માનીએ કે ન માનીએ, પણ કોઈ વ્યક્તિ સાથે સ્વભાવ, વ્યવસાય અને સ્થિતિ વચ્ચે આભ-જમીનનું અંતર હોય, છતાં એવો ઋણાનુબંધ બંધાઈ જાય છે, કે જે ચિરસ્મરણીય મિત્રતામાં પરિવર્તિત થઈ જાય છે. ઈ. સ. 1984માં એક સમારંભમાં ટોરન્ટ કંપનીના ચૅરમૅન શ્રી યુ. એન. મહેતા(શ્રી ઉત્તમભાઈ મહેતા)ને મળવાનું બન્યું અને એ પછી અમારા બંને વચ્ચે એવો સ્નેહતંતુ બંધાયો કે એમના અંતિમ સમય સુધી એનો આત્મીય અનુભવ થતો રહ્યો. સર્જક અને ઉદ્યોગપતિની દોસ્તી એવી જામી કે તેઓ અઠવાડિયામાં ત્રણેક દિવસ સવારે સાડાનવ વાગ્યે મારા નિવાસસ્થાને આવે. આવીને થોડી વાતો કરે, વિચારોની આપ-લે થાય, સાથે અડધો કપ ચા પીએ અને પછી વિદાય લે.
બંને વચ્ચે વ્યવસાયનો કોઈ સંબંધ નહીં. પરસ્પર કશું પ્રાપ્ત કરવાનો ભાવ નહીં, માત્ર નિર્વ્યાજ સ્નેહસભર વિચારવિનિમય થાય. જીવનની થોડી ખાટી-મીઠી વાતો ચાલે. ક્યારેક કોઈ કાર્યક્રમમાં સાથે જવાનું થાય. વળી એમણે કોઈ સમારંભ રાખ્યો હોય તો મારે માટે વાહનની સઘળી વ્યવસ્થા કરે. જે સમય કહ્યો હોય તે સમયે વાહન આવીને ઊભું હોય. તરત જ એમનો ફોન આવે અને જતી વખતે પણ વાહન તૈયાર હોય.
તેઓ વ્યવસાયમાં જેમ સાફલ્ય અને સમૃદ્ધિ મેળવતા ગયા, તેમ તેમ એમની નમ્રતા અને સૌજન્યનો મને વિશેષ હૃદયસ્પર્શી અનુભવ થવા લાગ્યો. ક્યારેક મારે ત્યાં, તો ક્યારેક એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા એમના નિવાસસ્થાન નીલપર્ણા સોસાયટીના અલાયદા ખંડમાં કે એ પછી તેઓ એસ. જી. રોડ પર નિવાસ કરવા ગયા, ત્યારે ‘અકલ્પ્ય’ બંગલાના આંગણામાં બેસીને એમની સાથે કલાકો સુધી વાતો કરી. અમે બંને પરસ્પરના અનુભવોને વહેંચતા અને ભીતરમાં એક અણદીઠ મૈત્રીનો આસ્વાદ માણતા હતા.
ક્યારેક તેઓ એમના કપરા જીવનસંઘર્ષની ઘટનાઓ વર્ણવતા. કસોટીભરી આકરી જીવનકથા કહેતી વખતે ઉત્તમભાઈની આંખમાંથી આંસુ સરી પડતાં. જીવનમાં અનુભવેલી અત્યંત કફોડી આર્થિક હાલતની વાત કરતી વખતે ક્યારેક ગળગળા થઈ જતા. મુશ્કેલીના સમયમાં જેમણે સાથ આપ્યો હતો, એમનું ભાવથી, સ્નેહથી સ્મરણ કરતાં ભલે આજે પોતે શ્રીમંત હોય, પણ કપરી દશામાં થોડીય મદદ કરનાર માનવીને ભૂલતા નહીં. ભલે આજે એ સાવ સામાન્ય સ્થિતિ ધરાવતો હોય, તોપણ એને સ્નેહાદરથી યાદ કરતા અને એને જે કોઈ મદદની જરૂર હોય, તે પૂર્ણ કરવા તત્પર રહેતા. કપરા કાળમાં જેમણે જાકારો આપ્યો હતો તેમને પણ થોડી કટુતા સાથે યાદ કરી લેતા. પોતાના જીવનના અનુભવોને વર્ણવતી વખતે નિયતિએ પળેપળ કરેલી કસોટીઓની અનુભવ-કથા વર્ણવતા અને એ કસોટીમાંથી કઈ રીતે પાર આવ્યા, તેનીય વાત કરતા.
