ફેન્ટાસ્ટિક રોહિત શર્મા !

પૂર્વે 2011ના વર્લ્ડ કપ સમયે ક્રિકેટર રોહિત શર્મા ઊંડો આઘાત પામ્યો અને એ આઘાતમાંથી મક્કમ મનોબળ અને નિશ્ચિત ધ્યેય સાથે બહાર આવીને એણે 2024ના ટી-20 વર્લ્ડ કપમાં યશસ્વી વિજય મેળવ્યો. રોહિત શર્માને આઘાતનો અનુભવ તો ત્યારે થયો કે જ્યારે પસંદગીકારોએ એના નામની 2011ના વર્લ્ડ કપના ખેલાડીઓમાંથી બાદબાકી કરી નાખી હતી. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની 2011ની એ ટીમમાં સહેવાગ, ગંભીર, તેંડુલક૨, યુવરાજસિંહ, રૈના અને વિરાટ કોહલી જેવા બૅટ્સમૅનોનો સમાવેશ થયો. એ સમયે પણ રૈનાના બદલે રોહિતને લેવો જોઈએ એવી માંગ પણ ઊઠી હતી, કારણ એટલું જ કે સ્વીંગ ગોલંદાજ હોય, સ્પીનર હોય કે સીમ ગોલંદાજી હોય, બધાને રોહિતનું બૅટ બરાબર ન્યાય આપી શકતું હતું. જોશભરી રીતે સ્ટ્રોક મા૨વાની કુશળતા અને આબાદ ટાઇમિંગને કારણે દડો બાઉન્ડ્રી પર ધસી જતો હતો. સિક્સર મારવાની એની કાબેલિયત તો એવી કે પુરાણા જમાનાના ભારતીય ક્રિકેટના ભીષ્મપિતામહ સી. કે. નાયડુની યાદ આવે. સલીમ દુરાની કે મહેન્દ્રસિંહ ધોનીનું સ્મરણ થાય.

આ બધી તાકાત હોવા છતાં 2011ની વર્લ્ડ કપની ટીમમાં રોહિત શર્માની બાદબાકી કરવામાં આવી, ત્યારે પહેલાં તો તેને આઘાત લાગ્યો. એ સમયે પંદર ખેલાડીઓની પસંદગી થઈ હતી અને એમાં પોતે બાકાત રહ્યો એ ઘટનાનો વસવસો અનુભવતો હતો, ત્યાં જ વળી મહેન્દ્રસિંહ ધોનીની ટીમે 2011ના વિશ્વકપમાં વિજય મેળવ્યો અને એ ટ્રૉફી ઊંચકીને અને સચીન તેંડુલકરને ખભે બેસાડીને મેદાનમાં ઘૂમતા ટીમના સભ્યોને જોઈને રોહિતની વેદનાનો પાર રહ્યો નહોતો. શા માટે એને શક્તિશાળી બૅટ્સમૅન હોવા છતાં ટીમમાંથી બાદ કરવામાં આવ્યો ?

બૅટિંગમાં તો એ આગવી છટા દાખવતો હતો, પરંતુ સવાલ એની ફિટનેસનો હતો અને એ કારણે જ એને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. જે ટીમમાં વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની હોય અને જેના કોચ તરીકે ગેરી ક્રિસ્ટન હોય, તે કોઈ જોખમ લેવા ચાહતા નહોતા. એ અગાઉના 2011ના વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ સમયે પણ અખબારોએ એવી ટીકા કરી હતી કે રોહિતનું વજન વધી ગયું છે. એણે એની ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ.

જ્યારે અત્યાર સુધી રોહિત શર્માનું વલણ એવું હતું કે ફિટનેસની બહુ પરવા કરવી નહીં, શાનદાર બૅટિંગ કરીએ છીએ ને !

