આઇ એમ પ્રાઉડ ટુ બી દેસાઈ ! (મારો અસબાબ-19)

એક સમયે કુટુંબ વિશાળ કબીરવડ જેવું હતું, જેની વડવાઈઓ આસપાસ ચોમેર પથરાયેલી હતી. એ પછી કુટુંબ એક ઊંચા વૃક્ષ જેવું બની ગયું, જેનાં ફળ એની છાયામાં વસનારા નાનકડા કુટુંબને મળતાં હોય. આજે વિભક્ત થઈ રહેલા કુટુંબની દશા વેરાનમાં ઊગેલા છોડ જેવી બની ગઈ છે.

આજે ભલે પરિસ્થિતિનો તકાજો અને પ્રગતિની ભાવનાને કારણે સંયુક્ત પરિવારો વિભક્ત થઈ રહ્યાં છે, આમ છતાં હજી કુટુંબ-ભાવનાની સુવાસને કારણે આપણે જોઈએ છીએ કે સહુ કોઈ કુટુંબના શુભ-અશુભ પ્રસંગોમાં સાથે મળીને આનંદ કરતાં હોય છે. ભારતની સંયુક્ત કુટુંબની પ્રથામાંથી ચંદરિયા પરિવારે એક ગજબનું તારણ કાઢ્યું. વિશ્વના પચાસ જેટલા દેશોમાં 121થી વધુ ઉદ્યોગો ધરાવનાર ચંદરિયા પરિવારમાં પાંચ પેઢી એક સાથે કામ કરે છે. આજે એના સૌથી મોટા મુરબ્બી રતિભાઈ ચંદરિયા જીવનભર ‘ચંદરિયા ગ્રૂપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ’ના ચૅરમૅન રહ્યા. એમણે એવું આયોજન કર્યું કે નવી પેઢી આવે એટલે જૂની પેઢી એને તક આપીને એની સાથે કામ કરે. સૌ સાથે મળીને વેપાર-ઉદ્યોગ ખેડે અને સહુને એની જરૂરિયાત પૂરતી રકમ મળી રહે. માત્ર જે કંઈ નફો થાય, તે વિવિધ પ્રકારનાં સેવાકાર્યો કરતાં એમનાં ટ્રસ્ટ કે ફાઉન્ડેશનમાં જાય. ભારતનાં ગામડાંઓને સ્વાવલંબી બનાવવા આર્થિક સહાય કરે છે. આફ્રિકાના દેશોમાં ગરીબી દૂર કરવા યત્ન કરે છે. માતૃભાષા ગુજરાતીના પ્રેમને કારણે ગુજરાતી લૅક્સિકનને સાથ અને સહાય આપે છે. એમ કહેવાય છે કે કોઈ પણ સમયે આ પરિવારનો એક સભ્ય આકાશમાં હવાઈ મુસાફરી કરતો હોય છે. આ સમગ્ર પરિવાર પ્રતિવર્ષ બે વાર કોઈ એક સ્થળે એકત્રિત થાય છે અને તે પછી સહુ સાથે મળીને કુટુંબ-સ્નેહની વહેંચણી કરે છે તેમજ પોતાના વ્યવસાયમાં આવતી મુશ્કેલીઓ અંગે એકબીજાનું માર્ગદર્શન મેળવે છે. યુવાનોને વડીલો એમના અનુભવનું નવનીત આપે છે.

સમગ્ર ભારતીય સંસ્કૃતિનો અને એની આગવી આધ્યાત્મિકતાનો આધાર આ કુટુંબભાવના પર રહેલો છે, આથી એણે વિશ્વને સમાજ રૂપે નહીં, જાતિ કે સમૂહ રૂપે નહીં, બલ્કે કુટુંબ રૂપે જોયું છે !

