શાંગહાઈમાં શાકાહાર ! (મારો અસબાબ-28)

વાત છે આજથી બત્રીસ વર્ષ પહેલાંની. 1992માં હૉંગકૉંગથી ટ્રેન મારફતે ચીનના પ્રવાસે ગયો, ત્યારે મનમાં સૌથી મોટી મૂંઝવણ એ ભોજનની હતી. બાળપણમાં ચીની પ્રજાનાં માંસાહારી ખાણાંની કેટલીયે વાતો સાંભળી હતી અને તેથી હૉંગકૉંગથી નીકળતી વખતે યજમાનને ત્યાંથી થોડાંક થેપલાં અને અથાણું લઈને નીકળ્યો હતો, પરંતુ ચીનના પ્રવાસ સમયે એવો અનુભવ થયો કે જો તમને હોટલમાં મળતી વાનગીઓની ખબર હોય અથવા તો શૅફ સાથે માથાકૂટ કરવાની તૈયારી હોય તો શાકાહારી ભોજન મેળવવામાં કશો વાંધો આવતો નથી. એ હોટલમાંથી પણ કશુંક ને કશુંક તો મળી જ રહે.

મારો પ્રવાસ એક ઉત્સુકતા સાથે થયો હતો અને મારી એ ખોજ હતી કે બૌદ્ધ ધર્મનું પાલન કરતા આ દેશમાં શાકાહાર કેમ પહોંચ્યો નહીં હોય ? પરંતુ ચીનની પ્રાચીન ધાર્મિક પરંપરાઓમાં શાકાહારનો ઘણો મહિમા જોવા મળ્યો. ચીનમાં હજારો વર્ષ એની બે મહત્ત્વની ધર્મપરંપરા તાઓ તત્ત્વજ્ઞાન અને બૌદ્ધ ધર્મ બંનેએ માંસાહાર-ત્યાગનો મહિમા કર્યો છે. ઈ. સ. 502થી 557 સુધી ચીન પર રાજ્ય કરનાર લિયાંગ વંશના સમ્રાટ હ્યુ એ પહેલા રાજવી હતા કે જેમણે ચીનના લોકોને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનું પાલન કરીને માંસાહારી ભોજનનો ત્યાગ કરવાની હિમાયત કરી હતી.

ચીનના સમગ્ર ઇતિહાસને જોઈએ તો અન્નની અછત અને અત્યંત ગરીબાઈ હોવાથી આમેય માંસાહાર એ માત્ર સમૃદ્ધ માણસોનો ખોરાક બની રહ્યો. વળી ધાર્મિક ભાવનાઓને કારણે પણ શાકાહારનું મહત્ત્વ ચીનાઓના જીવનમાં જોવા મળ્યું.

ચીનમાં શાકાહારને પ્રભુપ્રાર્થનાનું એક સ્વરૂપ માનવામાં આવ્યું છે. કોઈ સ્વજન જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં હોય, ત્યારે ઈશ્વરને એના સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અને તેમાં વ્યક્તિ પ્રભુને પ્રાર્થે છે કે હવે હું જીવન પર્યંત શાકાહારી ભોજન લઈશ.

