નહીં નમનારી નીડરતા (મારો અસબાબ-13)

એક શાંત, સ્થિર સરોવર અને બીજો મોજાંઓ ઉછાળતો ઘૂઘવતો દરિયો. ગુજરાતી ભાષા-સાહિત્યના વિદ્વાનો ક્યાં અને પત્રકાર જગતના ખેરખાં ક્યાં ? સાહિત્ય અને પત્રકારત્વ બંનેની દુનિયા સાવ નોખી,

કિંતુ છેક બાર વર્ષની વયથી કૉલમલેખન શરૂ કરવાને કારણે ‘ગુજરાત સમાચાર’ના પ્રેસમાં જવાનું બનતું, તેથી સાહિત્યજગતની સાથોસાથ પત્રકારત્વની દુનિયાનો ગાઢ પરિચય થયો, પણ એ બે દુનિયાના નોખા- અનોખાપણાની વાત ક્યારેક કરીશું. અત્યારે તો પત્રકારત્વ ક્ષેત્રના મારા ગુરુ અને ખમીર, ખુદાઈ અને ખુદ્દારીના પ્રતીક એવા વાસુદેવ મહેતાની વાત કરું.

10મી ઑક્ટોબર, 1964ના રોજ જાપાનમાં શરૂ થનારી ટોકિયો ઑલિમ્પિક ગેઇમ્સ વિશે લખેલા લેખો લઈને વાસુદેવભાઈને મળવા માટે અમદાવાદના ઘીકાંટા પાસે આવેલા ‘સંદેશ’ પ્રેસમાં ગયો. એમની સાથે મારા પિતા ‘જયભિખ્ખુ’ને કારણે ઓળખાણ ખરી. એમણે એ લેખો સ્વીકાર્યા અને પછી તો ટોકિયો ઑલિમ્પિક ગેઇમ્સ વિશેના મારા ચાર લેખો સુંદર તસવીરો સાથે ‘સંદેશ’માં તંત્રીપૃષ્ઠ પર પ્રગટ કર્યાં. એમના આ પ્રોત્સાહનને પરિણામે રમત-સમીક્ષક તરીકેની મારી કારકિર્દીનો પ્રારંભ થયો અને સાથે જ પત્રકારત્વ ક્ષેત્રમાં પ્રવેશ થયો. વળી એમની આકરી અને સતત અગ્નિપરીક્ષા સમી તાલીમશાળામાં પણ આ પહેલો પ્રવેશ. એ પછી વાસુદેવભાઈ ‘ગુજરાત સમાચાર’માં જોડાયા અને કૉલેજકાળમાં પત્રકારત્વમાં લેખન કરવા ઇચ્છતા મને માર્ગદર્શક મળી ગયા.

મારા પિતા ‘જયભિખ્ખુ’ અને વાસુદેવ મહેતા વચ્ચે એક વિશિષ્ટ પ્રકારની મૈત્રી હતી. બંને ભાગ્યે જ મળે. વિશેષ તો એકબીજાની સલાહ લેવાનો પ્રસંગ આવે, ત્યારે એમની મુલાકાત યોજાય. વાસુદેવભાઈ કોઈ બીજા અખબારમાં જોડાવાનો વિચાર કરતા હોય, ત્યારે એ અંગે ચર્ચા-વિચારણા કરવા જયભિખ્ખુને મળે અને જયભિખ્ખુ પણ વાસુદેવભાઈને અખબારની આલમ વિશે કંઈક પૂછવા ચાહતા હોય, ત્યારે બંને મળે.

‘જયભિખ્ખુ’ અને વાસુદેવભાઈ બંને મનસ્વી અને ખુમારીવાળા. નહીં નમનારી નીડરતાના બંને ઉપાસક. ‘જયભિખ્ખુ’ પણ સાહિત્યના કોઈ જૂથ કે વર્તુળની બહા૨ પોતીકી મોજથી સર્જન કરવાનું પસંદ કરતા, તો વાસુદેવભાઈ પણ કોઈ તંત્રીના આધિપત્ય હેઠળ તો શું, પણ એની શેહશરમમાં રહેવામાંય સહેજે માનતા નહીં. બંનેના મિજાજમાં થોડો ગુસ્સો પણ ખરો અને અન્યાય સામે બંનેની કલમ એટલી ધારદાર બનતી કે સામી વ્યક્તિને વાગે પણ ખરી.

