કેનિયાના નૈરોબી શહેરની સાવ દૂર આવેલી અસ્પૃશ્ય અને અસ્પર્શ્ય ઝૂંપડપટ્ટીના વિસ્તાર પર ધીમે ધીમે અંધકારની ચાદર પથરાતી જતી હતી. આકાશી અંધકારની લગોલગ ધરતીનું અંધારું પણ ઘાટું બનતું જતું હતું. દારૂનું અતિ સેવન કરવાને લીધે બેફામ બનીને અહીંથી તહીં લથડિયાં ખાતા દારૂડિયાઓના નશાથી સાંકડી ધૂળિયા શેરીઓ આમતેમ ડોલતી હતી. ક્યાંક કોઈ વ્યસની કશાય કારણ વિના રાહદારી સાથે ઝઘડો ઊભો કરતો હતો, તો બાજુમાં અતિ ગરીબ આફ્રિકન સ્ત્રીઓ પેટની આગને ઠારવા માટે પોતાના દેહના સોદા માટે સમસમીને ઊભી હતી. ક્યાંક મ્યુઝિકમાં મસ્ત આફ્રિકન યુવાનોની મંડળી રસ્તા પરથી પસાર થતી હતી. આ સમયે ઝૂંપડપટ્ટીના છેડે આવેલા ફાધર મઝુંરીના ચર્ચને બારણે કોઈ જોરજોરથી મુક્કા મારી રહ્યું હતું. એનો ગુસ્સો અને ક્રોધ એટલો હતો કે એ બારણે ટકોરા મારવાને બદલે એના પર મુક્કા મારતી હતી. ગુસ્સાથી ધસમસતી અતિ કૃશ અને કંગાળ-બેહાલ વીસેક વર્ષની આફ્રિકન યુવતી આ કઠોર-નઠોર અને નઘરોળ દુનિયા સામે ફરિયાદ કરવા માટે ફાધર મઝુંરી પાસે આવી હતી.
હજી હમણાં જ સાયંપ્રાર્થના પૂર્ણ કરીને ફાધર નિવૃત્ત થયા હતા. એમણે કરેલી પ્રાર્થનાઓ અને એ પછી ઉપસ્થિત અનુયાયીઓનાં પ્રાર્થનાગીતો પણ હજી હમણાં જ પૂર્ણ થયાં હતાં. બે કલાક સુધી ચાલેલી આ પ્રાર્થનાસભા બાદ પાદરી મઝુંરી ક્રૉસ પર ઊભેલા ઈસુ પર નજર ઠેરવીને વિચારતા હતા કે એ ઈસુની આંખોમાં તરછોડાયેલા, ધુત્કારેલા ગરીબ માનવીઓ પ્રત્યે જાણે કરુણાની ધારા વહે છે. એવામાં ચર્ચના મુખ્ય દ્વાર પર કોઈ મુક્કા મારતું હોય એવો અવાજ સંભળાયો. આવી રીતે ધડાધડ બારણાં ઠોકવાનો કર્કશ અવાજ સાંભળીને ફાધરને પહેલાં સહેજ અકળામણ અને પછી પારાવાર આશ્ચર્ય થયું. ચર્ચમાં આવનારી વ્યક્તિ સામાન્ય રીતે ધીમેથી બારણે ટકોરા મારતી, એને બદલે આ કોણ એના મુખ્ય દ્વાર પર આટલા જોરથી મુક્કા મારે છે ? એને હચમચાવી નાખવાનો પ્રયત્ન કરે છે. જાણે બારણાંને ધક્કા મારીને ખોલી નાખવા ઇચ્છે છે.
દરવાજા ખોલીને ફાધરે જોયું તો એક વીસ વર્ષની મેલાંઘેલાં કપડાં પહેરેલી, વિખરાયેલા વાળવાળી ગુસ્સાથી ધૂંઆપૂંઆ થયેલી યુવતી એમની સામે ઊભી હતી. ક્રોધથી એનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. એના ફાટેલા અવાજમાં ગુસ્સો અને તિરસ્કાર બંને સંભળાતા હતા. ફાધરે મુખ્ય દ્વાર ખોલીને એને અંદર આવવા કહ્યું, પણ પ્રવેશતાંની સાથે જ ફાધરને સંબોધીને પહેલાં એ યુવતી કેટલુંય બોલી ગઈ. એણે કહ્યું, ‘ફાધર, તમે ધર્મની વાત કરો છો, પણ ક્યાં છે ધર્મ ? તમે પિતા પરમેશ્વરના પ્રેમની વાત કરો છો, પણ મને તો પ્રેમ ક્યાંય દેખાતો નથી ? તમે માનવસેવાની વાત કરો છો, પણ ક્યાં છે સેવા ? સેવાને બદલે ચોતરફ છે નકરો સ્વાર્થ અને પ્રેમને બદલે છે ધિક્કાર અને નફરત.
