બાળસાહિત્યના સર્જનમાં જેટલો હસતો-રમતો આનંદ પ્રાપ્ત થતો હતો, એટલી જ મનોમંથનની મોજ બાળસાહિત્યના વિષય અંગે ચાલતી ગડમથલથી આવતી હતી. એકાદ વર્ષે વર્તમાન પરિસ્થિતિ જોઈને કોઈ મૌલિક વિચાર જાગે અને પછી એક બિંદુની આસપાસ આખો મધપૂડો રચાય, એ રીતે જુદા જુદા પ્રસંગોની ગૂંથણી કરતો. એ વિશેની ભૂતકાળની ઘટનાઓ અને વર્તમાનના વાસ્તવિક પ્રસંગોને મેળવ્યા પછી અને એની પ્રમાણભૂતતા ચકાસ્યા બાદ જ લેખનકાર્ય શરૂ કરતો.
એ સમયે ભારતવર્ષના દાર્શનિક વિદ્વાન પંડિત સુખલાલજી સાથે મારા પિતાશ્રી ‘જયભિખ્ખુ’ને ગાઢ સંબંધ હતો. વળી મારા કાકા શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તો એમની સઘળી સંભાળ રાખતા અને એમના ટ્રસ્ટનો કારોબાર પણ સંભાળતા હતા. પંડિતજી જ્યારે અમારા નિવાસસ્થાને આવતા અથવા તો અમે સહુ એમની પાસે જતા, ત્યારે એમની પ્રકાંડ વિદ્વત્તાનો પ્રગાઢ અનુભવ થતો. ભારતીય દર્શન વિશેની એમની તાર્કિક અને સમન્વયવાદી દૃષ્ટિમાંથી પ્રાપ્ત થતા વિચારો આકર્ષક હતા. માનવકલ્યાણના સાધક એવા ધર્મદર્શન અને ચિંતનના તેઓ હિમાયતી હતા. જૈન વેપારી કુટુંબમાં જન્મ્યા હતા અને માત્ર સોળ વર્ષની વયે 1896માં શીતળાને કારણે બંને આંખોની રોશની ગુમાવી હતી, પરંતુ અંધાપાને કારણે અભ્યાસ છોડ્યો નહીં. 1904માં 23 વર્ષની વયે કાશી ગયા અને 1921 સુધી કાશી અને મિથિલામાં ભારતીય દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સંસ્કૃત, પ્રાકૃત અને અંગ્રેજી ભાષા, જૈન આગમો, પ્રમાણશાસ્ત્રો અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાન વગેરે વિષયોનું એમણે જ્ઞાન મેળવ્યું અને ઐતિહાસિક સમન્વયાત્મક અને તુલનાત્મક દૃષ્ટિએ તેમણે કરેલા અધ્યયન વડે તેમની પ્રતિભા સોળે કળાએ ખીલી ઊઠી.
1947માં તેઓ અમદાવાદ આવ્યા અને અહીં એમના નિવાસસ્થાને લેખકો અને વિદ્વાનો સતત આવતા. એમની સાથે કોઈ શાસ્ત્રીય ગ્રંથની વાત કરે કે તરત જ તેઓ એના કેટલાય સંદર્ભો આપતા. ક્યારેક તો એવું આશ્ચર્ય થાય કે એક જ ગ્રંથની જુદી જુદી હસ્તપ્રતમાં આવતા જુદા જુદા શબ્દો તેઓ સાંભળે અને પછી કયો શબ્દ હોવો જોઈએ તે કહી આપતા. એક વાર એમની સમક્ષ એક પુસ્તક વાંચ્યું અને પછી એક વર્ષ બાદ એ પુસ્તકની પ્રસ્તાવના લખવાની વિનંતી કરી, તો એમણે પ્રકરણવાર એની પ્રસ્તાવના લખી આપી.
