આઠ દાયકાની જીવનસફર પર જરા દૃષ્ટિપાત કરું છું, ત્યારે એમ લાગે કે જીવનમાં અનેક ક્ષેત્રની ઉત્તમ વ્યક્તિને મળવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. જૈનદર્શનમાં પંડિત સુખલાલજી હોય, પં. બેચરદાસજી હોય, દલસુખભાઈ માલવણિયા હોય; રાજકારણમાં લાલબહાદુર શાસ્ત્રી જેવા અનન્ય રાજપુરુષ હોય; ધર્મદર્શનમાં પૂજ્ય આનંદમયી મા, પૂજ્ય શ્રી મોટા અને અનેક જૈન અને હિંદુ સાધુ-મહાત્માઓ હોય; શિક્ષણમાં શ્રી ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, મધુસૂદન પારેખ, યશવંત શુક્લ કે પ્રબોધ પંડિત હોય; સેવાના ક્ષેત્રે મધર ટેરેસા કે બાબા આમટે અથવા તો ગુજરાતની અનેક સેવાપ્રવૃત્તિઓના સહયોગીઓ હોય; પત્રકારત્વમાં શ્રી શાંતિલાલ શાહ, શ્રી વાસુદેવ મહેતા અને એવા અનેક પત્રકારો હોય — એ સહુ કોઈ પ્રતિભાનો વિચાર કરું છું, કિંતુ જિંદગીની આ રફતારમાં કોઈ એક એવી વ્યક્તિ મળે કે જેના સર્વાંગી વ્યક્તિત્વનો સ્પર્શ થાય, એનું દીર્ઘ સાન્નિધ્ય સાંપડે અને એની સચ્ચાઈ, સહૃદયતા અને સર્જકતા એ સહુ કોઈ સ્પર્શી જાય, ત્યારે કેવી ધન્યતાનો અનુભવ થાય ! મને એવી કોઈ વ્યક્તિ મળી હોય તો તે જાદુવિદ્યાના વિખ્યાત કલાકાર શ્રી કે. લાલ છે.
ઈ. સ. 1961માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં ઇન્ટર આર્ટ્સમાં અભ્યાસ કરતો હતો, ત્યારે અમદાવાદના ટાઉનહૉલ પાસે લગાડવામાં આવેલા જાદુગર કે. લાલનાં મોટાં હોર્ડિંગ્સ જોતો હતો. એ આંખો, એ છટા, એ લેબાશ એ બધી બાબતો ચિત્તને આકર્ષતી હતી. એવામાં એક દિવસ પિતા જયભિખ્ખુએ કહ્યું કે, ‘અમદાવાદના ટાઉનહૉલમાં યોજાતા કે. લાલના શોની ટિકિટ લઈ આવ.’ આનું કારણ એ હતું કે સાહિત્યપ્રેમી કે. લાલ એ સમયે પોતાના શોમાં સાહિત્યકારોને હોંશે હોંશે નિમંત્રણ આપતા હતા. અગાઉ ઈશ્વર પેટલીકર અને પીતાંબર પટેલ એ શો જોઈ આવ્યા હતા. સ્વયં કે. લાલે જયભિખ્ખુને શોમાં આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું, પરંતુ એ જઈ શક્યા નહોતા. મિત્રો પાસેથી કે. લાલની વાત સાંભળીને જયભિખ્ખુના મનમાં કે. લાલનો શો જોવાની ઇચ્છા થઈ અને તેથી મને ટિકિટ લાવવાનું કહ્યું.
શોની આગળની હરોળની ટિકિટ વેચાઈ ગઈ હતી. છેક અઢારમી હરોળની ટિકિટ મળી હતી. એક વિસ્ફોટ સાથે શો પર પોતાની આગવી છટા અને પારાવાર ઉત્સાહથી કે. લાલ પ્રવેશે છે. સભાગૃહમાં બિરાજમાન પ્રેક્ષકો તરફ નજર ફેરવી લેતી વખતે, જાણે દર્શકો પર પોતાની નજરનું કામણ કરતા હોય એમ લાગે. એ જાદુગરની ઘૂમતી આંખ અઢારમી હરોળમાં બેઠેલી વ્યક્તિને પારખી ગઈ. સહેજ પડદા પાછળ જઈને ફરી ધારીને જોયું તો ખ્યાલ આવ્યો કે આ તો સર્જક જયભિખ્ખુ છે.