‘જયભિખ્ખુ’ના સૂચનથી ‘ગુજરાત સમાચાર’માં જોડાયેલા વાસુદેવભાઈ પાસે સાંજે પત્રકારત્વના પાઠ શીખવા જતો. વાસુદેવભાઈ થોડાં અખબારો મંગાવે, એના સારા લેખો બતાવે અને પછી બાજુના ટેબલ પર બેસીને એ લેખો વાંચી જવાનું કહે. બપોરના ત્રણ વાગ્યાથી પાંચ-સાડાપાંચ સુધી આ તાલીમશાળામાં અભ્યાસ કરતો. આમાં ક્યારેક તો આકરી અગ્નિપરીક્ષા પણ થતી. એક વાર સાંજે સાડાપાંચ વાગ્યે વાસુદેવભાઈએ કહ્યું, મને પંજાબી સૂબા વિશે એક લેખ લખી આપો. આવતીકાલના ‘ગુજરાત સમાચાર’ના પ્રસંગપટ’ વિભાગમાં એ પ્રગટ કરવાનો છે, માટે બે કલાકમાં જ જોઈએ.’

ગુરુની આજ્ઞા શિરોધાર્ય. હું લખવા બેઠો. લખતો હોઉં ત્યારે વચ્ચે વળી પાછા ‘ગુજરાત સમાચાર’ના બીજે માળે મુરબ્બી શ્રી શાંતિભાઈ શાહ સાથે જાડી-તીખી સેવનો નાસ્તો કરવા બોલાવે, પણ કામ લેવાની બાબતમાં વાસુદેવભાઈ કોઈ બાંધછોડ કરે નહીં. મારા લગ્નના સત્કારસમારંભમાં આવ્યા. કવર આપ્યું અને સાથે કહ્યું કે ત્રણેક દિવસ પછી પ્રેસમાં આવી જજો. ગુરુનો આદેશ કઈ રીતે ટાળી શકાય ! હું સત્કાર-સમારંભના ચોથે દિવસે હાજર થઈ ગયો ! અને એમણે લેખ લખવાનું કામ સોંપ્યું.

સમય જતાં વાસુદેવભાઈ સાથે વધુ અંગત સંબંધ બંધાયો હતો. 1974માં સોવિયેટ યુનિયનની નોવોસ્તી પ્રેસ એજન્સી(એ.પી.એન.)ના નિમંત્રણથી પત્રકાર તરીકે એમણે રશિયાનો એક મહિનાનો પ્રવાસ કર્યો. રશિયાના પ્રવાસેથી પાછા આવ્યા પછી એમને મેં કહ્યું, ‘તમે તમારા આ પ્રવાસના અનુભવો વિશે પુસ્તક લખો તો !’ એમણે ‘આ પેલું રશિયા’ નામનું પ્રવાસવર્ણનનું પુસ્તક લખ્યું. એમાં એક-બે જગાએ એમણે રશિયાની ટીકા કરી હતી. નક્કી કરેલા શહેરની આસપાસના પ્રદેશમાં દુભાષિયા વિના એકલા ફરવા જવાની મનાઈ હોવાની ટીકા કરી. એમને એમ કહેવામાં આવ્યું કે જો તમે આ ટીકા પુસ્તકમાંથી રદ કરો, તો તમને ‘નહેરુ ઍવૉર્ડ’ આપવામાં આવશે. એ જમાનામાં આ ઍવૉર્ડનો ખૂબ મહિમા હતો. પણ વાસુદેવભાઈએ એવું કરવાનો ઇન્કાર કર્યો. મેં એ પુસ્તક ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત સ્પર્ધામાં મૂક્યું ને એને પરિષદનું પારિતોષિક પણ મળ્યું અને એ જ રીતે આ પુસ્તકને વર્ષના ઉત્તમ પ્રવાસ-પુસ્તક તરીકે ગુજરાત સરકારનું પારિતોષિક પણ મળ્યું હતું.

