દુનિયાને ઉગારવી હોય તો ! (મારો અસબાબ-26)

તમારા ભીતરમાં વસે છે ભગવાન !

આ શબ્દો છે તાઇવાનથી માંડીને છેક અમેરિકાના લૉસ એન્જલસ સુધી આત્મજાગૃતિનો અહાલેક જગાડનાર સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના. એમના કહેવા પ્રમાણે ધર્મગ્રંથોમાંથી તમને ઈશ્વરનો સાચો ઉપદેશ મળશે નહીં. એને માટે તો તમારે પહેલાં તમારી ભીતર જવું પડે. ભીતરની જાગૃતિ પછી જ ખ્રિસ્તી એના ઈસુને કે બૌદ્ધધર્મી એના બુદ્ધને પામી શકે.

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ સદૈવ પ્રશ્નોત્તરીથી પોતાના વિચાર પ્રગટ કરે છે. એ પ્રશ્નો ભૌતિકજીવનને લગતા હોય કે આધ્યાત્મિકતાને લગતા હોય. મજાની વાત એ છે કે કોઈ પણ દેશમાં અને કોઈ પણ સમયે એમના ઉત્તરો સમાન હોય છે.

એમના ધર્મના સૌથી મહત્ત્વના પાંચ સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત છે કે ‘કોઈ પણ જીવનું જીવન હણવું નહીં.’ તાઇવાન, ચીન, જાપાન અને અમેરિકા જેવા દેશોમાં માસ્ટર ચિંગ હાઈએ શાકાહારનો સવિશેષ મહિમા કર્યો છે. આજે માંસાહાર વિશેના જગતમાં પ્રચલિત ખ્યાલો એમને પ્રશ્ન રૂપે પૂછવામાં આવ્યા અને એમણે એના માર્મિક ઉત્તર આપ્યા છે.

એક વ્યક્તિએ એમને પૂછ્યું કે જો પ્રત્યેક વ્યક્તિ શાકાહાર કરશે, તો આ જગત પર અનાજની તંગી ઊભી નહીં થાય ?

ત્યારે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ એ વાતને સર્વથા ખોટી ઠેરવતાં કહ્યું,  ‘જમીન પર માંસાહાર કાજે પશુઓને ભોજન પૂરું પાડવા માટે ઘાસ ઉગાડવામાં આવે છે, એટલી જ જમીન પર જો માનવીના ભોજન માટેનું અન્ન ઉગાડવામાં આવે, તો ચૌદ ગણું વધુ અનાજ પેદા થાય. એક એકરમાં ઉગાડેલા શાકભાજીમાંથી આઠ લાખ કૅલરી મળે એટલો ખોરાક પેદા થાય છે અને એટલી જ જમીન પર પ્રાણીઓને માટે અનાજ ઉગાડવામાં આવે તો બે લાખ કૅલરી મળે એટલો ખોરાક પેદા થાય છે. આનો અર્થ જ એ કે શાકભાજી કે અનાજના વાવેતરને બદલે પ્રાણી માટેના ઘાસચારાના વાવેતરથી છ લાખ કૅલરી જેટલી શક્તિ નષ્ટ થાય છે. પરિણામે માંસાહારી ભોજન કરતાં શાકાહારી ભોજન વધુ સ્વાસ્થ્યદાયી અને સસ્તું હોય છે.

વળી એક વ્યક્તિએ માર્મિક સવાલ કર્યો કે, ‘માણસ શાકાહારી ન હોય, પણ સજ્જન અને ઉમદા માનવી તરીકે જીવન ગાળતો હોય, તો તે શું પૂરતું નથી ?’