ધર્મ, સમાજ, રાજનીતિ અને કેળવણી વગેરે વિષયોને સમાવી લેતા લેખો ધરાવતો ‘દર્શન અને ચિંતન’ ગ્રંથમાં એમની પ્રતિભા જોવા મળી. આવા તો અનેક ગ્રંથો એમણે લખ્યા અને જૈન વેપારી કુટુંબમાં જન્મેલા અને પ્રજ્ઞાચક્ષુ બનેલા પંડિત સુખલાલજીએ દેશ-વિદેશમાં શ્રદ્ધેય વિદ્વાન તરીકે ખ્યાતિ મેળવી હતી. એમના સાક્ષાત્ પરિચયને પરિણામે મનમાં વિચાર જાગ્યો કે પ્રજ્ઞાચક્ષુઓ પાસે કેવું પ્રચંડ મનોબળ અને જ્ઞાનપ્રાપ્તિની ક્ષમતા હોય છે ! પંડિત સુખલાલજી આથી તો ‘પ્રજ્ઞાચક્ષુ પંડિતજી’ તરીકે સર્વત્ર ઓળખાતા હતા. ‘સામાન્ય દૃષ્ટિ ધરાવનાર નહીં,પણ પ્રજ્ઞા એ જ જેમની દૃષ્ટિ છે તેવા પંડિત.’ પરંતુ બીજી બાજુ એ સમયની વાસ્તવિક પરિસ્થિતિ જોતા ખ્યાલ આવ્યો કે સમાજમાં અંધ, બધિર કે અપંગ માનવીઓમાં પડેલી વિરાટ શક્તિ સમાજની ઉપેક્ષા, અપમાન અને અવગણનાને કારણે સુષુપ્ત પડી રહે છે. સમાજ આવા દિવ્યાંગો તરફ સ્નેહ દાખવે અને તેમનામાં પડેલી અખૂટ શક્તિ જાગૃત બને તેવું વાતાવરણ રચે તે જરૂરી છે. આમ થાય તો તેઓ નિરાધાર, લાચાર કે નિઃસહાય જીવન ગુજારવાને બદલે હિંમત અને ખમીરથી ગૌરવભર્યું જીવન જીવી શકે.
આજે તો સમાજમાં દિવ્યાંગોનો મહિમા હોવાથી આ વાત ઘણી સામાન્ય લાગે, પણ જે સમયે ‘અપંગના ઓજસ’ લખવાનું વિચાર્યું તે સમયે ઈ. 1973માં આવી પરિસ્થિતિ નહોતી. વળી વિચાર આવ્યો કે સમાજ એમ માને છે કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ વધુમાં વધુ સંગીતકાર કે શિક્ષક બની શકે, પરંતુ એને એ બતાવવું જોઈએ કે જેમાં શરીરબળનું સૌથી વધુ મહત્ત્વ છે એવાં રમત-ગમતનાં ક્ષેત્રોમાં પણ તેઓ આશ્ચર્યજનક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે.
આમાંથી ‘અપંગનાં ઓજસ’ પુસ્તકનું સર્જન થયું. રમતગમતના ક્ષેત્રમાં વિશ્વમાં આવી સિદ્ધિ મેળવનારી વ્યક્તિઓની કથાઓ મેળવી. બાળપણમાં લકવાની ઘેરી અસર પામનાર વૉલ્ટ૨ ડેવિસ ઊંચા કૂદકાની સ્પર્ધામાં પંદરમી ઑલિમ્પિકમાં વિશ્વવિજેતા બન્યો. ઊંચો કૂદકો લગાવવા માટે પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની હોય,પછી ઝડપથી દોડવાનું હોય અને ત્યારબાદ જોશથી ‘પગની ઠેક’ મારીને ઊંચો કૂદકો લગાવવાનો હોય. આમ અન્ય રમતો કરતાં આમાં પગની તાકાતની શક્તિની ઘણી કસોટી થાય છે. એમાં બાળપણમાં લકવાગ્રસ્ત અને જેને માટે ડૉક્ટરોએ પણ એમ કહ્યું હતું કે એ જિંદગીમાં કદી જાતે ચાલી શકશે નહીં, ત્યારે એની માતાએ એવી પ્રેરણા આપી કે તું ચાલી શકીશ ખરો, અરે ! દોડીશ અને કૂદકા પણ લગાવી શકીશ અને એમાંથી વૉલ્ટર ડેવિસ જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો.
