શાકાહાર : માનવીને મળેલી મહાન ભેટ ! (મારો અસબાબ-27)

વિશ્વભરમાં માંસાહારી પ્રજા તરીકે ચીનની પ્રજા પ્રસિદ્ધ છે. સર્પ અને ઉંદરની વાનગી ચીનાઓની પ્રિય વાનગી કહેવાય. કોરોના મહામારીના સર્જન પાછળ ચીનની વેટ-માર્કેટ (જીવતાં પ્રાણીઓનું બજાર) કારણભૂત છે, એમ માનવામાં આવે છે.

આવી ચીનની પ્રજાનો એક સમુદાય આજે વિયેટનામની યુવાન બૌદ્ધ ભિક્ષુણી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈને પોતાની આરાધ્ય દેવી તરીકે સ્વીકારે છે. વિયેટનામથી માંડીને છેક અમેરિકા સુધી વિશ્વના અનેક દેશોમાં શિક્ષિત એવી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના અનુયાયીઓ નજરે પડે છે. આધ્યાત્મિક ‘જ્ઞાનપ્રાપ્તિ’ની શોધ માટે લગ્ન પછી બે વર્ષ બાદ પતિની સંમતિ સાથે ચિંગ હાઈએ લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂક્યું. સંસારત્યાગ કરીને સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ હિમાલયમાં એકાંતવાસમાં રહ્યાં અને ત્યાંથી ‘ક્યુન ચીન’ નામની સાધનાપદ્ધતિ દ્વારા એમણે અનેક વ્યક્તિઓને આત્મસાક્ષાત્કાર અને તત્કાળ ‘જ્ઞાન’ની પ્રાપ્તિ કરાવી.

આવી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ સાથે દક્ષિણ આફ્રિકાના રળિયામણા કેપટાઉન શહેરમાં મુલાકાત થઈ. અહીં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સૌથી વિશાળ સંખ્યામાં સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના અનુયાયીઓ ઉપસ્થિત હતા. સુપ્રીમ માસ્ટરનાં પ્રવચનની કૅસેટ, પુસ્તકો અને પૅમ્ફલેટથી આખી વિશ્વ ધર્મ પરિષદ છવાઈ ગઈ હતી. આ યુવાન બૌદ્ધ ભિક્ષુણીને સાંભળવા માટે વિશાળ જનમેદની ઊભરાતી હતી. ચિંગ હાઈની ધર્મશૈલીનો પ્રથમ અને સૌથી ચુસ્ત એવો સિદ્ધાંત છે – શાકાહાર. એમની સાથેની મુલાકાતમાં આ વિષય અંગે ઘણી રસપ્રદ વાતો થઈ.

એમણે કહ્યું કે તમને ખ્યાલ છે કે અમેરિકામાં પ્રતિદિન એક લાખ ગાયોની હત્યા થાય છે. ચિંગ હાઈની સૌથી મોટી વેદના એ હતી કે આજે પશ્ચિમના દેશોમાં મોટા ભાગનાં પ્રાણીઓનો ઉછેર ‘ફૅક્ટરી ફાર્મ’ રૂપે કરવામાં આવે છે. ઓછામાં ઓછો ખર્ચ કરીને કતલ માટે વધુમાં વધુ પ્રાણી પ્રાપ્ત થાય તે માટે સઘળા ઉપાયો અજમાવવામાં આવે છે. એ પ્રાણીઓની સાથે જાણે તે યંત્રો હોય તેવો ક્રૂરતાભર્યો વર્તાવ ને વ્યવહાર કરાય છે. એમને એટલા માટે ખવડાવાય છે કે જેથી એનું માંસમાં રૂપાંતર થાય.

આટલી વાત કર્યા પછી પ્રભાવશાળી ચહેરો ધરાવતી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ કહ્યું કે એ હકીકત છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની સગી આંખે કતલખાનાને જોશે નહિ. એમ કહેવાય છે કે એક વાર તમે કતલખાનાની મુલાકાતે જશો, તો તમે આજીવન શાકાહારી બની જશો.

