મારાં ફૈબા ! (મારો અસબાબ-15)

એક જ શબ્દ કેવા બે ભિન્ન સંદર્ભમાં પ્રગટ થતા હોય છે ! અણગમતો ગણાતો ‘પનોતી’ શબ્દ જીવનના બે પ્રસંગોએ કેવા સાવ નોખા સંદર્ભો લઈને આવ્યો ! મારાં ફૈબાનું નામ હતું હીરાબહેન. સહુ કોઈ એમને શકરીબહેન કહે. નાની વયે માતાને ગુમાવ્યાં હતાં અને આરંભે પિતાની સેવા-ચાકરીમાં ડૂબેલાં રહ્યાં અને એ પછી ધનાઢ્ય ઘરના મોભાદાર કુટુંબમાં ફૈબાનાં લગ્ન થતાં એમનું જીવન ગૃહસ્થીની સીમાઓમાં સીમિત રહી ગયું.

ફૈબાને ત્યાં રોજ સવારે સુખડી બને. ગરમાગરમ સુખડીનો એ જીભનો સ્વાદ મન હજી ભૂલ્યું નથી. પિતા ‘જયભિખ્ખુ’ અને મોટી બહેન હીરાબહેન વચ્ચે સામાન્ય સંબંધ, પણ બેમાંથી એકેયમાં એકબીજા પ્રત્યે લાગણીભર્યો ઉમળકો જોવા મળે નહીં. મારાં ફૈબાએ જીવનભર એ ગૌરવ લીધું કે એમણે મારું નામ કુમારપાળ પાડ્યું. પોતે પાડેલા નામની પાછળની પોતાની નિપુણતાની એ જે કોઈ મળે, એને વાત કરતાં.

એક વાર હું ઇંગ્લૅન્ડનો પ્રવાસ પૂરો કરીને ભારત પાછો આવતો હતો. એ સમયે મારી બાજુમાં એક ગુજરાતી સજ્જન બેઠા હતા. એમના હસ્તકમળમાં માળા ફરતી હતી અને લલાટ પર તિલક શોભતું હતું. મારી બાજુમાં બિરાજમાન થયા અને પછી અમારી વચ્ચે વાર્તાલાપ શરૂ થયો. એમણે સ્વ-પરિચય આપતાં કહ્યું કે પોતે દક્ષિણ ગુજરાતના એક ગામડામાં વસતા હતા, કિંતુ અત્યારે તો એક જ્યોતિષી તરીકે વિશેષ સમય ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં પ્રજાના અભ્યુદય માટે ગાળે છે. પોતાના સંચિત જ્ઞાનનો એમણે સ્વયં મહિમા કર્યો અને પછી મને પ્રશ્ન કર્યો, ‘તમારું નામ શું ? ‘કુમારપાળ.’ મેં ઉત્તર આપ્યો.

અને એ સાંભળતાં જ અત્યંત આર્દ્ર સ્વરે એમણે મને કહ્યું, ‘અહો મહાશય ! તમારે માથે તો ઘણી મોટી ઉપાધિઓ હશે. ઘણી ચિંતાઓથી ઘેરાયેલા હશો. ચિત્ત ઉદ્વેગ અને ક્લેશથી પરિપૂર્ણ છે, ખરું ને ?’

જ્યોતિષમાં લેશમાત્ર વિશ્વાસ નહીં ધરાવનાર મને એમની વાણીનો લહેકો ગમ્યો, પણ વાતમાં સહેજે મેળ પડ્યો નહીં. છતાં એમાં ૨સ દાખવતાં મેં પૂછ્યું, ‘અરે, આપે આ મારા જીવનનો રહસ્યમય ભેદ કઈ રીતે ઉકેલી શક્યા ? મારા જીવનની વર્તમાન સ્થિતિને કઈ રીતે જાણી લીધી ?’

એમણે કહ્યું, ‘જુઓ, તમારી રાશિ મિથુન કહેવાય અને મિથુન રાશિ ધરાવનારાઓને માટે અત્યારે પાકે પાયે પનોતી બેઠેલી છે. બરાબર સાચવજો. પનોતી જાય નહીં ત્યાં સુધી બધું કામ સંભાળથી કરજો. સ્વસ્થતા રાખજો. સમજ્યા.’

મેં કહ્યું, ‘મહારાજ ! આ પનોતી થોડી વારમાં ચાલી જશે.’

એમણે મારી સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, ‘કઈ રીતે તમે આમ કહી શકો છો ? શું જ્યોતિષવિદ્યાનું જ્ઞાન ધરાવો છો ?’