એના ઉત્તરમાં સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ કહ્યું, ‘જો માણસ હૃદયથી પવિત્ર હોય, તો પછી એને બીજાનું માંસ ખાવાની શી જરૂર ? જો એ પ્રાણીઓની વેદનાઓ જુએ, તો કોઈ પણ સજ્જન વ્યક્તિ એને ખાઈ શકે નહીં. માંસાહારમાં એક પ્રકારની ક્રૂરતા હોય છે અને એ અનુકંપા ધરાવતો સજ્જન માણસ કઈ રીતે આચરી શકે ? માનવબુદ્ધિ એ પ્રાણી કરતાં ચડિયાતી છે. આપણે પ્રાણીઓનો ઘાત કરવાનાં એવાં શસ્ત્રો સર્જીએ છીએ કે જેથી એનો કોઈ પ્રાણી સામનો કરી શકે નહીં, પણ તેને પરિણામે એ પ્રાણીઓ ભારે વ્યથા, ઘૃણા અને તિરસ્કાર સાથે મોત પામતાં હોય છે. જે માણસ પોતાનાથી નાના, ઓછા બુદ્ધિશાળી અને નિર્બળ પ્રાણીઓને આવી રીતે હણી નાખે છે, તેને કઈ રીતે સજ્જન કહી શકાય ? તમે જ કહો ને ! વળી જ્યારે પ્રાણીની હત્યા કરવામાં આવે છે, ત્યારે એનામાં ભય, ગ્લાનિ, ગૂંગળામણ અને વેદનાજન્ય ભાવો હોય છે અને એ ભાવોને પરિણામે જાગેલા ટોક્સિન એ મૃત પ્રાણીના માંસમાં હોય છે. વળી એ સમયના એના વાઇબ્રેશન પણ માનવબુદ્ધિના વિકાસમાં પ્રતિકૂળ અને અવરોધક બને છે.’

એક વ્યક્તિએ એવો પ્રશ્ન કર્યો કે, ‘કેટલાક માંસાહાર-શોખીનો એમ કહે છે કે તેઓ જાતે પ્રાણીહત્યા કરતા નથી, પરંતુ જેણે કતલ કરી છે તેવા કસાઈ પાસેથી માંસ ખરીદે છે, તો એ ખાવામાં વાંધો શો ?’

એનો ઉત્તર આપતાં ચિંગ હાઈનો અવાજ વધુ ઘેરો બન્યો અને એણે કહ્યું કે આ તો ભયાનક ભૂલ કહેવાય. તમારે એ સમજવું જોઈએ કે લોકો માંસાહાર કરે છે, માટે જ કસાઈ પ્રાણીઓ મારતા હોય છે. ભગવાન બુદ્ધે ‘લોકાવતરણ સૂત્ર’માં કહ્યું છે, ‘જો કોઈ માંસાહાર કરતું જ ન હોય, તો કોઈની હત્યા થશે નહીં, તેથી માંસાહાર કરવો અને જીવંત પ્રાણીને મારવા એ સમાન પાપ છે.’ વળી પ્રાણીઓની બેફામ હત્યાને પરિણામે જ કુદરતી આફતો અને માનવસર્જિત આપત્તિઓ આવે છે. આવી વધુ પડતી હત્યા જ યુદ્ધને નોતરે છે.

‘જગતને ભૂખમરાથી બચાવવા માટે શાકાહાર જરૂરી છે ખરું ?’ એવા પ્રશ્નના જવાબમાં સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ કહ્યું,

‘આ પૃથ્વી પર એક અબજ લોકો ભૂખમરા અને કુપોષણથી પીડિત છે. ચાર કરોડ લોકો પ્રતિવર્ષ ભૂખમરાથી મૃત્યુ પામે છે અને એમાં પણ મોટા ભાગનાં બાળકો હોય છે. આવું હોવા છતાં વિશ્વનું ત્રીજા ભાગનું અનાજ લોકોને ખવડાવવાને બદલે માંસાહાર માટે ઉછેરવામાં આવતાં પ્રાણીઓને ખવડાવાય છે. એકલા અમેરિકામાં જ સિત્તેર ટકા અનાજની પેદાશને પ્રાણીઓ ખાઈ જાય છે. પ્રાણીઓને મારવા માટે એમને આ અનાજ ખવડાવીએ, એને બદલે માણસને ખવડાવવામાં આવે, તો જગતમાં કોઈ વ્યક્તિ ભૂખી ન રહે.’

એક વ્યક્તિએ એવો પ્રશ્ન કર્યો કે, ‘શાકાહાર કરવાથી આપણને ક્યા આધ્યાત્મિક લાભો થાય ?’

