આપણી અડોઅડ વસે છે સ્વર્ગ અને નરક ! (મારો અસબાબ-25)

1993ની શિકાગોમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં તેજસ્વી ચહેરો, સુદૃઢ દેહ અને તરવરતા આનંદને ઉલ્લાસ સાથે પોતાના અનુયાયીઓની વચ્ચે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ જોવા મળી. આજ સુધી ભારત, જાપાન કે ચીન જેવા એશિયાઈ દેશોમાં આધ્યાત્મિક ગુરુઓ જન્મ્યા હતા, જ્યારે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈનો જન્મ વિયેટનામમાં થયો. એનું મોટા ભાગનું જીવન તાઇવાનમાં વ્યતીત થયું અને એણે પ્રબોધેલી યૌગિક પ્રક્રિયાને અનુસરનારા તાઇવાન, ચીન, અમેરિકા જેવા અનેક દેશોમાં તમને મળી આવશે. એનાં માતા-પિતા ચુસ્ત કૅથલિક હતાં અને એની દાદીમા પાસેથી ચિંગ હાઈએ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો, ઉપાસનાપદ્ધતિ અને બૌદ્ધ ધર્મગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો હતો. સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના પિતા પ્રસિદ્ધ નેચરોપેથ હોવાની સાથે વિશ્વસાહિત્યના અને તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હતા.

મજાની વાત એ હતી કે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈમાં અનેક સંસ્કૃતિઓ, કેટલાય ધર્મો અને પારાવાર ધાર્મિક વિચારણાનો સંગમ તો થયો હતો, પરંતુ એની સાથોસાથ એ પોતાના કોઈ આગવા ધર્મનો પ્રચાર કરતી નથી. એના મુખેથી ‘બાઇબલ’નાં ઉપદેશવચનો આવતાં. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ની વિચારણા આવતી અને બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો ‘સુમંગમાં સૂત્ર’નાં સૂત્રો પણ આવતાં. વળી એ કહે છે કે એનું ખરું આધ્યાત્મિક જાગરણ તો હિમાલયની ગોદમાં થયેલું છે. એ હિમાલયમાં વસવાટ કરીને પાછી આવી, ત્યાર પછી એક નવી યોગપદ્ધતિ શીખીને આવી, જેને એ ‘ક્વાન યીન પદ્ધતિ અને દૈવી પરિવર્તન’ તરીકે ઓળખાવે છે.

એણે એના આ અનુભવોની વાત કોને કરી ? વિયેટનામ અને ચીનના નિવાસીઓને કરી. એણે એના આ અનુભવો ફાર્મોસા(તાઇવાન)માં વસતા પોતાના અનુયાયીઓને કહ્યા. એણે આ પદ્ધતિ શીખવી, પરંતુ હજી એના અનુયાયીઓ અને ચાહકો એની ખોજ કરે છે કે આ યોગપદ્ધતિ આપનાર એના ગુરુ કોણ હતા ? એક માન્યતા પ્રમાણે આ સંત મતની ‘સૂરત શબ્દયોગ’ પદ્ધતિ છે અને તે આ મતના યોગી ઠાકર સિંગ પાસેથી એને શીખવા મળી છે.

કોઈ મત કે સંપ્રદાયનો પ્રચાર કરવાને બદલે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ પોતાના ભીતરનું આંતરદર્શન કરવાનું અને એમાંથી પોતાની આંતરિક ભવ્યતા અને શક્તિ પ્રગટાવવાનું કહે છે. આથી કોઈ એક ધર્મના જ નહીં, પણ સર્વ ધર્મના લોકો એની યોગપદ્ધતિને અનુસરી શકે છે અને એના દ્વારા વ્યક્તિને સુખ, શાંતિ અને સાર્થક્યનો અનુભવ થાય છે.