‘ના જી. પણ મારા જીવનમાં આવું કશું પનોતી જેવું નથી. આપ અહીં બેઠા છો એ જ મારે માટે મોટી પાકે પાયે બેઠેલી પનોતી. ફ્લાઇટમાંથી ઊતરીશ એટલે એની સ્વયં પૂર્ણાહુતિ થઈ જશે.’

એમણે મારા જેવા અશ્રદ્ધાવાન સાથેનો સંવાદ મૌનમાં ફેરવી નાખ્યો. આમ, મારાં ફૈબાએ પાડેલા નામના સંદર્ભમાં ‘પનોતી’ શબ્દ સાંભળવા મળ્યો અને એવી જ રીતે આ ‘પનોતી’ શબ્દ મારાં બીજાં ફૈબા વિશે પણ કહેવાયો. એમની સાથે લોહીની સગાઈ નહોતી, પણ મનની સગાઈ હતી. એ બીજાં ફૈબા હતાં ‘જ્યોતિસંઘ’માં નારીરક્ષણનાં અનેકવિધ સેવાકાર્યો કરનાર ચારુમતીબહેન યોદ્ધા.

અમે અમદાવાદમાં ચંદ્રનગર સોસાયટીમાં વસવા આવ્યા, ત્યારે ચારુબહેનના ભાઈના નામ પરથી આ સોસાયટીનું નામ ચંદ્રનગર સોસાયટી પડ્યું. પછી તો ચારુબહેન અવારનવાર સોસાયટીમાં આવે, મારા પિતાશ્રીને એ ભાઈ ગણે અને મારે માટે એ ફૈબા, પણ ફૈબા કેવાં ? એક વાર અમે ચારુબહેનની સાથે આબુથી અમદાવાદ આવી રહ્યા હતા. રાતના દસેક વાગ્યા સુધીનો સમય હતો. રસ્તા પર એક જાન જઈ રહી હતી. ચારુબહેન હંમેશાં જીપની આગળની સીટ પર બેસતાં. એમણે ડ્રાઇવરને જીપ બાજુમાં ઊભી રાખવાનું કહ્યું. અમને આશ્ચર્ય હતું. આવી ઘનઘોર રાત્રે સાંકડા અને લગભગ નિર્જન રસ્તા પર ઊભા રહેવામાં જોખમ પણ હતું, પણ ચારબહેન જીપમાંથી નીચે ઊતર્યાં અને એમણે ત્રાડ પાડી,

‘અલ્યા, આવાં ઢીંગલા-ઢીંગલીનાં લગ્ન ન કરો. પાછા જાઓ.’

જાન ઊભી રહી. બાળવિવાહ થતા હતા. આ સમયે જાનની સાથે એક-બે તલવારધારી ચોકીદારો પણ હતા, પણ ચારુમતી યોદ્ધા કોનું નામ ? નિર્ભયતાની સાક્ષાત્ મૂર્તિ. એમનો રૂપાળો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. જાનૈયાઓ પાસે ગયાં અને કહ્યું, ‘તમે જાણો છો ને કે બાળવિવાહ એ મોટો ગુનો છે. માટે પાછા જાઓ.’

એક-બે વ્યક્તિઓએ કહ્યું, ‘એમ કંઈ લીધા લગને પાછા ન ફરાય. તમે તે વળી છો કોણ ?’

“તો પછી મારે તમને પકડીને પોલીસસ્ટેશને લઈ જવા પડશે.” ચારુબહેનનો ગૌર વર્ણનો કોપાયમાન લાલઘૂમ ચહેરો જોઈને જ જાનૈયાઓ ડઘાઈ ગયા અને એમાંથી કોઈક બોલી ઊઠ્યું, ‘અરે, આ તો જ્યોતિસંઘવાળાં ચારુબહેન.’ બસ, આ નામ સાંભળતાં જ જાન ધીરે ધીરે પાછી વળી ગઈ.

