ભારતના સમાજસુધારક, ધર્મસુધારક અને રહસ્યવાદી સંતકવિ તરીકે જાણીતા થયેલા દાદૂ દયાલનો જન્મ અમદાવાદમાં થયો હતો. એમણે બાબા વૃદ્ધાનંદ પાસે દીક્ષા લીધી અને ત્રીસ વર્ષની વયે રાજસ્થાનના સાંભર ગામમાં જઈને રહ્યા.
દાદુ દયાલે ‘બ્રહ્મ સંપ્રદાય’ સ્થાપ્યો, જે સમય જતાં ‘દાદૂ પંથ’ને નામે પ્રચલિત બન્યો. એ પછી રાજસ્થાનના આમેરમાં ચૌદ વર્ષ રહ્યા અને તેમની ખ્યાતિથી પ્રેરાઈને ઈ. ૧૫૮૭માં ફત્તેહપુર સિક્રીમાં સમ્રાટ અકબરે ચાલીસ દિવસ સુધી એમની સાથે આધ્યાત્મિક ચર્ચા કરી હતી.
એ સમયે એક રાજના કોટવાલને સંત દાદૂની ખ્યાતિ સાંભળીને, એમને ગુરુપદે સ્થાપવાની ઇચ્છા થઈ. એ સંત દાદૂની શોધમાં ચાલી નીકળ્યો. રસ્તામાં એણે એક સાધારણ વ્યક્તિને જોઈ. એણે શરીર પર માત્ર ધોતિયું પહેર્યું હતું. એની પાસે જઈને પૂછ્યું, ‘અરે ભાઈ, તને ખબર છે કે સંત દાદૂનો આશ્રમ ક્યાં છે ?’
એની વાત સાંભળવાને બદલે પેલી વ્યક્તિ પોતાનું કામ કરતી રહી. કોટવાલને માટે આ સાધારણ વ્યક્તિની આવી ઘોર ઉપેક્ષા અક્ષમ્ય અને અસહ્ય બની, એટલે એણે એ ગરીબ માનવીને લાકડીથી ફટકારવા માંડ્યો. પેલી વ્યક્તિ ચૂપચાપ ઊભી રહીને માર સહેતી રહી એટલે કોટવાલ વધુ ક્રોધે ભરાયો અને એને જોરથી ધક્કો મારીને સંત દાદૂને શોધવા માટે આગળ વધ્યો.
માર્ગમાં થોડાંક ડગલાં આગળ ગયા પછી કોટવાલને એક બીજી વ્યક્તિ મળી. એને ઊભા રાખીને કોટવાલે પૂછ્યું, ‘તમને ખબર છે ? સંત દાદૂ ક્યાં રહે છે ?’
પેલી વ્યક્તિએ કહ્યું, ‘અરે, એમને કોણ ન ઓળખે ? તમે જ્યાંથી આવો છો, ત્યાં જ એ રહે છે. અહીંથી થોડે દૂર એમનો આશ્રમ આવેલો છે. હું પણ એમના દર્શન માટે જઈ રહ્યો છું. ચાલો, મારી સાથે.’
મનોમન પ્રસન્ન થયેલો કોટવાલ વટેમાર્ગુની સાથે ચાલવા લાગ્યો અને એમને આશ્રમમાં લઈ ગયો. આશ્રમમાં સંત દાદૂને જોતાં જ કોટવાલ સ્તબ્ધ બની ગયો. એમને તો એણે સાધારણ માનવી સમજીને અપમાનિત કર્યા હતા, એટલું જ નહીં પણ જોરથી ધક્કા માર્યા હતા.
કોટવાલ સંત દાદૂનાં ચરણોમાં પડીને ક્ષમા માગવા લાગ્યો. એનો ચહેરો જોઈને સંત દાદૂએ હસતાં હસતાં કહ્યું, ‘ભાઈ, એમાં દુઃખી થવાની શી જરૂ૨ છે? અરે ! કોઈ માટીનો ઘડો ખરીદે, તોપણ એને બરાબર ટકોરા મારીને જુએ-ચકાસે છે, ત્યારે તું તો મને ગુરુ બનાવવા માગતો હતો ને !’