પોતાની યોગપદ્ધતિથી દુનિયાને નવો પ્રકાશ આપવા નીકળેલી આ આધ્યાત્મિક નારીના વિચારો સાવ અનોખા છે. અહીં ધ્વનિ અને પ્રકાશ પર ધ્યાન ધરવામાં આવે છે અને રોજના અઢી કલાકનું ધ્યાન ધરવાનું કહેવામાં આવે છે. વળી એ કહે છે કે કોઈ ખ્રિસ્તીને જિસસનો અનુભવ થાય કે કોઈને બૌદ્ધના નિર્વાણનો અનુભવ થાય, એ આજે શક્ય નથી, પણ ચિંગ હાઈના અનુયાયી ચિંગ હાઈનો અનુભવ પામી શકે છે. વળી એના કહેવા પ્રમાણે પેલી વિભૂતિઓ ભૂતકાળની હતી અને તે પોતે પ્રત્યક્ષ છે!

એનો ઉપદેશ એ છે કે તમારે તમારી ધાર્મિક પરંપરા ત્યજવાની જરૂર નથી, પરંતુ તમારે તમારી ભીતરી ક્ષમતા પ્રગટાવવાની જરૂર છે અને ક્યારેક તો એ કહે છે કે હું તમને કોઈ ધર્મ આપતી નથી, કોઈ આધ્યાત્મિકતા નથી આપતી, પરંતુ તમારી જાતને જાણવાની ક્ષમતા આપું છું. જે શાંતિ અને પ્રેમની તમે બહાર ખોજ કરો છો, એ તો તમારી ભીતરમાં જ નિહિત છે અને તેથી આપણી સઘળી સમસ્યાઓનો ઉત્તર આપણી જાતને જાણીને જ આપી શકીએ. આપણે તો માત્ર આપણી જાતને શોધવાનું કામ કરવાનું છે. આપણું ભવિષ્ય બીજા કોઈની પાસે નથી, પણ સ્વયં આપણી પાસે જ છે. આપણી પાસે જ સ્વર્ગ અને નરક બંને એક જ સમયે છે અને આપણે એ બંનેને અનુભવી શકીએ છીએ.

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈનો એક નવો વિચાર એ છે કે ઈશ્વરને જાણવો એ કોઈ મહાન રહસ્યની કપરી ખોજ નથી, પરંતુ એને સાવ સાહજિક રીતે જાણી શકાય છે. એક બાળક પણ ઈશ્વરનો અનુભવ કરી શકે છે. એ પણ બાઇબલમાં વર્ણન કરાયેલા સઘળા અનુભવો પામી શકે છે અને તેથી ઈશ્વરને તમે જીવતે જીવ જ જાણી શકો છો. આની સામે કેટલાક એવા પણ સવાલ ઊભા થાય છે કે તમારી નજર સમક્ષ ન હોય, તે નિરાકારને તમે કઈ રીતે ભજી શકો ? ત્યારે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ એની યોગ પદ્ધતિ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

એની યોગપદ્ધતિમાં એમનો સૌથી મોટો આગ્રહ શાકાહારી બનવાનો છે. ઉત્તેજક પદાર્થો કે જાતીય હિંસાથી દૂર રહેવાનું કહેતી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ કહે છે કે એ વ્યક્તિમાં એવું પરિવર્તન સાધે છે કે એને ‘જ્ઞાન’ ઉપલબ્ધ થાય છે, પરંતુ પોતાને એ કોઈ દેવદૂત માનતી નથી. માત્ર પોતાની પદ્ધતિથી જનસમૂહની ચૈતસિક ભૂમિકાને ઉત્તરોત્તર વિકસાવીને એમનામાં પરિવર્તન લાવવા માગે છે. 

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ પોતાને થયેલા ઈશ્વરના સાક્ષાત્કારની વાત દૃઢતાથી કરે છે. એ કહે છે કે આ એક એવો અનુભવ નથી કે જે બધે વહેંચતા ફરવું જોઈએ નહીં. લોકો એને સમજી શકશે નહીં, તેઓ તમારી મજાક ઉડાવશે. કેટલાક માનશે કે તમે બડાશ હાંકો છો, તો કેટલાક તમને ‘ઇડિયટ’ ગણશે. આથી  આવો ઈશ્વરી સાક્ષાત્કારનો અનુભવ એ વાણીથી કહેવાની વાત નથી.