આજની વાસ્તવિક પરિસ્થિતિની વાત કર્યા પછી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ છેક પ્રાચીન કાળથી મળતા શાકાહારની સાબિતી આપવા માંડી. એમણે કહ્યું કે તમે ગ્રીક અને યહૂદીઓની હિબ્રૂ દંતકથાઓ વાંચો. એમાં આલેખાયેલાં લોકજીવનમાં બધા જ લોકો ફળો પર જીવન ગુજારતા હતા. જ્યારે પ્રાચીન ઇજિપ્તના પાદરીઓ કદી માંસ આરોગતા નહીં. જગતમાં ગ્રીસ એના પ્રખર તત્ત્વચિંતકોથી જાણીતું છે. એના તત્ત્વચિંતકો પ્લેટો, ડાયોજીનિસ અને સૉક્રેટિસ – સહુએ શાકાહારની સલાહ આપી છે. ભારતમાં ભગવાન બુદ્ધ અને શાક્ય મુનિએ અહિંસાનો મહિમા કર્યો. એમણે એમના શિષ્યોને માંસ ન ખાવાનું કહ્યું. ભગવાન બુદ્ધે આ વિશે નીચે પ્રમાણે કહ્યું છે,

‘‘માંસ ખાવું એ વ્યક્તિએ પોતે પાડેલી આદત છે. આપણે પ્રારંભમાં આ પ્રકારની ઇચ્છાથી જન્મ્યા નહોતા. માંસાહારી લોકો દયાની મહાન ભાવનાના બીજને જ બાળી નાખે છે. માંસાહારી લોકો એકબીજાને મારી નાખે છે અને એકબીજાને ખાઈ જાય છે. આ તમારી જિંદગીને હું આરોગું છું અને બીજે જન્મે તમે મને આરોગો છો. આ રીતે ભવભ્રમણ ચાલુ રહે છે.’’

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ જૈન ધર્મથી સર્વથા અજ્ઞાત હતી. જૈનદર્શનની અહિંસાની ભાવનાની વાત સાંભળીને એ પુલકિત થઈ ઊઠી. એમાં પણ ‘જેવો જીવ આપણો, એવો જીવ સહુનો’ એ આગમસૂત્રની સમજ આપતાં એને ધન્યતાનો અનુભવ થયો. જૈન ધર્મની જીવદયા અને જયણાની વાત સાંભળી એ પારાવાર આશ્ચર્યમાં ડૂબી ગઈ.

ચીનના વિખ્યાત તાઓ પંથમાં માનનારા ખ્રિસ્તીઓ અને યહૂદીઓ પણ શાકાહારી હતા. બાઇબલમાં પ્રભુએ કહ્યું છે કે, ‘તમારા ભોજનને માટે મેં તમામ પ્રકારનું અનાજ અને બધા જ પ્રકારનાં ફળો તમે આરોગી શકો તે માટે મેં પૂરાં પાડ્યાં છે. જંગલી પશુઓ માટે અને તમામ પ્રકારનાં પંખીઓ માટે મેં ઘાસ અને પાંદડાંવાળા છોડ ખોરાક રૂપે પૂરાં પાડ્યાં છે.’ (જેનેસીઝ : 1.29)

એક સ્થળે બાઇબલમાં ઈશ્વરે એમ કહ્યું, ‘‘મને ભેટ રૂપે ચડાવવા માટે બળદ અને બકરીની કતલ કરવાનું તમને કોણે કહ્યું ? …. તમારા હાથ લોહીથી ખરડાયેલા છે. પશ્ચાત્તાપ કરો તો હું તમને માફી બક્ષું.’’

ઈસુ ખ્રિસ્તના એક શિષ્ય સેન્ટ પૉલ રોમાનોએ તો પોતાના પત્રમાં એમ લખ્યું હતું કે, ‘માંસ ન ખાવું કે દારૂ ન પીવો તે બહુ સારું છે.’ (રોમન્સ 14 : 21)

તાજેતરમાં સંશોધકોએ ઘણા પ્રાચીન ગ્રંથો શોધ્યા છે. આ પ્રાચીન ગ્રંથો ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉપદેશ પર પ્રકાશ પાડે છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું, ‘‘જે લોકો પ્રાણીના માંસને આરોગે છે તે પોતાની કબર ખોદે છે. પ્રમાણિકતાથી હું કહું છું કે તેઓ જેની કતલ કરે છે, તેની કતલ કરતા નથી, બલ્કે ખુદ પોતાની કતલ કરે છે.’’

