિત્રે લાલબહાદુરને પૂછ્યું, “એ બતાવો કે ભૂલ કોઈ કર્મચારીની હતી અને એનો અપરાધ તમે શા માટે પોતાના માથે લઈ લીધો ? તમે તો જાતે જ તમારી જાતને ‘ડીસમિસ’ કરી.”
લાલબહાદુર હસ્યા અને જવાબ આપ્યો, “હા, આ ‘ડીસમિસ’ શબ્દ સાચો છે. ખરેખર મેં મારી જાતને ડીમિસ કરી. મને એવું લાગે છે કે મારા કાર્યમાં કોઈ ખામી હોય તો જ આવું બને અને મને મહાત્મા ગાંધીજીની એક વાત યાદ આવે છે.”
એમના મિત્રે પૂછ્યું, “કઈ ?”
“ગાંધીજીએ એક વાર કહ્યું હતું કે પ્રધાનોએ ખુરશીને જકડીને નહીં બેસવું જોઈએ, પરંતુ એવી હળવાશથી બેસવું ઘટે કે એના પરથી ઊઠતાં સહેજે અચકાવું ન પડે. વળી ભૂલ કોઈ કરતું અને દંડ ગાંધી બાપુ પોતે ભોગવતા હતા. તો તમે જ કહો, મેં નવું શું કર્યું છે ? આ તો એ રાહબરે બતાવેલા માર્ગ પર જ હું ચાલ્યો છું.”
લાલબહાદુરની આ નિઃસ્વાર્થ વૃત્તિ જોઈ એમના મિત્રનું મસ્તક માનથી ઝૂકી ગયું.
પં. જવાહરલાલ નહેરુ પર આ સમયે લાલબહાદુરનું રાજીનામું નહીં સ્વીકારવા માટે એટલા બધા પત્રો ને તાર આવ્યા કે તેઓ બોલી ઊઠ્યા, “લાલબહાદુર કેટલા બધા લોકપ્રિય છે !”
નહેરુએ લોકસભામાં લાલબહાદુર શાસ્ત્રીના રાજીનામાની જાહેરાત કરી. પં. નહેરુએ લાલબહાદુરના કાર્યને ભવ્ય અંજલિ આપી. તેમણે કહ્યું, “મારું એ સદ્ભાગ્ય છે કે માત્ર સરકારમાં જ નહીં, પણ કૉંગ્રેસમાં મને એમના જેવો સાથી ને મિત્ર મળ્યો છે. તેઓ ઉચ્ચવ્યક્તિત્વવાળા, વફાદાર, ધ્યેયને વરેલા, જાગૃત આત્માવાળા અને સખત પરિશ્રમી છે. કોઈ પણ કાર્યમાં આનાથી વધારે સારો સાથી કે મિત્ર મેળવવાની કોઈ ઇચ્છા ન રાખે. અને તેઓ જાગૃત આત્મા હોવાથી જ એમને સોંપાયેલા કાર્યમાં સહેજ પણ ખામી આવતાં તેઓ અત્યંત દુઃખ અનુભવે છે. મને એમના માટે અત્યંત આદર છે. ભવિષ્યમાં એમને એક યા બીજી રીતે આપણા સાથી બનાવીશું અને તેમની સાથે મળીને કામ કરીશું.”
રાજીનામું આપ્યા પછી લાલબહાદુર શાસ્ત્રી લોકસભામાંથી બહાર નીકળ્યા, ત્યારે રેલવેપ્રધાનની મોટર હાજર હતી, પરંતુ એમણે એમાં બેસવાનો ઇન્કાર કર્યો અને બસમાં બેસીને ઘેર પહોંચ્યા. આવા તો અનેક પ્રસંગો એમના સ્વજનો, મિત્રો, રાજકીય અગ્રણીઓ અને પરિચિતો પાસેથી મળવા માંડ્યા અને પછી ૧૯૬૧ના જાન્યુઆરીથી શરૂ થયેલી લાલબહાદુર શાસ્ત્રીના જીવન વિશેની મારી જિજ્ઞાસામાંથી એટલી સામગ્રી એકઠી થઈ કે ઈ. 1965માં એમનું એક ચરિત્ર લખવા વિચાર્યું. સ્મરણોની વણઝારને લઈને લેખનની સફર ખેડવાનું નક્કી કર્યું.