એક દિવસ એમણે મને કહ્યું કે, ‘મારી ઇચ્છા મારી જીવનકથા લખવાની છે.’
મેં તત્કાળ કહ્યું, ‘એ શક્ય નહીં બને. રહેવા દઈએ.’
ઉત્તમભાઈએ કહ્યું કે, ‘બસ, એની પાછળ એ જ મારો આશય છે કે સહુને બતાવું કે અશક્યને પણ શક્ય બનાવી શકાય છે. તમારે એ જાણવું હોય તો મારા જીવનની મથામણોને જુઓ.’
‘પણ એમાં તો તમારે ઘણી એવી ઘટનાઓનું બયાન કરવું પડે કે જે આજે એક અગ્રણી ઉદ્યોગપતિ તરીકેની તમારી નામના સાથે બંધ બેસે નહીં. વળી સમાજમાં પણ સહુ કોઈ તમને આદર-સન્માન આપે છે, ત્યારે ભૂતકાળમાં ધરબાઈ ગયેલી એ ગુપ્ત ઘટનાઓને પ્રગટ કરવી બહુ યોગ્ય લાગતી નથી.’
ઉત્તમભાઈએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. મારા જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બની છે કે કોઈ વ્યક્તિ જેને ક્યારેય પ્રગટ કરવા ઇચ્છે નહીં અને એથીયે વધારે તો એને થોડી નાનમ કે હીનતાનો પણ અનુભવ થાય, પણ એમ તો મહાત્મા ગાંધીજી આવી ઘટનાઓનું બયાન કરતાં ક્યાં ગભરાયા હતા. ખેર ! આવી ચિંતા કે ફિકરને છોડીને હું જીવનકથા લખાવવાનું વિચારું છું, પણ એનું એક જ કારણ છે.’
‘કયું કારણ છે ?’
‘બસ, તો સાંભળો, કોઈ વ્યક્તિ આફતોથી ઘેરાઈ ગઈ હોય, ચોતરફથી મળતી નિરાશાના મહાસાગરમાં ડૂબી ગઈ હોય, કોઈ ‘ડ્રગ્સ’ જેવી આદતોની ગુલામ બની હોય અને અધૂરામાં પૂરું સતત ગંભીર બીમારી સામે જંગ ખેલતી હોય તેવી વ્યક્તિને આમાંથી ઝઝૂમવાની પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે. આ છે જીવનકથાના વર્ણન પાછળનો મારો આશય. એ વાંચીને હતાશ માનવીને આશાનું કિરણ મળી રહે, નિષ્ફળ વ્યક્તિને સફળતા મેળવવા માટે બળ મળી રહે, ચોતરફ માનસિક, શારીરિક કે આર્થિક આફતોથી ઘેરાયેલી વ્યક્તિને જીવનથી પરવારી જવાને બદલે સાહસ કરવાનો ઉત્સાહ જાગે.’