ભારતીય ધર્મો અને ઇસ્લામના માંસાહાર વિરોધી આધારો આપીને સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ ચીનના ઝેન સંપ્રદાયના વિખ્યાત ધર્મગુરુ શાન ઝુએ લખેલી કવિતાની વાત કરી. એણે આ કાવ્યમાં એમ લખ્યું છે કે ‘‘તમે બજારમાં જઈને માંસ-માછલી ખરીદી લાવો છો. તમારી પત્ની અને સંતાનોને ખવડાવો છો. પણ તમારી જિંદગી ટકાવવા માટે તેમની જિંદગી શા માટે ખતમ કરો છો ? આ બુદ્ધિમાં ઊતરે તેવી બાબત નથી. આવું કાર્ય તમને સ્વર્ગની સાથે નહિ જોડે, પણ તમને નરક તરફ હડસેલશે.’’

અંતે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના શબ્દોનો હવાલો આપતાં કહ્યું,

‘‘શાકાહારી આહાર કરનારી વ્યક્તિ જે પરિવર્તન અને શુદ્ધ કરનારી અસર ઊભી કરે છે તે માનવજાતિ માટે લાભદાયી છે. આવા શાકાહારપસંદ લોકો શુકનવંતા અને શાંતિપૂર્ણ બને છે.’’

આ રીતે શાકાહારની વાત ચાલી. સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના એક અનુયાયીએ તો જીવનમાં શાકાહાર અપનાવનારા પ્રાચીનથી વર્તમાન સમય સુધીના કેટલાક કલાકારો, સર્જકો, વૈજ્ઞાનિકો અને તત્ત્વચિંતકો તેમજ નામાંકિત મહાનુભાવોની યાદી રજૂ કરી. આ યાદી વાચકોને પણ પ્રભાવશાળી લાગશે. આ છે શાકાહારની પ્રબળ હિમાયત કરનારી વ્યક્તિઓનાં નામો.

શાક્ય મુનિ, બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત, વર્જીલ, હોરેસ, પ્લેટો, ઓવીડ, પેટ્રાર્ચ, પાયથાગોરસ, સૉક્રેટિસ, વિલિયમ શેક્સપિયર, વૉલ્તેર, સર આઇઝેક ન્યૂટન, લિયોનાર્દો દ વિન્ચી, ચાર્લ્સ ડાર્વિન, બેન્જામિન ફ્રેન્કલિન, રાલ્ફ વાલ્ડો એમર્સન, હેનરી ડેવીડ, થોરો, એમિલ ઝોલા, બર્ટ્રાન્ડ રસેલ, રિચાર્ડ વેગનર, પર્સી બાઈસી શેલી, એચ. જી. વેલ્સ., આલ્બર્ટ આઇન્સ્ટાઇન, રવીન્દ્રનાથ ટાગોર, લિયો ટૉલ્સ્ટૉય, જ્યોર્જ બર્નાર્ડ શૉ, મહાત્મા ગાંધી, આલ્બર્ટ સ્વાઇટ્ઝર અને બીજા ઘણા. તાજેતરનાં પોલ ન્યુમેન, મડોના, પ્રિન્સેસ ડાયેના, લિન્ડસે વેગનર, પોલ મેક કાર્ટની અને કેન્ડીસ બર્ગન વગેરે પણ ખરા.

આ વિચારધારાના નિયમો જાણવાની ઉત્સુકતા જાગી તો એમણે ધર્માચરણના પાંચ મુખ્ય નિયમો બતાવ્યા :

(1) કોઈ પણ જીવની હિંસા ન કરવી, એનાથી દૂર રહેવું, (2) અસત્ય બોલવું નહીં, (3) કોઈ પણ વસ્તુ તમને આપવામાં આવે નહીં ત્યાં સુધી સ્વીકારવી નહીં, (4) જાતીય દુવર્તનથી દૂર રહેવું, (પ) કેફી પદાર્થના ઉપયોગથી દૂર રહેવું.

આ પાંચ સિદ્ધાંતો સ્વીકારે તે જ આમાં સામેલ થઈ શકે. આ યુવાન અને અત્યંત વિશાળ સમુદાય ધરાવતી ભિક્ષુણીને જ્યારે એમ કહ્યું કે એમના પ્રથમ ચાર આચરણના નિયમો અંગે હજારો વર્ષ પહેલાં જૈન ધર્મએ અહિંસા, સત્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યની વાત ઊંડાણપૂર્વક કરી છે, ત્યારે એમના આશ્ચર્યનો પાર ન રહ્યો.