આના ઉત્તરમાં સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ કહ્યું, ‘મોટા ભાગના લોકો શાકાહારી ભોજન સમયે સ્વાસ્થ્ય, આહાર કે શરીરસૌષ્ઠવ (ફિગર)ની સંભાળ લેવાનો આશય રાખતા હોય છે. શાકાહારનું આધ્યાત્મિક પાસું ઘણું સ્પષ્ટ અને અહિંસક છે. ઈશ્વરે એમ કહ્યું કે ‘Thou shalt not kill’ એનો અર્થ જ એ કે એમણે માત્ર માનવોની હત્યા કરવાની મનાઈ ફરમાવી નથી, પરંતુ પ્રાણીમાત્રની હત્યા કરવી નહીં એમ કહ્યું છે. ખુદ ઈશ્વરે જ માનવીને પ્રાણીઓની સંભાળ લેવાનું કહ્યું છે. એને જાળવવાનું કહ્યું છે. કોઈ રાજા જેમ પોતાની પ્રજાને જાળવે, તો એ રાજા પોતાની પ્રજાને મારીને ખાઈ જતો નથી, આમ આપણે સ્વાસ્થ્યને માટે શાકાહારી બનવું જોઈએ. વૈજ્ઞાનિક કારણોસર શાકાહારી બનવું જોઈએ, આર્થિક કારણોસર શાકાહારી બનવું જોઈએ. આમ પ્રત્યેક દૃષ્ટિએ વિચાર કરતાં આપણે શાકાહારી થવું જોઈએ. આ જગતને બચાવવું હોય તો પણ શાકાહારી થવું જોઈએ. આ આધ્યાત્મિકતાનું કેટલું બધું મહત્ત્વનું સોપાન ગણાય.

‘એક સંશોધનમાં એમ કહેવામાં આવ્યું કે અમેરિકા અને પશ્ચિમના લોકો અઠવાડિયામાં એક દિવસ જો શાકાહાર કરે, તો તેઓ દર વર્ષે એક કરોડને સાઠ લાખ લોકોને ભૂખમરામાંથી ઉગારી શકે. આથી મારી દૃષ્ટિએ તો તમારે ‘હીરો’ બનવું હોય, તો શાકાહારી બનો. હું કહું છું તે માટે નહીં, પણ જગતને ખાતર માનવકલ્યાણને કાજે પણ શાકાહારી થાવ. આ રીતે શાકાહાર એ તમારે માટે ઈશ્વરનું મિલનસ્થાન છે.

ચીનની પ્રજા પર પોતાની આગવી વ્યક્તિતાથી પ્રભાવ પાડનારી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ પોતાની શાકાહારની ભાવના વિશે જિજ્ઞાસુઓને જવાબ આપતી હતી, ત્યારે એક ચીનાએ ઉત્સુકતાથી પૂછ્યું કે શાકાહારી લોકો ઠીંગણા અને પાતળા હોય છે અને માંસાહારી ઊંચા અને જોરાવર હોય છે એ વાત સાચી છે ?

ચિંગ હાઈએ જવાબ આપતાં કહ્યું કે, પ્રજાના મનમાં કેટલીક નિરાધાર માન્યતા અને ધારણા ઘર કરી ચૂકી હોય છે. શાકાહારી પાતળા કે ઠીંગણા હોય એવું નથી. તેમનો આહાર સમતોલ હોય તો તેઓ ઊંચા અને ખડતલ બની શકે છે. તમે જરા, પ્રાણીજગત પર નજર કરો તો હાથી, જિરાફ, હિપોપૉટેમસ અને અશ્વ ફક્ત શાકભાજી અને ફળ જ આરોગે છે. આ પ્રાણીઓ ઊંચાં છે. માંસાહારી કરતાં વધુ શક્તિશાળી છે. સ્વભાવે નમ્ર છે અને માનવજાતને લાભદાયક છે. બીજી બાજુ જુઓ તો ખ્યાલ આવશે કે માંસ ખાનારાં પ્રાણીઓ હિંસક અને નિરૂપયોગી છે. માનવજાતને એ સહેજે મદદરૂપ થતાં નથી. માણસ પશુભક્ષી બને તો પશુઓમાં રહેલા ગુણો એનામાં આવે. માંસ ખાનાર લોકો ઊંચા કે બળવાન હોય છે તેવું નથી. પણ હકીકત તો એ છે કે એમનું સરેરાશ આયુષ્ય ટૂંકું હોય છે. આના માટે સંપૂર્ણપણે માંસાહારી એસ્કિમો જાતિનો વિચાર કરો. શું તેઓ ઊંચા અને બળવાન છે ખરા ? શું તેઓનું આયુષ્ય લાંબું હોય છે ખરું ? એસ્કિમોનું સરેરાશ આયુષ્ય ઘણું ટૂંકું હોય છે, અને આ પરથી જ એની સચ્ચાઈ સમજાશે.

ભારતમાં એક સવાલ વારંવાર સાંભળવા મળે છે અને તે એ કે ઈંડાં શાકાહાર ગણાય કે નહીં ? ક્યારેક શાકાહારી ઈંડાંને નામે પણ એનો પ્રચાર કરવામાં આવે છે. ચીની યુવતી દ્વારા ચિંગ હાઈને પ્રશ્ન કરવામાં આવ્યો કે જે શાકાહારી હોય તે ઈંડાં ખાઈ શકે ?