એવી જ રીતે 19,340 કિલિમાંજારો પર્વત પર સાત અંધ યુવાનો કોઈનીયે મદદ વિના બે વર્ષની જહેમત બાદ 1969ના 22 ફેબ્રુઆરીના દિવસે આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત કિલિમાંજારોના સર્વોચ્ચ શિખર કીબો પર પગ મૂક્યો અને દુનિયાને અજાયબ કરનારી સિદ્ધિ મેળવી. આ કથા વાંચીને સુરેન્દ્રનગરની અંધ શાળાના ચાર વિદ્યાર્થીઓ કોઈનીય સહાય વિના ગિરનાર પર્વત ચડી આવ્યા હતા.
એક આંખે ક્રિકેટની રમતમાં બૅટર અને સુકાની તરીકે અપૂર્વ સિદ્ધિ મેળવનારા મનસુર અલી ખાન પટૌડીના પુરુષાર્થની વાતો એની પ્રત્યક્ષ મુલાકાત કરીને મેળવી, તો જીવલેણ કૅન્સર હોવા છતાં કૃત્રિમ પગથી કૅનેડા દેશનું સમગ્ર ક્ષેત્રફળ પગપાળા દોડનાર ટેરી ફોક્સ કે પછી નિષ્ક્રિય જમણા પગ સાથે ટેનિસની રમતમાં વિમ્બલ્ડન વિજેતા બનેલી ડોરીસ હાર્ટ, આખું શરીર અનેક પ્રકારની ઈજાઓથી ઘેરાયેલું હોવા છતાં ડિસ્કસ થ્રોમાં ઓલિમ્પિક વિજેતા બનેલો અલ ઓલ્ટર કે પછી કૃત્રિમ પગથી ટેબલ-ટેનિસમાં વિજય મેળવનાર યોગેશ ગાંધી – આવી કેટલીય વ્યક્તિઓનાં મનોબળ અને પુરુષાર્થનાં પ્રેરણાદાયી ચરિત્રો આમાં આલેખ્યાં.
સાચે જ, જીવન વિજેતાને ઘડતું નથી, પણ વિજેતા જીવનને ઘડે છે અને માનવી એના દૃઢ મનોબળથી અશક્તિઓ અને મર્યાદાઓને ઓળંગી શકે છે. એ બતાવવા માટે પોતાની શારીરિક ખામી ઓળંગીને સિદ્ધિ સર્જનારાઓની કથા આમાં આલેખાઈ, જેમાં કોઈ પર્વતારોહક બની શકે છે તો કોઈ મુક્કાબાજ. એ સમયે વિશ્વની વસ્તીના દસ ટકાથી વધુ લોકો વિકલાંગ હતા અને ભારતમાં સાત કરોડ જેટલા અપંગ, બધિર અને અન્ય શારીરિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગો હતા. વળી ગરીબાઈ, અજ્ઞાન, સંકુચિતતા, અંધશ્રદ્ધા તેમજ જન્મજાત ક્ષતિને કારણે દર વર્ષે પચાસ હજાર વ્યક્તિઓનો આમાં ઉમેરો થતો હતો. આવા લોકોએ પોતાની શારીરિક મર્યાદા પાર ક૨વા માટે કરેલી મથામણનો તાર્દશ ખ્યાલ મેળવવાનો ઘણા રમતવીરોની પ્રત્યક્ષ મુલાકાત લઈને માહિતી મેળવી. આને માટે ઠેર ઠેરથી સાહિત્ય એકત્રિત કર્યું. એની પ્રમાણભૂતતા જાળવવા માટે પ્રયાસ કર્યો અને શોધ કરતાં અમદાવાદના શાહપુર વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો ચંદુલાલ ભાટી નામનો યુવાન મળી આવ્યો.