હો લુ નામની બૌદ્ધધર્મી યુવતીના પિતા ગંભીર રીતે બીમાર થયા, ત્યારે એણે શાકાહાર અંગીકાર કરવાની પ્રતિજ્ઞા લઈને પિતાને સ્વસ્થ કરવા પ્રભુ-પ્રાર્થના કરી હતી. માતા બીમાર પડી ત્યારે સેન્ડ નામના બૌદ્ધ ધર્મના અનુયાયીએ માંસાહાર નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ રીતે ચીનના પ્રજાજીવનમાં શાકાહારનું વલણ જોવા મળ્યું. આમ તો શાંગહાઈ શહેરમાં વીસ જેટલી વેજિટેરિયન હોટલો હતી અને એક તો બેજિંગની નજીક આવેલી વિગન આહારની હોટલ પણ હતી. જેનું નામ હતું ‘ઈફ વિગન’. શાંગહાઈ શહેરની સૌથી જૂની રેસ્ટોરન્ટ ગોંગ ડી લિન શાકાહારી ભોજન માટે અને શાકાહારના પ્રચાર-પ્રસાર માટે પ્રસિદ્ધ ગણાતી હતી. આ રેસ્ટોરન્ટ માત્ર રેસ્ટોરન્ટ નહોતી, પરંતુ શાકાહારી વિચારધારા અને જીવનપદ્ધતિનો પ્રસાર-પ્રચાર કરતી હતી. પ્રતિવર્ષ ભગવાન બુદ્ધના જન્મદિવસની ઉજવણીના દિવસે આ હોટલના માલિક સારી એવી રકમ આપીને પક્ષીઓ અને પ્રાણીઓને પાંજરામાંથી મુક્ત કરે છે. ‘જુજુબે ટ્રી’ નામની શાંગહાઈના હુઈ હાઈ માર્ગ પર આવેલી આ રેસ્ટોરન્ટમાં બપોરે શાકાહારી ભોજન પસંદ કરનારાઓની ભારે ભીડ જામી હોય છે. એ રેસ્ટોરન્ટમાં પ્રવેશો ત્યારે તમારા હાથમાં માત્ર મૅન્યુ જ આપવામાં આવતું નથી, પરંતુ એની સાથોસાથ શાકાહારી બનવાથી થતા આરોગ્યલક્ષી લાભો દર્શાવતી વાચન-સામગ્રી તમને હાથોહાથ આપવામાં આવે છે. ‘જુજુબે ટ્રી’ રેસ્ટોરન્ટ પોતાનું એક કાર્ડ આપે છે, જેમાં શાંગહાઈ શહેરની શાકાહારી રેસ્ટોરન્ટનાં નામ, સરનામાં અને ફોનનંબર પણ લખેલાં હોય છે. વળી તમે આમાંથી કોઈ એક શાકાહારી ભોજન આપતી હોટલમાં જઈને આવ્યા હો, તો તમને આ ‘જુજુબે ટ્રી’ વિનામૂલ્યે એક ભેટ આપે છે.

જેમ જેમ શાંગહાઈ શહેરનો પ્રવાસ કરતો ગયો, તેમ એ જોવા મળ્યું કે ચીની યુવતીઓ વધુ ને વધુ સંખ્યામાં શાકાહાર અપનાવી રહી છે. આનું એક કારણ બૌદ્ધ ધર્મની મૂળ પરંપરાનો ઊંડો અભ્યાસ છે. તાઇવાન જેવા દેશોમાં તો સુપ્રીમ માસ્ટર ચાંગ હાઈએ શાકાહારનું પ્રબળ આંદોલન જગાવ્યું છે અને એમના ધર્મપ્રવેશની પ્રથમ આવશ્યક શરત શાકાહાર છે. આને કારણે ચીન અને તાઇવાન વચ્ચે ઘણાં વર્ષોની રાજકીય દુશ્મનાવટ હોવા છતાં આ શાકાહારના આંદોલને બંને દેશવાસીઓને એક તાંતણે જોડ્યા છે. તેઓ સ્વાસ્થ્ય, પર્યાવરણ, આર્થિક સમતુલા અને માનવ-ચિત્તની કરુણા – એ બધાંને લક્ષમાં રાખીને શાકાહારને પોતાના પંથનું પહેલું પગથિયું ગણાવે છે. ચીની યુવતીઓમાં એક બીજી માન્યતા એ પ્રવર્તતી જોવા મળી કે સુંદર અને પાતળા દેખાવું હોય તો શાકાહાર અપનાવવો જોઈએ. પરિણામે આજે શાંગહાઈ શહેરની ‘જુજુબે ટ્રી’ અને ‘લારબ્રે દ પ્રોવિન્સ’ એ બે શાકાહારી રેસ્ટોરન્ટ તો યુવક-યુવતીઓમાં ઘણી જાણીતી છે. આ રેસ્ટોરન્ટ બૌદ્ધ ધર્મને ચુસ્ત રીતે પાળનારા પોતાના ગ્રાહકોની ભાવનાને લક્ષમાં રાખે છે અને તેથી જ ‘લારબ્રે દ પ્રોવિન્સ’ રેસ્ટોરન્ટ એના બૌદ્ધધર્મી ગ્રાહકોને લસણ અને ડુંગળી સિવાયની શાકાહારી વાનગીઓ પીરસે છે. આ રેસ્ટોરન્ટમાં બે જુદાં રસોઈઘર છે. એક રસોડામાં બૌદ્ધ શાકાહારીઓ માટે ડુંગળી-લસણ વિનાની વાનગી તૈયાર થાય છે અને બીજા જુદા રસોડામાં પશ્ચિમના શાકાહારીઓ માટેની વાનગીઓ તૈયાર થાય છે. ચીનમાં ક્યારેક ઈંડાંને શાકાહારમાં ખપાવી દેવામાં આવે છે આને પરિણામે આ રેસ્ટોરન્ટ એની વાનગીની યાદીમાં ઈંડાંની વપરાશ હોય તે વાનગીને જુદી દર્શાવે છે. વળી શાંગહાઈની આ હોટલમાં કોઈ પણ પ્રકારનો દારૂ પીરસવામાં આવતો નથી.