વાસુદેવભાઈને યુવાનીમાં ટીબી થયો, ત્યારે એમનાં પત્ની નીલાબહેને એમની જે સંભાળ લીધી હતી, એને વારંવાર યાદ કરતા. એ સમયે પ્રવાસમાં સાથે પ્રાઇમસ રાખતા અને સ્ટેશન ૫૨ ખૂણામાં બેસીને નીલાબહેન વાસુદેવભાઈ માટે ગરમાગરમ રસોઈ બનાવતાં હતાં.

બહારથી સ્વભાવે કડક લાગતા વાસુદેવભાઈ કુટુંબ અને કુટુંબીજનો પ્રત્યે ઘણા પ્રેમાળ હતા. વાસુદેવભાઈ અને નીલાબહેનના હજી વિવાહ જ થયા હતા, ત્યારે તેઓ બંને વાસુદેવભાઈનાં બહેન ધનલક્ષ્મીબહેનના ખબરઅંતર પૂછવા ગયાં. એ સમયે ધનલક્ષ્મીબહેને નીલાબહેન પાસે વચન માગ્યું હતું કે જો આ બીમારીમાં મારું મૃત્યુ થાય, તો મારાં સંતાનોની જવાબદારી તેઓ સંભાળશે.’ આ સમયે બંનેએ ધનલક્ષ્મીબહેનને વચન આપ્યું. વળી એ સમયે ધનલક્ષ્મીબહેનની તબિયત એટલી ખરાબ નહોતી. પરંતુ વાસુદેવભાઈ ઘેર જવા નીકળ્યા અને પાંચ મિનિટ બાદ એમને પાછા આવવું પડ્યું. ધનલક્ષ્મીબહેનને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હતી. જેમની ઉંમર 18, 16, 14 અને 2 વર્ષની હતી. આ તમામના ઉછેરની જવાબદારી વાસુદેવભાઈના શિરે આવી. આથી એમણે અને નીલાબહેને ખૂબ સાદાઈથી લગ્ન કર્યાં. એ પછી આ બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું અને આગળ વધાર્યાં. થોડો વખત એ પોતાની બહેનના ઘ૨માં એમનાં બાળકોને સાચવવા માટે રહ્યા, પરંતુ એ સમયે ઘરનું એક વાસણ કે વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તોપણ વાસુદેવભાઈ એને બહેને આપેલી થાપણ જાણીને કાઢવા દેતા નહીં. બૅંકમાં લૉકર ખોલાવીને એમનું સોનું મૂક્યું હતું, પણ એમાં એમણે પોતાની સહી રાખી નહીં. બીજા બે કુટુંબીજનોની સહીથી લૉકર ઑપરેટ થાય એવી વ્યવસ્થા કરી, જોકે એ લૉક૨નું ભાડું તેઓ ભરતા હતા.

1965માં મણિનગરની રમણનગર સોસાયટીમાં વાસુદેવભાઈનો બંગલો તૈયા૨ થઈ ગયો, ત્યારે તેઓ ત્યાં રહેવા ગયા. તે સમયે એમની પાસે ઘરવખરીમાં – સામાનમાં એક થેલામાં વાસુદેવભાઈ, નીલાબહેન અને સંતાનોનાં કપડાં હતાં અને બીજા બે થેલામાં પુસ્તકો અને અખબારો હતાં.