આવાં મારાં એ ફૈબાને જ્યારે જ્યારે જોતો, ત્યારે લાગે કે વિશ્વંભર પરમાત્માએ દુઃખી, ઉપેક્ષિત અને યાતના અનુભવતી સ્ત્રીઓને માટે એક ક્રાંતિકારી, નીડર, હમદર્દ આત્મા રૂપે ચારુમતીબહેનને જન્મ આપ્યો છે. શું અજબ એમની ખુમારી. સામે દુષ્ટોની જમાત હોય, તોપણ કશી વિસાત નહીં, ખૂનની ધમકી મળે તોપણ કોઈ પરવા નહીં. ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય, પણ પીછેહઠનાં પગલાં નહીં. કોઈ દુખિયારી બાઈનો અવાજ સાંભળતાં એ બિછાનું છોડી ચાલી નીકળ્યાં હોય. જ્યાં બેઠાં હોય ત્યાંથી ઊભાં થઈને દોડી જાય. એક ક્ષણનો વિલંબ પણ નહીં. સાથે સુરક્ષા માટે કોઈને રાખવાની વાત તો દૂર રહી, પણ પોતાની સગવડનો પણ કશો વિચાર ન કરે. ઘેરથી નીકળતી વખતે ક્યાં જાઉં છું અને ક્યારે પાછી આવીશ તેની કોઈ વાત નહીં. એકાદ વખત એવું બન્યું કે આવી સ્થિતિથી અકળાઈને એમનાં સ્વજનોએ કહ્યું,

‘આવાં ભયાનક સાહસો કરો છો. દુષ્ટોની જમાત વચ્ચે જઈને એમની સામે લડો છો. દુનિયામાં આવાં અનિષ્ટ તત્ત્વોનો સામનો કરવો ઘણો કપરો છે. એનો અંજામ મોત કે ક્રૂર હત્યામાં પણ આવે છે.’

આવે સમયે ચારુમતી યોદ્ધા કહેતાં, ‘મારી કશી ચિંતા કરશો નહીં. મને કશું પૂછશોય નહીં. હું કશું જાણતી નથી કે મારે કેવી જગ્યાએ જવાનું છે ? કેવા વિસ્તારમાં ઘૂમવાનું છે ? કેવા માનવીઓ સાથે મારો પનારો પડ્યો છે ?’

‘પણ તમને કશુંક થાય તો ખબર કઈ રીતે પડે ? કોણ જાણ ક૨શે અમને તમારી ?’

આ સાંભળીને ચારુબહેન ખડખડાટ હસી પડતાં અને કહેતાં, ‘સહેજે ફિકર ન કરશો. મારું શબ પડ્યું હશે તો એને ઓળખનારા એક નહીં, પણ એકસો માણસો મળી આવશે. માટે કૃપા કરીને હું ક્યાં જાઉં છું એ પૂછશો નહીં.’

ચારુબહેન હંમેશાં કહેતાં કે મારા બે સિદ્ધાંત છે. મારો પહેલો સિદ્ધાંત એ છે કે સાચને કદી આંચ આવતી નથી અને બીજો સિદ્ધાંત છે કે ગુનો હંમેશાં રાંક હોય છે. એમના જીવનમાં કટોકટીના કેટલાય પ્રસંગો આવ્યા, પણ એમણે કોઈ ગુનેગારને ઈજા પહોંચાડી ન હતી. પાસે નાની લાકડી પણ ન હોય, ત્યાં વળી શસ્ત્રની કે પોલીસ પ્રોટેક્શનની તો શી વાત કરવી ? માત્ર એમનો ચહેરો અને એમનો અવાજ સાંભળીને ગુનેગાર ધ્રૂજવા માંડતો. આથી પાપાચારથી ખદબદતી શહેરની ગલીઓમાં, અનીતિ અને અનાચાર વચ્ચેના ધામ વચ્ચે, ગુંડાઓ અને અસામાજિક તત્ત્વોની સામે અને બંદૂક, છરા અને ચાકુની વચ્ચે પણ લેશમાત્ર ડર્યા વિના એમણે આ કામ કર્યું. એમના ઘરનો દરવાજો આખો દિવસ ખુલ્લો રહેતો, મધરાતે કોઈ દરવાજો ખખડાવે, તો ચારુબહેન હાક મારીને ઊભાં થઈ જતાં. આવી હિંમત આવી ક્યાંથી ? તો ચારુબહેન કહેતાં કે ‘આની પ્રેરણા મારી માતાએ આપી છે.’

તેઓ નિશાળમાં ભણતાં, ત્યારે એમને બે શોખ. ઘરનું કામ કરવું અને નિરાંતે ઊંઘવું. જ્યારે પિતાએ ચારુબહેનની પ્રવૃત્તિ જાણી, ત્યારે મશ્કરીમાં કહે, ‘બેટી ! તારાથી કંઈ નહિ થાય ! અંધારામાં આ શેરીમાંથી બીજી શેરીમાં જતાં તો તું ડરે છે’ અને વાત પણ સાચી હતી કે અતિ સુંદર ચારુબહેન બીજી શેરીમાં જતાં પણ ડરતાં હતાં.