‘વાત તમારી સાવ સાચી કે તમે શૂન્યમાંથી સૃષ્ટિ ઊભી કરી છે. વ્યવસાય માટેનું કોઈ બૅકગ્રાઉન્ડ નહોતું. એથીયે વિશેષ આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હતી અને મેમદપુર જેવા બનાસકાંઠા જિલ્લાના પછાત વિસ્તારમાં રહેતા હતા. તમે ગામડાની હાટડીમાં બેસીને ધીરધારનો બાપીકો ધંધો કરતાં વેપારી બની ગયા હોત, તેને બદલે તમે આજે અથાગ સંઘર્ષ કરીને અગ્રણી ઉદ્યોગપતિ તરીકે સિદ્ધિ મેળવી છે અને તે પણ સાચા માર્ગે. આ સઘળું પ્રેરણાદાયી તો બને, પણ એનું આલેખન કોણ કરે ?
એમણે હસીને કહ્યું, ‘મારી સામે બેઠેલો મારો મિત્ર કરે.’
મેં કહ્યું કે, ‘તમારી સાથે ગાઢ સંબંધ છે, તેથી તમારી વાતને ટાળી શકું નહીં. તમારા વિશેષ અને અંગત પરિચયને કારણે લખવાનુંય ગમે, પરંતુ ચરિત્ર-આલેખનની મારી રીત જરા જુદી છે. હું માત્ર જે તે વ્યક્તિ પાસે બેસીને એ વ્યક્તિ પોતાની જીવનકથા કહે, તે રીતે એનું ચરિત્ર લખવામાં માનતો નથી. માત્ર એમના પરિવારજનો સાથે વાતચીત કરીને પણ મને સંતોષ થતો નથી. હું તો એના ઘરમાં વસતા રસોઇયા કે નોકર જેવી સામાન્ય વ્યક્તિઓને મળીને પણ એ વ્યક્તિ વિશેના એના અનુભવો અને પ્રતિભાવ મેળવવામાં માનું છું. એના જીવનમાં મહત્ત્વનું સ્થાન મેળવનારાં સગાં-સ્નેહીઓ પાસેથી પણ એના ચરિત્રનાયકના વ્યક્તિત્વની ઝલક મેળવીને એક વ્યક્તિત્વનું આછા-ઘેરા રંગોવાળું સમગ્ર ચિત્ર પ્રસ્તુત કરું છું.’
‘ભલે, તમે કહો તેમ, પણ લખવાનું તો તમારે જ.’
‘પણ મારી અત્યારની વ્યસ્તતાને કારણે આ કામમાં થોડો સમય પણ લાગે અને આદત પ્રમાણે પૂર્ણતા વિના સહેજે જંપવાનું ગમે નહીં.’
‘હા, તો ભલે ને. તમને અનુકૂળ લાગે એટલો સમય લેજો. સઘળી સુવિધા હું કરી આપીશ.’
મેં એમને કહ્યું કે, ‘માત્ર તમારા ઘરના પરિવારજનો જ નહીં, પરંતુ તમારો જેની સાથે ગાઢ કૌટુંબિક સંબંધ હોય, તેને મળીને તમારે વિશે માહિતી મેળવીશ. તમારા વ્યવસાયના મિત્રો અને એ સિવાયના મિત્રોને પણ મળીશ. અરે ! જીવનમાં પ્રારંભ સમયે તદ્દન સામાન્ય માનવીઓએ તમને સાથ આપ્યો હોય, તેનેય મળીશ અને આજે સમૃદ્ધિના શિખરે બેઠા છો, ત્યારે જેમની સાથે તમારા ગાઢ વ્યાપારી કે સામાજિક સંબંધો છે, એમને પણ મારે મળવું પડે. શરૂઆતમાં તમારો સાથ આપનારા લોકો — એ ભલે આજે સામાન્ય હોય — છતાં એમની પાસેથી પણ તમારા વિશેનો ભાવ કે અનુભવ જાણવો પડે.’
ઉત્તમભાઈએ કહ્યું, ‘તમારી વાત મંજૂર. બોલો આથી વધારે કંઈ ખરું ?’