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈની એક વિલક્ષણતા તો આંખે ઊડીને વળગી ગઈ. બીજાં સાધુ-સાધ્વીઓ પોતાના અનુયાયીઓ પાસેથી જુદી જુદી રીતે ધનસંપત્તિ ઉઘરાવતા હોય છે, જ્યારે સુપ્રીમ માસ્ટર ક્યારેય કોઈને કશી સહાય કે આર્થિક મદદ કરવાનું કહેતી નથી, બલ્કે એ માનવકલ્યાણનાં કાર્યો કરીને અન્યને સહાયરૂપ બને છે. એની પાસે દીક્ષા લેવી હોય કે રૂપાંતર પામવું હોય, તોપણ કોઈ ફી નથી. પરંતુ તેઓ સ્વયં અનેક પ્રકારની આધ્યાત્મિક શક્તિ ધરાવતા હોવાથી એ ઘણી ઘણી ચીજવસ્તુઓ બનાવે છે અને લોકો એને ખરીદે છે.

એ ક્યારેક કવિતા સર્જે છે, તો ક્યારેક ઘરેણાંની ડિઝાઇન બનાવે છે, ક્યારેક કપડાં બનાવે છે, તો ક્યારેક કપડાંની ડિઝાઇન બનાવે છે, ક્યારેક ચિત્ર બનાવે છે તો ક્યારેક સંગીત સર્જે છે. આ બધા દ્વારા એ સંસ્કૃતિના આંતરિક અને બાહ્ય સૌંદર્યને પ્રગટ કરે છે અને એના એ કલાત્મક સર્જનોથી થતી કમાણી દ્વારા માનવકલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. એ કહે છે કે આપણે પોતે જ એવાં સાધનો ઊભાં કરવાં જોઈએ કે જેમાંથી આપણે જરૂર પૂરતું મેળવીએ અને બીજાને આપી દઈએ. એનું ‘એટ વન વિથ ઑલ ક્રિએશન્સ’ નામનું ઑઇલ પેઇન્ટિંગ બે હજાર ડૉલરમાં વેચાયું. એણે ડિઝાઇન કરેલાં છટાદાર રંગોનાં વસ્ત્રોના વેચાણથી પણ સારી એવી આવક ઊભી થાય છે. એણે પહેરેલાં વસ્ત્રો મોટી કિંમતે ખરીદાય છે અને આ રીતે આ સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ સ્વાવલંબનથી પોતાની આધ્યાત્મિક પ્રવૃત્તિ ચલાવે છે અને જનકલ્યાણનાં કાર્યો કરે છે.

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈનું મૂળ નામ હુ ડાંગ તિન્હ હતું. બાળપણથી જ એનામાં ઉચ્ચ ગુણો અને ઊંડી વિચારશીલતા પ્રગટ થઈ. જ્યારે બીજા છોકરાઓ જુદી જુદી રમત ખેલતા હોય, ત્યારે ચિંગ હાઈ તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું વાચન કરવામાં નિમગ્ન હોય. બાલ્યવયથી જ એને કોઈ ફૂલ-ઝાડને નુકસાન પહોંચાડે તે પસંદ નહોતું. એ વૃક્ષ, છોડ કે પુષ્પની વેદના સ્વયં અનુભવતી હોય તેટલી બધી બેચેન બની જતી હતી અને સહુને કહેતી કે કારણ વિના આ કુદરતનો વિનાશ કરવાની ભૂલ કરશો નહીં. એ રસ્તામાં ફરવા નીકળી હોય અને કોઈ ઘાયલ પ્રાણી પડ્યું હોય તો એને સંભાળપૂર્વક ઘેર લઈ આવતી અને એની સારવાર કરતી. પ્રાણીહત્યા જોતાં તો એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડતી. માંસાહારને માટે થતી પ્રાણીહત્યાઓએ એનું હૃદય એટલું બધું દ્રવિત કરી નાખ્યું કે એણે જીવનભર શાકાહાર અપનાવ્યો, એટલું જ નહીં, પણ પોતાના અનુયાયીઓ માટે અને પોતાની ધ્યાનપ્રક્રિયા શીખવા માટેની પહેલી શરત તરીકે શાકાહારી જીવનને સ્થાપિત કર્યું.