પ્રાથમિક શાળાના અભ્યાસ બાદ ચારુબહેને વનિતા વિશ્રામ હાઈસ્કૂલમાં અંગ્રેજી ચોથા ધોરણમાં પ્રવેશ મેળવ્યો. એ સમયે ચારુબહેન વીસ વર્ષનાં હતાં. સુડોળ, રૂપવાન અને ઘાટીલો દેહ. ઊજળા વાનને લીધે એમનું રૂપ અતિ સોહામણું લાગતું. આથી સ્કૂલના આવારા વિદ્યાર્થીઓની એમના પર બૂરી નજર પડતી. એ સમયે ચારુબહેન એટલાં સીધાંસાદાં કે નીચી નજર રાખી ઘર ભણી ચાલવા માંડતાં. એક વાર એક છોકરો સાઇકલ ચલાવતો ચલાવતો એમની સાથે સિસોટી વગાડતો ચાલે. ચારુબહેન નિશાળમાંથી નીકળે એની રાહ જુએ અને આ રીતે રોજ પજવણી કરે. ગમે તેવી ચેષ્ટાઓ કરે, એલફેલ બોલે. એ સમયે ચારુબહેનના મનમાં એમ કે આ કોઈ જોઈ જશે તો આબરૂના ધજાગરા થશે. વળી એ જમાનો પણ એવો હતો કે કોઈ છોકરીની જરા પણ આવી વાત થાય, તો કોઈ એનો હાથ ઝાલવા તૈયાર ન થાય. આથી ચારુબહેન મન વાળીને બેસી રહેતાં.

એક વાર ઘેર આવ્યા પછી એમની માતાની ચાલાક નજરોએ ચારુબહેનની ચિંતા ખોળી કાઢી. આખી વાત સાંભળ્યા પછી એમની માતાએ કહ્યું, ‘એને એક વખત ઝાલીને બરાબર ફટકાર તો… એનાં હાડકાં ભાંગી નાખ…. ફરી નામ લેવાનું ભૂલી જાય તે રીતે…’ અને પછી તો ચારુબહેનના હૈયામાં હામ જાગી. સાઇકલવાળો એની ટેવ પ્રમાણે ગમે તેમ બોલતો પાછળ આવતો હતો. સહેજે ગભરાયા વિના ચારુબહેન પાછાં ફર્યાં અને એને જોરથી તમાચા મારીને ખોખરો કરી નાખ્યો. લોકો ભેગા થયા. લોકોએ પણ એ છોકરાને બરાબર મેથીપાક આપ્યો. એ અધમૂઓ થઈ ગયો અને એ પછી એ દેખાતો જ બંધ થઈ ગયો.

ઘેર જઈને ચારુબહેને માતાને વાત કરી, ત્યારે માતાએ દીકરીને ઠપકો આપવાને બદલે ગળે વળગાડીને શાબાશી આપી. માતાની આ શાબાશીએ ચારુબહેનમાં પ્રચંડ હિંમતનો સંચાર કર્યો અને એ હિંમત જ એમનું જીવનભરનું હથિયાર બની રહી. ફૂલ-પથારીમાં પોઢનારી એ દીકરીએ ક્રાંતિની રાહમાં કદમ માંડ્યાં અને કંટકોને ડામવા માટે સામે પગલે જવા લાગી.

એ સમયે મહાત્મા ગાંધીજીએ 1930માં મીઠાનો સત્યાગ્રહ કર્યો, ત્યારે સ્ત્રીઓ પ્રભાતફેરીમાં ઘૂમવા માંડી. પોલીસના દંડા કે જેલના ભયને દૂર કરીને અન્યાય સામે લડવા માંડી. વિદેશી કાપડની દુકાનો બંધ કરાવવા જતા વેપારીઓનાં મહેણાં-ટોણાં અને મશ્કરીઓ સામે અડગ રહી. તો દારૂનાં પીઠાં બંધ કરાવવા દારૂડિયાઓના અપશબ્દો અને કુચેષ્ટાઓ સહીને પણ એ પીઠાંઓ બંધ કરાવ્યાં. આ રીતે સત્યાગ્રહના જંગમાં ઝંપલાવ્યું અને સત્યાગ્રહી બહેનોની નામાવલિમાં પોતાનું નામ મોખરે નોંધાવ્યું. એથીયે વિશેષ ૧૯૪૨માં ત્રણ મહિનાનો જેલવાસ પણ ભોગવ્યો.