આ પછી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ પોતાના આંતરિક અનુભવની વાત કરતાં કહ્યું,

‘‘હું શાકાહારી છું, કારણ કે મારી અંદર રહેલા ભગવાન તેવું ઇચ્છે છે. આપણે આપણાં કાર્ય, વાણી અને વિચારમાં શુદ્ધ રહીએ તો બધાં જ દૈવી તત્ત્વો આપણને સાથ આપશે. એ ક્ષણે સમગ્ર બ્રહ્માંડ આપણું હશે અને આપણે માટે એવું સિંહાસન હશે, જેનાથી આપણે રાજ્ય કરી શકીશું.’’

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈની ‘ક્યુન યીન’ની પદ્ધતિની દીક્ષા માટે આજીવન શાકાહારી બનનારને પ્રાણીઓના સ્રોતમાંથી બનતાં ઉત્પાદનો અને ઈંડાં સહિત અન્ય પદાર્થો લેવાનો નિષેધ છે. સૌથી વિશેષ મહત્ત્વ એમના આચરણના પ્રથમ નિયમને આપે છે. જેમાં ચેતના ધરાવતા જીવની હિંસામાંથી દૂર રહેવાનું સૂચવે છે. યુરોપમાં ‘વેગાન’માં માનનારાઓ ડેરીનાં ઉત્પાદનો ઉપયોગમાં લેતા નથી, પરંતુ ‘ક્યુન યીન’ પદ્ધતિમાં છોડ દ્વારા ઉત્પન્ન થતી ચીજો અને ડેરીનાં ઉત્પાદનો આહારમાં લેવાની છૂટ છે.

આ પદ્ધતિમાં કહેવામાં આવ્યું છે કે કોઈ બીજા સજીવ જીવને ઈજા પહોંચાડવી નહીં કે એને મારવું નહીં એ સજીવ જીવને માટે તો લાભદાયી છે, પરંતુ આ પદ્ધતિ એમ કહે છે કે બીજા જીવને હાનિ પહોંચાડવી નહીં. તે એ વ્યક્તિને માટે પણ લાભદાયી છે. આવું શા માટે તો ‘ક્યુન યીન’ પદ્ધતિ કહે છે કે આની પાછળ કર્મનો સિદ્ધાંત છે. જેવું તમે વાવશો તેવું તમે લણશો. તમે કોઈ જીવની હિંસા કરો અથવા તો માંસાહારની ઇચ્છા તૃપ્ત કરવા તમે બીજા જીવની હિંસા કરાવો ત્યારે તમે કર્મ બાંધો છો. આ બાંધેલા કર્મનું ફળ તમારે ભોગવવું જ પડશે.

આ ધ્યાનપ્રણાલીમાં એમ કહ્યું છે કે શાકાહાર એ એક બક્ષિસ છે, જે વ્યક્તિ પોતાની જાતને આપી શકે છે. આને કારણે વ્યક્તિને સ્વસ્થતાનો અનુભવ થાય છે. એના જીવનની ગુણવત્તા સુધરે છે અને એના પર કર્મના બંધનનો ભાર હળવો થાય છે. આના પરિણામે આપણે નવા સૂક્ષ્મ સ્વર્ગીય એવા અંતર અનુભવના એક વર્તુળમાં પ્રવેશીએ છીએ અને તે માટે તમારે બહુ નજીવી કિંમત ચૂકવવી પડે છે.

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ એવા લોકોની પણ વાત કરે છે કે જેઓ એમ માને છે કે માંસાહારનો વિરોધ આધ્યાત્મિક કારણોસર થાય છે. એ સિવાય એનો વિરોધ શક્ય નથી. ત્યારે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ કહે છે કે શાકાહાર એ માત્ર આધ્યાત્મિકતા માટે આવશ્યક છે તેવું નથી, પણ માનવીની સામાન્ય બુદ્ધિ અને સમજના મૂળમાં પણ તે છે. વ્યક્તિગત તંદુરસ્તી, પૌષ્ટિક આહાર, જીવ-વિજ્ઞાન, પર્યાવરણ, નીતિમત્તા, પ્રાણીઓની પીડા અને વિશ્વની ભૂખ – એ બધા સાથે શાકાહાર નિસબત ધરાવે છે.

