એકલવ્ય અને અર્જુનના બંનેના ચિત્તમાં વિદ્યાપ્રાપ્તિના સમયે ગુરુ દ્રોણની કેવી છબી હશે ? એકલવ્ય સમક્ષ ગુરુ પ્રત્યક્ષ નહીં, કિંતુ એમની વિદ્યા અને નિપુણતાથી હાજરાહજૂર હતા. એ ગુરુપ્રતિમા પાસે રહીને જ્ઞાનપ્રાપ્તિ કરતો હતો, જ્યારે અર્જુન પાસે તો ગુરુની સાક્ષાત્ ઉપસ્થિતિ હતી. એકલવ્ય એના ચિત્તમાં ગુરુ પાસેથી પ્રાપ્ત થતા ધનુર્વિદ્યાના જ્ઞાનની કલ્પના કરીને સજ્જ થતો હશે, તો અર્જુન ગુરુ સમીપ રહીને એમની પાસેથી એ જ્ઞાન ઉપાર્જિત કરતો હશે.
જીવનમાં માર્ગદર્શક અને વિદ્યાદાતા ગુરુ વિશે વિચારીએ, ત્યારે ક્યારેક એ ગુરુ એકલવ્ય સમાન હોય છે. એ પ્રત્યક્ષ હોતા નથી, પરંતુ એમના વિચારો, સાહિત્ય અને એમના જીવનની ઘટનાઓ શિષ્યના મનમાં ગુરુની છબી સર્જતી હોય છે.
શિષ્યને માટે ગુરુની સૃષ્ટિ એ એના જીવનનો વિચાર અને આધાર બનતો હોય છે. ગુરુના વિચારો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે શિષ્યના માનસનું ઘડતર કરતા હોય છે. વળી જેમ જુદાં જુદાં ક્ષેત્રોમાં ગતિ કરો, ત્યારે એ ક્ષેત્રમાંથી પણ કોઈ પથદર્શક તમને મળે છે, જે એક યા બીજી રીતે તમારા જીવનકાર્યને, વિચારજગતને કે એ આગવા ક્ષેત્રમાં તમારા કાર્યને ઘડે છે. કોઈ શિલ્પી મૂર્તિ ૨ચે અને એના ટાંકણાથી એક એક અંગને ઘાટ આપે, તે રીતે ‘ગુરુમૂર્તિ’ માત્ર એક વ્યક્તિની વિચારસૃષ્ટિથી ઘડાયેલી હોતી નથી, પણ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ અનેક વ્યક્તિઓનાં કાર્ય અને ભાવનાઓથી ઘડાયેલી હોય છે. આમાં પ્રથમ સ્મરણ થાય છે પંડિત સુખલાલજીનું. ભારતવર્ષના દાર્શનિક વિદ્વાન પંડિત સુખલાલજી સાથે મારા પિતાશ્રી ‘જયભિખ્ખુ’ અને કાકાશ્રી રતિલાલ દેસાઈને ગાઢ સંબંધ હતો. મને પણ પ્રજ્ઞાચક્ષુ પંડિતજી પાસે બેસીને એમની જ્ઞાનવાણી સાંભળવાનો લ્હાવો પ્રાપ્ત થયો હતો. ક્યારેક એમની પાસે બેસીને ગ્રંથવાચન કરવાની તક મળી હતી, તો ક્યારેક મારા નિવાસસ્થાને આવીને નિરાંતે પારિવારિક સ્નેહ સાથે એમની સાથે વાતચીત કરી હતી. આ બધી બાબતોને કારણે મનોમન એમની પાસેથી ગુરુશિક્ષા પામતો રહ્યો.