આજથી ચાલીસ વર્ષ પૂર્વે બ્રિટનમાં વસતા ભારતીયોએ યોજેલા સમારંભમાં બ્રિટનના મજૂર પક્ષના નેતા એન્યુરીન બિવને કહ્યું હતું કે ભારતની સૌથી મોટી વિશેષતા એ એની કુટુંબપ્રથા છે. અમેરિકા અને યુરોપના મારા પ્રવાસમાં કુટુંબની ઓથના અભાવે એકલી, એકલતાથી વિષાદભરી ઝૂરતી સેંકડો વ્યક્તિઓ જોવા મળી. આપણે ત્યાં કુટુંબમાં સિંચન પામતાં સ્નેહ, ઔદાર્ય, લાગણી, પરોપકાર, સેવા જેવી ભાવનાઓનો અભાવ જોવા મળ્યો. અમેરિકામાં નાની પુત્રીનું અવસાન થતાં પિતાને બાળકીનો મૃતદેહ ખોળામાં રાખીને ચાર કલાક સુધી એકલા, સૂનમૂન મોટરમાં દફનવિધિના સ્થળે જવું પડે એવાં દૃશ્યો પણ જોવા મળ્યાં છે. માતા વ્યવસાય કરતી હોય, ત્યારે મોટી બહેન નાના ભાઈને સાચવવા માટે ડૉલરનો ‘ચાર્જ’ લેતી પણ જોવા મળી. વૃદ્ધોની સ્થિતિ તો અત્યંત હૃદયદ્રાવક. માણસનો માણસ માટેનો વલવલાટ નજરે દીઠો. પતિ-પત્નીના સંબંધોમાં થોડી તિરાડ પડે, તે સંયુક્ત કુટુંબવ્યવસ્થામાં જલદીથી પુરાઈ જાય. હવે કુટુંબપ્રથાના અભાવે એ તિરાડ સહિષ્ણુતા ગુમાવતાં થોડા સમયમાં ઊંડી ખાઈ બની જાય છે ! સંબંધો સાવ તૂટી જાય છે કે પછી હિંસક બની જાય છે !

મારા કુટુંબનો વિચાર કરું, ત્યારે સ્મૃતિનો તંતુ છેક મારા દાદા વીરચંદભાઈ સુધી પહોંચે છે. વીરચંદભાઈના પિતા હીમચંદભાઈ સૌરાષ્ટ્રના સાયલામાં રૂનો વેપાર કરતા હતા. વીરચંદભાઈના ઘરમાં સારી એવી જાહોજલાલી હતી; પરંતુ એમણે રૂનો સટ્ટો કર્યો અને ધંધામાં ભારે ખોટ આવી. થોડા સમયે હીમચંદભાઈનું અવસાન થતાં મારા દાદા વીરચંદભાઈ પર કુટુંબની સઘળી જવાબદારી આવી.

સાયલામાં રહીને કુટુંબની આર્થિક જવાબદારી ઉપાડી શકાશે નહીં તેમ લાગતાં વીરચંદભાઈએ સાયલાથી બસ્સો માઈલ દૂર આવેલા ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાના વરસોડા ગામમાં વરસોડાના દરબારને ત્યાં કારભારી તરીકે નોકરી સ્વીકારી. એ સમયે વીરચંદભાઈની ઉંમર માત્ર 23 વર્ષની હતી અને કારભારી તરીકે એમનો પગાર પંદર રૂપિયા હતો. એવામાં વીરચંદભાઈના મોટા ભાઈ જીવરાજભાઈ નાની ઉંમરે અવસાન પામ્યા અને એમના નાના ભાઈ દીપચંદભાઈએ દીક્ષા અંગીકાર કરી.

જીવરાજભાઈના પુત્ર મૂળચંદભાઈ અને દીપચંદભાઈના પુત્રો રતિભાઈ, કાંતિભાઈ, ધરમચંદભાઈ, ચંપાબહેન અને વનલીલા – એ બધાંની જવાબદારી વીરચંદભાઈએ સંભાળી લીધી. એ સમયે કુટુંબની જવાબદારી સોંપવી પડતી નહોતી, પણ સહજપણે સ્વીકારી લેવામાં આવતી હતી. આ બધાં બાળકો ઉપરાંત વીરચંદભાઈને પોતાનાં આઠ સંતાનો હતાં. બાહોશ, ચતુર અને કુશાગ્ર બુદ્ધિશાળી વીરચંદભાઈની કુટુંબભાવના એવી કે પોતાનાં અને પોતાના ભાઈઓનાં સંતાનોને એમણે સમાન રીતે રાખ્યાં. બધાંને બધું સરખું મળે. પોતાનાં સંતાનો જેટલું જ વાત્સલ્ય અને સંભાળ અન્ય ભાઈઓનાં સંતાનો પ્રત્યે રાખ્યાં. એમનો ઉછેર એવી રીતે કર્યો કે આ બધાં વચ્ચે સગાં ભાઈ-બહેન જેવો સ્નેહ પાંગર્યો. કુટુંબના વડલાની નીચે સહુ કોઈને વિસામો મળી રહ્યો.