વિશેષ બાબત તો એ બની કે જૈનદર્શનની આત્મદર્શનની ભાવના પણ આ યુવાન બૌદ્ધ ભિક્ષુણીનાં પ્રવચનોમાં પ્રગટતી હતી. એમણે કહ્યું કે આપણે બધા અર્ધમાનવ છીએ. આવો અર્ધમાનવ અહમથી કાર્ય કરે છે. ભય અને પ્રલોભનથી કાર્ય કરે છે. આનાકાનીથી જીવે છે. આપણે પાપ અને ગુણને જુદા તારવીએ છીએ. આપણે આપણી મર્યાદાના કારણે પીડાઈએ છીએ. જે આપણે કરવું જોઈએ તે ઈશ્વરે કરવું જોઈએ તેમ માનીએ છીએ. ખરેખર તો ઈશ્વર આપણી ભીતરમાં છે. આપણે એને સીમાબદ્ધ કરી દઈએ છીએ. આપણને સ્વયં આનંદ માણવો ગમે છે, પરંતુ મુશ્કેલી એ છે કે આનંદ કઈ રીતે માણી શકાય તે આવડતું નથી. બીજાને આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે કહ્યા કરીએ છીએ, પણ આપણી જાતને શું કરવું જોઈએ તે પૂછતા નથી.

એક અનોખી બાબત એ બની કે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ શાકાહાર વિશે માત્ર આધ્યાત્મિક નહીં, પણ સામાન્ય બુદ્ધિને સ્પર્શે એવી અને વિશ્વકલ્યાણને અનુલક્ષે તેવી ઘણી માર્મિક ચર્ચાઓ કરી.

બૌદ્ધ ધર્મ પાળતા દેશોમાં તેજસ્વી અને યુવાન બૌદ્ધ ભિક્ષુણી ચિંગ હાઈ એની ઉચ્ચ આધ્યાત્મિક શક્તિને કારણે ‘સુપ્રીમ માસ્ટર’ તરીકે બિરુદ પામી છે. એના હજારો અનુયાયીઓ સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈની  આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના જ્ઞાનથી સમૃદ્ધ એવી આત્મસાક્ષાત્કારની અનુભવવાણી એકચિત્તે સાંભળે છે અને શિષ્ય કે અનુયાયીઓ બનાવવામાં ન માનતી ચિંગ હાઈના ઉત્કૃષ્ટ વિચારોને અનુસરવામાં આનંદ અને ગૌરવ અનુભવે છે.

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈની ધ્યાનપદ્ધતિ ‘ક્યુન યીન’ને અનુસરનારને સૌથી પહેલું વ્રત શાકાહારનું લેવાનું હોય છે. તેઓ કહે છે કે શાકાહાર એક એવી મહાન બક્ષિસ છે કે જે વ્યક્તિ પોતાની જાતને અર્પીને સ્વયં કાજે સ્વસ્થતા અને ધન્યતાનો અનુભવ કરી શકે છે. માત્ર બૌદ્ધ ધર્મની કરુણા કે આધ્યાત્મિક ભાવનાને કારણે જ સુપ્રીમ માસ્ટર શાકાહારને અનિવાર્ય ગણતાં નથી. શાકાહારની અનિવાર્યતા વિશે આધુનિક યુગમાં નવજાગૃતિ લાવનારી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ કેટલીય તાર્કિક અને વૈજ્ઞાનિક માહિતીથી પોતાના આ સિદ્ધાંતને સમર્થન આપ્યું. સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ શાકાહાર વિશે કરેલી કેટલીક દલીલો અને રજૂઆત જોઈએ. તે તમને તાજ્જુબ કરશે !