વિ.સં. 2026ના બેસતા વર્ષના દિવસે અમદાવાદમાં ચાલતા કોમી તાંડવના સમયે કોઈએ એના ઘરની બહાર બૉમ્બ મૂક્યો હતો અને સાંજે એના ભાઈને જમવા માટે બોલાવવા ગયો, ત્યારે બૉમ્બ ફૂટતાં બાર વર્ષનો ચંદુલાલ ભાટી બેભાન થઈને ધરતી પર ઢળી પડ્યો. એક બાજુ એના એક હાથનો પંજો પડ્યો હતો અને બીજી બાજુ બીજા હાથની પાંચ આંગળીઓ રઝળતી પડી હતી. આખું મોં દાઝી ગયું હતું. આ ગરીબ બાળકને પ્રેરણા તો કોણ આપે ? કોઈએ કહ્યું કે કૂતરો પણ જાતે રોટલો ખાઈ શકે છે, જ્યારે આના બંને હાથના કોણી નીચેના ભાગ કપાઈ ગયા છે, તો હવે તે કઈ રીતે ખાઈ શકશે ? પણ આ બાર વર્ષના બાળકના મનમાં એણે વાંચેલી એક વાર્તા ઘૂમતી હતી કે એક હાથ વગરનો માણસ મહેનત કરીને વિખ્યાત એન્જિનિયર બન્યો હતો. આથી એણે પણ નક્કી કર્યું કે હું હિંમત હારીશ નહીં અને સ્વમાનભેર જીવીશ. પેલી વ્યક્તિ ઈજનેર બની, તો હું કારકુન તો બનીશ ને !
અકસ્માતનાં બે વર્ષ બાદ એણે અભ્યાસ ચાલુ કર્યો, સાતમા ધોરણમાં પ્રવેશ મેળવ્યો. આંગળાં નહોતાં, હથેળી નહોતી, કોણી નીચેનો ભાગ નહોતો, પણ ઉત્સાહ અદ્ભુત હતો. એણે દોડની સ્પર્ધામાં ભાગ લેવા માંડ્યો અને 1973ની 9મી માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ૫૨ યોજાયેલી વિકલાંગો માટેની સ્પર્ધામાં પંદર વર્ષનો ચંદુલાલ ભાટી પોતાનાથી મોટી ઉંમરના લોકોને હરાવીને વિજેતા બન્યો અને જાણીતા ક્રિકેટર સુનીલ ગવાસ્કરને હાથે એકસો મીટર દોડ અને લાંબા કૂદકામાં વિજય પ્રાપ્ત કરવા માટે ચંદ્રક મેળવ્યો.
આ ચંદુલાલ ધીરે ધીરે બંને ઠૂંઠા હાથે પ્રાઇમસ સળગાવતાં શીખ્યો, ચા બનાવતાં આવડી ગઈ. સંચાથી સિવણકામ કરવા લાગ્યો, ચિત્ર દોરવાનો શોખ જાગ્યો અને બંને હાથની કોણીમાં ખાડામાં પેન ભરાવીને ભણવા લાગ્યો અને પછી પીંછી રાખીને ચિત્ર દોરવા લાગ્યો.
સખત પરિશ્રમ કરીને 1976માં ચંદુલાલ ભાટીએ 65 ટકા ગુણ સાથે એસ.એસ.સી. અને ત્યારબાદ 1978માં એચ.એસ.સી.ની પરીક્ષા પસાર કરી. આગળ અભ્યાસ કરવાની એની અદમ્ય ઇચ્છા હતી; પરંતુ આર્થિક સ્થિતિને કારણે કોઈ નોકરી શોધવી પડે એમ હતું. 1979માં અમદાવાદના જિલ્લા પંચાયતમાં એમને એ શરતે નોકરી મળી કે જો વિકલાંગતાને કારણે બરાબર કામગીરી બજાવી નહીં શકો તો તમને નોકરીમાંથી રુખસદ આપવામાં આવશે.