આ હોટલના નિયમિત ગ્રાહકો તરીકે બૌદ્ધ ભિક્ષુઓ, વૃદ્ધ બૌદ્ધો અને નજીકની કચેરીમાં કામ કરતા યુવાનો છે. આનો કારોબાર સંભાળતી લિલિને મળ્યો, તો એના કહેવા પ્રમાણે આ હોટલમાં ભોજન લેવા આવતા લોકોમાં ડૉક્ટરોનું પ્રમાણ ઘણું મોટું છે. આનું કારણ એ છે કે ચીનમાં ડૉક્ટરો આરોગ્યની દૃષ્ટિએ શાકાહારનું મહત્ત્વ સમજીને શાકાહાર તરફ વળી ગયા છે. તેઓ માને છે કે વૈજ્ઞાનિક રીતે શાકાહાર વધુ આરોગ્યદાયી છે. આ હોટલમાં પરંપરાગત ચીની ચિકિત્સાપદ્ધતિને અનુસરતા એક ડૉક્ટરે તૈયાર કરેલી આ ‘હર્બલ ટી’ની માંગ ઘણી મોટી છે. હોટલમાં આવતા મોટા ભાગના ગ્રાહકો શાકાહારી હોય છે, પણ એની સાથોસાથ બે તૃતીયાંશ ગ્રાહકો માંસાહારી પણ હોય છે. આમાંના કેટલાકે એવું નક્કી કર્યું છે કે ભલે તેઓ માંસાહારી હોય, પણ રોજ એક ટંકનું ભોજન શાકાહારી લેવું જેથી તેઓ નિર્દોષ પ્રાણીના જીવનને બચાવવામાં મદદરૂપ થાય.

ચીનની શાંગહાઈ શહેરના શૉપિંગ માટેના વિસ્તારમાં આવેલા લારબ્રે દ પ્રોવિન્સ નામની શાકાહારી રેસ્ટોરન્ટ તરત ધ્યાન ખેંચે છે. એની માલિક મહિલાનું નામ છે ઇવેલિન લી. અત્યંત આકર્ષક વ્યક્તિ ધરાવતી ઇવેલિન લી શહેરમાં વધુ ને વધુ શાકાહારી રેસ્ટોરન્ટ ખોલી રહી છે. એનો હેતુ એટલો જ છે કે શાકાહાર કરનાર લોકોને આસાનીથી એમનું મનપસંદ ભોજન મળે અને ચીનના લોકો વધુ ને વધુ પ્રમાણમાં શાકાહાર અપનાવતા થાય. ઇવેલિન લી સ્વયં શાકાહારી છે. એ કઈ રીતે શાકાહારી બની એનો રોમાંચક સ્વાનુભવ પણ વર્ણવ્યો.

