નથી ક્યાંય કિનારો કે નથી દેખાતી દીવાદાંડી (મારો અસબાબ-21)

કોના જીવનમાં સંઘર્ષ હોતો નથી ? જીવન એટલે અવિરત મથામણ, પારાવાર સંઘર્ષ અને સહેજે થંભ્યા વિના ચાલતી અગ્નિપરીક્ષા. પ્રત્યેક વ્યક્તિ એના જીવનમાં આવતી આપત્તિઓ સામે માથું મારીને માર્ગ કાઢવા મરણિયો પ્રયાસ કરે છે. એની મુશ્કેલીઓને દૂર કરવા માટે વખત આવે મર્દાનગીનો આશ્રય લેતો હોય છે. આવા જીવનસંઘર્ષો સામે ઝઝૂમનારા કેટલાય જીવનની વિકટ વિટંબણાઓથી ભરેલી જીવનગાથા મારી નજર સમક્ષથી પસાર થાય છે, પરંતુ ઉત્તમભાઈ મહેતાના જીવનમાં અગ્નિપરીક્ષા જેવી વણથંભી ચાલતી રહી, એવું હજી સુધી મને કોઈના જીવનમાં જોવા મળ્યું નથી. એ અગ્નિપરીક્ષાની સતત ચાલતી ઘટનાઓ વચ્ચે પ્રબળ પુરુષાર્થ ખેડીને સ્વપ્નો સિદ્ધ કરવાં એ તો કેટલું કપરું કામ, પરંતુ એમણે જીવનના ઊંચા નિશાન પરથી એમની દૃષ્ટિ સહેજે ચલિત કરી નહીં. આવનારી આપત્તિઓ સામે ‘એકલો જાને રે’ની માફક માર્ગ કાઢીને ધાર્યા માર્ગે પ્રગતિ કરતા રહ્યા. આનો ભીતરનો ભેદ જાણવા હું ઉત્સુક હતો. આથી એક વાર ભેદ ખોલવાનું કહ્યું ત્યારે તેઓ બોલ્યા,

‘જીવનમાં બસ એક જ વાત. મારે આગળ વધવું છે, મારે મારું કૌવત બતાવવું છે, મારું હીર કસવું છે. આપબળે પ્રગતિ સાધીને સચ્ચાઈથી શિખરે પહોંચવું છે.’ એક બાજુ મનમાં આવા વિચારો અને સ્વપ્નો સર્જાતાં હતાં, તો બીજી બાજુ આસપાસની પરિસ્થિતિ ભલભલાને હતાશ અને ઉદાસીન કરી દે તેવી હતી. આજ સુધી એમના કુટુંબે મેમદપુર ગામમાં નાનકડી દુકાનમાં ઘર-વપરાશની ચીજો રાખીને ધંધો ચલાવ્યો હતો. એવામાં સરકાર દ્વારા ધીરધારનું નિયંત્રણ આવતાં નવી પેઢીને માટે આજીવિકા પ્રાપ્ત કરવાની સમસ્યા ઊભી થઈ હતી. આ સમયે યુવાન ઉત્તમભાઈની ‘ઘટમાં ઘોડા થનગને’ એવી સ્થિતિ હતી. ક્યારેક થતું કે વેપારના ક્ષેત્રમાં ઝંપલાવું, પરંતુ એના માટે કોઈ અનુભવ નહીં. વારસામાં કોઈ જ્ઞાન નહીં અને કુટુંબનું કશું આર્થિક પીઠબળ નહીં.