એમણે કહ્યું કે માનવ ઉત્ક્રાંતિના અભ્યાસે એ સિદ્ધ કર્યું છે કે આપણા પૂર્વજો સ્વભાવે અને મૂળભૂત રીતે શાકાહારી જ હતા. માનવશરીરનું બંધારણ પણ પ્રકૃતિગત અને પ્રકૃતિદત્ત રીતે માંસાહારને અનુકૂળ નથી. આ અંગે કોલમ્બિયા યુનિવર્સિટીના ડૉ. જી. એસ. હન્ટીગનને ટાંકતાં તેમણે કહ્યું કે માંસભક્ષક પ્રાણીઓનું મોટું આંતરડું ટૂંકું, નાનું કિંતુ કદમાં મોટું હોય છે. એમનું મોટું આંતરડું સીધું અને પોચું હોય છે. આનાથી વિરુદ્ધમાં શાકાહારી પ્રાણીનું આંતરડું લાંબું હોય છે. ઓછા રેસા અને ઊંચા પ્રોટીન ધરાવતા માંસની ઘનતાને લીધે આંતરડાને પોષક તત્ત્વો ગ્રહણ કરવા માટે લાંબો સમય જોઈતો નથી. આથી જ માંસાહારી પ્રાણીઓના આંતરડાની લંબાઈ ટૂંકી હોય છે. માણસ અન્ય શાકાહારી પ્રાણીઓની જેમ એક લાંબું, નાનું આંતરડું અને મોટું આંતરડું ધરાવે છે. માણસનાં આંતરડાં ચોવીસ ફૂટ લંબાઈવાળાં હોય છે. એનાં નાનાં આંતરડાં અંદરની બાજુએ વળેલાં હોય છે અને એની દીવાલ મરડાયેલી હોય છે. માનવીનું આંતરડું લાંબું હોવાથી ઘણા સમય સુધી જો એમાં માંસ રહે તો એ સડી જાય અથવા તો એમાં ઝેર ઉત્પન્ન થાય.

આ પ્રકારના ઝેરથી મોટા આંતરડાનું કૅન્સર થવાની શક્યતા રહે છે. વળી એનાથી ‘લીવર’ પર પણ સોજો આવે છે, જે સમય જતાં લીવરના કૅન્સરમાં પણ પરિણમી શકે. વળી માંસમાં યુરોકાઇનેઝ (Urokinase) પ્રોટીન અને યુરિયા હોય છે. આના પરિણામે કિડની પર બોજો આવતાં કિડનીની ક્રિયા મંદ થઈ જાય છે.

પોતાની આ દલીલને દર્શાવતાં કહે છે કે એક શેર માંસમાં 14 ગ્રામ જેટલું યુરોકાઇનેઝ પ્રોટીન હોય, તો પાચનક્રિયા સામે ભય ઊભો થાય છે. માંસમાં રેસાની ખામી હોવાથી કબજિયાત થાય છે અને તેના પરિણામે રેક્ટલ કૅન્સર કે મસા થવાની સંભાવના રહે છે. માંસમાં રહેલું કૉલેસ્ટેરૉલ અને ચરબી હૃદયના ધબકારાને અવ્યવસ્થિત બનાવે છે અને તેથી અમેરિકા અને તાઇવાનમાં તથા માંસભક્ષક લોકોમાં હૃદયરોગથી થતાં મૃત્યુનું પ્રમાણ ઘણું મોટું છે. જ્યારે માનવમૃત્યુનું બીજું સૌથી મુખ્ય કારણ કૅન્સર છે. બળેલા કે શેકેલા માંસમાંથી ઉત્પન્ન થયેલું રાસાયણિક તત્ત્વ ઉંદરને આપતાં એનામાં કૅન્સરનો વિકાસ થયો હતો. વળી એ ઉંદરનાં બચ્ચાં માતાનું સ્તનપાન કરતાં તેને પણ કૅન્સર થયું હતું.