એવી જ રીતે એમનાં કાકીના વૈવાહિક જીવનમાં પારાવાર મુશ્કેલીઓ હતી. એમના પતિ એમને ઢોર માર મારતા હતા તથા ખૂબ કનડતા હતા, ત્યારે વાસુદેવભાઈ અને નીલાબહેને એમને સથવારો આપ્યો. આ કાકીને પણ વાસુદેવભાઈ અને નીલાબહેન ૫૨ એટલો વિશ્વાસ કે એમની આગળ નિરાંતે પોતાનું હૈયું ખોલતાં અને વાસુદેવભાઈ એમને જરૂરી માર્ગદર્શન આપતા. આમ કુટુંબમાં એક વત્સલ સ્વજન તરીકેનો વાસુદેવભાઈનો ભાવભીનો ચહેરો જોવા મળતો હતો. ઘરમાં એમની માતાની સંભાળ લેતા હોય ત્યારે એમનો આજ્ઞાંકિત પુત્ર તરીકેનો ચહેરો જોવા મળતો.

વાસુદેવભાઈના પિતા નારાયણલાલ મહેતા રેલવેમાં નોકરી કરતા હોવાથી એમની વખતોવખત બદલી થતી હતી. વાસુદેવભાઈનાં માતા રામલક્ષ્મીબહેને એમનો સંસાર બરાબર સાચવ્યો અને વાસુદેવભાઈ કહેતા કે, મારી સફળતાનું શ્રેય મારી માતાને છે. હકીકત અને સાચી માહિતીનું નિરૂપણ અને આદાન-પ્રદાન કરવાની કળા મારી બા પાસેથી શીખ્યો હતો, જે મારા લોહીમાં આવી છે અને કલમમાં ઊતરી છે.’

96 વર્ષનાં એમનાં માતા રામલક્ષ્મીબહેનનું 1977માં અવસાન થયું. 1917ની 28મી માર્ચે જન્મેલા વાસુદેવભાઈની એ સમયે 60 વર્ષની ઉંમર હતી. સ્વર્ગસ્થ રામલક્ષ્મીબહેન વિશે એમણે મારી સાથે ઘણી વાતો કરી અને અંતે કહ્યું, મા આટલાં ઘરડાં હતાં અને મારી આટલી ઉંમર થઈ, છતાં એમના અવસાનથી એમ લાગે છે કે જાણે માથા પરથી છાપરું ઊડી ગયું !’

1979માં યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ તરફથી ‘અખબારી લેખન’ – (રાઇટિંગ ઇન જર્નાલિઝમ)નામના પુસ્તકની મારી હસ્તપ્રત તૈયાર થઈ ગઈ. મનમાં વિચાર્યું કે આમાં વાસુદેવભાઈનાં સૂચનો મળે તો કેવું સારું ? મેં કહ્યું, તો ઉત્ત૨માં એમણે કહ્યું, ‘હું તારે ઘેર આવીશ. તું વાંચજે અને હું સાંભળીશ. વચ્ચે વચ્ચે કોઈ સૂચન હશે તો કહીશ.’

એ સમયે તેઓ મણિનગરથી લાલદરવાજા અને લાલદરવાજાથી ચંદ્રનગર સુધી મ્યુનિસિપલ બસમાં બેસીને આવે. હું કહેતો કે આટલી બધી. તકલીફ શું કામ ઉઠાવો છો? રિક્ષામાં આવતા હો તો?” ત્યારે કહેતા કે ‘કરકસર સાથે ખુમારી સંકળાયેલી છે. મારી ખુમારી જળવાઈ રહે, તે માટે કરકસરથી જીવવાનું પસંદ કરું છું.’

એક વાર મેં એમને પૂછ્યું, પ્રેસમાં માલિક કોઈ પણ વ્યક્તિને કશું કહે, તો કોઈ એમની સામે એક હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી અને તમે જે માનો છો તે તંત્રીને નિર્ભયતાથી સ્પષ્ટપણે કહો છો.

ત્યારે એમણે કહ્યું, મને કોઈની પરવા નથી, જુઓ, મારો ઘરખર્ચ એટલો રાખ્યો છે કે આ નોકરી જાય, તોપણ હું મારું ઘર ચલાવી શકું, કારણ કે માત્ર પ્રૂફરીડિંગ કરીને પણ મારું ઘર ચાલે એટલો મારો ખર્ચો છે અને પ્રૂફરીડિંગનું કામ તો મળશે ને !’