એક સમયે ચારુબહેને વિચાર્યું કે એમના જીવનપ્રસંગો લખીએ. મને પણ થયું કે આવું ઝઝૂમતા યોદ્ધા જેવું અનન્ય જીવન જીવનાર ફૈબાનું જીવન કેટલા બધાને પ્રેરક બની રહે, પણ પગવાળીને બેસે તે બીજાં. ફૈબા નહીં. એમણે મારઝૂડ, આપઘાત, બાળલગ્ન જેવી દસ હજાર જેટલી ઘટનાઓનો નિકાલ કર્યો હતો. આપઘાતના પાંચસો કેસોની જાતતપાસ કરીને એનો અહેવાલ તૈયાર કર્યો હતો. કાયદાની કલમમાં એ એટલાં બધાં કુશળ અને કાબેલ હતાં કે બાહોશ વકીલની માફક પોતાની પાસે આવેલા કેસની છણાવટ કરી શકતાં. અથાગ શારીરિક પરિશ્રમ સાથે માનસિક પરિશ્રમ પણ કરતાં. આને માટે એમની પાસે આત્મવિશ્વાસ અને ઈશ્વર પર અખૂટ શ્રદ્ધા હતી. આથી અમારો જીવનપ્રસંગો લખવાનો પ્રોજેક્ટ શરૂ થયાના દસેક દિવસમાં બાળમરણ પામ્યો.

એક વાર એમણે કહ્યું, ‘એક દિવસ સમાચાર આવ્યા કે અમદાવાદની નજીક આવેલા એક ગામમાં એક બહેનને ઢોર બાંધવાના તબેલામાં ત્રણ દિવસથી પૂરી રાખી છે. ગામ માથાભારે ગણાતું. એમાં કેટલીયે સ્ત્રીઓને મારી નાખવામાં આવે છે, એની ખબર પણ પડતી નહોતી. વળી જે માણસે પોતાના ઘરમાં એ સ્ત્રીને પૂરી રાખી હતી એ ગામનો આગેવાન. એટલે એને તો કંઈ થાય જ નહીં ને. છોકરીનો બાપ જ્યોતિસંઘમાં આવ્યો. એની હકીકત સાંભળી. રાતના લગભગ દસ વાગ્યા પછી ટૅક્સી લઈને અમે એ ગામ તરફ જવા નીકળ્યા. સાથે તો કોઈને લઈ જવાય નહીં, કારણ કે જે ગામમાં જવાનું હોય ત્યાંની પૂરેપૂરી સાવચેતી રાખવી પડે.

વળી ખબર આપનાર માણસે મને એમ પણ કહ્યું હતું કે બહેન, પોલીસ પાર્ટી વગર જશો જ નહીં, નહીં તો એ બધા તમારું ખૂન કરી નાખશે.’ વાત પણ સાવ સાચી હતી. અમે એના ગામમાં દાખલ થયા, ત્યારે ગામમાં બધાં સૂઈ ગયાં હતાં. અમે ઘડીભર વિચારમાં પડ્યાં કે આવા અંધારામાં આપણે કોને પૂછીએ કે એનું ઘર બતાવે.’

ચોરા પાસે જઈને સરપંચને જગાડ્યા. એ ડરતાં ડરતાં હાથમાં ફાનસ લઈને અમારી સામે કતરાતી નજરે જોતો હતો. અમે એને ઘર બતાવવા પૂછ્યું, ત્યારે એણે માંડ માંડ ડરતાં ડરતાં ઘર બતાવ્યું, પણ અમારી સાથે આવવા માટે એ તૈયાર નહોતો. અમે એને ઘેર જઈને એના ઘરના ઓટલા પાસે જઈને બૂમ પાડીને એને જગાડ્યા, પણ એ જાગ્યા નહીં. અમે જરા ગુસ્સે થઈને સરપંચને કહ્યું કે, ‘આ માણસને સીધો જવાબ આપવાનું કહો. નહીં તો જવાબદારી તમારી રહેશે.’

આથી સરપંચ ગભરાયો. જે બહેનને બળદિયા અને ઘાસ પૂરવાના ઓરડામાં પૂરી રાખી હતી. એના બારણે તાળું માર્યું હતું અને આગળ પાટ નાખીને એના પર એનો પતિ, સસરો વગેરે સૂતા હતા.