દાદા વીરચંદભાઈએ એમના કાકાના દીકરા અમુલખભાઈને પણ પોતાના કુટુંબમાં સમાવી લીધા અને એમના સાળા ચુનીભાઈના અભ્યાસની અને લગ્નની જવાબદારી પણ એમણે હોંશભેર સ્વીકારી. વીરચંદભાઈની એ કુટુંબભાવનાનો વારસો પછીની પેઢીને મળ્યો. કુટુંબમાં વડીલની અને મોટા ભાઈની વાતને આદર આપવો એવો વણલખ્યો નિયમ પ્રવર્તતો હતો. કુટુંબના સભ્યોમાં ત્યાગની ભાવના હોવાથી ક્યારેય કોઈ કલહ થયો નહીં. વળી લગ્નપ્રસંગે બધાં સાથે જાય, ત્યારે દરેકને ભિન્ન ભિન્ન ફરજ સોંપવામાં આવતી. બાલાભાઈ (જયભિખ્ખુ) લગ્નપ્રસંગને આનંદસભર બનાવવા માટે પોતાની સાથે કોઈ લોકકવિ કે હાસ્યકારને લઈ આવે. રસોઈ અને ભોજનવ્યવસ્થાનો સઘળો ભાર નાના ભાઈ છલભાઈ સંભાળે. એકના કામમાં બીજા દખલ કરે નહીં.

આ ભાઈ પરસ્પરની મજાક કરે, પણ એમના આદરમાં કોઈ ચૂક ન આવે. એમની પત્નીઓ વચ્ચે દેરાણી-જેઠાણીના બદલે બે સગી બહેનો જેવો વ્યવહાર જોવા મળતો. મારી માતાને કુટુંબ તરફ પ્રગાઢ લાગણી હતી. એમને ખબર પડે કે કુટુંબમાં કોઈ બીમાર છે, તો તરત તેની ખબર જોવા દોડી જતાં. પાછ્લી ઉંમરે સ્થૂળ શરીર અને વાના દર્દને કારણે પગથિયાં ચડાતાં ન હોય, તો દાદરના પગથિયે બેસી તેમના ખબરઅંતર પૂછતાં. સાથે ફળફળાદિ લાવ્યાં હોય, તે આપતાં. વળી કુટુંબીજનોનો મેળો હોય ત્યારે નાનાં-મોટાં સહુની સાથે મારાં માતા ગાવા લાગી જાય.

રાષ્ટ્રીય ગીત કે લગ્નગીત ગાવાનો એમને ભારે શોખ હતો. સત્યાગ્રહનાં, અસહકારની ચળવળનાં કે ગાંધીજી વિશેનાં કેટલાંય ગીતો એમની જીભે રમતાં હતાં. 1930માં અસહકારની ચળવળમાં રાણપુરમાં એણે પ્રભાતફેરીઓ, સભાઓ અને સરઘસોમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પત્ની દમયંતીબહેન સાથે રહીને કામ કર્યું. મારાં બા કુટુંબમાં કોઈને પણ ત્યાં પ્રસંગ હોય, તો ઘણા દિવસ અગાઉ પહોંચી જાય અને એમને મદદ કરે. કોઈ અણધારી દુઃખદ ઘટના બની હોય તો દિવસોના દિવસો સુધી એમની સાથે રહે. ધૈર્ય અને સાંત્વના આપે. આઘાતને રૂઝવી શકે તેવું ડહાપણ અને વાત્સલ્ય એમની પાસે હતાં.

ગમે તેટલા અ-તિથિ આવે તોયે સહેજે અકળાય નહીં. આનંદભેર એમનું સ્વાગત કરે અને થોડી વારમાં રસોઈ બનાવે. વળી કોને શું ભાવે છે એની એમને બરાબર જાણ હોય. યાદ કરીને આવનારી વ્યક્તિની મનપસંદ વાનગી બનાવતાં. કોઈ સગાં આવ્યાં હોય ત્યારે ટેબલ પર એમની પાસે બેસીને એમને પ્રેમથી જમાડતાં. કોઈ વાર વધુ પડતું કામ હોય તોપણ કોઈની સાથે કશી ચડભડ કરે નહીં.