પરંતુ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જે વાત વહેતી થઈ, એ સતત આગળ વધતી ગઈ અને એના પરિણામે રોહિતને ટીમમાંથી સ્થાન ગુમાવવું પડ્યું. આ ઘટનાએ રોહિત શર્માને વિચારતો કર્યો અને એણે એના ઘરમાં બેઠેલા એની મુંબઈની ટીમના સાથી અભિષેક નાયરને કહ્યું, ‘જો ભી કરના હૈ, અપને કો ફિટ હોના હૈ, ઔર ક્રિકેટ અલગ તરીકે સે ખેલના હૈ.’ અને પછી ફિટનેસને માટે એ રાત- દિવસ મહેનત કરવા લાગ્યો. કૅલરીના પ્રમાણનું ધ્યાન રાખવા લાગ્યો અને એણે એક નવું સૂત્ર શોધ્યું,

બર્ન ઈટ, ટુ અર્ન ઈટ’ એટલે કે ફિટનેસ મેળવવા માટે કૅલરી બર્ન કરો અને પછી એક અર્થમાં કહીએ તો એ પોતાની ફિટનેસ માટે ઝનૂનપૂર્વક કામ કરવા લાગ્યો. પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યો અને રોજ ત્રણ કે ચાર સેશનમાં એ સતત પ્રૅક્ટિસ કરવા લાગ્યો. વળી મિત્રોને મજાકમાં કહેતો પણ ખરો કે, ‘ફોર પેક લાના હૈ’ આમ એણે પોતાની ફિટનેસ માટે જે કામ કર્યું, તે રંગ લાવવા માંડ્યું. તાજેતરમાં વર્લ્ડ કપના વિજય પછી સચિન તેંડુલકરે રોહિતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. એ પ્રતિબદ્ધતા પોતાની ટીમ તરફ અને વિજય માટેની હતી, પણ એવી જ પ્રતિબદ્ધતા રોહિત શર્માએ પોતાની ફિટનેસ માટે બતાવી હતી અને એને પરિણામે એ ભારતીય ક્રિકેટમાં એક સમર્થ બૅટ્સમૅન તરીકે આગળ વધ્યો.

અને પછી 2015માં તો વર્લ્ડ કપ ખેલવાની તક મળતાં એણે કામયાબી બતાવવી શરૂ કરી. અગાઉનો વર્લ્ડ કપ ગુમાવ્યાની પરિસ્થિતિને એને વ્યાજ સાથે સરભર કરવી હતી. એક સદી અને બે અડધી સદી નોંધાવી. કુલ 47 રનની સરેરાશથી 330 રન કર્યા. બદલાઈ ગયેલો રોહિત જોવા મળ્યો. એ સમયે સેમીફાઈનલમાં ભારતની આગેકૂચ અટકી ગઈ હતી, પરંતુ રોહિતની કામયાબ બૅટિંગ અને મોટે ભાગે વિકેટની નજીકની સ્લીપ ફિલ્ડિંગથી વર્લ્ડ કપમાં એક નવો રોહિત જોવા મળ્યો. એથીયે વિશેષ એ સમયે વાઇસ કૅપ્ટન તરીકેની એની કામગીરીમાંથી એણે ઘણાને ભારતના ભાવિ કૅપ્ટનની છબી જોવા મળી અને 2019ના વર્લ્ડ કપમાં તો એની બૅટિંગમાં નિખાર આવી ગયો. દક્ષિણ આફ્રિકા સામે અણનમ 122 ૨ન, ઑસ્ટ્રેલિયા સામે 57, પાકિસ્તાન સામે 140, ઇંગ્લૅન્ડ સામે 102, બાંગ્લાદેશ સામે 104 અને શ્રીલંકા સામે 103 રન નોંધાવ્યા. 81 રનની સરેરાશથી એણે નવ મૅચમાં 98 રનના સ્ટ્રાઇક રેટ સાથે 648 ૨ન કર્યા. ભારતે એના તમામ ગ્રૂપની મૅચોમાં વિજય મેળવ્યો.