એમનાં પુત્રી બી.કૉમ. થયાં પછી એને માટે કોઈ નોકરીની શોધ કરતા હતા. મેં વાસુદેવભાઈને કહ્યું, ‘ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાજકીય બાબતોમાં તમારી સલાહ લે છે, તો પછી તમારે પુત્રીને માટે કોઈ નોકરી શોધવાની જરૂર શા માટે હોય ? એમને વાત કરો. કોઈ સારી કંપનીમાં કે બૅંકમાં નોકરી મળી જશે.’

પણ વાસુદેવભાઈ આને માટે તૈયાર નહોતા. એ કહેતા કે મૈત્રી એક ચીજ છે, પણ એનો લાભ ઉઠાવવા મારે કોઈ રાજકારણી આગળ મારી સ્વતંત્રતા ગુમાવવી નથી અને એમનાં પુત્રી વિશ્વકોશ સાથે જોડાયાં.

મણિનગરની રમણનગર સોસાયટીના ઘર નં. 5માં વાસુદેવભાઈ પહેલા માળે બેસીને લખતા હોય, ત્યારે કોઈનો ફોન આવે તો લે નહીં, એમને પૂર્ણ શાંતિ જોઈએ. પણ જ્યારે નિરાંત હોય ત્યારે વાસુદેવભાઈ નિરાંતે ફોન પર લાંબી વાત કરે. સવારે ઊઠીને મોટે ભાગે બહાર લૉબીમાં બેસીને એ કેટલાંય અખબારોનું વાંચન કરતા. એમના પરમમિત્ર શ્રી બળવંતરાય શાહ કહેતા કે, ‘વાસુદેવ, સવારે ચાની સાથે છાપાં ચાવે છે.’ વાસુદેવભાઈનું વ્યક્તિત્વ પારદર્શક, તો એમના વિચારો સ્પષ્ટ અને નિર્ભીક. ઉપનિષદના નચિકેતા વિશેનાં એ વાક્યોનું સ્મરણ થાય. જે સત્યનું કદી છળ કરતો નહીં, અસત્યને આધીન થતો નહીં, પાપને પંપાળતો નહીં, દંભને પોષતો નહીં, પ્રલોભનથી પીગળતો નહીં, વિઘ્નોથી ગભરાતો નહીં, પોતાના સ્વમાનને હણવા દેતો નહીં અને કોઈ પણ સંજોગોમાં આત્માને વેચતો નહીં. વાસુદેવભાઈના આલેખનમાં આવી નિર્ભીક સત્યનિષ્ઠા જોવા મળે છે.

એમના ‘અલ્પવિરામ’ કૉલમનું સહુને આકર્ષણ રહેતું. એમાં બે-ત્રણ મુદ્દા ૫૨ એમની આગવી, પ્રવાહી અને ચોટદાર શૈલીથી નિર્ભીકપણે વિચારો પ્રગટ કરતા હતા. લખતી વખતે ક્યારેક કોઈ ઉપમા કે કહેવતનો સચોટ ઉપયોગ કરતા. ઇન્દિરાજી આગળ ભલભલા રાજકારણીઓ પણ ચૂપ રહે છે, એમ કહેવા માટે એમણે લખેલું કે અજગરની દૃષ્ટિ પડે અને સામે રહેલું સસલું સ્થિર બની જાય, તેવી આ પરિસ્થિતિ છે. વળી દરેક વિષય ૫૨ એમની મૌલિક, વાસ્તવિક દૃષ્ટિ જોવા મળતી, આથી હિંદુ રાષ્ટ્રની વિભાવનાની અવાસ્તવિકતા બતાવતા, તો કોઈ વાર મુસ્લિમો અને હરિજનોની થતી રાજકીય સોદાબાજીની ટીકા કરતા હતા.