આવી મુશ્કેલીઓ વચ્ચે બી.એસસી. થયા પછી 1944માં એમણે રૅશનિંગની મુંબઈમાં મહિનાના 125 રૂ.ના પગાર સાથે નોકરી શરૂ કરી. મિત્રો ધનવાન હતા, પણ ઉત્તમભાઈએ ક્યારેય એમના ધનની ઈર્ષ્યા નહોતી કરી કે એમના ધનના સહારે પ્રગતિ સાધવાનો વિચાર સુધ્ધાં કર્યો નહીં. પોતાના અભાવથી એ ક્યારેય દુઃખી થતા નહીં, આકરી પરિસ્થિતિને નકારાત્મકતાથી જોનારમાં કટુતા આવે, પણ એ મનમાં સહેજે કટુતા આણતા નહીં, પરંતુ મનોમન એવી ગાંઠ વાળી હતી કે મારો પુરુષાર્થ અંતે ફળદાયી નીવડવાનો જ. એ પછી એમણે વિદેશી કંપનીના મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કર્યું, કિંતુ માત્ર આ કાર્યની ત્રિજ્યામાં સીમિત રહેવાને બદલે મેડિકલનાં પુસ્તકોનો ઊંડો અભ્યાસ કરવા લાગ્યા. ઉત્તમભાઈ સ્વપ્નસેવી કર્મનિષ્ઠ હતા, તેથી પોતાનાં સ્વપ્નાંઓને કર્મમાં રૂપાંતરિત કરી શકતા હતા. એમની મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકેની કામગીરી પ્રશંસાપાત્ર હતી, પણ સાથોસાથ સ્વતંત્ર વ્યવસાય કરી ઉદ્યોગપતિ બનવાનાં સ્વપ્નાં મનમાં તરવરતાં હતાં. ચોતરફથી ઘેરી વળેલી આ આપત્તિમાં પણ કંઈક ઓછું હોય તેમ એક અણધારી ઘટના બની.

ક્વચિત્ બાહ્ય દૃષ્ટિએ સામાન્ય લાગતી ઘટના કાળના પ્રવાહમાં વહેતા વિકરાળ રૂપ ધારણ કરે છે અને માનવીના જીવનને અકલ્પ્ય અને અણધારો વળાંક આપે છે. 1954માં શરદીની તકલીફ ઊભી થતાં એમણે ટૅબ્લેટ લીધી અને એ ટૅબ્લેટથી તત્કાળ સ્ફૂર્તિનો અનુભવ થયો. એ લેતાં જ મનની ઉદાસીનતા ખંખેરાઈ જતી, પરંતુ સમય જતાં એ ‘એમ્ફેટેમિન ટૅબ્લેટ’ની આદત પડી ગઈ. આને કારણે માનસિક મુશ્કેલીઓ વધી ગઈ. ત્યાં વળી એમણે નોકરી છોડીને સ્વતંત્ર રીતે વ્યવસાય ખેડવાનું નક્કી કર્યું. આને માટે પહેલો સિદ્ધાંત એ રાખ્યો કે જો આ ક્ષેત્રમાં વ્યાપારી તરીકે પ્રતિષ્ઠા મેળવવી હોય તો ગુણવત્તાવાળી દવા તૈયાર કરવી જોઈએ. આનાથી એક પ્રતિષ્ઠા બંધાય છે અને ભવિષ્યમાં આસાનીથી વેપાર વધતો રહે છે. ટૂંકી મૂડીએ બહોળું કામ કરવાનું હતું, પરંતુ એમણે જુદા જુદા રોગ પરની દવાઓ બનાવવા માંડી અને સામેની નિષ્ફળતાને પાર કરી.

એમના જીવનમાં આવેલા સંઘર્ષની કથા જોવી અને જાણવી હોય તો મેં લખેલું ‘આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર’ પુસ્તક જોવું, પરંતુ આ આંધી સમયે એમનાં પત્ની શારદાબહેને પરિવારને સંભાળ્યો, વ્યવહારને જાળવ્યો. સાચા અર્થમાં સહધર્મચારિણી બની રહ્યાં. કપરા સમયમાં ઉત્તમભાઈની બીમારી વખતે તેઓ દવા બનાવીને પૅક કરતાં. વિપરીત સંજોગોનો સામનો કરીને ઉત્તમભાઈએ ટોરન્ટ કંપની સ્થાપી અને અથાગ પરિશ્રમ કરીને તેને સફળતાના શિખરે લઈ ગયા. આજના સમયમાં સફળ ઉદ્યોગપતિ કે સફળ ખેલાડીની સફળતાનું રહસ્ય જાણવા માટે સહુ ઉત્સુક હોય છે. ઉત્તમભાઈની સફળતાનું રહસ્ય જોઈએ. એમના ત્રણ મુખ્ય સિદ્ધાંત હતા, એક તો વ્યાપાર પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરવો. આ વ્યવસાયમાં ‘કટ’ કે કમિશનનો રિવાજ સર્વત્ર ફેલાયેલો હતો તેમ છતાં તેઓ હંમેશાં એનાથી દૂર રહ્યા. એમનો બીજો સિદ્ધાંત એ હતો કે જે દવાનો ઉપયોગ લોકો દ્વારા બહોળા પ્રમાણમાં થતો હોય તેવી દવા બનાવવી અને ત્રીજો સિદ્ધાંત એ કે દવાની ગુણવત્તા જાળવવી અને અન્ય કંપનીની એ પ્રકારની દવા કરતાં એની કિંમત અત્યંત સસ્તી રાખવી. આ સિદ્ધાંતોને કારણે ઘણી વાર એમને મૂલ્ય જાળવવા સંઘર્ષમાં ઊતરવું પડ્યું. 