માત્ર છેલ્લે ઇંગ્લૅન્ડ સામે પરાજિત થઈ ગયું. આ બધી મૅચોમાં ઘણી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે રોહિત ખેલતો રહ્યો અને સારા એવા રન કરતો રહ્યો. આમાં રોહિતની રમતની બાજી પોતાના હાથમાં લઈને ખેલવાની ક્ષમતા અને એની માનસિક મજબૂતાઈ સહુને સ્પર્શી ગઈ. યોગમાં ‘સહજ માર્ગ’ને માનતો રોહિત એના સ્ટ્રોક એટલા આસાનીથી લગાવે છે કે જાણે ઘડિયાળનું લોલક એક બાજુથી બીજી બાજુ જતું હોય. ગોલંદાજનો હાથ દડો વીંઝવા જાય અને રોહિતની ચપળ આંખ એને ઝડપી લેતી અને પછી જોશથી ફટકો લગાવતો.

આમ 2011 પછી રોહિત શર્મામાં એક પરિવર્તન આવવા લાગ્યું. દરેક પરિસ્થિતિને સમજીને અનુકૂળ બનાવવાની ક્ષમતા આવી, વિરોધી ગોલંદાજના મનમાં ચાલતી પ્રક્રિયા સમજવા લાગ્યો અને પોતાની ટીમના વિજય માટે પ્રયાસ ક૨વા લાગ્યો. આને માટે એની ભીતરમાં રહેલા અતિ ઉત્સાહના પ્રાગટ્ય પર અંકુશ મૂકી દીધો. પરિસ્થિતિ વિપરીત હોય, ત્યારે ખેલાડી તરફ સખ્ત અણગમો દાખવીને હાથ કરવાની કે મોઢું બગાડવાની રીતભાતથી એ દૂર રહ્યો. ખુશ થઈને કૂદકા મારતો નહીં અને એક સુકાની તરીકે એની ટીમ પર પ્રભાવ પાડવા લાગ્યો. એના કટ અને પુલથી એ ૨ન મેળવવા લાગ્યો. વળી સામેના ગોલંદાજને જોઈને એ ક્રિસનો કેવો ઉપયોગ કરવો તે પારખવા લાગ્યો. વળી પીચ પર બરાબર જામી જાય પછી ‘પુલ’નો શોટ ખેલવા લાગ્યો અને ક્યારેક તો વિકેટની સામે સીધેસીધો સ્ટ્રોક લગાવવા લાગ્યો.

પોતાના કાકા પાસેથી પૈસા લઈને એ કોચિંગ કૅમ્પમાં જોડાયો હતો. એ પછી ક્રિકેટની વધુ સગવડ અને દીનેશ લાડ જેવા કોચ પાસેથી તાલીમ મળે તે માટે સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. પૈસા નહોતા માટે દિનેશ લાડે સ્કૉલરશિપ અપાવી. ચાર વર્ષ એક પણ પૈસો આપ્યા વિના કોચિંગ મેળવ્યું. એ સમયે ઑફ-સ્પિન ગોલંદાજી કરતા રોહિતને આઠમા ક્રમને બદલે કોચ લાડે ઓપનિંગમાં મોકલ્યો અને રોહિતે ઓપનર તરીકે પહેલી જ મૅચમાં સદી કરી. જોકે આગળ જતાં રોહિત શર્માને કાંડાથી સ્પીન કરનારા સ્પીનરો સામે મુશ્કેલી હતી, પરંતુ ધીરે ધીરે એણે ઝડપી ગોલંદાજોની સાથે સાથે સ્પિન ગોલંદાજીમાં પણ કાબેલિયત મેળવી લીધી. પરિણામ એ આવ્યું કે જ્યારે બીજા બૅટ્સમૅનો રિસ્ટ-સ્પિનરના દડાને માંડ માંડ અટકાવી શકતા હોય, ત્યારે રોહિત એમાં રન લેવા લાગ્યો. પોતાનો દાવ ખેલતી વખતે રોહિત શર્માનું માનસિક વલણ એવું હોય છે કે જાણે એ અગાઉ કોઈ વન-ડે રમ્યો નથી કે કોઈ સદી કરી નથી. આનો અર્થ એ થયો કે એ દરેક મૅચને એકડે એકથી એટલે કે એની આગવી દૃષ્ટિથી જુએ છે. એની રમત પર ભૂતકાળની રમત પ્રભાવિત ન બને, તેની ભારે તકેદારી રાખે છે, આથી વ્હાઇટ બૉલના આ ખેલાડીને રેડ બૉલ ક્રિકેટમાં પણ મહત્ત્વનું સ્થાન મળ્યું અને ટેસ્ટમાં ઓપનર તરીકે એ સતત પોતાની સિદ્ધિ અને શક્તિ બતાવતો રહ્યો.