મેં કહ્યું, ‘વધારે એ જ કે આ જીવનકથા એ વ્યક્તિ પ્રત્યેના અતિશયોક્તિભર્યા અહોભાવની કથા નહીં બને, પણ અવિરત જીવનસંઘર્ષમાંથી પસાર થઈને સફળતા મેળવનારની જીવનકથા બનશે.’
અને એ રીતે શ્રી ઉત્તમભાઈની જીવનકથા લખવાનો પ્રારંભ કર્યો. મુંબઈ, અમદાવાદ, પાલનપુર, સિદ્ધપુર, પાટણ, છાપી, વિસનગર, સૂરત, ચંડીસર અને ભાવનગર જેવાં સ્થળોએ જઈને પંચાવન વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લીધી. લૉસ ઍન્જલિસમાં વસતા ડૉ. મણિભાઈ મહેતા સાથે પણ વાત કરી. અગાઉ મળેલી માહિતીની પ્રમાણભૂતતાની ચકાસણી કરી. કોઈ વર્ષ કે પ્રસંગ અંગે ક્રૉસ-ચેકિંગ પણ કર્યું અને એક એવી જીવનકથાનું આલેખન થયું કે એક સમયે એમની વિકટ માનસિક પરિસ્થિતિને કારણે જેમને કોઈ એક હજાર રૂપિયા પણ જે ઉધાર આપતું નહોતું, એમણે કઈ રીતે ચોતરફની આપત્તિનો સામનો કરીને અપ્રતિમ પુરુષાર્થથી બે હજાર કરોડનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગનું સર્જન કર્યું.
ઉત્તમભાઈ વારંવાર એમ કહેતા કે, ‘લોકો ઝીરોમાંથી હીરો બને છે, પણ હું તો ડબલ ઝીરો હતો, એમાંથી ‘હીરો’ બન્યો છું.’
અને એમની આ કેફિયત એમની જીવનકથા જાણ્યા પછી મને સર્વાંશે સત્ય લાગી. આ ચરિત્રનો પ્રારંભ કઈ રીતે કરવો ? એને માટે જ્યાં ઉત્તમભાઈનો જન્મ થયો હતો, તે ગુજરાતના પછાત વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જઈને સિત્તેર વર્ષ પૂર્વેના ઉત્તમભાઈના જન્મ સમયની એ ગામની પરિસ્થિતિ વિશે ગામના બુઝુર્ગો પાસેથી માહિતી એકત્રિત કરી. એ સમયે પાલનપુર નવાબી રાજની હકૂમત હેઠળ હતું. ગામના જૈનો ધીરનારનો ધંધો કરતા. ખેડૂતોને આઠ આના કે દસ આનાના વ્યાજે એટલે કે છ ટકાના દરે પૈસા ધીરતા હતા. વ્યાજમાં કશું ખોટું કરવાનું નહીં, ખેડૂતોને છેતરવાના નહીં. વળી જાણીતી વ્યક્તિઓ સાથે જ ધીરધાર કરવામાં આવતી એટલે કે ધીરધાર કરનાર અને વ્યાજે રકમ લેનાર વચ્ચે આત્મીય સંબંધ જળવાઈ રહેતો હતો. આપણી વ્યાજખોરની જે માન્યતા છે, તેનાથી સાવ જુદું જ ચિત્ર એ સમયે જોવા મળ્યું. જ્યાં ધીરધાર કરનાર અને રકમ ઉછીની લેનાર વચ્ચે એવો આત્મીય સંબંધ રહેતો કે તેઓ ધીરધાર કરનારને ત્યાં લગ્નપ્રસંગમાં ઉમંગભેર સામેલ થતા. જરૂરી ચીજવસ્તુઓ લાવી આપતા, પોતાના કોઈ સગા પાસેથી એ ખેડૂત ચોખ્ખું ઘી મેળવી આપતો અને ક્યારેક જરૂર પડે તો છેક પાલનપુર જઈને ગોળ અને ખાંડ પણ લાવી આપતા હતા.