પોતાના કાર્યને સફળતા મળી, પણ આર્થિક ભીંસ એમને અકળાવતી હતી. ક્યારેક કોઈ દવા બજારમાં મૂકે અને નસીબ સાથ ન આપે તો પારાવાર મુશ્કેલી ઊભી થઈ જતી. આ સમયે એમનાં પત્ની શારદાબહેન એમના વ્યવસાયના કાર્યમાં પણ સહયોગ આપતાં. પ્રચંડ આર્થિક ભીંસને કારણે ઉત્તમભાઈ ક્યારેક ઊંડા વિચારમાં સરી પડતા અને એમ માનતા કે આ સંજોગો એ તો મારા પૂર્વભવની લેણદેણ સમાન હોવા જોઈએ. આજે એ ચૂકવી રહ્યો છું. આ રીતે ઉપેક્ષા, અવગણના અને ઉપહાસથી થયેલા આઘાતને ‘લેણું ચૂકવીએ છીએ’ એવો ભાવ રાખીને હળવો કરતા હતા અને ઊજળી આવતીકાલ માટે ફરી મહેનત કરવા સજ્જ થતા હતા.

એમણે ‘ટ્રેનિકામ પ્લસ’ નામની દવા બનાવી અને પોતાના સફળ વ્યવસાય જીવનનો પ્રારંભ કર્યો. આ દવામાંથી એમને સારી એવી આવક થઈ અને ધીરે ધીરે ગુજરાતના એક અગ્રણી ઉદ્યોગપતિ તરીકે સ્થાન મેળવ્યું. દવાના ક્ષેત્રમાં નવું-નવું સંશોધન કરવાની એમને ખૂબ દિલચસ્પી હતી. કઈ વનસ્પતિ કે કયા કેમિકલ્સમાંથી ઔષધ તૈયાર થાય તે જ્ઞાનને ‘ફાર્મોકોપિયા નૉલેજ’ કહેવાય છે. આવું જાણકારીભર્યું જ્ઞાન સંપાદન કરવા માટે ઉત્તમભાઈ સતત પોતાના વિષયના ગ્રંથોના અભ્યાસ અને મનનમાં ડૂબેલા રહેતા હતા. ઉત્તમભાઈનાં મનમાં વિચાર, વાંચન અને યોજનાઓ ચાલતાં હોય અને એનું અમલીકરણ પણ થતું. વિદેશમાંથી આવતી ‘બ્લડપ્રેશર’ માટેની દવા ઘણી મોંઘી હતી. એ કેમિકલવાળી દવા ઉત્તમભાઈએ બનાવી અને 1/10 જેટલા ઓછા ભાવે બજારમાં મૂકી. વળી એમની દવાની ગુણવત્તા એવી કે ડૉક્ટરને કોઈ દિવસ એમાં સહેજે શંકા થાય નહીં.

એમની પાસે આગવી વ્યાવસાયિક સૂઝ હતી. જેવી દવા તૈયાર કરીને ખૂબ ઝડપથી બજારમાં મૂકવી તે સ્પર્ધાત્મક જગતમાં મહત્ત્વની બાબત ગણાય. ઉત્તમભાઈએ આજે વિચાર કર્યો હોય અને થોડા જ દિવસમાં બજારમાં દવા મળે એવી એમની ત્વરિતતા હતી. સામાન્ય રીતે નવી દવાનું ઉત્પાદન કરવાનું હોય ત્યારે પહેલાં એનો ‘સર્વે’ કરવામાં આવે, એની માંગ વિશે વ્યાપક રીતે વિચારવામાં આવે, પછી એની સાહિત્ય-સામગ્રી તૈયાર કરાય. ત્યારબાદ કારખાનામાં દવા તૈયાર થાય અને યોગ્ય પૅકિંગમાં એ બજારમાં મૂકવામાં આવે. આ વિષયના ડૉક્ટરોને એની જાણકારી અપાય અને દવાની દુકાનોએ એ દવા ઉપલબ્ધ થાય.