થોડાં વર્ષો પહેલાં એ રેસ્ટોરન્ટના વ્યવસાયમાં ઝંપલાવવા ચાહતી હતી, ત્યારે એનો મેળાપ ઝાઓ ઝુ શુ હોટલના માલિક સેંગ સાથે થયો. આ સેંગે ઇવેલિન લીને પ્રાચીન ચીનની એક કથા કહી. એ કથા એવી હતી કે એક ચીની વિદ્વાને એના રસોઇયાને બામ માછલીની વાનગી બનાવવા કહ્યું. રસોઇયો વાનગી બનાવતો હતો, ત્યાં આ વિદ્વાનની નજર એના પર પડી અને એણે જોયું કે બામ માછલીને ઊકળતા ગરમ પાણીમાં નાખવામાં આવી હતી, પણ એ એનું પેટ ઊંચું કરતી હતી, ચીની વિદ્વાનને તત્કાળ તો આનું કારણ સમજાયું નહીં. એણે શોધ કરી તો જાણવા મળ્યું કે આ બામ માછલીના પેટમાં ઈંડાં હતાં. બસ ! એ દિવસથી આ ચીની વિદ્વાને જીવન પર્યંત માંસાહારનો ત્યાગ કર્યો. ઇવેલિને કહ્યું કે ચીનમાં ભલે માંસાહારનો પ્રભાવ હોય, પરંતુ માંસત્યાગનો ઉપદેશ આપતી આવી ઘણી પ્રાચીન ચીની કથાઓ મળે છે.

ચીનના ઝેન ગુરુ હાન-શૂ-ત્ઝુની એક કાવ્યરચના ચીનના ઝેન સંપ્રદાયમાં અત્યંત પ્રસિદ્ધ છે. એમાં એક વ્યક્તિ બજારમાં જઈને પોતાની પત્ની અને બાળકોનાં ભોજનને માટે માંસ અને માછલી લાવે છે. પછી એના મનમાં સવાલ જાગે છે કે અમારા જીવનને જાળવવા માટે અમારે શા માટે બીજાનું જીવન છીનવી લેવું ? આ તો તદ્દન અતાર્કિક અને અનીતિપૂર્ણ ગણાય. આમ કરવાથી સ્વર્ગની સમીપ જવાને બદલે નરકના બાસીંદા બનીશું.

ઝુઝુબે ટ્રી હોટલની એક શાખા હુઈ હાઈ માર્ગ પર આવેલી છે અને એના મૅનેજરનું પદ ધરાવતી શાકાહારી લીલી વુ એ કહ્યું કે એની માતા એને વારંવાર માંસાહાર કરવાનો આગ્રહ કરતી હતી, આથી એ માંસાહારી બની. જો માતા-પિતા આવો આગ્રહ રાખે નહીં, તો બાળક શાકાહારી જ બને. ફ્રાંસના ક્રાંતિકારી વૉલ્તેર રૂસોએ કહ્યું છે કે માતા-પિતા શીખવે નહીં, તો બાળક માંસાહારી થાય નહીં.

ચીનમાં શાકાહારની વાત કરવી એ કેટલાકને સસ્તી કે નિમ્ન વાત લાગે છે. કેટલાક તો આશ્ચર્ય સાથે સવાલ કરતા કે આવો ખોરાક ખાઈને આપણું જીવન ટકી શકે ખરું ? તો કેટલાક સવાલ કરતા હતા કે શું માંસાહાર એ આહાર નથી ?