તો બીજી બાજુ આ ધીરધાર કરનારે એ ખેડૂતને જરૂર પડે ત્યારે અવારનવાર પૈસા આપવા પડતા અને ખાસ તો લગ્નપ્રસંગ કે અંતિમક્રિયા વખતે સારી એવી રકમ ધીરવી પડતી હતી. ખેડૂત ફસલ થાય એટલે ધીરધાર કરનારના ઘેર આખા વર્ષનું અનાજ ભરાવી દેતા હતા અને દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે બધા હિસાબ ચોખ્ખા થતા હતા. મેમુદપુર ગામનો આખોય ઇતિહાસ મેળવીને ઉત્તમભાઈના કુટુંબ વિશેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.
ઉત્તમભાઈના પૂર્વજો રહેતા હતા તે મહોલ્લાને ‘માઢિયાવાસ’ કહેવામાં આવતો અને જૈનોનાં દસ-પંદર ઘરોનો આ નાનકડો માઢ હતો. અહીં એક સરસ દેરાસર પણ હતું તેમાં મૂળનાયક તરીકે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની પ્રતિમા હતી. ઉત્તમભાઈના પિતા નાથાલાલભાઈને વારસામાં ધીરધારનો ધંધો મળ્યો હતો. શાંતિથી જીવન જીવવું અને સંતોષથી રહેવું એ નાથાલાલભાઈનું જીવનધ્યેય હતું. આ રીતે મેમદપુર ગામના પૂરા ઇતિહાસની ભૂમિકા આપીને ઉત્તમભાઈની જન્મભૂમિનો ખ્યાલ મેળવ્યો.
1924ની 14મી જાન્યુઆરીએ જન્મેલા ઉત્તમભાઈએ માત્ર દોઢ વર્ષની વયે માતાની છત્રછાયા ગુમાવી. એમના ચિત્તમાં માતાનું કોઈ સ્મરણ કે ઝાંખી છબી પણ અંકિત થયાં નહોતાં. માત્ર હડકવાને કારણે થયેલા માતાના મૃત્યુની દુઃખદ સ્મૃતિ હતી. એમને જીવનભર માતાના વાત્સલ્યનો અભાવ સાલતો રહ્યો. મેમદપુરમાં આવેલી પ્રાથમિક શાળામાં એમણે પ્રવેશ મેળવ્યો અને એમના શિક્ષક ભીખાભાઈ વાલચંદ મહેતાએ એમને પહેલો એકડો ઘૂંટાવ્યો. ઉત્તમભાઈને એ પણ યાદ હતું કે એ સ્કૂલના સ્થૂળ કાયાવાળા ભીખાલાલ માસ્તર જમાનાની રસમ પ્રમાણે સોટી રાખતા અને મોકળે મને અને ઉદાર હાથે એનો ઉપયોગ કરતા.
1929થી 1931 સુધી મેમદપુરની એ શાળામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ પાલનપુરમાં જઈને વિજ્ઞાન વિદ્યાશાખામાં બી.એસસી.ની પદવી મેળવી. રમતગમતના શોખને કારણે કસાયેલું શરીર હોવાથી એમણે આ સમય સુધી ક્યારેક કોઈ દવા લીધી નહોતી. ઘણી વાર ઉત્તમભાઈ તુલના કરતાં કહેતા કે જીવનના પૂર્વાર્ધમાં કસાયેલું નીરોગી શરીર હતું આજે ઉત્તરાર્ધમાં પારાવાર બીમારીના ચક્રવ્યૂહમાં ફસાયેલું શરીર ! વિધિની કેવી વક્રતા !