વાસુદેવભાઈએ ‘અલ્પવિરામ’, ‘રાજકારણના રંગ’, વૈવિધ્ય’, ‘આંતરરાષ્ટ્રીય રાજકારણ’, ‘તાસીર અને તસવી૨’ જેવી કૉલમો જુદા જુદા સમયે લખી હતી. એ બધામાં એમને સૌથી વધુ લોકચાહના એમના ‘અલ્પવિરામ’ કૉલમ સમયે સાંપડી. આ ઉપરાંત રેડિયો અને ટેલિવિઝન ૫૨ જુદા જુદા સામાજિક પ્રશ્નો ૫૨ તથા રાજકીય સમીક્ષા ૫૨ વાર્તાલાપ આપતા હતા. એમાં એમની પરિસ્થિતિને પારખવાની સૂક્ષ્મ સૂઝ અને પોતાની વાતને તર્કપૂર્ણ અને સચોટ રીતે પ્રસ્તુત કરવાની ખૂબીને કારણે એમની માગ ઘણી મોટી રહેતી હતી.

એમની રાજકારણના રંગ’ કૉલમમાં 12-1-1997ના રોજ એટલે કે એમના અવસાનના બે મહિના પહેલાં (8-માર્ચ-1997, શનિવારે મધરાતે) લખ્યું કે, દેશની પરિસ્થિતિનો આઘાત – પચીસેક વરસ પહેલાંની ખરેખરી બનેલી આ વાત છે. મુંબઈમાં મજૂરી કરીને પરાણે જીવતું એક ગરીબ કુટુંબ ઝૂંપડપટ્ટીમાં રહેતું હતું. આઠ-દસ વરસનો દીકરો મ્યુનિસિપલ શાળામાં જતો હતો. એક દિવસ તેની માને તેના ખિસ્સામાંથી આઠ આની મળી. ઘરમાં એટલા પૈસા ન હતા કે છોકરો આઠ આની લઈને ફરે. આઠ આની આવી ક્યાંથી ? માને ચિંતા થઈ. પિતાને વાત કરી. મા-બાપે છોકરાને ધમકાવ્યો. તેણે કબૂલ્યું કે – આઠ આની કોઈ છોકરાના ખિસ્સામાંથી ચોરેલી હતી. અમારો છોકરો ચોર ? છોકરો ચોરીની આદતે ચડ્યો છે એ વિચાર ખરાબમાં ખરાબ કલ્પનાઓથી મગજ બેકાબૂ બન્યું. વીંછીના ડંખ જેવી વેદનામાંથી એટલો આવેશ ઊભરાયો કે છોકરાને ફટકાર્યો. મગજ ચસકી ગયું હોય તેમ એટલો માર્યો કે છોકરો મરી ગયો. આ છે આબરૂ, એ જ જીવન, એવો આપણો જીવતો આદર્શ.

અતિશય મોંઘવારીમાં પીસવાથી એ થોડોક નીચો ગયો છે. લોકો નછૂટકે થોડીક લુચ્ચાઈ તથા બેઈમાની કરે છે; પરંતુ કોઈનું કરી નાંખનાર માણસ બહાદુર કે હોશિયાર છે, એનું મૂલ્યપતન હજી થયું નથી.

સામાન્ય માણસનું મૂલ્યપતન થયું નથી. બીજી બાજુ દેશના નેતાઓની વાત – નીતિમત્તાની મૂડી ઘસાઈ રહી છે તેની ચિંતા કોઈ પણ નેતાને નથી, કારણ કે તેમનામાં નીતિનો છાંટો પણ નથી.

