એક ધનવાને સંપત્તિ મેળવવા માટે રાતદિવસ અથાગ પુરુષાર્થ કર્યો. ક્યારેક ન્યાયી માર્ગે સંપત્તિ મેળવી, તો ક્યારેક ખોટે રસ્તે પણ. એનાં સગાંવહાલાંઓ અને પરિવારજનો આ ધનિકને એક ક્ષણ પણ એકલા રહેવા દેતા નહીં. ધનવાન પરિવારજનોને સતત સહાય કરતા, પરંતુ એવામાં આ ધનવાનને જીવલેણ રોગ લાગુ પડ્યો. રોગ સતત વધતો ચાલ્યો અને સમય જતાં એમનું મૃત્યુ થયું.
ધનવાનને લેવા માટે યમદૂતો આવ્યા અને એમને લઈને યમરાજના દરબાર ભણી ચાલ્યા. રસ્તામાં ધનવાને યમદૂતોને કહ્યું, ‘ભાઈ, તમે મારું એક કામ કરશો ? તમે કહેશો એટલી સુવર્ણમુદ્રાઓ આપીશ.’
યમદૂતો હસી પડ્યા. એમણે ધનવાનને કહ્યું, ‘શેઠ ! અમારે સુવર્ણમુદ્રાનું શું કામ ? અમારા સ્વર્ગમાં તો તમારી સુવર્ણમુદ્રાની કોઈ કિંમત નથી.’
ધનવાને આશ્ચર્ય સહિત કહ્યું, ‘શું કહો છો ? પૃથ્વી પર તો આ સુવર્ણમુદ્રાથી ધાર્યુ કામ કરાવી શકતો હતો, પછી તે સારું હોય કે ખોટું ! ખેર ! પણ હું તમને આજીજી કરું છું કે તમે મારું એક કામ કરી આપો.’
યમદૂતોને આશ્ચર્ય થયું. એમણે કહ્યું, ‘શેઠ ! લાંચ આપવાનો વિચાર છોડી દો. એ બધું પૃથ્વી ઉપર ચાલે. પણ કહો, તમારે શું કામ છે ?’
શેઠે કહ્યું, ‘મારે થોડી વાર ઘેર પાછા ફરવું છે. મને મારા ઘેર જવા દો. પરિવારજનોને મળવું છે.’
યમદૂતોએ કહ્યું, ‘અમારો નિયમ છે કે જેમને પૃથ્વી પરથી લીધા હોય, તેમને સીધેસીધા યમદેવ પાસે લઈ જવા, આમ છતાં તમારું કોઈ અગત્યનું કામ બાકી રહી ગયું હોય તો અમે યમદેવને પૂછીને તમને પરવાનગી આપીશું.’
યમદૂતોએ પરવાનગી મેળવી અને શેઠ પૃથ્વી પર આવ્યા. પોતાના ઘરમાં પ્રવેશ્યા અને થોડી વારે દોડતા-દોડતા પાછા યમદૂતો પાસે આવીને બોલ્યા, ‘ચાલો, જલદી જલદી ચાલો.’
યમદૂતો શેઠની અધીરાઈથી અચરજ પામ્યા. એમણે કારણ પૂછ્યું, ત્યારે ધનવાને કહ્યું, ‘મેં અપાર ધનસંપત્તિ એકઠી કરી હતી. પરિવારજનોને સારું એવું ધન આપ્યું હતું. હું માનતો હતો કે તેઓ મારી વિદાયના આઘાતથી દિગ્મૂઢ બની ગયા હશે. પણ મેં જઈને જોયું તો તેઓ તો મારી સંપત્તિની વહેંચણી માટે ઝઘડતા હતા. કોઈ કહેતું હતું કે શેઠમાં સમજ ક્યાં હતી અને કોઈ કહેતું હતું કે એ તો સાવ મૂર્ખ હતા. કોઈ પૈસા માગતું હતું પણ કહેતું હતું કે શેઠે કાળું ધન ભેગું કરવામાં કેટલાં બધાં કાળાં કામ કર્યા. આ બધું સાંભળીને મારા કાનમાંથી કીડા ખરી પડ્યા. બધાને મારી સંપત્તિમાં રસ હતો. મારી વિદાયનો કોઈને અફસોસ નહોતો.
યમદૂતે કહ્યું, ‘જુઓ શેઠ ! સંસારમાં વ્યક્તિ એકલી આવે છે અને એકલી જાય છે. એ જે કંઈ સારાં કે ખોટાં કર્મ કરે, એ એને પોતાને ભોગવવાં પડે છે. સહુને આ સત્ય સમજાય છે ખરું, પણ સમજવામાં ઘણો વિલંબ થાય છે. હવે તમારી સાથે કોઈ નથી. ન સંપત્તિ કે ન સગાંવહાલાં. હવે છે માત્ર કર્મ.’