આમ ઉત્પાદન કરેલી દવા બજારમાં આવતાં છ મહિનાનો સમય વીતી જતો હતો. ઉત્તમભાઈએ જેમ ત્રણ ટૅબ્લેટને બદલે ત્રણેના ‘કૉમ્બિનેશન’થી ‘ટ્રિનિકામ ફોર્ટ’ નામની એક ટૅબ્લેટ તૈયાર કરીને નવી પહેલ કરી, તો એ જ રીતે એમણે અત્યંત ત્વરિતતાથી દવાઓનું ઉત્પાદન કરવા માંડ્યું. દવા બજારની એક રીત એવી કે જે કોઈ નવી દવા બજારમાં પ્રવેશે, કે તરત જ એના જેવી જ દવા છ મહિનામાં બનાવીને બીજી કંપની બજારમાં મૂકતી હોય છે, પરિણામે દવા પ્રચારમાં આવે પછી ખૂબ ઝડપથી એનો પ્રચાર કરવો પડે તો જ દવાને પૂરતું ‘માર્કેટ’ મળે. જો દવા થોડા સમયમાં જાણીતી થઈ જાય, તો પછી આવનારી એ પ્રકારની બીજી કંપનીની દવાઓ બહુ ફાવી શકે નહીં.

ઉત્તમભાઈ પાસે ત્વરિત કાર્યશક્તિ હતી. નવી દવા બજારમાં મૂકે, કે તરત પૂરતો પ્રચાર પામે અને બધે પહોંચી જાય, તે માટે અથાગ પરિશ્રમ કરતા હતા. અગાઉ દેશમાં માનસિક રોગોની દવાઓ આયાત થતી હતી. 1982માં આ દવાઓની નિકાસ થઈ શકે તેવો પ્રથમ વિચાર ઉત્તમભાઈને આવ્યો અને એ વિચારને એમણે અત્યંત ત્વરાથી અમલમાં મૂક્યો. પરિણામે કોઈ કંપની ક્રમશઃ વિસ્તાર સાધીને જે સિદ્ધિ બે-ત્રણ પેઢીના પ્રયત્નો બાદ હાંસલ કરે, એ સિદ્ધિઓની હરણફાળ ઉત્તમભાઈએ એમના જીવનકાળમાં હાંસલ કરી. એમના પછી એમના પુત્રો અને સ્વજનોએ સિદ્ધિની આ આગેકૂચ બરાબર જાળવી રાખી.

આર્થિક સંકડાશ, પીઠબળનો અભાવ અને એમ્ફેટેમિન ટૅબ્લેટ લેવાની આદત — એ બધામાંથી ઉત્તમભાઈ બહાર આવ્યા અને ટોરન્ટના વિશાળ ઔદ્યોગિક પ્રતિષ્ઠાનનું સર્જન કર્યું, પરંતુ સાગરમાં ઊભરાતી ભરતીના આકાશે પહોંચવા મથતાં મોજાંની વચ્ચે આમતેમ ફંગોળાતી, ઊંચે ઊછળતી અને વળી ઓટના સમયે પાછી પછડાતી હોય, તેમ ઉત્તમભાઈની જીવનનૌકા જીવનસાગરની ભરતી-ઓટ સાથે આગળ ધપતી હતી. વિધિની વિચિત્રતા પણ એવી કે એમના વ્યવસાયની પ્રગતિનો આલેખ સહેજ ઊંચો જતો હોય, ત્યાં જ ક્યાંકથી અણધાર્યું આપત્તિનું વાવાઝોડું એકાએક ત્રાટકે અને સિદ્ધિનાં સ્વપ્નોની સૃષ્ટિ વેરણછેરણ કરી નાખે.

હજી માંડ સિદ્ધિના એક શિખર પર પગ મૂક્યો હોય અને સ્થિર થયા હોય, ત્યાં જ જીવનનું આખું અસ્તિત્વ દોલાયમાન થાય તેવી પરિસ્થિતિ સર્જાય. જીવન કે વ્યવસાયમાં સફળતા સાંપડે અને એ સમયે એમનું મન સિદ્ધિ અને સમૃદ્ધિ પામ્યાનો હજી થોડો શ્વાસ લેતું હોય ત્યાં જ કોઈ અણધારી આફત એમને ઘેરી વળતી હતી.