મેં પૂછ્યું કે, ‘બહેન ક્યાં છે ?’

ત્યારે એ લોકોએ જવાબ આપ્યો, ‘હેંડવા માંડ, હેંડવા માંડ… અહીં તો કોઈ નથી.’

મેં કહ્યું કે, ‘સીધેસીધો જવાબ આપો, નહીં તો પોલીસસ્ટેશને આવવું પડશે.’

આમ છતાં એ સાવ બેપરવાહીથી જવાબ આપતો હતો. અમે ઓરડાની આગળ તાળું વાસેલું હતું એટલે થયું કે પેલી સ્ત્રી આ ઓરડામાં જ હોવી જોઈએ. એટલે અમે એને ઉઘાડવાનું કહ્યું. અમે કહ્યું, ‘બહેન અંદર છે કે નહીં તે જોઈ લઈએ પછી તમે તાળું વાસી લેજો.’

અંદર ગયા તો દૃશ્ય હૈયું હચમચાવી દે તેવું હતું. પેલી સ્ત્રી બે દિવસથી ભૂખી હતી. બે બળદિયાની બાજુમાં એ બેઠી હતી. આંખમાં ચોધાર આંસુ હતાં. અમે એને આટલું બધું દુઃખ આપવાનું કારણ પૂછ્યું તો એણે જણાવ્યું કે, ‘એને બે વરસથી બાળક થતું નથી, તેથી એની સાસુ અને પતિ બીજી બૈરી લાવવા માંગે છે અને તેથી મને અસહ્ય ત્રાસ આપે છે.’

અમે એની હકીકત સાંભળીને એના પતિ પાસે તાળું વસાવી સીધેસીધા રાત્રે ત્રણ વાગે પોલીસસ્ટેશને ફરિયાદ કરી. ગામમાંથી નીકળતા પેલા સરપંચને તાકીદ કરી કે છોકરીને કોઈ પણ જાતની જાનહાનિ થશે તો તમે જવાબદાર ગણાશો. રાતના ચાર વાગે અમે ફરિયાદ દાખલ કરવા માટે પાછા આવ્યા ત્યારે એમ લાગ્યું કે અમારા કામની મહેનત ફળી છે. એ માથાભારે માણસની તપાસ ક૨વામાં આવી અને એ સ્ત્રીને બચાવીને અમે ગામમાં દાખલો બેસાડ્યો.

એ સમયે સ્ત્રીઓનું અપહરણ કરીને શહેરના દૂરના વિસ્તારોમાં અનીતિધામ ઊભાં થતાં હતાં, ત્યાં ચારુબહેને સામે ચાલીને આવાં અનિષ્ટ તત્ત્વોનો સામનો કર્યો. ક્રૂર, નિર્દય અને ભયંકર ધાકવાળા દાદાઓના અડ્ડા પર જઈને સપડાયેલી સ્ત્રીને કાંડું પકડીને બહાદુરીથી એના ઘરની બહાર લાવતા. અસામાજિક તત્ત્વો પણ ચારુબહેનનાં ખમીર, દૃઢતા અને સંકલ્પબળ સામે પોતાનું જોર બતાવી શકતાં નહીં.

એક વાર ચારુબહેન પાસે અમદાવાદ શહેરના માથાભારે પોલીસની ફરિયાદ આવી. એક વિધવા સ્ત્રી પોલીસના ત્રાસથી હેરાન-પરેશાન થઈ ગઈ હતી. કોને જઈને ફરિયાદ કરે અને કોણ સાંભળે? એ જેમ ફરિયાદ કરે, એમ એને પેલા પોલીસઅમલદારનો વધારે ત્રાસ સહન કરવો પડે. સંસારમાં મોટા ભાગના તો ‘સબ સબ કી સમાલિયો’ના સિદ્ધાંતથી જીવતા હોય છે, ત્યાં આ પારકી પરેશાનીને કોણ નોતરે ? સામે ચાલીને કોણ પોતાના પગ પર કુહાડો લે ? સજ્જનની ખામોશી એ દુર્જનોને બહેકાવનારી હોય છે. સજ્જનો આવી વાત પ્રત્યે આંખ આડા કાન કરે એટલે દુર્જનોને મોકળું મેદાન મળી જાય.

ચારુમતીબહેન યોદ્ધા પાસે આ ફરિયાદ આવી. આ સાંભળતાં જ તેઓ એનો સામનો કરવા માટે સજ્જ બની ગયાં. ચારુબહેનને અમે સહુએ વાર્યાં પણ ખરાં. એકાદ સ્નેહીએ તો કહ્યું, ‘વાઘને મારણ પર પકડવો સહેલ નથી. પોલીસઅમલદાર છે; એની પાસે હથિયાર, જેલ અને જુલમ બધું જ હોય.’