કોઈ મહત્ત્વની રાષ્ટ્રીય ઘટના સમયે વાસુદેવભાઈ અખબારમાં રોજેરોજ કૉલમ લખતા હતા અને વિશેષ તો એ ઘટનાને પરિણામે ઊભી થનારી પરિસ્થિતિ અંગે વાચકને વાકેફ કરતા હતા. વળી ક્યાંય પણ અન્યાયનો અનુભવ થાય તો એની સામે નીડરતાથી અવાજ ઉઠાવતા હતા. એક તુંડમિજાજી બિનગુજરાતી સરકારી અધિકારીની એમના કૉલમમાં બરાબર ખબર લઈ લીધી હતી, તો એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયની એક પ્રથા સામે એમણે અવાજ ઉઠાવ્યો હતો. એક વાર ગુજરાતના એક મુખ્યમંત્રીએ વાસુદેવભાઈને કહ્યું, ‘તમે ચાર આનામાં કૉંગ્રેસના સભ્ય બની જાવ, પછી તમે જે ચાહો તે મળશે.’ સામે વાસુદેવભાઈએ રોકડું પરખાવી દીધું, ‘મારા વાચકોમાં મારી કિંમત સવા રૂપિયાની છે તેને તમે ચાર આનાની કરી નાખવા માગો છો ?’ ઉત્તર સાંભળીને મુખ્યમંત્રી મૌન થઈ ગયા. ‘ચિત્રલેખા’માં એમની કૉલમનું આગવું આકર્ષણ રહેતું. વાસુદેવભાઈ જે દિવસે કૉલમ લખવાનું હોય, એ દિવસે એમના ઘરમાં કરફ્યૂ જાહેર કરી દેતા. કોઈએ મળવાનું નહીં કે કોઈએ ખલેલ પહોંચાડવાની નહીં.

આજ સુધીમાં ગુજરાતી પત્રકારત્વમાં પહેલી અને કદાચ છેલ્લી વાર એક અનોખી ઘટના બની. વાસુદેવભાઈ મણિનગરના વિખ્યાત છાયાશાસ્ત્રી પાસે જતા. એમની પાસેથી વર્તમાન રાજકારણ વિશેનો જ્યોતિષની દૃષ્ટિએ વરતારો હોય તે સાંભળતા અને પછી એને એક જુદી કૉલમ રૂપે લખતા. જ્યોતિષી અને પત્રકારની આવી જુગલબંધી ગુજરાતી પત્રકારત્વમાં એ પછી જોવા મળી નથી.

પત્રકારોના ટ્રેડ યુનિયનની પ્રવૃત્તિમાં વાસુદેવભાઈએ ઘણાં વર્ષો સુધી ભાગ લીધો. હકીકતમાં તો ગુજરાતમાં આ પ્રવૃત્તિનો પ્રારંભ કરનાર વાસુદેવભાઈ હતા. ઉત્તમ કામ અને ચારિત્ર એ જ મૂડી એમ માનનારા વાસુદેવભાઈએ 1952માં ગુજરાત વ્યવસાયી પત્રકારસંઘ(ગુજરાત યુનિયન ઑફ જર્નાલિસ્ટ)ની સ્થાપના કરી. જે આજે ગુજરાત જર્નાલિસ્ટ યુનિયન તરીકે ઓળખાય છે. 1970-71માં તેઓ ગુજરાત જર્નાલિસ્ટ યુનિયનના પ્રમુખ બન્યા અને આ પ્રવૃત્તિને કારણે અખબારના માલિકો અને સંચાલકો સાથે ઘર્ષણમાં ઊતરવું પડતું હતું. ક્યારેક હડતાળ પણ પડાવતા, પરંતુ વાસુદેવભાઈની ઇન્ટિગ્રિટીને કારણે એમને રૂખસદ આપતા મંત્રીઓ પણ પાછા બોલાવતા હતા. 1978માં એમણે ‘જનસત્તા’ અખબાર છોડ્યું અને 1985માં એમને અખબારના સંચાલકોએ સામેથી બોલાવીને પાછા આવવાનું કહ્યું.

તેઓ માનતા કે પત્રકાર તરીકે કોઈ પણ સંજોગોમાં કામ કરવાની તૈયારી રાખવી જોઈએ અને પોતાના કામની ઉત્કૃષ્ટતા એ જ આપણી ઓળખ રહેવી જોઈએ. એક પત્રકાર તરીકે અખબારો અને સામયિકોમાંથી પસાર થતા, પરંતુ એથીયે વિશેષ મૌલિક શૈલી ધરાવતા ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો વાંચવાનો પણ આગ્રહ રાખતા.