ઉત્તમભાઈના જીવનમાં આપત્તિની પણ એક નવી તરાહ નજરે પડે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામાન્ય રીતે એક પ્રકાર હોય છે. કોઈ વ્યક્તિને અત્યંત પરિશ્રમ કરવા છતાં ભાગ્ય સતત એની સાથે સંતાકૂકડી ખેલતું હોય છે. કોઈ વિરાટ પુરુષાર્થ ખેડે છે, છતાં એને સામાન્ય પ્રાપ્તિ જ થતી હોય છે, પરંતુ ઉત્તમભાઈના જીવનમાં કોઈ એક પ્રકારની આપત્તિ આવી નથી.

ક્યારેક વ્યવસાયની મુશ્કેલીઓ એમને ચારે બાજુથી ઘેરી વળી, તો ક્યારેક અંગત જીવનની ઘટનાઓ એમને ઊંડા વિષાદમાં ડુબાડી દેતી હતી, તો ક્યારેક એકાએક કોઈ એવી બીમારી ત્રાટકતી કે જેનું નિદાન સરળતાથી ન થાય, કેટલાય ટેસ્ટ થાય, ઘણા નિષ્ણાત ડૉક્ટરોની સલાહ લેવાય, ક્યારેક તો ડૉક્ટરોનો સમૂહ એકઠો કરવો પડે, ત્યારે માંડ બીમારીનું કારણ હાથ લાગે ! આપત્તિ આવે અને તેને પરિણામે ફરી એમના જીવનમાં અનેક પ્રશ્નાર્થો ઊભા થઈ જાય.

પોતાનાં સ્વપ્નોને સિદ્ધ કરવા માટે એ આસપાસની આપત્તિઓને ઓગાળી દેતા હતા. અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના એ શબ્દો ઉત્તમભાઈનો જીવનમંત્ર હતા – ‘The future belongs to those who believe in the beauty of their dreams.’

સ્વપ્નસિદ્ધિના લક્ષને કારણે ઉત્તમભાઈને આફતો અટકાવી શકતી નહીં. મૂંઝવણો હતાશ કરી શકતી નહીં. તેઓ ફરી મેદાને જંગમાં ઝુકાવીને પોતાના વ્યવસાયમાં આગળ વધતા હતા.

એક બાજુ પ્રગતિની અદમ્ય ઝંખના અને બીજી બાજુ સાવ કથળેલી શારીરિક સ્થિતિ — આ જોઈને સહુ કોઈ સલાહ આપતા કે હવે કોઈ મોટું આર્થિક સાહસ કરતાં પૂર્વે સો ગળણે ગાળીને પાણી પીજો. માત્ર એમનાં જીવનસંગિની શારદાબહેન જ એમને સમજતાં હતાં. બીજાને તો એમની વાતો કોઈ દિવાસ્વપ્ન સમી લાગતી હતી, પણ શારદાબહેન એ સ્વપ્નોમાંનું સત્ય પારખી લેતાં.

મેં ઉત્તમભાઈમાં એક આગવી વિશેષતા એ જોઈ કે તેમની પાસે પોતાના રોગને તટસ્થપણે જોવાની એક વિરલ દૃષ્ટિ હતી. રોગથી ક્યારેય ઉત્તમભાઈ બેબાકળા કે ભયભીત થયા નહોતા. રોગ આવે એટલે એનાં રોદણાં રડવાને બદલે એના ઉપાયોનું સંશોધન શરૂ કરી દેતા હતા.

એક ચિકિત્સક જેવી મનોવૃત્તિથી પોતાના રોગનો ઊંડો વિચાર કરે, સર્વાંગી વિશ્લેષણ કરે, એ વિશે ગહન અભ્યાસ કરે અને એ રીતે પોતાના રોગને જાતે પારખતા હતા. પ્રગતિના શિખર પર આવેલી અણધારી બીમારીનો તાગ મેળવવા તેઓ મુંબઈ ગયા અને મુંબઈની તાતા હૉસ્પિટલના ડૉક્ટરે એમને કહ્યું કે, એમને ‘એંજિયો ઇમ્યુનો બ્લાસ્ટિક લિમ્ફએડેનોપથી’ નામનો રોગ થયો છે અને વધુમાં એમ પણ કહ્યું કે ભારતમાં આ પ્રકારના રોગનો આ સર્વપ્રથમ કેસ છે.