આના પ્રત્યુત્તર અંગે સર્વત્ર જિજ્ઞાસા પ્રવર્તી રહી. યુવાન અને તેજસ્વી ચિંગ હાઈએ સ્પષ્ટપણે જવાબ આપ્યો કે ‘શાકાહારી ઈંડાં’ ખાઈ શકાય નહીં. એમણે કહ્યું, ‘‘આપણે ઈંડાં ખાઈએ છીએ, ત્યારે સજીવની હિંસા કરીએ છીએ. કેટલાક લોકો કહે છે કે વ્યાપારી રીતે ઉછેરવામાં આવેલાં ઈંડાંઓ ફલિત થતાં નથી અને તેથી તે ઈંડાં ખાવાથી હિંસા થતી નથી. પણ ઈંડું ક્યારે ફલિત થતું નથી ? જ્યારે એને ફલિત થવા માટેની જરૂરી પરિસ્થિતિ સુલભ થતી નથી. આમ તે ઈંડું મરઘીના બચ્ચાને જન્મ આપવા માટે કુદરતી રીતે વિકસતું નથી. તેનો વિકાસ ન થાય તોપણ તેનામાં જન્મજાત જીવંત તત્ત્વો હોય છે. જો એનામાં જીવંત તત્ત્વ ન હોય તો એમાં ફક્ત ઓવાના કોષો ફલિત થાય છે ત્યાં સુધી તે સીમિત હોય.’’

ઈંડાં સ્વાસ્થ્ય માટે લાભદાયી છે એમ કેટલાક માને છે. ઈંડાંમાં જે પ્રોટીન અને ફૉસ્ફરસ છે તે માનવસ્વાસ્થ્ય માટે લાભદાયી છે. એના ઉત્તરમાં સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ કહ્યું કે પ્રોટીન કઠોળમાંથી મળી રહે છે અને ઘણાં શાકભાજીઓમાં ફૉસ્ફરસ હોય છે. પ્રાચીન સમયનો હવાલો આપતાં સુપ્રીમ માસ્ટરે કહ્યું કે ચિંગ ગૌંગ માસ્ટર દીર્ઘાયુષી હતા અને તેઓ માંસ કે ઈંડાં ખાતા નહોતા. એક વાટકો ભરી શાકભાજી અને થોડા ભાત એ એમનું ભોજન હતું. તેઓ એંસી વર્ષ સુધી સ્વસ્થ રીતે જીવ્યા.

ચિંગ હાઈના અનુયાયીઓ ફાર્મોસા (તાઇવાન) અને અમેરિકામાં વિશેષ પ્રમાણમાં છે. એણે કહ્યું કે અમેરિકા અને તાઇવાનમાં હૃદયરોગનું મુખ્ય કારણ કૉલેસ્ટેરૉલ છે. ઈંડાંમાં પુષ્કળ પ્રમાણમાં કૉલેસ્ટેરૉલ હોય છે જે હૃદયરોગને નિમંત્રણ આપે છે. એમણે કહ્યું કે તેઓના મૃત્યુના કારણ અંગે એમને કશું આશ્ચર્ય થતું નથી.

આવે સમયે દુનિયામાં પ્રચલિત એવી એક માન્યતા લઈને સુપ્રીમ માસ્ટરને પૂછવામાં આવ્યું કે પ્રાણીઓની ઉત્પત્તિ જ માણસના આહાર માટે થઈ છે. માનવજાતનું એ ભોજન છે. એ ભોજન લઈએ નહિ તો આખી દુનિયા પ્રાણીઓથી ભરાઈ જશે.

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના ચહેરા પર હળવું હાસ્ય ફરકી ગયું અને એમણે કહ્યું કે આ એક વિચિત્ર અને વાહિયાત વિચાર છે. તમે પ્રાણીઓની હત્યા કરો છો તે પૂર્વે તમે એને પૂછો છો ખરા કે તે મરવા ઇચ્છે છે કે નહિ ? દરેક સજીવ જીવ જીવવા ઇચ્છતો હોય છે અને તેને મૃત્યુનો ડર પણ હોય જ. કોઈ વાઘ આપણા પર ધસી આવે અને આપણને ફાડી ખાય તેવું આપણે ઇચ્છીએ છીએ ખરા ? જો આપણે ઇચ્છતા ન હોઈએ તો માનવી દ્વારા પોતાનું મોત થાય તેમ પ્રાણીઓ ઇચ્છતાં હશે ખરાં ?