આમ તો એ પૂર્વે કૉલકાતાની સાહિત્ય પરિષદમાં કે. લાલ જયભિખ્ખુને મળવા ગયા હતા અને ત્યારે એમને જવાબ મળ્યો હતો કે, ‘જુઓ, પેલી બાજુ બાલાભાઈ દેસાઈ બેઠા છે.’
એ સમયે કે. લાલને મળવું હતું જયભિખ્ખુને અને એમને બતાવવામાં આવ્યા બાલાભાઈ દેસાઈ ! વળી કે. લાલની કલ્પના હતી કે જયભિખ્ખુ એ કોઈ મોટી ઉંમરના, શ્વેત દાઢીધારી આશ્રમવાસી હશે. એમણે જયભિખ્ખુની ‘જૈન વાચનમાળા’ની પુસ્તિકાઓ વાંચી હતી, જેમાં જૈન ધર્મનાં તીર્થંકરો, તીર્થો અને શ્રેષ્ઠીઓનાં ચરિત્રો આલેખવામાં આવ્યાં હતાં. આ પુસ્તિકાઓ વાંચતાં કે. લાલના મનમાં એના સર્જકની છબી મનમાં ઊપસી આવી હતી, પણ પછી ખબર પડી કે બાલાભાઈ દેસાઈ એ જ ‘જયભિખ્ખુ’ છે. ‘જયભિખ્ખુ’ એ એમનું તખલ્લુસ છે.
શોના પ્રારંભે આ જાદુગરની આંખ પારખી ગઈ કે આ જ એ ‘જયભિખ્ખુ’ છે, એટલે તરત જ પોતાના એક કર્મચારીને સૂચના આપી. જયભિખ્ખુને અઢારમી હરોળમાંથી ઊભા કરીને પહેલી હરોળમાં બેસાડ્યા. સર્જક જયભિખ્ખુ તો કે. લાલની એક એક છટા, એમની ત્વરા અને એમની પ્રસ્તુતિ જોઈને પ્રસન્ન થઈ ગયા અને સાથોસાથ કે. લાલને પણ એક એવો અનુભવ થયો કે એમની સમક્ષ જીવનમાં સાહિત્યનો આનંદ આપનાર જ નહીં, બલ્કે જીવનઘડતર કરનાર કોઈ ગુરુ ઉપસ્થિત ન હોય !
એક ક્ષણે કે. લાલને એમ થયું કે આ જાદુના વેશમાં દોડીને એમની પાસે પહોંચી જાઉં અને આદરપૂર્વક વંદન કરું, પરંતુ એમણે પોતાની જાત પર સંયમ રાખ્યો. આ સંદર્ભમાં શ્રી કે.લાલે ગુજરાતના પ્રસિદ્ધ લેખક શ્રી રજનીકુમાર પંડ્યાને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે એ વખતે મારામાં ભક્તની ભગવાન પ્રત્યેની ભાવઉત્કટતા આવી ગઈ હતી.’
એ કે.લાલે શો પૂરો થતાં એમના એક સાથીને ‘જયભિખ્ખુ’ પાસે મોકલ્યા અને ચહેરા પર મેકઅપ સાથે ચમકદાર વસ્ત્રોમાં તેઓ જયભિખ્ખુનો ચરણસ્પર્શ કરવા માટે નીચે નમ્યા, ત્યારે જયભિખ્ખુએ એમને બે હાથે પકડી લેતાં કહ્યું, ‘તમારા જેવા કલાકારનું અમારે સન્માન કરવાનું હોય, તમે આવું માન કેમ આપો છો ? તમારી કલા-સાધનાને જોઈને હું આફરીન થઈ ગયો છું.’
આ ઘટનાને તમે ઋણાનુબંધ કહી શકો. આ ઘટનાને તમે લોહીની સગાઈનો કશો સંબંધ ન હોવા છતાં દિલની અતૂટ સગાઈ કહી શકો, આ ઘટનાને તમે પૂર્વભવોના કોઈ સંબંધ સાથેય સાંકળી શકો. ગમે તેમ, પણ એ સમયથી શ્રી કે. લાલ સાથે એવો કૌટુંબિક સંબંધ બંધાયો કે શ્રી જયભિખ્ખુ એમને માટે આદર્શ હતા, તો મારે માટે કે. લાલ એક અનન્ય પ્રેરક વ્યક્તિ હતા.