આફતો સામે ઝઝૂમીને પડકાર ઝીલનારા ચંદુલાલ ભાટીએ એ પડકાર ઝીલી લીધો. એટલું જ નહીં, પણ જુદી જુદી સરકારી કચેરીઓમાં નિષ્ઠા અને ખંતથી કામ કર્યું. 1981માં ગુજરાતના એ સમયના રાજ્યપાલ શ્રી ચાંડીના હસ્તે એમને ઉત્કૃષ્ટ સરકારી કર્મચારીનો ઍવૉર્ડ મળ્યો. જ્યારે સક્ષમ કર્મચારીઓ પણ આવો ઍવૉર્ડ મેળવી શકતા નથી, ત્યારે વિકલાંગતા ધરાવનાર વ્યક્તિએ આ ઍવૉર્ડ મેળવીને સમાજને બતાવ્યું કે જો હૃદયમાં હિંમત અને મનમાં મહેનત કરવાની વૃત્તિ હોય તો વ્યક્તિ જીવનમાં પ્રગતિની હરણફાળ ભરી શકે છે.
ચંદુલાલનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું અને તેથી એણે વિચાર્યું કે હિમાલય પર પર્વતારોહણ કરવું અને ચાર વખત એ હિમાલય પર પર્વતારોહણ કરી આવ્યા અને બહાદુરી માટેનો ચંદ્રક પ્રાપ્ત કર્યો.
રાજ્યકક્ષાની અપંગો માટેની સ્પર્ધામાં ચંદુલાલ સદાય મોખરે રહ્યા. એમણે આઠ સુવર્ણચંદ્રક અને 12 ૨જતચંદ્રક અને 27 કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યા છે. આજે એક પુત્ર અને એક પુત્રીના પિતા ચંદુલાલ ભાટી માત્ર સ્વસુખનો વિચાર કરવાને બદલે બીજાને મદદગાર બનવાની તત્પરતા સેવે છે અને એથી જ અપંગોની અનેક સંસ્થાઓમાં સેવા આપીને અપંગો માટેની હેલ્પલાઇન પણ ચલાવે છે. વિકલાંગ વ્યક્તિઓને વધુ ને વધુ તક મળે, વ્યવસાય મળે અને જીવનમાં પ્રગતિ કરી શકે એ ચંદુલાલ ભાટીનું ધ્યેય બની ગયું છે. આમ ગરીબાઈ, વિકલાંગતા અને મૂંઝવણોનો સામનો કરીને ચંદુલાલ સ્વયં અન્ય વિકલાંગો માટે આદર્શરૂપ બની ગયા છે.
વાસ્તવિક ઘટનાઓ ધરાવતું ‘અપંગનાં ઓજસ’ પુસ્તક તો લખાયું, હવે વિચાર કર્યો કે આ પ્રકારના પુસ્તકની પ્રસ્તાવના કોની પાસે લખાવવી. એક જમાનાના સમર્થ ઓપનિંગ બૅટધર અને એ સમયે વિકલાંગો માટે ઘણું મોટું કાર્ય કરતા વિજય મરચન્ટ પાસે એનું આમુખ લખાવું તો ? અને શ્રી વિજય મરચન્ટે આ પુસ્તકનું આમુખ તો લખી આપ્યું અને એમાં એમણે સ્વયં પોતાની હિંદુસ્તાન મિલ્સમાં કાર્ય કરતી સંપૂર્ણપણે અંધ એવી મીનાક્ષી ઓધવજી ભટ્ટનું જીવંત દૃષ્ટાંત આપ્યું.
એમણે લખ્યું, ‘મીનાક્ષીના લગ્નજીવનનાં નવ વર્ષ વીત્યાં છે અને એ બે પુત્રીઓની માતા છે. લગ્ન બાદ મીનાક્ષીએ કોઈ પણ દેખતા માણસની મદદ વગર ગૅસ પર પોતાનો શાકાહારી ખોરાક જાતે રાંધે છે. એને મદદ કરનાર એ એકમાત્ર વ્યક્તિ છે, તે એનો અંધ પતિ.’ એમણે લખ્યું કે મીનાક્ષી ભટ્ટને જાતે એણે રાંધતાં જોઈ છે અને એણે તૈયાર કરેલા ભોજનનો સ્વાદ પણ માણ્યો છે. આ નવ વર્ષમાં દાઝવાની તો વાત શી ? પણ ઊનું પાણી એના શરીર પર પડ્યું હોય એવું બન્યું નથી.’