એ વારંવાર કહેતાં કે વધુ પડતા કામથી લાગેલો થાક આરામ કરવાથી ઊતરી જાય, પણ મનમાં વિખવાદથી લાગેલો મગજનો થાક સરળતાથી ઊતરી શકતો નથી. કુટુંબમાં લગ્નપ્રસંગે સહુ એમને સલાહ-સૂચન પૂછ્તાં અને એ પેચીદા પ્રશ્નનો સુમેળભર્યો ઉકેલ શોધી આપતાં. બંને પક્ષને કે વિચારોને એ શાંતિથી સાંભળતાં. પછી એમની સાથે ચર્ચા કરતાં અને એવું નિરાકરણ લાવતાં કે બંનેને એમ લાગે કે એમની તરફેણમાં ચુકાદો આવ્યો છે !

એમની આવી વત્સલતાને લીધે અમેરિકાના હ્યુસ્ટનમાં બાય-પાસ સર્જરી કરાવતી વખતે મારા મસિયાઈ ભાઈ ચંપકભાઈને એવી ઇચ્છા રહેતી કે માસી આ સમયે અહીં રહે તો સારું. માન્ચેસ્ટરમાં રહેતા મારા કાકાના દીકરા શરદને મારાં બાના ખબરઅંતર પૂછવાની ઘણી આતુરતા રહેતી. કુટુંબમાં પ્રેમનું વાતાવરણ એવું કે બધાંનાં બાળકોને સહુ કોઈ પાસેથી હૂંફ અને પ્રેમ મળ્યાં હોય, તેથી સહુનો સ્નેહતંતુ પરસ્પર સાથે જોડાયેલો રહેતો.

આખુંય દેસાઈ કુટુંબ દિવાળીમાં સાથે કોઈ તીર્થસ્થાને પ્રવાસે જતું હતું. નાનામાં નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીનાં બધાં પ્રવાસમાં સામેલ થતાં. સાથે મળીને આનંદ કરતાં. સાંજે બધાં ભેગાં થઈને સ્તવનો કે ગીતો ગાતાં. નાનાં બાળકો પોતાનો પ્રોગ્રામ રજૂ કરતાં. કોઈ બાળક વાર્તા કહે તો કોઈ ગીત ગાય. કોઈ રમૂજી ટુચકો કહે તો કોઈ નૃત્ય કરે. આનંદનો એવો માહોલ ઊભો થઈ જતો કે અમેરિકામાં અધ્યાપનકાર્ય કરતા ડૉ. ઉદય દેસાઈના પુત્ર ડૉ. મનીષ દેસાઈએ આ જોઈને એમ કહ્યું કે, `I am proud to be Desai’.

આજે પણ ધુળેટીના દિવસે બધાં આનંદભેર હોળી ખેલે છે અને સાંજે સાથે જમે છે. કુટુંબમાં કોઈને આર્થિક મુશ્કેલી હોય અથવા તો કોઈએ આજીવિકાસ્તંભ ગુમાવ્યો હોય કે પછી ઘરમાં લગ્નપ્રસંગ હોય, ત્યારે સહાય કરવા માટે ‘દેસાઈ ફૅમિલી ટ્રસ્ટ’ની યોજના પણ કરી હતી. જેમાં ટ્રસ્ટ એક વડીલને જવાબદારી સોંપે. તેઓ જેમને ત્યાં લગ્નપ્રસંગ હોય કે જેઓ વિધવા થયાં હોય તેમને સામે ચાલીને મળવા જાય અને શક્ય તેટલી સહાય કરે. વિદેશથી કોઈ આવે એટલે મોટો સમારંભ યોજાય. પોતાની કામગીરીની વાત કરે.

સમયના પરિવર્તન સાથે કુટુંબભાવનામાં થોડી ઓટ પણ આવી છે. નવી પેઢીના યુવાનો વ્યવસાયને માટે ભારતમાં અન્યત્ર કે વિદેશમાં સ્થાયી થયા છે. વારંવાર મેળાપના પ્રસંગો ઘટ્યા છે, આમ છતાં કોઈ ગંભીર રીતે બીમાર હોય કે કોઈ અવસાન પામ્યું હોય તો એને ત્યાં કુટુંબનો એકેએક સભ્ય અકબંધ હાજર હોય છે ! આજના જમાનામાં આ કંઈ ઓછું ન કહેવાય !

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