આજે ચીનમાં ઝડપથી શાકાહારી રેસ્ટોરન્ટ ખૂલી રહ્યાં છે અને એનું કારણ એ છે કે વૈશ્વિકીકરણને કારણે ચીનમાં શાકાહારનો આગ્રહ રાખનારા વિદેશીઓની આવનજાવન વધી છે. બીજી બાજુ બૌદ્ધ અને તાઓ ધર્મના મૂળ ધર્મગ્રંથોના અભ્યાસને કારણે પણ આવું વલણ વધતું રહ્યું છે.

ભારતમાં થયેલા સાંખ્યમુનિ બુદ્ધનાં વચનોને ચીનમાં સર્વત્ર આદરભર્યું સ્થાન મળે છે. એમણે અહિંસાનો ઉપદેશ આપતાં કહ્યું કે કોઈ પણ જીવંત પ્રાણીને ઈજા પહોંચાડવી નહીં. માંસાહારથી અળગા રહેવું. આ સાંખ્ય-મુનિ બુદ્ધે કહ્યું કે માંસાહાર જન્મજાત નથી. વ્યક્તિ એની ઇચ્છા સાથે જન્મતી નથી. વળી આવો માંસાહાર કરનાર એમની ભીતરમાં રહેલી અગાધ કરુણાનો ઉચ્છેદ કરે છે. એક બીજા સ્થળે સાંખ્યમુનિ બુદ્ધે લખ્યું છે કે માંસાહારીઓ એકબીજાની હત્યા કરે છે અને એકબીજાને ખાય છે. એક અન્ય સ્થળે કર્મસિદ્ધાંત લક્ષમાં રાખીને કહ્યું છે આ જીવનમાં હું તમારી હત્યા કરીને તમારું ભોજન કરીશ. આવતા ભવમાં તમે મારી હત્યા કરીને મારું ભોજન કરશો. આમ કર્મનું ચક્ર અવિરામ ગતિએ ચાલ્યા કરશે. એમાંથી મુક્તિ નહીં મળે. ‘વાવશો તેવું લણશો’ એ સિદ્ધાંત દર્શાવીને એમ કહે છે કે તમારી માંસાહારની ઇચ્છાને કારણે તમે દુષ્કર્મો કરો છો અને આવાં દુષ્કર્મોનું વળતર તમારે ચૂકવવું પડે છે. આથી ચીનના કેટલાક વિચારકો એમ માને છે કે શાકાહારી ભોજન લઈને તમે સ્વયં જાતને એક સુંદર ભેટ આપી શકો છો.

પશ્ચિમની દુનિયામાં શાકાહાર આરોગ્ય માટે આવશ્યક કહેવાય છે, પણ હજી એ વિચાર ચીનમાં બહુ પ્રચાર પામ્યો નથી. આજે તો જુજુબે ટ્રીના માલિક સેંગ અને એના સાથીઓ ચીનમાં શાકાહારનું આંદોલન કરી રહ્યા છે. શાંગહાઈમાં કોઈ પણ સાહસિક વેપારી શાકાહારી રેસ્ટોરન્ટ ખોલવા ઇચ્છે તો એને મદદ કરવા દોડી જાય છે. શ્રીમાન સેંગ કરતાં શ્રીમતી સેંગ એક જુદી રીતે શાકાહારનો પ્રચાર કરવા માગે છે. તેઓ ચીનનાં મહાનગરોને બદલે એનાં જુદાં જુદાં નગરોમાં આવી રેસ્ટોરન્ટ સ્થાપીને શાકાહારનો વધુ વ્યાપક પ્રચાર કરવા માગે છે. ચીનના શાંગહાઈ શહેરમાં શાકાહારી ભોજન પીરસતી હોટલ જોવા મળે એ આશ્ચર્ય ગણાય, પરંતુ એ આશ્ચર્ય પરમ આશ્ચર્યમાં ત્યારે પલટાયું કે ચીનના શાંગહાઈ શહેરમાં એક-બે નહીં, પણ વીસ જેટલી શાકાહારી રેસ્ટોરન્ટ છે !

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