વાસુદેવભાઈએ જીવનમાં સદાય ખુમારીની હિફાજત કરી, ગમે તેવા કપરા સંજોગો હોય કે આર્થિક સંઘર્ષોથી ઘેરાયેલા હોય, તોપણ એમણે એમની ખુમારીને સહેજે આંચ આવવા દીધી નથી. સ્વતંત્ર દૃષ્ટિ અને વિચારશક્તિ ધરાવનાર વાસુદેવભાઈએ ક્યારેય બાંધછોડ કરી નથી. ક્યારેક કહેતા કે એમને એમના પિતા નારાયણલાલ પાસેથી વારસામાં ગુસ્સો મળ્યો છે અને એમનો આ ગુસ્સો કુટુંબીજનો, સાથીઓ કે ક્યારેક માલિકો સામે પણ પ્રગટ થતો. આમ છતાં કુટુંબ પ્રત્યે કે કર્તવ્ય પ્રત્યે એમની ખુદાઈ – લાગણીભીનું માનવહૃદય – નો અનુભવ થતો. રશિયાના પ્રવાસ વખતે 24-9-1970 રાત્રે સવા અગિયાર વાગ્યે કીવ શહેરથી લખાયેલા એક પત્રમાં તેઓ પોતાના કુટુંબીજનોને લખે છે, ‘રશિયાના લોકોના ચહેરા આપણા લોકોને બહુ મળતા આવે છે. એટલે કોઈ ચહેરા જોતાં તમે બધા યાદ આવો છો.’ ખુદ્દારી એટલે કે સ્વમાન તો એટલું જાળવે કે ગમે તેટલી આફત આવવાની હોય, પણ પત્રકારના ઈમાનને કે કલમના સ્વમાનને જાળવવામાં પાછી પાની કરે નહીં. નિર્ભીક વિચાર પ્રગટ કરવા માટે એમને મળેલી ધમકીઓનો હિસાબ કાઢી શકાય તેમ નથી.

વાસુદેવભાઈની અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી મણિયાશાની ખડકીની બાજુમાં લંબેશ્વરની પોળ આવેલી છે, જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં છપ્પાને માટે પ્રસિદ્ધ કવિ અખાનું જન્મસ્થાન છે. અહીં અખાની મૂર્તિ પણ આવેલી છે. અખો બહુ લાંબી વાત ક૨વામાં માનતો નહીં. મુખ્ય વાત પૂર્વે લાંબી ભૂમિકા બાંધતો નહીં. એ તો પોતાને ‘સોની’ અખો સીધો ઘા કરે છે. વાસુદેવભાઈની કલમ પર અખાનો પ્રભાવ પડ્યો હશે, એવી રમણીય કલ્પના કરીએ તો ? ખેર, પણ વાસુદેવભાઈની શૈલી એવી છે કે જ્યાં પ્રહાર કરવો છે, તેના પર સીધેસીધો ઘા કરે છે અને તે પણ પોતાની જોશીલી, તેજાબી જબાનમાં.

આજે તો ગુજરાતી પત્રકારત્વમાં પ્રગટ થતી રાજકીય સમીક્ષામાંથી નિર્ભીકતા અને નીરક્ષીરવિવેકશક્તિ ઝાંખાં પડી ગયાં છે, ત્યારે વાસુદેવ મહેતાનું ખમીરવંતું જીવન અને નિખાલસ, પ્રભાવક અને નીડર પત્રકારત્વ પત્રકારોને માટે અને વિશેષ તો રાજકીય સમીક્ષકોને માટે માર્ગદર્શક દીવાદાંડી બની રહેશે એમ લાગે છે. વાસુદેવભાઈએ જે ક્ષેત્રમાં લેખન કર્યું, તે ક્ષેત્રથી મારું ક્ષેત્ર જુદું હતું, પરંતુ પત્રકારત્વની આરાધના કરું છું, ત્યારે એ ગુરુની પ્રતિભાની પૂજા કરું છું અને મનોમન બોલી ઊઠું છું,

અલ્લા મગફરત કરૈ, વો અજલ આઝાદ મર્દ થા.

(ઈશ્વર મારી આ લાગણી કબૂલ કરશે કે તે વિરલ પ્રકારના આઝાદ મર્દ હતા.)

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