એના વિશ્વ કપ વિજય પર દૃષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે એ સતત ટીમને પ્રોત્સાહન આપે છે. ખેલાડી થોડો ગભરાતો હોય, ત્યારે જઈને એની પીઠ થાબડે છે. દરેક ખેલાડીને પોતાની રીતે રમવાની મોકળાશ આપે છે અને સૌથી વધુ તો એ ખુશમિજાજ અને મદદગાર બનીને પોતાની ટીમની સાથે તાલ મિલાવે છે. વર્લ્ડ કપ અગાઉ મુંબઈની આઈ.પી.એલ.માં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ એ રમ્યો હતો અને અહીં હાર્દિક પંડ્યા એની આગેવાની નીચે રમ્યા હતા, પણ એ જૂની કડવાશનો એક અંશ પણ રોહિતે બતાવ્યો નહીં અને સૌથી વધુ તો એ પોતાના ખેલાડીઓની પ્રશંસા કરવામાં સહેજે પાછો પડતો નથી. આથી તો સૂર્યકુમારનો કૅચ, અક્ષર પટેલની બૅટિંગની પ્રશંસાની સાથોસાથ એણે કોહલી પરનો પોતાનો ભરોસો સાચો પડ્યો, એનો આનંદ વ્યક્ત કર્યો હતો.

એ જ રીતે એની પત્ની રીતિકા અને પુત્રી સમાઈરા સાથેના એના કૌટુંબિકજીવનની સુવાસ પણ વર્લ્ડ કપ સમયે પ્રગટ થઈ. પોતાની પુત્રી ઝિવા તરફના ધોનીના પ્રેમની યાદ તાજી થાય તેમ રોહિત પોતાની પુત્રી સમાઈરાને ખભે બેસાડીને એ મેદાન પર ઘૂમતો હતો અને પત્નીને ભાવથી આલિંગન આપતો હતો, એ દૃશ્યની પાછળ રોહિત શર્માના એ શબ્દો યાદ કરીએ કે, કુટુંબને પરિણામે તમે શાંતિ અનુભવો છો, તમારી જિંદગી તમને સેટલ લાગે છે અને તે કોઈ પણ સ્પૉર્ટ્સમૅનને માટે શ્રેષ્ઠ લાગણી છે.’

ખેર, ગમે તેમ પણ 2011થી 2024ની રોહિતની યાત્રા કેવી ગણાય ? ભારતે આરંભથી ફાઇનલ સુધીની એક પણ મૅચ ગુમાવ્યા વિના મેળવેલા આ અદ્વિતીય વર્લ્ડ કપ વિજયને રોહિતે ‘ફૅન્ટાસ્ટિક’(અસાધારણ) કહીને વધાવ્યો હતો, તેવી જ એની ક્રિકેટર તરીકેની મક્કમ મનોબળની યાત્રા છે.

 પારિજાતનો પરિસંવાદ

પ્ર. તા. 7-7-2024

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