ફાધર મઝુંરીએ એના ગુસ્સાનો કોઈ પ્રતિભાવ ન આપ્યો, બલ્કે એને એક ખુરશી પર શાંતિથી બેસવા કહ્યું અને પોતે ઊઠીને પાણીનો ગ્લાસ લઈ આવ્યા અને કહ્યું, ‘પહેલાં પાણી પી લે. મન થોડું શાંત કર, પછી કહે તને થયું છે શું ?’
ગુસ્સે ભરેલી એ આફ્રિકન યુવતીએ પાણીનો પ્યાલો પીવાને બદલે બાજુએ મૂકી દીધો અને કહ્યું, ‘ફાધર, આ ઇગબો મેગેરેને તો રોજેરોજ નહીં, પણ એક-એક સેકન્ડે કડવા ઘૂંટડા પીવા પડે છે, ત્યાં તમે પાણી પીવાની શી વાત કરો છો ? આ દુનિયામાં માણસ જેવું કોઈ બેવફા પ્રાણી નથી ને સગાંવહાલાં જેવા બીજા કોઈ દુશ્મન નથી.’
ફાધર મઝુંરીએ લાગણીભેર કહ્યું, ‘ઇગબો, એવી તે કઈ પીડા છે તને, જેથી આટલી વ્યથિત છે ?’
‘પીડા. માથા પરથી કદી ન ઊતરતા પીડાના પોટલા સાથે જિંદગી જીવું છું ફાધર. તમે ઈશ્વરની પ્રાર્થના કરતા હતા ને, તો હવે એટલી પ્રાર્થના કરજો કે મારા જેવી પીડા પ્રભુ કોઈનેય આપે નહીં.’
ફાધરે એને બોલવા દીધી. ધીરે ધીરે એનો ઉકળાટ શમી જતાં એ મૂળ વાત પર આવી. ફાધરે ફરી એની આગળ પાણીનો પ્યાલો ધર્યો અને કહ્યું, ‘જો ગુસ્સામાં તારું શરીર ધ્રૂજે છે, પાણીનો શોષ પડે છે. ઇગબો, જરા પાણી પી લે.’
યુવતીએ પાણી પીધું અને પછી પોતાની કરમકહાની શરૂ કરતાં કહ્યું કે, ‘મારી જિંદગી કેવી બેહાલ થઈ ગઈ છે એનો તમને ખ્યાલ નહીં આવે. શેરીમાં અહીંતહીં રખડતી, ભટકતી, ફેંકાયેલું ખાતી કૂતરી જેવી. કૂતરીને પોતાનું કોઈ ઘર હોય ખરું ? કોઈ એને ભોજન કે કપડાં આપે છે ખરાં ? કોઈ એને પૂછે છે કે તને ઠંડી લાગે છે કે ગરમી ? ના. એવું કોઈ કરતું નથી. બસ, એવી શેરીની કૂતરી જેવી દશા છે મારી.’
‘એટલે ? શું થયું છે તને ?’ ફાધર મઝુંરીએ વાત્સલ્યભર્યા અવાજે પૂછ્યું,
‘અરે, વાત ન કરો આ બદમાશ દુનિયાની. મારા ઘરના લોકો કહે છે કે મને ઍઇડ્સ થયો છે. જરા મારા શરીર પર એકાદ ગાંઠ થઈ એટલે એમણે તો બૂમો પાડવા માંડી કે આને તો એઇડ્સની ભયાવહ બીમારી લાગુ પડી છે. એ મરશે ને એને સાથે રાખીશું તો આપણે બધાય મરીશું. પણ ફાધર, એમની વાત સાવ ખોટી ને બનાવટી છે. આ તો ઘરમાંથી હાંકી કાઢવા માટે મારા પતિ અને મારી સાસુએ રચેલો પેંતરો છે. હવે હું બળજબરીથી ઘરમાં પેસું તો બારણાં ભીડી દે છે અને જો ઘરમાં પેસી જાઉં તો કૂતરીને કોઈ ઘરમાંથી કાઢે, એ રીતે મને ધક્કા મારીને બહાર હાંકી કાઢે છે. હું શું કરું ? પહેલાં તો બૂમાબૂમ કરીને પડોશીઓને બોલાવતી હતી, પરંતુ ધીરે ધીરે પડોશીઓએ પણ મોં ફેરવી લીધું. હવે ક્યારેક મારો પતિ થોડા મકાઈના દાણાનું પડીકું ફેંકે અને હું એના ઘરનાં પગથિયાંની નીચે બેસીને ખાઉં છું. કડકડતી ઠંડી હોય તોય મને એક વધુ કપડુંય ન આપે અને બળબળતા તાપમાં ઘરના ખૂણેય બેસવાનું ન કહે.’