ઘર પર છત નહીં, પણ આખુંય આકાશ માથા પર તૂટી પડે તો શું થાય ? એવો ભાવ ઉત્તમભાઈએ અનુભવ્યો. એક તો કૅન્સરની વ્યાધિ આમેય ભયાવહ ગણાય. એનું નામ સાંભળતાં જ વ્યક્તિના હોશકોશ ઊડી જાય ! એના કાને મોતનો પગરવ સંભળાવા માંડે ! ઓસરતા જીવના વાયરાનો અનુભવ થાય ! એમાંય વળી એવું કૅન્સર કે જે કોઈને થયું ન હોય ! ભારતમાં એ રોગની કોઈને ભાળ કે જાણ પણ ન હોય !

ઉત્તમભાઈના હૃદયમાં વલોવી નાખે તેવું મંથન જાગ્યું. જીવનમાં સતત આર્થિક, શારીરિક અને માનસિક વિટંબણાઓનો સામનો કર્યો હતો. સહેજે ડગ્યા કે થાક્યા વિના સઘળા પડકાર ઝીલ્યા હતા, પણ આવા મહારોગની તો મનના કોઈ ખૂણામાંય કલ્પના કરી નહોતી !

આથી ઉત્તમભાઈએ ડૉક્ટરોને પૂછ્યું, ‘આ રોગમાં દર્દીને શું  શું થાય ? દર્દીના આયુષ્ય પર આની કોઈ અવળી અસર થાય છે ખરી ?’ કોઈ ડૉક્ટર આનો સ્પષ્ટ ઉત્તર આપી શક્યા નહીં.

ઉદ્યોગમાં સ્થિર થઈને વિકાસ સાધતા હતા, ત્યાં જ નવી અણકલ્પી આફત આવી પડી, પરંતુ ભારતમાં સર્વપ્રથમ કેસ તરીકે ઓળખાયેલા ઉત્તમભાઈ મૂંઝાયા નહીં, પણ વિચાર કરવા લાગ્યા. આવી જ મારા જીવનની રફતાર છે. કોઈનેય ન થતું હોય એવું મને થાય. એમની રીત મુજબ આ રોગ અંગે પણ એમણે સ્વયં અભ્યાસ શરૂ કર્યો અને જુદી જુદી લાઇબ્રેરીઓમાંથી એના વિશે ગ્રંથો મંગાવ્યા. સામાન્ય રીતે આ રોગમાં વ્યક્તિનું આયુષ્ય ત્રણથી છ મહિનાનું ગણાતું હતું. વળી આ રોગ કઈ રીતે શરીરમાં થાય છે કે પ્રસરે છે, એની કોઈ વૈજ્ઞાનિક માહિતી મળતી નહોતી અને પરિણામે એની સારવારની પદ્ધતિઓ પણ વિવાદાસ્પદ હતી. આ સમયે ઉત્તમભાઈને પાંચ-પાંચ ડિગ્રી તાવ આવતો હતો. શરીરમાં ગાંઠો ઘણી થઈ ગઈ હતી અને પુષ્કળ ચળ આવતી હતી. એમણે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ વિષયમાં કોઈ નિષ્ણાત હોય તો તે લૉસ એન્જલસના બે ડૉક્ટર રૉબર્ટ લ્યૂક્સ અને હેન્રી રાપાપોર્ટ છે.

એમની પાસે સારવાર માટે અમેરિકા જવાનું નક્કી કર્યું, ત્યાં કમળો થયો અને એ પછી નવેક દિવસે એમની સ્થિતિ ગંભીર બની.  કોમામાં સરી જાય એવી દહેશત હતી, પરંતુ થોડા સમય બાદ સ્વસ્થ થયા અને અમેરિકા જવાનું નક્કી કર્યું. એ અગાઉ કેટલાક જ્યોતિષીઓને પોતાની કુંડળી બતાવીને પૂછતાં, ‘મારું આયુષ્ય કેટલું છે ?’ પણ જ્યોતિષીઓ ઉત્તર આપતા નહીં. એનો અર્થ જ એ કે ઉત્તમભાઈનું આયુષ્ય ઘણું ટૂંકું છે. એ સમયે તેઓ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીને મળવા ગયા અને એ પછીની ઘટના આજેય મારે માટે મહા આશ્ચર્ય છે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