માંસાહારની તરફદારીમાં કેટલાક લોકો એવી દલીલ કરે છે કે અતિ વિકસિત દેશોમાં કતલખાનાંમાં માંસ શુદ્ધ, ચોખ્ખું અને સલામત હોય એની ખાસ તકેદારી રાખવામાં આવે છે. કતલખાનાંની મોટા ભાગના દેશોની આરોગ્યને હાનિકારક સ્થિતિને ભૂલી જઈએ તોપણ એક સવાલ તો ઊભો જ રહે છે કે માંસ તૈયાર કરવાની પદ્ધતિ ગમે તેટલી સલામત હોય, પરંતુ એના ટુકડામાં કૅન્સરના જીવાણુ છે કે નહીં તે તપાસવું મુશ્કેલ છે. કોઈ દેશમાં દરેક મૃત પ્રાણીની તપાસ કરવામાં આવે છે અને એનું માંસ કાઢતી વખતે જો એના મસ્તકમાં ક્ષતિ હોય તો તે ફેંકી દેવાય છે. એના પગમાં રોગ થયેલો હોય, તો તે પણ કાઢી નખાય છે. આમ ખરાબ ભાગ કાઢી નાખીને બાકીનો માંસનો ‘શુદ્ધ’ ભાગ વેચાય છે. પરંતુ આની સામે સુપ્રીમ માસ્ટરની દલીલ એ છે કે એ બાકીના ભાગ પણ કયા પ્રકારના રોગથી પહેલાં ગ્રસિત હતા એનો ખ્યાલ આવતો નથી.

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ કહે છે કે શાકાહારી ખોરાકમાં આવી કોઈ ચિંતા કરવાની હોતી નથી. એમાં કોઈ મૃત પ્રાણીને થયેલા રોગનો વારસો મળે એવી શક્યતા હોતી નથી, આથી શાકાહાર એ ચિંતામુક્ત આરોગ્યપૂર્ણ અને આનંદપ્રદ ખોરાક છે.

એક બીજી બાબત તરફ ‘ક્યુન યીન’ ધ્યાનપદ્ધતિમાં તમારું ધ્યાન ખેંચવામાં આવે છે. એ કહે છે કે ઇંજેક્શન દ્વારા પ્રાણીઓને ‘ઍન્ટિબાયૉટિક’ અને બીજી દવાઓ આપવામાં આવી હોય છે. આમાં ‘સ્ટેરોઇડ્ઝ’ અને ‘હોર્મોન’ વિકાસ કરનારી દવાઓ પણ સમાવિષ્ટ થાય છે. આ દવાઓ ઇંજેક્શન દ્વારા અપાઈ હોવાથી પ્રાણીઓનાં શરીરમાં વ્યાપ્ત થઈ ચૂકી હોય છે. આવાં પ્રાણીઓનું માંસ લેનારના પેટમાં એ માંસની સાથોસાથ આવી જોખમી દવાઓ પણ પ્રવેશે-પેસે છે. આથી એક એવી શક્યતા પણ સર્જાય છે કે માંસની અંદર રહેલી ‘ઍન્ટિબાયૉટિક્સ’ જે માનવશરીરમાં જાય છે એ માનવશરીર ઍન્ટિબાયૉટિક્સની અસરકારકતા ગુમાવે છે. એ દવાઓ એને અસર કરતી નથી.

આ સમયે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈને એક જુદો જ પ્રશ્ન પુછાયો. પ્રશ્નકારે કહ્યું કે તમે આધ્યાત્મિક સાધનાનો માર્ગ બતાવો છો અને સાથોસાથ શાકાહારને આટલું બધું પ્રાધાન્ય આપો છો, તો શું શાકાહારથી આધ્યાત્મિક સાધનામાં લાભ થાય છે ખરો ?

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના તેજસ્વી ચહેરા પર હળવું સ્મિત ઊગી નીકળ્યું. એમણે કહ્યું કે તમે આવો પ્રશ્ન પૂછ્યો તેનાથી મને અત્યંત આનંદ થયો. તમે આધ્યાત્મિક ભાવનાની દરકાર કરો છો એ બાબત જ મારે મન ઘણી મોટી અને મહત્ત્વની છે. સમાજની મોટા ભાગની વ્યક્તિઓ પોતાના આરોગ્યની, ભોજનની, ફિઝિકલ ફિટનેસની – એવી બધી બાબતોની દરકાર કરતી હોય છે, ત્યારે તમે આધ્યાત્મિક બાબત અંગે પ્રશ્ન પૂછો છો એનો મને આનંદ છે.

આટલું કહ્યા પછી સુપ્રીમ માસ્ટર ચિંગે એક માર્મિક વાક્ય કહ્યું અને તે એ કે શાકાહારનું આધ્યાત્મિક પાસું એ છે કે તે અહિંસક છે.