અમેરિકા, ચીન, તાઇવાન, વિયેટનામને ઘેલું લગાડનારી આ આધ્યાત્મિક નારીના શાકાહાર વિશેના ક્રાંતિકારી વિચારો તો માંસાહાર કરતા  દેશોને સ્તબ્ધ કરી રહ્યા છે. એણે અમારી મુલાકાતમાં પોતાના ધર્મના પ્રથમ સિદ્ધાંત વિશે સ્પષ્ટતાથી વાત કરતાં કહ્યું, ‘તમને સવાલ થતો હશે કે હું શાકાહારની આટલી બધી પ્રતિષ્ઠા કેમ કરું છું ?’ તો મારો જવાબ આ છે,

‘હું એ માટે શાકાહારી છું અને મારી અંદર વસતા ઈશ્વરની આ ઇચ્છા છે. હત્યા નહીં કરવાના વૈશ્વિક સિદ્ધાંતનો માંસાહાર વિરોધ કરે છે. કોઈ આપણી હત્યા કરે એમ આપણે સ્વયં ક્યારેય ઇચ્છતા નથી, તો બીજાની હત્યા કરવાનો આપણો શો અધિકાર છે ? કોઈ આપણા પ્રત્યે અમુક પ્રકારનું દુરાચરણ ન કરે, તેમ પ્રબળપણે ઇચ્છીએ છીએ, એવું જ આચરણ આપણે પ્રાણીઓ પ્રત્યે કરીએ, તે સર્વથા અનુચિત છે. આમ પ્રાણીહત્યા કરીને આપણે આપણી જાતની વિરુદ્ધમાં કાર્ય કરીને, સામે ચાલીને દુઃખો વહોરી લઈએ છીએ. તમે તમારી જાતને બટકાં ભરી શકો નહીં, ખાઈ શકો નહીં કે એના પર છરી હુલાવી શકો નહીં, બરાબર એ જ સિદ્ધાંત બીજાના જીવનને માટે પણ લાગુ પડે છે.’

‘‘આવી રીતે માંસાહારનો ત્યાગ કરવાથી જીવન કેવું બને ?’’ એવા પ્રશ્નના જવાબમાં તેજસ્વી ચહેરો અને વેધક દૃષ્ટિ ધરાવતી યુવતી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ કહ્યું કે ‘‘પ્રાણીહત્યાનો ત્યાગ કરીને આપણે આપણા જીવનને એક દાયરામાં સીમિત કરી દેતા નથી, બલ્કે આ પૃથ્વી પરના તમામ જીવન સાથે આપણો આત્મવિસ્તાર સાધીએ છીએ. આપણું જીવન માત્ર આપણા શરીર સુધી જ સીમિત રહેવાને બદલે બીજાં પ્રાણીઓ અને તમામ જીવજંતુઓ સુધી વિસ્તરશે અને પરિણામે આપણી જિંદગી વધુ ભવ્ય, મહાન, સુખી અને સીમારહિત બનશે.’’

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ આ પ્રશ્નોનો ઉત્તર આપતાં શ્રોતાઓને વારંવાર પોતાની વાત કરીને પૂછતાં ‘અન્ડરસ્ટૅન્ડ ?’ અને ત્યારે એક શ્રોતાએ એમને પૂછ્યું કે ‘તમારી બધી વાત ‘અન્ડરસ્ટૅન્ડ’ થાય છે, પરંતુ વિશ્વશાંતિમાં શાકાહાર વળી કઈ રીતે ફાળો આપી શકે, તે સહેજે સમજાતું નથી.

પોતાની મૃદુ વાણીમાં સુપ્રીમ માસ્ટરે કહ્યું, ‘‘આ જગતમાં મોટા ભાગનાં યુદ્ધો આર્થિક કારણોસર સર્જાયાં છે. એમાં પણ ભૂખમરો, અનાજનો અભાવ અને જુદા જુદા દેશો વચ્ચે અનાજની અસમાન વહેંચણી જગતમાં આર્થિક, સામાજિક, નૈતિક અને સર્વ પ્રકારની મુશ્કેલીઓ સર્જે છે. મોટા ભાગનાં સામયિકો અને સંશોધનોએ એ દર્શાવ્યું છે કે પોતાના ભોજનને માટે ઘેટાંબકરાં અને બીજાં પ્રાણીઓને ઉછેરવાને કારણે આપણે બધી બાબતમાં આર્થિક દેવાળું કાઢ્યું છે. આને પરિણામે દુનિયાભરમાં અને ખાસ કરીને ત્રીજા વિશ્વમાં ભૂખમરો ફેલાયો છે.’’