એમણે કેટલાય તરુણોના જીવનમાં વિદ્યાવ્યાસંગ જગાવ્યો હતો. પદ્મભૂષણ શ્રી દલસુખભાઈ માલવણિયા, ડૉ. પદ્મનાભ જૈની, ડૉ. ઇન્દુકલાબહેન ઝવેરી, ડૉ. નગીનભાઈ શાહ જેવાં કેટલાંય વિદ્વાનો એમણે સમાજને આપ્યાં. વળી આ દરેક વિદ્વાનની સાથે અંગત રીતે મળવાનું બનતાં એમનાં દર્શન, વ્યવહાર અને વિચારમાં પંડિતજીના ગુરુતત્ત્વનો સ્પર્શ અનુભવાતો હતો. ક્યારેક તો એમ થતું કે ગ્રીસમાં જે રીતે પ્લેટો, સૉક્રેટિસ અને એરિસ્ટોટલે પોતાના વિદ્વાન શિષ્યો તૈયાર કર્યા એવી જ પરંપરા એમણે આ યુવાનોને આપી અને એમના જીવન, વિચાર, શિક્ષણ અને સમગ્ર વ્યક્તિત્વ પર પ્રભાવ પાડ્યો.
એમના એ શિષ્ય વિદ્વાનોને મળું, ત્યારે પંડિત સુખલાલજીનું સ્મરણ થતાં એમની આંખોમાં એક ચમક આવતી. એ દિવસથી સમજાયું કે જગતમાં શિક્ષક પાસે સૌથી મોટી સમૃદ્ધિ એ એના વિદ્યાર્થીની આંખમાંથી શિક્ષકને જોઈને વરસતો પ્રેમ છે. એ સમયે શિક્ષકની આંખમાંથી વરસતું વાત્સલ્ય એ એની સૌથી મોટી પ્રાપ્તિ છે. પંડિત સુખલાલજીને મળતાં જ મનમાં સતત એક સાતત્ય જાગતું હતું. મહાવીરની આગમવાણી કે પછી મહાત્મા ગાંધીની વાણીમાં અને જીવનમાં પ્રગટ થતી સત્યનિષ્ઠાનું એમના જીવન, વચન અને કવનમાં પ્રતિબિંબ જોવા મળતું. એમાં પણ પંડિતજીએ તો સત્યના સથવારે અસત્યનો સામનો કરવાનું પ્રચંડ સાહસ દાખવ્યું હતું. જૈન સમાજમાં એવાં પરિબળો હતાં (અને આજે પણ છે) કે જે રૂઢિચુસ્તતાને એટલી બધી ચુસ્તતાથી વળગી રહેતા કે એમના કાન કોઈ વિરોધી વાત સાંભળવા કે અન્યથા વિચારવા તૈયાર હોતા નથી, પરંતુ એમના હાથ વિરોધીનું ગળું ટૂંપી દેવા માટે તત્પર હોય છે. આવી રૂઢિચુસ્તતાની આંખો સત્યના પ્રકાશથી અંજાઈ જતી હોય છે. સત્યના પ્રાગટ્યને માટે પંડિત સુખલાલજીએ સૉક્રેટિસની જેમ ખાંડાની ધારે સત્યની ખેવના કરી.
ધર્મના સત્ય પર સમય જતાં અંધશ્રદ્ધા, આડંબર, જડ આચાર અને અજ્ઞાનનો કાટ લાગી જાય છે, તો બીજી બાજુ સત્યને કદી કાટ લાગતો નથી, પરંતુ અંધશ્રદ્ધાના કાટમાળથી સત્યને દબાવી દેવાનો, રહેંસી નાખવાનો કે નષ્ટ કરી દેવાનો પ્રયાસ થતો હોય છે.