એ પ્રેરણાનું સ્મરણ કરું છું, ત્યારે કેટકેટલા પ્રસંગો ચિત્તમાં ઊભરાય છે. મારે મન કે. લાલ માત્ર વિશ્વના સૌથી વધુ વન-મૅન શો કરનાર મહાન જાદુગર નહોતા, મારે મન એ વિશ્વભરમાં પોતાની કલાથી છવાઈ જનારી વિરલ પ્રતિભા નહોતા. એ બધાથીયે વિશેષ એમનું સમગ્ર જીવન મારા ચિત્ત પર એવું છવાઈ ગયું હતું કે એ વેળાએ ક્યારેક મનમાં શાયરનો શેર ગુંજી ઊઠતો,
‘તેરે નામ પર નૌજવાની લૂંટા દૂં,
જવાની નહીં, જિંદગાની લૂંટા દૂં.’
આનું કારણ એ છે કે એમના વ્યક્તિત્વમાં કલાની એકનિષ્ઠ સાધના, જીવનની મૂળગામી સચ્ચાઈ, અનન્ય સિદ્ધિ છતાં અપાર નમ્રતા, શો બિઝનેસમાં હોવા છતાં સાવ સાદાઈ, અઢળક ધનને બદલે દેશની પ્રતિષ્ઠા માટેની ખેવના મને સ્પર્શી ગયાં. ધીરે ધીરે એ સંબંધ એટલો ગાઢ બન્યો કે કે. લાલ સાથે એમના જીવન વિશે ઘણી વાતો થતી અને વિશેષ તો એનો પ્રત્યક્ષ અનુભવ થતો.
એમનાં પત્ની પુષ્પાબહેન ઘર-ગૃહસ્થી સંભાળે, સાથોસાથ શોમાં થયેલી આવકનો હિસાબ રાખે, કે. લાલની એટલી બધી સંભાળ લે કે જેથી કલાકારને એની કલાની દુનિયામાંથી બહાર આવવાની બહુ જરૂર ન રહે. એક વાર મુંબઈના એક શો દરમિયાન યુવાન, સોહામણા અને થનગનતા કે. લાલ પાસે એક અભિનેત્રીએ આવીને પ્રેમભર્યો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે કે.લાલે એમને પડદાની પાછળ બેઠેલી મહિલાને મળવાનું કહ્યું. એ પુષ્પાબહેન હતાં. એ અભિનેત્રીને આશ્ચર્ય થયું કે કે. લાલ જે ઝડપથી જુદા જુદા વેશ પહેરીને તખ્તા પર આવે છે, તેનું કારણ એમનાં પત્ની પુષ્પાબહેન છે. આવી અનેકવિધ ક્ષમતા ધરાવતાં પુષ્પાબહેન કે. લાલના કલારસિક જીવને એવી તો મોકળાશ આપી કે કે. લાલને ક્યારેય હેરકટિંગ માટે કે ડાઈ કરાવવા માટે બહાર જવું પડ્યું નહોતું. પુષ્પાબહેન જ એ સઘળી કામગીરી સંભાળતાં હતાં.
જીવનના પ્રારંભે કૉલકાતામાં આવેલી એમની વિખ્યાત સાડીની દુકાનમાં કે. લાલ ઉર્ફે કાંતિલાલ કુશળ વ્યાપારી તરીકે નામના ધરાવતા હતા. દિવસે દુકાનમાં કામ કરે અને રાત્રે બધા સૂઈ ગયા હોય, ત્યારે જાદુના પ્રયોગ કરે. આને પરિણામે દિવસો સુધી એમણે એમનાં પત્ની પુષ્પાબહેન સાથે ભાગ્યે જ વાતચીત કરી હશે. જાદુના પ્રયોગ માટે પૈસા જોઈએ, સાધનો જોઈએ, પિતા પાસેથી તો કઈ રીતે માગી શકાય ? જૈનનો દીકરો જાદુગર બને એની એમને કલ્પના જ ક્યાંથી હોય ? આથી એ સમયે પુષ્પાબહેને પોતાના પિયરથી આવેલી સંપત્તિ આપી અને એના દ્વારા કે.લાલે જાદુકલાનાં સાધનો વસાવવાનો પ્રારંભ કર્યો.