આ ઘટના નોંધીને એમણે લખ્યું, ‘મેં જે કહ્યું છે તે તમને સાચું ન લાગતું હોય, તો તમે માત્ર શ્રી કુમારપાળ દેસાઈનું અત્યંત આકર્ષક રીતે લખાયેલું આ પુસ્તક વાંચી જાવ. તેમાં અપંગ લોકો જીવવા માટે કેવું ઝઝૂમતા હોય છે અને તેમાં કેટલે અંશે સફળ નીવડે છે એ વાત તેમણે ખૂબ હૃદયસ્પર્શી રીતે આલેખી છે. તેમણે જે વ્યક્તિઓ વિશે આ પ્રસંગો લખ્યા છે તે વ્યક્તિઓને ‘ભીની વિકેટ’ પર ઝઝૂમવા માટે તો જેટલાં અભિનંદન આપીએ તે ઓછાં જ છે, પણ સાથે સાથે આવા ઝિંદાદિલ અપંગોના જીવનસંઘર્ષ તરફ આપણા સમાજનું ધ્યાન ખેંચવા બદલ શ્રી કુમારપાળ દેસાઈના પણ આપણે ખરેખર ઋણી છીએ. મને ખાતરી છે કે શ્રી કુમારપાળ દેસાઈનું આ પુસ્તક ઉચિત આવકાર પામશે જ, કારણ કે આ પ્રકારનું પુસ્તકલેખન પણ અપંગોની એક મોટી સેવા જ છે.’
આ પછી મનમાં થયું કે ગુજરાતમાં જુદા જુદા પ્રકારની સાહસસ્પર્ધાઓ માટે પ્રેરણા આપનાર અને સમાજને બેઠો કરવાની ભાવના ધરાવનાર પૂજ્યશ્રી મોટા પાસેથી આ ગ્રંથને આવકાર પ્રાપ્ત થાય, તો કેટલું સારું ? અને એ પુસ્તકના ફર્મા બાઇન્ડ કરાવીને એક પુસ્તક નડિયાદ હરિ ૐ આશ્રમમાં મોકલી. બીજે દિવસે એવું બન્યું કે પૂજ્યશ્રી મોટાના એક-બે અંતેવાસી કોઈ કામ અંગે ઘેર મળવા આવ્યા અને મેં કહ્યું, ‘મેં તો ગઈકાલે બધા ફર્મા બાઇન્ડ કરાવીને આ પુસ્તક એમને આવકાર લખવા માટે વિનંતી કરતા પત્ર સાથે મોકલી આપ્યું છે.’ એમણે કહ્યું, ‘પૂજ્ય શ્રી મોટા તો આજે અમદાવાદમાં છે. ચાલો, એના ફર્માની બીજી બાઇન્ડ કરેલી નકલ હોય તો એમને આપી આવીએ અને તમારું કામ ઝડપથી પૂર્ણ થાય.’
‘અપંગનાં ઓજસ’ પુસ્તકના બાઇન્ડ કરેલા ફર્માઓ લઈને હું એમની પાસે ગયો. એક વિશાળ ખંડમાં આસપાસ કેટલાય મહાનુભાવો બેઠા હતા, અને એક બાજુ પલંગ પર તેઓ બેઠા હતા. મને પલંગ પર બાજુમાં બેસવાનું કહ્યું. મનમાં ભારે સંકોચ થયો. નીચે બેસીશ, તો વધુ ફાવશે એમ કહેવાનો વિચાર કરતો હતો, ત્યાં જ તેઓ બોલ્યા, ‘સંકોચ વગર બેસો અને શું કામ છે, તે કહો.’