જૈન સમાજમાં ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સમાન વીરચંદ રાઘવજી ગાંધીને આવા અંધશ્રદ્ધાળુઓએ અને જડ માન્યતામાં ખૂંપેલાઓએ કેટલા પરેશાન કર્યા હતા, તેનો જીવંત ઇતિહાસ આપણી પાસે છે. પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી કે પંડિત દલસુખભાઈ માલવણિયાએ સત્યનો પ્રકાશ દર્શાવવાનો પ્રયત્ન કર્યો. પોતાની સ્પષ્ટ માનવસંવેદનાથી સભર અને બાંધછોડ વિનાની તાર્કિકતાથી તેઓ સ્વતંત્ર ચિંતન આપતા રહ્યા. સાંપ્રદાયિકતાની સંકીર્ણ દીવાલોએ સર્જેલા બંધિયારપણામાં આવી સત્યનિષ્ઠા પ્રગટ કરવી એ મહાસાહસ કહેવાય અને પંડિતજીએ અને એ પરંપરાના પંડિતોએ એવું સાહસ કરી બતાવ્યું. એને માટે જે કંઈ સહેવું પડે તે સહન કર્યું. એ અંગે કશી ફરિયાદ કરી નહીં, પણ સત્ય સાથે કોઈ બાંધછોડ કે તડજોડ પણ કરી નહીં.
એમની આ સત્યોપાસના મર્મસ્પર્શી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી હતી. તેઓ માનતા કે સાચું જ્ઞાન તેને કહેવાય કે જેના ઉદય પછી રાગ-દ્વેષ વગેરેની પરિણતિ મંદ પડવા લાગે. વિરોધીઓએ આ વિદ્વાનોને પરેશાન કરવામાં પાછું વાળીને જોયું નહીં, પરંતુ એવી પરેશાની સહન કરીને પણ એમણે ક્યાંય પલાયનવૃત્તિનો આશરો લીધો નહીં. અનેકાંતવાદની વિચારધારામાં માનતો અહિંસક સમાજ કેટલો હિંસક અને અસહિષ્ણુ બની શકે છે એનાં ઉદાહરણો તો આ વિદ્વાનો ૫૨ થયેલા જીવલેણ હુમલા સમયે જોવા મળ્યા, પરંતુ પંડિતજીના ‘ન દૈન્યમ્, ન પલાયનમ્’ વિચાર, આચાર, લેખન અને વક્તવ્યમાં ‘ન દૈત્યમ્, ન પલાયનમ્’ જોવા મળે છે. અત્રે એમની જૈન વિશેની એક વ્યાખ્યા જોઈએ,
‘જે પારકાના શ્રમનો ઉપયોગ કરવાની વૃત્તિથી મુક્ત હોય, જે શ્રમનું મૂલ્ય પિછાણતો હોય અને જે લોભ-લાલચની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જૈન.’
(‘જૈન ધર્મ અને દર્શન’ ભાગ 2, પંડિત સુખલાલજી, પૃ. 319)
ધીરે ધીરે એમના ધર્મવિષયક વિચારો મારા ચિત્તને સ્પર્શવા લાગ્યા અને એને પરિણામે ધર્મને સત્યનિષ્ઠ વ્યાપક દૃષ્ટિએ જોવાનો પાઠ શીખવા મળ્યો. તેઓ કહેતા કે, ‘ધર્મના બે પ્રકાર છે : એક છે એનો દેહ અને બીજો છે એનો આત્મા. બાહ્ય ક્રિયાકાંડ અને વિધિવિધાનો એ ધર્મનો દેહ છે, જ્યારે સત્ય, પ્રેમ, ઉદારતા, વિવેક, વિનય આદિ સદ્ગુણો એ ધર્મનો આત્મા છે. ગમે તેવો મહાન ધર્મ હોય, પણ જ્યારે તે બાહ્ય ક્રિયામાં અટવાઈ જાય છે, ત્યારે એનો આત્મા વિલીન થવા લાગે છે અને ધીરે ધીરે એનું અસ્તિત્વ ગુમાવે છે.’ વળી તેઓ એમ માનતા હતા કે, ‘સત્યની જિજ્ઞાસા અને શોધ કોઈ પણ એક સદીને વરેલી નથી. દરેક સદી અને યુગમાં ઇચ્છે તેને માટે તેનો સંભવ છે અને બીજાને માટે ગમે તે સદીમાં અને ગમે તે યુગમાં પણ એનાં દ્વાર બંધ જ છે.’