ચારુબહેને કહ્યું, ‘જુઓ, ન દૈત્યં, ન પલાયનમ્. પોલીસ હોય તેથી શું થયું ? હથિયાર હોય તેથી ડરવાનું શું ? જો આ બધી વાતોથી ગભરાઈએ તો સ્ત્રી-સમાજની સેવા ન થાય. બધાએ આમ ને આમ જ સ્ત્રીને ‘મિયાંની મીંદડી’ બનાવી દીધી છે.’

બધાંએ કહ્યું, ‘હવે સવારે જજો અને સાથે પોલીસ રાખજો.’

પરંતુ ચારુબહેન એક મિનિટ પણ થોભે ખરાં ? તેઓ તો ઊભાં થયાં અને પોલીસઅમલદારની શોધમાં નીકળ્યાં. શહેરના છેવાડાના ભાગમાં નીરવ એકાંતવાળી જગાએ આવેલા મકાનમાં મધરાતે એ અમલદાર એના દુરાચારોમાં મહાલતો હતો. આ અણનમ યોદ્ધા ત્યાં જઈને ઊભાં રહ્યાં અને દ્વાર ખખડાવ્યાં.

અંદરથી અમલદારની ત્રાડ સંભળાઈ, ‘કોણ છો તમે ? મરવા આવ્યાં લાગો છો!’

ચારુબહેન બારણું ખોલીને ધસી ગયાં અને એનો હાથ પકડીને એને ઊભો કર્યો. ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. પોલીસતંત્રને પોતાના કાયદા અને પોતાની શિસ્ત હોય છે. અમલદાર પર કામ ચાલ્યું અને એક રાવણનો ત્રાસ ઓછો થયો.

આ ચારુમતી યોદ્ધાની અટક યોદ્ધા હતી અને એમનું જીવન પણ યોદ્ધા જેવું હતું. સર્જક જયભિખ્ખુએ જોયું કે કાજળની કોટડી જેવા સમાજની વચ્ચે રહીને અને સ્ત્રીને હીન નજરે પરખનાર દુનિયા વચ્ચે રહીને, અનાચારોના ધામ વચ્ચે, ગુંડાઓની જાત સામે ઝઝૂમતા યોદ્ધાનું જીવન ગુજારવું સહેલું ન હતું; પરંતુ આવી પરિસ્થિતિમાં પણ ચારુબહેન વીર અને નિર્ભય યોદ્ધાનું જીવન જીવતાં હતાં.

ચારુબહેનના જીવનની સત્ય ઘટનાઓએ નારીતેજનો નવો અનુભવ કરાવ્યો. એક વાર ચારુબહેનના ઘરે એક ખેડૂત ફરિયાદ લઈને આવ્યો. એની વીસ વર્ષની દીકરીનું એક પઠાણે અપહરણ કર્યું હતું. દીકરીની શોધ કરી, છતાં ક્યાંય મળતી નહોતી. એને મેળવવા માટે શિરનું સાટું થાય એમ હતું. પઠાણની ચોતરફ ધાક હતી. પોલીસનો એ પરમ મિત્ર હતો. એક ચકલું પણ તેની સામે અવાજ કરી શકે તેમ નહોતું. પોલીસને ખબર કરવા જાય, તો પોલીસ એ પઠાણને પહેલાં ખબર કરી દેતો.

આ વાત સાંભળતાં જ ચારુબહેન ઊભાં થઈ ગયાં. એમણે પેલા ખેડૂતને કહ્યું, ‘ચાલો મારી સાથે. તમારી દીકરી પાછી અપાવું.’

ઘરનાં સ્વજનોએ ચારુબહેનને કહ્યું કે, ‘ખૂન કરીને હાથ પણ ધોયા વગર જમવા બેસે, એવા ખૂંખાર લોકો વચ્ચે જવાનું છે. ભલભલા મર્દોનું આ કામ નથી, ત્યાં તમે તો સ્ત્રી છો.’

ચારુબહેને આગળ ડગ ભર્યાં અને બોલ્યાં, ‘સ્ત્રી એટલે શું ?’ ઘરની બહાર નીકળી મોટરમાં બેસી ગયાં.