‘બહુ કહેવાય. આ તો એક પ્રકારનો જુલમ ગણાય.’
‘ફાધર આ દુનિયા તો આવી જુલમી જ છે. તમે ભલે ચર્ચમાં બેસીને પ્રેમ અને ભાઈચારાનો ઉપદેશ આપો, પણ તમને ખબર નથી કે માણસના મનમાં કેટલા શેતાન વસે છે. દુનિયા તો દુષ્ટોથી ખદબદી રહી છે. મને તો થાય છે કે પિસ્તોલની ગોળીથી ઘરના એકેએકને વીંધી નાખું. જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સારા અને જ્યારે સ્વાર્થ પૂરો થાય એટલે ધક્કા મારીને કાઢી મૂકે. એટલે ફાધર, ઘરનું બારણું ખુલ્લુ જોતાં હું ઘરમાં પ્રવેશતી તો પહેલાં મને ધક્કા મારતા, પણ હવે તો લાઠીઓ મારીને ધીબી નાખે છે. બે-ત્રણ વાર આવું બન્યું અને મારાં હાડકાં ખોખરાં થઈ ગયાં. ઈવ અને આદમ જેવા લોકો છે, આ જે ઈશ્વરની આજ્ઞાને ઘોળીને પી જાય છે અને તમે આ ચર્ચમાં બેસીને અમને ઈશ્વરની આજ્ઞા સમજાવો છો.’
ફાધરે કહ્યું, ‘આથી જ અમે કહીએ છીએ કે તમે ઈશ્વરની આજ્ઞા માનો, એણે કહેલા માર્ગે ચાલો. ધરમૂળ ફેરફાર માટે તમારા હૃદયને તૈયાર કરો. એવાય લોકો છે કે જે એની આજ્ઞાને માનીને એના માર્ગે ચાલે છે. માટે શાંતિ રાખ.’
શાંતિ ? ક્યાંથી લાવું શાંતિ ? એમને તો લાગ મળે પૂરા કરી નાખું એવી દાઝ ચડે છે મને.’
‘અરે ઈબગો ! આવા વિચાર ન કરાય. ઈસુએ કહ્યું છે કે, ‘તલવાર ઉગાડશો, તો તલવાર જ ઊગશે. દ્વેષ અને ક્રોધ કરનારને જ પીડા આપે છે.’
‘એ બધું તો ઠીક. મારી વાત કરો. હવે મારે શું કરવું ?’
ફાધરે કહ્યું, ‘તને ભલે ઘરમાંથી હડધૂત કરી હોય, પણ પ્રભુની કરુણાએ તને હડધૂત કરી નથી. હવે તું નિરાંતે અમારા આવાસમાં રહે અને ઈશ્વરભજન કર. જો, સામે ઈસુની આંખમાં કેવી કરુણા છે. બસ, એવી કરુણાને તું જોતી રહે અને વિચાર કર કે ચિત્તને શાંત અને શુદ્ધ કરું. પશ્ચાત્તાપથી મારા દુષ્ટ વિચારોનો અનુતાપ કરું.’
‘ખરેખર, પ્રભુ મને જાળવશે ? મને જીવવાની શાંતિ આપશે ખરા ?’
‘હા ઈબગો, જો પ્રભુને પામવાનો રસ્તો ‘માનવ’ વચ્ચે થઈને અને તેમાંય ખાસ કરીને તરછોડાયેલા, ધુત્કારેલા ગરીબ માનવોની વચ્ચે થઈને પસાર થાય છે. એ રસ્તે જઈશ તો તારી પીડા એ એની પીડા બની જશે સમજી.’
અને પછી ઈબગો ચર્ચમાં રહેવા લાગી. ધીમે ધીમે જગત તરફની કટુતા ઓગળતી ગઈ અને પ્રભુની કરુણા પામવાનો પ્રયત્ન કરવા લાગી. પશ્ચાત્તાપના પુનિત ઝરણામાં વહીને પોતાના ભૂતકાળનાં દુષ્કૃત્યોને ધોવા લાગી.
એક દિવસ ફાધરે કહ્યું, ‘ચાલ, જરા હૉસ્પિટલમાં જઈ આવીએ. ઘરનાં લોકોએ તારા પર ઍઇડ્સ હોવાનું આળ મૂક્યું હતું. એ આળ સાચું હોય કે ખોટું એ વાત જુદી, પણ આપણે એની તપાસ તો કરવી જોઈએ કે આવો કોઈ રોગ નથી ને ? તું જાણે છે કે રોગની જેટલી વહેલી ખબર પડે એનો એટલો યોગ્ય ઉપચાર થઈ શકે.’