આજે આપણે જોઈએ છીએ કે વ્યાપાર-ઉદ્યોગમાં નિપુણતા ધરાવતા જૈન સમાજની પરિસ્થિતિ એવી સર્જાઈ કે ભાગ્યે જ કોઈને ખ્યાલ હોય છે કે જૈન સમાજમાં વીરપુરુષો થયા છે. જૈનોએ દેશને માટે કુરબાની આપી છે, અંગ્રેજો સામેના સ્વાતંત્ર્યયુદ્ધમાં ફાંસીના ફંદા પર પણ લટકી ગયા છે. ઘણી વાર સમાજ એકાક્ષી માત્ર એક આંખે જોનારો હોય છે અને પરિણામ એ આવ્યું કે આ સમાજની કાયર, બીકણ અને રાષ્ટ્રપ્રેમનો દ્રોહ કરનારા સમાજ તરીકે વગોવણી થઈ. એક વિચારકે તો એમ કહ્યું કે, ‘આ દેશને વર્ષો સુધી ગુલામ રહેવું પડ્યું, તેની પાછળનું કારણ જૈનસમાજ અને એની અહિંસા છે.’
આવી ખોટી અને આક્ષેપયુક્ત વિચારધારા અને લખાણો સામે મેં સખત વિરોધ કર્યો, પરંતુ મારા એ વિરોધની પાછળ ગુરુ પાસેથી મળેલો એ વિચાર હતો કે ‘દાર્શનિકતા એ રાષ્ટ્રના વાસ્તવિક પ્રશ્નોથી ક્યારેય વિમુખ રહી શકે નહીં.’ અને પ્રજ્ઞાચક્ષુ પંડિતજીએ સ્વયં એમના જીવનકાળમાં પણ રાષ્ટ્ર વિશે ચિંતન કર્યું હતું અને એમના એ વિચારો મારા ચિત્તને સતત પ્રભાવિત કરતા રહ્યા. તેઓ ભારતના આઝાદી આંદોલનના પ્રત્યેક તબક્કાઓને સારી રીતે જાણતા હતા. એમણે 1938ના પર્યુષણ પર્વના વ્યાખ્યાનમાં એમ કહ્યું હતું, ‘બધા સંપ્રદાયોએ પોતાના ચોકામાં રહીને અથવા તો ચોકામાંથી બહાર નીકળીને વાસ્તવિક ઉદારતા સાથે આઝાદીના આંદોલનની આગેવાની સંભાળતી રાષ્ટ્રીય મહાસભા સાથે સહયોગ સાધવો જોઈએ.’
દર્શન અને તત્ત્વજ્ઞાનના પારગામી પંડિત સુખલાલજી વિશ્વચેતના સાથે સતત અનુબંધ ધરાવતા હતા. એમના વિચારજગતનું વૈવિધ્ય પણ સ્પર્શી ગયું અને કદાચ એથી જ મનમાં માત્ર એક જ વિષયને બદલે જુદા જુદા વિષયોમાં ગતિ કરવાની વ્યાપકતાથી વિચારવાની ઇચ્છા જાગી. નવ વર્ષ સુધી કાશીમાં રહીને અભ્યાસ કરનારા પંડિતજી વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રના સમર્થ વિદ્વાન હતા. દર્શન અને તત્ત્વજ્ઞાનના પારગામી પંડિત તરીકે પ્રસિદ્ધ હતા, પણ એ સાથે બાળશિક્ષણની મૉન્ટેસોરી પદ્ધતિ અને સ્ત્રી-પુરુષની સમાનતા જેવા વિષયો પર પણ વિચારણા કરતા અને વખત આવે તે અંગેના વિચારો વ્યક્ત કરતા.