મૂળ અમરેલી જિલ્લાના બગસરાના કે. લાલ ઉર્ફે કાંતિલાલ ગિરધરલાલ વોરાનો જન્મ 1924ની પહેલી જાન્યુઆરીએ થયો. શ્રી ઝવેરચંદ મેઘાણી બગસરાની માટીનું માણેક હતા. કે. લાલનો પરિવાર વર્ષોથી રાષ્ટ્રીય ભાવનાથી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓથી રંગાયેલો હતો. બગસરામાં મહાત્મા ગાંધીજી બે સ્થળે ઊતરતા. એક પટણીને ત્યાં અને બીજા કે. લાલને ત્યાં. એ સમયે એમની દુકાનમાં બગસરાનાં સુપ્રસિદ્ધ ચોફાળ વેચતા અને એમને ગાંધીજીએ ‘હિંદનું માન્ચેસ્ટર’ એવો ઇલકાબ આપ્યો હતો. ગાંધીજીની મુલાકાત સમયે એમણે સ્પર્શેલી વસ્તુઓનો આજે પણ બગસરાના બાલમંદિરમાં સંગ્રહ છે.
એનું મુખ્ય કારણ આ પરિવારના લાલચંદ બાપાને ફાળે જાય છે, જેમણે ખાદીપ્રવૃત્તિ અને બાળકેળવણી માટે ઉમદા કાર્યો કર્યાં. એ પછી કૉલકાતામાં આ પરિવારની કાપડની દુકાનો ચાલતી હતી, પણ ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળ વખતે ઘરનાં અને દુકાનનાં કાપડની હોળી કરી અને ઘરની સ્ત્રીઓએ પણ પોતાની ભારેમાં ભારે સાડીઓ હોળી કરવા માટે આપી દીધી હતી. આવા રાષ્ટ્રીય ભાવનાને રંગે રંગાયેલા એક સફળ વ્યાપારી જૈન પરિવારમાં જાદુકલાનું સ્થાન ક્યાં ? અને એ જ બાબત કે. લાલની આ કલા તરફની સરફરોશી બતાવે છે.
આને માટે એમણે કેટલાય અવરોધો પાર કર્યા. પહેલો અવરોધ તો એ કે કૉલકાતામાં ધીકતી કમાણી કરી આપતી દુકાનમાં તેઓ સૌથી કાબેલ વ્યાપારી ગણાતા હતા. બીજી વાત એ કે આવા પરિવારમાં રહીને જાદુકલાના પ્રયોગો કરવા એ અશક્ય વાત હતી. ત્રીજો સવાલ એ ઊભો થયો કે આ પ્રયોગો શીખીને કઈ રીતે એને તખ્તા પર ‘શ્રી કાંતિભાઈના જાદુ પ્રયોગો’ તરીકે રજૂ કરવા.
આથી એમણે શરૂઆત કૉલકાતાના વીસા શ્રીમાળી મિત્રમંડળના લાભાર્થે એક શો આપવાની ઑફર મૂકી. થયું કે પોતાના સમાજમાં તો તક મળશે જ, પરંતુ અગ્રણીઓએ કહ્યું, ‘અરે, કાપડ ફાડતા કાંતિભાઈ જાદુ શું કરવાના છે ? કોણ એમને જોવા આવશે ?’
આમ કે. લાલને પહેલો આઘાત પોતાના સમાજ પાસેથી જ સહેવાનો આવ્યો, પરંતુ જાદુકલાની એવી આશિકી કે એમણે અગ્રણીઓ પાસે જઈને આજીજી કરી અને અંતે રજા મળી અને આ શો સફળ થયો. સંસ્થાને સારી એવી આવક થઈ.
બંગાળમાં ચિત્તરંજન દાસને અંગ્રેજીમાં સી. આર. દાસ કહેવામાં આવતા. એટલે કાંતિભાઈએ પોતાનું નામ કે. લાલ રાખ્યું અને આ નામે એક નવો જાદુ સર્જ્યો. એમ પણ લાગ્યું કે કામમાં જાદુ રાખવા સાથે નામમાં પણ જાદુ હોવો જોઈએ. કોઈ એમને પંજાબી માને, તો કોઈ વળી રાજસ્થાની.
એમની સામે ત્રીજો અવરોધ એ આવ્યો કે જાદુ વિશે સમાજમાં ઘણી ડરામણી માન્યતાઓ પ્રવર્તતી હતી. જાદુનો ખેલ કરવા માટે મેલોઘેલો મદારી અને ગારુડી આવે, ડુગડુગી બજાવે, ટોપલીમાંથી સાપ કાઢે, લાલઘૂમ આંખો હોય, મોંમાંથી અપશબ્દો બોલતો હોય, વાળ વિખરાયેલા હોય, લાંબી દાઢી રાખતો હોય, આવો મદારી વિશેનો આપણો ખ્યાલ હતો. કે.લાલે આ ખ્યાલમાં એક એવું પરિવર્તન આણ્યું કે જે જાદુગર સમાજને ડરાવતો હતો, એ જાદુગરને સમાજ આલિંગન આપવા આતુર બન્યો.