પ્રાણીહત્યા વિના તો આ વિશ્વ પ્રાણીઓથી ઊભરાઈ જશે અને તે માનવલોકના બદલે જનાવરલોક બની જશે એવા પ્રશ્નના ઉત્તરમાં ચિંગ હાઈએ કહ્યું, ‘‘હજારો વર્ષોથી આ પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ છે, પરંતુ મનુષ્યજાતિ અસ્તિત્વમાં આવી તે પૂર્વે પ્રાણીઓની ઘણી જાતિઓ પૃથ્વી પર અસ્તિત્વમાં હતી. શું તેઓએ પૃથ્વીને ગીચોગીચ કરી દીધી હતી ? હકીકતમાં સજીવ જીવો પ્રાકૃતિક જીવોના જગતને સમતોલ રાખે છે. અતિશય ઓછો ખોરાક મળે કે મર્યાદિત જગ્યા હોય ત્યારે પ્રાણીની વસ્તીમાં ઘટાડો થાય છે. આને કારણે પ્રાણીઓની સંખ્યા જળવાઈ રહે છે.’’

વળી પ્રશ્ન કરવામાં આવ્યો કે માનવી પશુઓને અને મરઘાંઓને ઉછેરે છે ડુક્કર, મરઘાં, બતક વગેરેને મોટાં કરે છે તો પછી શા માટે એને આરોગી શકે નહીં ? એમને ભોજન રૂપે લેવાનો માનવીને અધિકાર નથી ?

આના ઉત્તરમાં સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘‘માતા-પિતા પોતાનાં બાળકોને ઉછેરતાં હોય છે, તેથી માતા-પિતાને પોતાનાં બાળકોને આરોગવાનો અધિકાર હોય છે ખરો ? દરેક જીવને જીવવાનો અધિકાર છે. કોઈએ આ અધિકાર ઝૂંટવવો જોઈએ નહીં. હૉંગકૉંગની કાયદાપોથીમાં લખ્યું છે કે જીવની હત્યા કરવી એ કાયદાવિરુદ્ધ છે તો પછી આવી હત્યા કાયદાવિરુદ્ધ જ ગણાય ને ?’’

એક એવી માન્યતા છે કે શાકાહારી આહાર પૂર્ણ પૌષ્ટિક આહાર નથી. આ અંગે સુપ્રીમ માસ્ટર પોતાના દેશ તાઇવાનમાં છેલ્લા ચાર દાયકાથી કાર્યરત અમેરિકન સર્જિકલ નિષ્ણાત ડૉ. મિલરના સંશોધન તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ અમેરિકન ડૉક્ટરે તાઇવાનમાં એ અદ્યતન હૉસ્પિટલ સ્થાપી છે. એના તમામ દર્દી અને કર્મચારીને ફરજિયાતપણે શાકાહારી ભોજન અપાય છે. આની પાછળ એમનો મુખ્ય હેતુ આ વ્યક્તિઓની તંદુરસ્તી જાળવવાનો  અને લાંબા આયુષ્યનો છે. શા માટે સહુને શાકાહારી ભોજન ? એવો પ્રશ્ન પૂછનારને ડૉ. મિલર પોતાના એક પ્રયોગનો સંદર્ભ આપે છે.

તેઓ કહે છે કે ઉંદર એક એવું પ્રાણી છે કે જે શાકાહાર અને માંસાહાર બંને દ્વારા જીવી શકે છે. એમણે એક ઉંદરને માંસાહાર આપ્યો, જ્યારે બીજા ઉંદરને અલગ રાખીને શાકાહાર આપ્યો. એમણે જોયું તો બંનેનો સમાન વિકાસ થયો, પરંતુ શાકાહારી ઉંદર માંસાહારી ઉંદર કરતાં વધુ લાંબું જીવ્યો. વળી માંસાહારી ઉંદર કરતાં શાકાહારી ઉંદરની રોગપ્રતિકારક શક્તિ પણ વિશેષ જોવા મળી. એમણે જોયું કે બંને ઉંદર બીમાર પડે ત્યારે શાકાહારી ઉંદર જલદીથી સાજો થઈ જતો હતો. ભારતથી ઘણે દૂર વસતા સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના વિચારો એટલા સ્પષ્ટ, તાર્કિક અને વૈજ્ઞાનિક હતા કે સહુ કોઈ એક ચિત્તે સાંભળતા અને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરતા.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