1956ના મે મહિનામાં ‘ગૃહમાધુરી’ સામયિકમાં એમણે લખ્યું,
‘સ્ત્રી અને પુરુષનાં જીવનક્ષેત્રો અમુક અંશે જુદાં હોવા છતાં તે બંનેની સમાન શક્તિઓને દબાયા વિના કામ કરવાની બધી તકો પૂરી પાડવી. પુરુષની પેઠે સ્ત્રી પણ કમાઈ શકે અને સ્ત્રીની પેઠે પુરુષ પણ કેટલીક ઘરની જવાબદારીઓ સંભાળી શકે. સ્ત્રી કમાય તો એનો આત્મવિશ્વાસ વધે અને પુરુષની અવિવેકી સત્તાનો ભોગ બનવું ન પડે. વળી, સ્ત્રી કમાઈ શકતી હોય તો એને પુરુષોપાર્જિત ધન ઉપર કબજો મેળવવાની દૃષ્ટિએ અનેક કૃત્રિમ આકર્ષણો ઊભાં કરવાં ન પડે, સાથે જ પુરુષનો બોજ પણ હલકો થાય.’
આમ તેઓ માત્ર ગહન દાર્શનિક પ્રશ્નો જ નહીં, બલ્કે સામાજિક વિષયો અને વ્યક્તિગત જીવનને લગતા પ્રશ્નોની વ્યવહારુ ચર્ચા કરી શકતા. એમના જીવનમાં ‘પળનો પણ પ્રમાદ નહીં’ એ સિદ્ધાંત સદૈવ જોવા મળ્યો. કોઈ પણ પ્રસંગે કે કોઈ પણ સમારંભમાં એમનામાં સતત જાગૃતિ જોવા મળતી અને તેથી એવી અહર્નિશ જાગૃતિને કારણે જ જીવનભર કોઈ લોભ, લાલચ કે પ્રશંસા એમને સ્પર્શ્યાં નહોતાં.
એક વાર વડોદરામાં મહાવીરજયંતી(મહાવીર જન્મકલ્યાણક)ના પ્રસંગે પ્રો. નરસિંહરાવ દોશી પં. સુખલાલજીનો પરિચય આપવા ઊભા થયા. આ સમયે પં. સુખલાલજીએ પોતે ઊભા થઈને એમને પરિચય આપતાં અટકાવ્યા અને પોતાના ભાષણમાં કહ્યું, ‘મારે પ્રો. દોશીને રોકવા પડ્યા તે માટે મને તેઓ માફ કરે, પણ આજે તો મહાવીરજયંતી છે. એમાં મારી પ્રશંસા શા માટે હોય ? મારી સામે જ મારી પ્રશસ્તિ ગવાય તે ઉચિત નથી.’
ભગવાન મહાવીરે કહ્યું હતું કે, ‘સમગ્ર મનુષ્યજાતિ એક થાવ’ એ ભાવનાનું પ્રથમ રમણીય દર્શન પં. સુખલાલજીના વિચારોમાં થયું. કોઈ મહાન વ્યક્તિ હોય અથવા તો કોઈ મહાન ગ્રંથ હોય એ જો માનવ-માનવ વચ્ચે વર્ણ, જાતિ, ધર્મ વગેરેના ભેદભાવની ખાઈ ઊભી કરતો હોય તો પં. સુખલાલજી એનું આક્રોશપૂર્વક ખંડન કરતા. તેઓ કહેતા કે આવી પ્રવૃત્તિનું કે આવા ગ્રંથનું એમને મન લેશમાત્ર મૂલ્ય નથી. જોકે બીજી બાજુ મનુષ્યજાતિને પ્રેમ, મૈત્રી કે બંધુત્વથી જોડવાનો પ્રયાસ કરનાર સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કે નાનામાં નાની પ્રવૃત્તિને તેઓ બિરદાવતા હતા. તેઓ આવા સમષ્ટિદ્રષ્ટા હોવાને કારણે જ મહાત્મા ગાંધીજીને અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરને એમના પ્રત્યે અગાધ સ્નેહ હતો. એક વાર યુવાન વાડીલાલ ડગલી પં. સુખલાલજીને લઈને મહાત્મા ગાંધીજીને મળવા ગયા હતા. ગાંધીજીની તેઓએ વિદાય લીધી, ત્યારે ગાંધીજીએ યુવક વાડીલાલ ડગલીને કહ્યું, ‘છોકરા, એમને છોડતો મા. એ તો આપણી ચાલતી-ફરતી વિદ્યાપીઠ છે.’