અભ્યાસમાં તેજસ્વી હોવાથી ઉત્તમભાઈ ઉત્તરોત્તર આગળ વધતા રહ્યા અને 1941ના જૂનમાં મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં લોન-વિદ્યાર્થી તરીકે દાખલ થયા. લોન-વિદ્યાર્થીનો અર્થ એટલો કે એ વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરતો હોય, ત્યારે એના નિવાસનો, ભોજનનો અને અભ્યાસનો તમામ ખર્ચ એ સંસ્થા આપે અને અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી અર્થોપાર્જન કરતો થાય, ત્યારે એ લોન સંસ્થાને પાછી ચૂકવી આપે. એ સમયે સંસ્થા દ્વારા એમને રહેવા-જમવાનો વાર્ષિક ત્રણસો રૂપિયાનો ખર્ચ ચૂકવવામાં આવતો હતો અને પરિણામે ઘેરથી રકમ મંગાવવાની જરૂર ન પડી.
આ ઘટનાનું નિરૂપણ કરું છું, ત્યારે એનું સ્મરણ થાય છે કે ઉત્તમભાઈ જીવનભર યુગદર્શી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રત્યે ઋણભાવ અનુભવતા હતા.
પણ જુઓ, સમયનો પ્રવાહ કેવો પલટાતો હોય છે ! કલ્પના પણ કરી ન હોય એવી ઘટનાઓ સર્જાતી હોય છે. 1942થી 1944 સુધી ઉત્તમભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ગોવાલિયા ટેંક(મુંબઈ) પર આવેલા છાત્રાલયમાં લોન-વિદ્યાર્થી તરીકે અભ્યાસ કર્યો. એ જ ઉત્તમભાઈના પરિવારે આજે અમદાવાદમાં વિશાળ સુવિધાયુક્ત શ્રી ‘યુ. એન. મહેતા વિદ્યાર્થીગૃહ’નું નિર્માણ કર્યું. તો એની સમીપ મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીના દેરાસરની રચના કરી અને એમનાં પત્ની અને ઉત્તમ શ્રાવિકા એવાં શારદાબહેને અમદાવાદમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું પહેલું કન્યા છાત્રાલય થાય એ માટે અથાગ પ્રયત્નો કર્યા. મહાવીર જૈન વિદ્યાલયના પ્રેરણાદાતા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું કન્યા છાત્રાલયનું સ્વપ્ન સર્વપ્રથમ અહીં સાકાર થયું અને આજે અમદાવાદમાં ‘શારદાબહેન ઉત્તમલાલ કન્યા છાત્રાલય’ ચાલી રહ્યું છે. ઉત્તમભાઈ મહેતાના પુત્ર સુધીર મહેતા આજે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની તમામ બ્રાંચના પ્રમુખ છે. કુદરત કેવા કેવા રંગ બતાવે છે, તેનું કેવું માર્મિક દૃષ્ટાંત ! કહો, અશક્ય પણ શક્ય બને છે ને !
ખેર, ઉત્તમભાઈને સંઘર્ષો સાથે એક દોસ્તી હતી અને એ સમયે મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રવેશ મેળવવાના શ્રી ગણેશ સમયે જ મોટી મુશ્કેલી આવી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર શ્રી કાંતિલાલ કોરા શિસ્તના અત્યંત આગ્રહી હતા. વિદ્યાર્થીઓ એમનાથી ડરે પણ ખરા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા આવેલા વિદ્યાર્થી ઉત્તમભાઈ એમને મળવા ગયા. મુંબઈનું નવું વાતાવરણ અને એમાં આવા શિસ્તના ચુસ્ત આગ્રહી અને કડક સ્વભાવને માટે જાણીતા મહામાત્ર ! એમને સહુ ‘કોરાસાહેબ’ કહેતા.