પોતાની વાતને વિગતે સમજાવતાં ચીનાઓની આ ધર્મગુરુણીએ કહ્યું કે શાકાહારમાં તમે કોઈની હત્યા કરતા નથી. ભગવાને પણ બીજા કોઈ જીવની હત્યા ન કરવાનું કહ્યું છે. એને સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખીને મિત્રાચારી કેળવવાનું કહ્યું છે. ઈશ્વરે પ્રાણીઓને આપણી સંભાળ હેઠળ રાખ્યાં છે. તમે જેની સંભાળ લો, તેની હત્યા કરીને એને ખાઈ જાવ ખરા ? તો તો એવું બનશે કે તમે જેની સંભાળ લો છો એમાંથી કોઈ પણ તમારી આજુબાજુ નહીં હોય, માટે ઈશ્વરે કહેલી વાત જોઈને એ પ્રમાણે વર્તવું જોઈએ.

ઈશ્વરની વાત આવી એટલે સાહજિક રીતે જ મને જિજ્ઞાસા જાગી. સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈની અહિંસાની ભાવના સાથે જૈન ધર્મની અહિંસાની ભાવનાનું સ્મરણ થયું. એમને જૈન ધર્મે દર્શાવેલી અહિંસાની સૂક્ષ્મતા વિશે વિગતવાર વાત કરી. વળી હિંસા કરવી નહીં, કરાવવી નહીં તેમ જ અન્ય કોઈ હિંસા કરતું હોય, તેની અનુમોદના પણ કરવી નહીં. તેવી જૈનદર્શનની ભાવના જાણીને સુપ્રીમ માસ્ટરનું હૃદય આનંદવિભોર બની ગયું. એમણે મારી પાસેથી જૈનદર્શનમાં ઈશ્વરની શી વિચારણા છે તે જાણી અને પછી પોતાની ભગવાન વિશેની વિચારણા સાથે કેટલું સામ્ય છે તેનો આનંદ અનુભવતાં કહ્યું, ‘‘જુઓ, તમને મારી ભગવાન વિશેની માન્યતા કહું.’’

સુપ્રીમ માસ્ટરે કહ્યું, ‘‘ઈશ્વરને સમજવા તમારે ઈશ્વર બનવું જોઈએ. હું સહુને ઈશ્વર જેવા બનવા માટેનું નિમંત્રણ આપું છું. એ સિવાય બીજું કંઈ જ નહીં. ઈશ્વરનું ધ્યાન ધરવું એટલે તમે ઈશ્વરની ભક્તિ કરો છો એનો અર્થ જ એ કે તમે ભગવાન બનો છો. તમને પ્રતીતિ થાય છે કે તમે અને ઈશ્વર એક છો. પણ ખરેખર એ ભગવાનને શ્રદ્ધાથી જાણવા જોઈએ. બાઇબલમાં સ્પષ્ટ કહ્યું છે કે આના માટે તમારે શાકાહારી બનવું જોઈએ.’’

આમ ચાર પ્રકારે આપણે શાકાહારી બનવું જોઈએ. આપણી તંદુરસ્તી જળવાય, વિશ્વની આર્થિક સમતુલા ટકે અને ભૂખમરો જાય, વૈજ્ઞાનિક કારણોસર પણ આપણે શાકાહારી થવું જોઈએ, કરુણાને ખાતર પણ શાકાહારી બનવું જોઈએ, આથી જો દુનિયાને બચાવવી હોય તો શાકાહારી થયા વિના બીજો કોઈ ઇલાજ નથી.’’

એક તેજસ્વી, દૃઢ વિચાર અને ઊંડી આધ્યાત્મિક નિસબત ધરાવતા માસ્ટર ચિંગ હાઈના વિચારોમાં ભારતીય અને વિશેષે જૈન ધર્મની અહિંસા અને શાકાહારની ભાવનાનું મનોરમ પ્રતિબિંબ જોવા મળ્યું ! જીવનનો આ ચમત્કાર જ કહેવાય ને ! તાઇવાન-વિયેટનામ અને ચીન જેવા દેશોમાં આગવો પ્રભાવ ધરાવતી માસ્ટર ચિંગ હાઈ ભારતની એક વ્યક્તિને ભાવપૂર્વક મળે, એની ભાવનાઓ પ્રગટ કરે અને તેય છેક દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં ! આવી ઘટનાઓ જીવનમાં કેવો ઉત્સાહ અને ઉમંગ પ્રેરે છે !

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