પોતાની વાતને પ્રમાણિત કરતાં સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ જ્હોન રોબિન્સના ‘ડાયટ ફૉર એ ન્યૂ અમેરિકા’ નામના ગ્રંથની વાત કરી, જેણે લાંબાં સંશોધનો, અનુભવો અને પ્રયોગોને આધારે સિદ્ધ કરી આપ્યું કે વિશ્વમાં વ્યાપક ભૂખમરો, પ્રદૂષણ અને ગરીબીના મૂળમાં માંસાહાર છે.

લેખક જ્હોન રોબિન્સ સ્વયં આઇસક્રીમની વિશાળ ફૅક્ટરી ધરાવનારો લાખોપતિ માનવી હતો. એણે શાકાહારી બનવા માટે પોતાનો બહોળો વેપાર સમેટી લીધો અને એના કુટુંબની પરંપરા તેમજ એના વ્યવસાયની વિરુદ્ધ એવું શાકાહાર વિશે પુસ્તક લખ્યું. આમ કરવા જતાં એને સંપત્તિ, આબરૂ અને વ્યવસાયમાં ઘણી હાનિ થઈ, પરંતુ સત્ય પ્રગટ કરવાના પોતાના દૃઢ સંકલ્પમાંથી ચળ્યો નહીં. આમાં જ્હોન રોબિન્સે ઘણાં તથ્યો અને માહિતી આપી છે કે જેના પરથી એમ લાગે કે વ્યક્તિ શાકાહારી થઈને વિશ્વશાંતિમાં સહયોગી બની શકે.

આ પછી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ પ્રશ્ન કર્યો કે ‘એક ટંક ભોજનને માટે પ્રાણીની હત્યા કરવા પાછ્ળ કેટલું પાણી, માનવશક્તિ, જમીન, રોડ, મોટર વગેરે વપરાય છે એનો કોઈ ખ્યાલ છે ખરો ? જો આ બધો ખર્ચો અલ્પવિકસિત દેશોમાં વહેંચી આપવામાં આવે તો દુનિયાનો ભૂખમરાનો પ્રશ્ન ઊકલી જાય.’ ‘જેવું વાવો, તેવું લણો’ એ કહેવત પ્રમાણે તમે તમારા ભોજનને માટે કોઈને મારશો, તો તમને પણ કોઈ એક યા બીજી રીતે, આજે નહીં તો આવતીકાલે ભોજનને માટે મારશે. આ અત્યંત કરુણ પરિસ્થિતિ છે અને આપણે આટલા બધા બુદ્ધિશાળી, સુસંસ્કૃત હોવા છ્તાં આપણા પડોશી દેશની ભૂખની પીડાને જાણી શકતા નથી. એક દેહના જીવનને માટે કેટલાં બધાંના જીવનની હત્યા કરવામાં આવે છે અને કેટલા બધાને ભૂખે મારવામાં આવે છે. પ્રાણીઓને મારવાની વાત તો પછી, આપણા માંસાહારને કારણે આપણે માનવસંહાર કરીએ છીએ અને વધારામાં આ ગુનાના બોજ હેઠળ જાણતાં કે અજાણતાં કચડાતાં રહીએ છીએ. કૅન્સર, ક્ષય અને એવા અનેક રોગો જેમાં એઇડ્ઝનો પણ સમાવેશ થાય છે, તેને નિમંત્રણ આપીએ છીએ. અમેરિકા બીજા દેશો કરતાં વધુ પ્રમાણમાં માંસાહાર કરે છે તેથી એને કૅન્સર જેવા રોગો વધુ લાગુ પડે છે. માનવજાતની સુખાકારી માટે શાકાહાર અનિવાર્ય છે. સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ સાથે શિકાગોની ધર્મ પરિષદ વેળાની મુલાકાતમાં આ સંદર્ભમાં બીજી ઘણી રસપ્રદ વાતો થઈ, જે વિશે હવે પછી જોઈશું.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