‘એક વાર પોતાને ઍઇડ્સ નથી’ એમ કહીને બુમરાણ મચાવનારી ઈબગોને થયું કે ફાધર મઝુંરીની વાત માનવા જેવી છે. એણે ટેસ્ટ કરાવ્યો અને જાણ થઈ કે એને ઍઇડ્સ છે. આ એચ.આઈ.વી. સંબંધિત રોગ એવો છે કે જેનો ચેપ લાગ્યા પછી બે-ત્રણ મહિને એનો નિદાન-કસોટી દ્વારા ખ્યાલ આવે અને આઠ-દસ વર્ષ બાદ એનાં ચિહ્નો દેખાવા માંડે.
ડૉક્ટરે નિદાન કર્યું, ત્યારે ઈગબોએ એ હકીકતને શાંતિથી સ્વીકારી લીધી. ચર્ચમાં એ સફાઈકામ કરવા લાગી અને ક્યારેક સફાઈ કરતી વખતે ઈસુની આંખોમાંથી ટપકતી કરુણા એકીટસે જોઈ રહેતી. એના મનમાં વિચાર પણ આવતો કે ઈસુને કેટકેટલી વેદનાઓ સહેવી પડી. કોટિજનોના તારણહારને પોતાનો ક્રૂસ પોતે જ ઉઠાવીને વધસ્થાન તરફ જવું પડ્યું હતું. ઈસુની હથેળીમાં જલ્લાદે લાકડાની અંદર ઊંડા ઊતરી જાય તે રીતે ખીલા માર્યા હતા. હાથ પછી પગનો વારો આવ્યો અને છતાં ઈસુએ અંતરની ગુફામાંથી પ્રભુને આજીજીપૂર્વક પ્રાર્થના કરી, ‘હે પરમ પિતા, આ લોકોને તું માફ કરજે. તેઓ પોતે શું કરે છે તેનું તેમને ભાન નથી.’
ઈગબોને થયું કે, જો ઈસુને આટલું બધું સહેવું પડ્યું, તો એની સામે મેં ભોગવેલાં તિરસ્કાર, નફરત કે યાતના કશું નથી. એમને ક્રૉસ પર ચડવું પડ્યું છતાંય એમની આંખોમાંથી કરુણા સદાય વહેતી રહી. મારે મારા જીવનમાં કરુણાની આવી કેળવણી મેળવવી છે. એમણે યાતના આપનાર સહુને માફ કર્યા હતા, એમ મારે પણ પશ્ચાત્તાપ કરીને મારા પતિ અને સાસુને માફ કરવાં જોઈએ.
ધીરે ધીરે ઈબગોના મનની કટુતા ઓગળતી ગઈ. પશ્ચાત્તાપના પુનિત ઝરણામાં પોતાના પાપનો નાશ કરવા લાગી. એના મનમાં શાંતિ અને ક્ષમાનો ભાવ જાગી ગયો.
ઈબગોનો ઍઇડ્સ હવે છેલ્લા તબક્કામાં પહોંચ્યો હતો. મૃત્યુને એ સામે જોતી હતી અને મૃત્યુ સાવ સમીપ આવી પહોંચ્યું, ત્યારે એ ચર્ચમાં આવી. એણે ગદ્ગદ કંઠે પ્રાર્થના કરી કે, ‘હે પ્રભુ, મને હવે પછીનું જીવન સારું આપજે.’
પાદરી મઝુંરીની ચિત્તમાં આ દૃશ્ય તસવીરની પેઠે જડાઈ ગયું. સામે ઈસુની આંખમાંથી કરુણા વહેતી હતી, તો આ યુવતીની આંખમાં ઊજળા ભાવિજીવનની આશાનું દિવ્ય કિરણ રમતું હતું !
*
આ આખોય અનુભવ કહ્યા પછી નૈરોબીની ઝૂંપડપટ્ટીમાં બેઠેલા ફાધર મઝુંરીને મેં પૂછ્યું, ‘ઈગબોને ઍઇડ્સ થયો હોવાની જાણ થયા બાદ તમને થોડો ભય લાગ્યો હતો ખરો ?’ એમણે નિખાલસતાથી સ્વીકાર કર્યો, ‘શરૂઆતમાં સહેજ ભય લાગ્યો હતો, પરંતુ એના પરિવર્તનને જેમ જેમ નિહાળતો ગયો, તેમ તેમ મારામાં અભયનો સંચાર થતો ગયો.’