એ રીતે પરિવર્તન તો સાધ્યું, પણ આસપાસના સમાજનું દૃષ્ટિ-પરિવર્તન કરવું મુશ્કેલ હતું. ‘વાણિયાનો દીકરો મદારી થાય ?’ વળી ‘અમારું કુળ કયું ?’ એ બધી વાતોએ એમના પિતા ગિરધરભાઈને એક સમયે ખૂબ આઘાત આપ્યો હતો. એ એમ માનતા હતા કે એમનો દીકરો તો શોખથી જાદુ કરે છે, ગમ્મતને ખાતર ખેલ કરે છે, પણ એમને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે કે. લાલ આ રીતે સ્ટેજ પર જાદુગર તરીકે આવવા ચાહે છે.
એમણે કે. લાલને કહ્યું કે, ‘આપણા બાપદાદાઓ તો મદારી અડી જાય તોય નાહી લેનારા. વળી આ ધંધાની મથરાવટી જ મેલી. આ વિચાર છોડી દે.’ આ કારણે થયેલા આઘાતને કારણે એમના પિતા ગિરધરભાઈ એક મહિના સુધી દુકાને ગયા નહોતા અને વિચારતા પણ ખરા કે આને કન્યા કોણ આપશે ?
બીજી બાજુ જાદુ એ કે. લાલને માટે જીવન જીવવાનો પર્યાય હતો. એ કોઈ મારણમંત્ર કે મૂઠ મારવાની વાત નહોતી, પરંતુ એ આકરી કલા અને અવિરત સાધના હતી. 1940માં એક સંબંધીને ત્યાં લગ્નપ્રસંગે જૂનાગઢ પાસેના થાણાદેવડી નામના ગામમાં ગયા હતા, ત્યારે કે.લાલે અડધા કલાકનો જાદુનો પ્રયોગ બતાવ્યો અને સહુને સ્તબ્ધ કર્યા, પણ એના પ્રતિભાવમાં સહુએ કહ્યું કે આ તો સ્મશાનવિદ્યા છે, ડાકણવિદ્યા છે. આ આપણા કાંતિએ તો ભારે કરી. સહુએ એમના ગોળાનું પાણી પણ હરામ ગણ્યું અને વધારેમાં એમના પિતાને માથે મોટી પસ્તાળ પડી.
જાદુવિદ્યામાં એ સમયે વિદેશના અને દેશના જાદુગરો હૅટ પહેરતા હતા. એમાં જાદુગર કે.લાલે પરિવર્તન કર્યું અને પાઘડી પહેરવાનું શરૂ કર્યું અને બન્યું એવું કે એમની આ પાઘડી એટલી બધી પ્રચલિત બની કે મોટા ભાગના જાદુગરોએ હૅટને તિલાંજલિ આપી પાઘડીને અપનાવી લીધી. જાદુકલા એ મદારીની ડુગડુગી સાથે રસ્તા પર ખેલાતી કલા હતી. એ કલાને એમણે તખ્તા પર નિર્દોષ મનોરંજન અને જીવનલક્ષી સંદેશ સાથે પેશ કરવાનો પ્રયત્ન કર્યો.
એમાં વળી એક નવો અવરોધ આવ્યો. જાદુકલામાં એવું કે એક બૉક્સમાંથી કબૂતર બહાર કાઢે અને પછી થોડી વારમાં એ બૉક્સમાંથી કબૂતર ગાયબ હોય. હકીકતમાં આ રીતે ગાયબ થયેલું કબૂતર મરી ગયું હોય. એવી જ રીતે અન્ય પક્ષીઓ સાથે થતું. કે. લાલની ધાર્મિકતા આ સહન કરી શકે તેમ નહોતી, આથી એમણે એવું પરિવર્તન કર્યું કે જેથી એ કબૂતર અદૃશ્ય થઈ જાય, પણ જીવતું રહે. આમ એક કલાની સાધના પાછળ કે.લાલે પોતાનો જીવ નિચોવી દીધો અને નાના મંડળમાં બતાવેલા જાદુના પ્રયોગોમાંથી વિશ્વવિખ્યાત જાદુગર થવાની એમની કારકિર્દીમાં કેવી આનંદની ભરતી અને આઘાતની ઓટની વણઝાર આવતી રહી !