આંગણામાં પાથરેલા ખાટલાઓ પર બેઠેલી શસ્ત્રધારી જીવતી ચોકી વચ્ચે થઈને ચારુબહેન પઠાણના ઘરમાં જઈ ઊભાં રહ્યાં. એ પઠાણની પત્ની પાસે ઊભેલી અપહૃત વીસ વર્ષની યુવતીનો હાથ પકડ્યો. બધાંની વચ્ચેથી પસાર થઈને એનું બાવડું પકડીને એને મોટરમાં બેસાડી. પ્રત્યેક ઘડી ખૂનની આશંકા સાથે વીતતી હતી. પઠાણ એમની પાછળ દોડતો આવ્યો, પરંતુ ચારુમતીબહેન યોદ્ધાનો દેખાવ જોઈને એ શેહ ખાઈ ગયો.

એણે કહ્યું, ‘અગર આપ ન હોતે, તો હમ કિસી કો ભી ખત્મ કરતે, લડકી વાપસ દીજિયે.’

એક અકળાયેલો પઠાણ હતો, તો સામે બીજો કોપાયમાન સવાઈ પઠાણ હતો. ચારુબહેને કહ્યું, ‘કુછ ભી હોગા, મગર યે લડકી વાપસ નહીં મિલેગી.’

પઠાણે ધમકી આપવા કોશિશ કરી તો ચારુબહેને એને ધમકાવવાનું શરૂ કર્યું. પઠાણના હાથ હેઠા પડ્યા. ચારુમતીબહેન યુવતીને ખેડૂતને ઘેર મૂકી આવ્યાં.

એ સમયે મૃદુલાબહેન સારાભાઈ સ્ત્રીકાર્યકરોને શોધતાં હતાં. એમાં હિંદુ-મુસ્લિમ રમખાણો થયાં, ત્યારે ચારુબહેન જોગમાયાની જલતી જ્યોત થઈને ઘૂમ્યાં. આવાં ૨મખાણોમાં પુરુષને માત્ર પ્રાણનો ભય હોય છે અને સ્ત્રીને બમણો ભય હોય છે, પણ ચારુબહેને નિર્ભયતા અને સેવાભાવનાની સહુને પિછાન કરાવી.

આવા તો ઘણા પ્રસંગો ચારુબહેનના મુખેથી સાંભળવા મળ્યા છે. એક વાર એક વિરોધી જાદુગરે મહાન જાદુગર કે.લાલને પરેશાન કરવા માટે અમદાવાદના એક પોલીસસ્ટેશનમાં અરજી કરી. પોલીસ સાંજે આણંદમાં જાદુના પ્રયોગો કરી રહેલા મહાન ગુજરાતી જાદુગર કે.લાલ પાસે ગઈ અને કહ્યું કે, તમે અત્યારે ને અત્યારે અમદાવાદ આવો. કલાકાર કે.લાલે કહ્યું કે, ‘અત્યારે તો મારો શો છે, આવતી કાલે આવીશ.’ અને બીજે દિવસે એમને અમદાવાદના એલિસબ્રિજ પોલીસસ્ટેશને હાજર થવાનું કહ્યું.

કે.લાલે અમને સંદેશો મોકલ્યો એટલે અમે એ પોલીસસ્ટેશન પર ફૈબાને લઈને હાજરાહજૂર થયાં. પોલીસસ્ટેશનમાં દાખલ થતાંવેંત જ ચારુબહેને ત્રાડ પાડી, ‘ક્યાં છે એ… ? શેનું કાઢ્યું છે વૉરંટ ? તમે તો પ્રજાના રક્ષક છો કે ભક્ષક ?’ અને પોલીસઅધિકારીની કૅબિનમાં દાખલ થયાં. ચારુબહેનને જોતાં જ પેલાના હોશ-હવાસ ઊડી ગયા અને બોલી ઊઠ્યો, ‘અરે ! આ તો મોટી પનોતી આવી !’

ચારુબહેને કહ્યું, ‘ખરી પનોતી તો હવે આવશે.’ આટલું કહીને પોલીસસ્ટેશનનો ફોન લઈને એમણે ઉચ્ચ અધિકારીને કહ્યું અને સાથે તાકીદ કરી કે, ‘આની સામે તાત્કાલિક કામ ચલાવો. ચારેક દિવસ પછી શી કાર્યવાહી થઈ તેની હું ભાળ મેળવીશ.’

વાચકો ! તમે જ વિચાર કરો. ‘પનોતી’ શબ્દ એક અને એના સંદર્ભ કેવા સાવ જુદા !

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