કોરાસાહેબે મોહમયી મુંબઈમાં આવેલા આ વિદ્યાર્થીને કડક શબ્દોમાં કહ્યું કે તમે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાનો સહીવાળો કાગળ લાવો તો જ તમને પ્રવેશ આપું. ઉત્તમભાઈ વિચારમાં ડૂબી ગયા. કાગળ તો મળે તેમ હતો, પણ એમના નિવાસસ્થાને જવું કઈ રીતે ? મુંબઈ શહેરથી સાવ અજાણ્યા અને એમાંય કોમી રમખાણનું ભયાવહ વાતાવરણ. કયો વિસ્તાર સુરક્ષિત અને કયો જોખમી, એની કશી ખબર નહીં. વળી આવી તંગદિલીભરી પરિસ્થિતિમાં વિદ્યાલયમાં મૂકવા આવેલા પેલા સંબંધીને ફરી છેક વિદ્યાલય સુધી બોલાવાય પણ કેવી રીતે ? તેઓ તો એમને વિદ્યાલયમાં મૂકીને ચાલ્યા ગયા હતા.
યુવાન ઉત્તમભાઈએ ઊંડો વિચાર કર્યો. શિસ્ત અને વ્યવસ્થાના આગ્રહી કોરાસાહેબ કશું ચલાવી લે તેવી વ્યક્તિ નહોતા. શ્રી મોતીચંદભાઈ કાપડિયાના હસ્તાક્ષર વિનાના પત્ર સિવાય પ્રવેશ મેળવવો અશક્ય ! વળી અહીં પ્રવેશ ન મળે, તો વધુ અભ્યાસમાં સઘળાં બારણાં બંધ થઈ જાય. બીજી બાજુ જીવનમાં પ્રગતિનાં ઘણાં સ્વપ્ન સેવ્યાં હતાં, આથી કોઈ પણ રીતે અભ્યાસમાં આગળ વધવું એવો મનોમન દઢ નિશ્ર્ચય હતો. પરિણામે મન મક્કમ કરીને અજાણ્યા મુંબઈમાં એકલા નીકળી પડ્યા. વાતાવરણ ભેંકાર હતું, ક્યાંથી કોઈ હુમલો કરવા ધસી આવશે એની કશી ખબર નહોતી. પણ થાય શું ? આખરે તેઓ શ્રી મોતીચંદભાઈ કાપડિયાને મળ્યા અને એમની સહીવાળો કાગળ લઈને આપ્યો, ત્યારે પ્રવેશ મળ્યો.
એ સમયે તેઓ ઝડપથી ભોજન પતાવીને વિલ્સન કૉલેજમાં જતા અને સાંજે પાછા આવીને અભ્યાસમાં ડૂબી જતા. અભ્યાસ માટેનાં પુસ્તકો શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી મળી જતાં; આ સિવાય બીજો છ-સાત રૂપિયાનો મહિને પરચૂરણ ખર્ચ થતો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અભ્યાસ કરવાને કારણે ધર્મના ઉત્સવો, મહોત્સવો કરતાં એમને સમાજમાં વિદ્યાલયો વધુ રચાય, તેવી વિશેષ ઇચ્છા રહેતી. યુગદર્શી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીએ પણ સમાજને લક્ષ્મીમંદિરો કરતાં સરસ્વતીમંદિરોની વધુ જરૂર છે, એવી હાકલ કરી હતી. એમની પ્રેરણાને પરિણામે તેજસ્વી જૈન યુવાનોને વિદ્યાક્ષેત્રે પ્રગતિ સાધીને ઉજ્જ્વળ કારકિર્દી રચવાનો નવો માર્ગ મળ્યો હતો.
અભ્યાસ પૂર્ણ થતાં ઉત્તમભાઈનો જીવનસંઘર્ષ શરૂ થયો. યુવાનીનાં સ્વપ્નો વાસ્તવિક ધરાતલ પર આવતાં ક્યારેક આથમી જતાં હોય છે, તો ક્યારેક અણધાર્યો વળાંક લે છે. નવાં નવાં ક્ષેત્રોમાં ઝંપલાવવાનાં કેટલાંય અરમાન એમના હૃદયમાં હતાં, પણ કોઈ આર્થિક પીઠબળ નહોતું, સાથે વારસાગત વ્યવસાય નહોતો, આથી હવે કરવું શું ?