મેં એમને પુસ્તકના ફર્મા આપ્યા. એ પહેલાં એકાદ મિનિટ પુસ્તક શા માટે લખ્યું તે વિશે વાત કરી અને પછી એમણે પુસ્તકનાં માત્ર પાનાં ફેરવ્યાં. એકાદ મિનિટ થઈ હશે અને એમના અંતેવાસી પૂજ્ય શ્રી નંદુભાઈને બોલાવીને કહ્યું, ‘મને કાગળ આપો.’ અને એમણે લાલ પેનથી એક સાથે આઠ પાનાં ‘આવકાર’ રૂપે લખી આપ્યાં. બન્યું એવું કે જે વિચા૨થી મેં આ પુસ્તક શરૂ કર્યું હતું અને જેની પ્રસ્તાવનામાં જે વાત હું લખવાનો હતો એ બધું જ જાણે મારો હૃદયભાવ પકડી લીધો હોય તેમ, એમણે લખ્યું, હું સ્તબ્ધ થઈ ગયો. સંતની કેવી શક્તિ ! સંતની શક્તિનો એક પ્રત્યક્ષ અણસાર મળ્યો. આજે પણ એમના એ હાથલખાણનાં પૃષ્ઠો જતનથી જાળવી રાખ્યાં છે.
એમણે પુસ્તકના પ્રારંભે લખેલા આવકારમાં પુસ્તકના વિષયની વિશેષતા, દિવ્યાંગો માટેનાં લખાણોથી કરેલી સેવા અને આવું પુસ્તક લખવા માટે કરેલો પુરુષાર્થ – એની વાતો કર્યા પછી એમણે લખ્યું,
‘માનવનું મન કેટલું મહાન છે અને તે ધારે તો અશક્યને પણ શક્ય કરી શકે છે, તે આ પુસ્તકનાં પાત્રોનાં કર્મોથી ફલિત થાય છે. માનવસમાજના સંકલ્પને દૃઢીભૂત થવામાં અને તેને મરણિયો બનાવવામાં આવાં પાત્રોની સાહસગાથાઓ જીવનમાં ઘણો મોટો ભાગ ભજવે છે.
‘ભાઈશ્રી કુમારપાળભાઈ આવા પ્રકારનું સાહિત્ય પ્રગટ કરતા રહે તો સમાજનો અભિગમ બદલાવવાની પ્રક્રિયામાં તેમનો જે કંઈ યત્કિંચિત્ ફાળો હશે, તે તેમનું કર્મ પણ અદ્વિતીય પ્રકારનું ગણાશે. આવા પ્રકારનું સાહિત્ય વિશેષ ને વિશેષ પ્રગટ થતું જાય અને સમાજ તે વાંચતો થાય, તો સમાજના વિકાસની ગતિમાં, શ્રદ્ધા છે કે પ્રગતિ થાય.
‘અપંગનાં ઓજસ’ પુસ્તક પ્રગટ થયું. ઘણી સંસ્થાઓએ એને પાઠ્યપુસ્તક તરીકે વર્ગશિક્ષણમાં સ્થાન આપ્યું. બ્રેઇલલિપિમાં એનું રૂપાંતર થયું અને આજે તો ગુજરાતી ‘અપંગનાં ઓજસ’ની આઠ આવૃત્તિઓ પ્રગટ થઈ છે. હિન્દીમાં ‘अपाहिज तन, अडिग मन’ તરીકે કરેલા એના અનુવાદની ત્રણ આવૃત્તિ પ્રગટ થઈ છે અને અંગ્રેજીમાં ‘The Brave Hearts’ નામે એની ચાર આવૃત્તિ પ્રગટ થઈ છે. એની શ્રાવ્ય (ઑડિયો) આવૃત્તિ પણ તૈયાર થઈ અને એ રીતે જીવનમાં ગુરુ તરીકે સ્થાપેલા પંડિત સુખલાલજીની પ્રચંડ વિદ્વત્તા આ ગ્રંથનું વિચાર-બીજ બનીને વટવૃક્ષ તરીકે પ્રગટ થઈ.