આ જ સમષ્ટિદ્રષ્ટા પં. સુખલાલજીને ભારતીય તત્ત્વજ્ઞાનમાં એમણે આપેલા પ્રદાન માટે સુવર્ણચંદ્રક અપાયો, ત્યારે એમણે એક કૉલેજિયનને એ સુવર્ણચંદ્રક આપીને કહ્યું, ‘જા, સોનીને જઈને આ વેચી આવ. એના જે પૈસા આવે તે આદિવાસીનું કલ્યાણ કરતી સંસ્થાને આપણે મોકલીશું.’
હજી આજે પણ મને એ સમયે ધાર્મિક ક્રિયાકાંડો પાછળ થતા લખલૂટ ખર્ચને જોઈને તેઓને થતી વેદનાનું સ્મરણ થાય છે. તેઓ કહેતા કે વ્યક્તિના વિકાસ અને તંદુરસ્તીને માટે આ સઘળું બાધક છે. આજે પણ આપણે આવી દુઃખદ પરિસ્થિતિઓનું પુનરાવર્તન જ જોઈ રહ્યા છીએ.
પંડિતજી પાસે બે જોડી કપડાં અને પુસ્તકો સિવાય કોઈ દુન્યવી મિલકત નહોતી. અમદાવાદમાં એમનું પોતાનું ઘર પણ નહોતું અને જ્યારે પરિચિતો એમની સમક્ષ ઘર બાંધવાનો પ્રસ્તાવ મૂકે, ત્યારે હસતાં હસતાં કહેતા, ‘હું જ્યાં બેસું ત્યાં જ મારું ઘર.’ પંડિત સુખલાલજીના સમગ્ર જીવનમાં અનેકાંત વિહાર જ જોવા મળે છે. એ દર્શનશાસ્ત્રમાં ભેદને બદલે અભેદને શોધે છે અને સમન્વયને દર્શાવે છે. ખંડન-મંડનને બદલે તુલનાત્મક અધ્યયનથી સમન્વયની ભૂમિકા રચી આપે છે. જ્યારે એની સામે તેઓ વિરોધ કે વૈમનસ્ય જગાડનારાં તત્ત્વોને બુલંદ પડકાર ફેંકે છે. એમણે જૈનદર્શનના મર્મોની સાથે સમગ્ર રાષ્ટ્રની ચિંતનધારાનું પોતિકી દૃષ્ટિથી સામંજસ્ય શોધ્યું હતું. એક વિરાટ આકાશનો એમનામાં અનુભવ થતો. જૈનદર્શન અને ભારતીય દર્શન તો ખરાં જ, પરંતુ એથીયે વિશેષ ખ્રિસ્તી અને ઇસ્લામનાં દર્શનોનો પણ એમણે અભ્યાસ કર્યો.
આમ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીના દર્શન, તત્ત્વજ્ઞાન અને જીવનલક્ષી વિચારોની પ્રાપ્તિ થઈ, તો ક્યાંક એમના પરિચયથી એમની ભાવનાઓ સમજાઈ, પણ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પરિચયને પરિણામે આજે આ ‘ગુરુ’ પ્રતિ એકલવ્ય જેવો આદર અને અર્જુન જેવી નિષ્ઠા અનુભવું છું.