ઇન્સાફ તો ગરીબો માટે હોય…સુલતાનનો દામાદ કહે તે ન્યાય અને કરે તે સઘળું ન્યાયી
ફરિશ્તાઓ પણ જેના પર ફીદા થઈ જાય, એવો એ ઈન્સાન!
શહેનશાહ નહિ, પણ ઈન્સાન! ઈન્સાનિયત એ જ એની સાચી દોલત! દોલત! એ દોલત જાળવવા હજારો ન્યાયાલયે દરગુજર કરવી રહી! ખુદ જિંદગીની આસ ને રિશ્તાને તિલાંજલિ આપવાની પણ તૈયારી રહી.
અમદાવાદના ભદ્રના કિલ્લાનો દરવાજો આજે આ પૈગામ આપે છે. એક વખત એ દરવાજા પર ઘડિયાળ હતી. સમય સમયની તાસીર એ બતાવતી હતી, પણ એક સમયે આ કિલ્લામાં સુલતાનો બેસતા અને સામે ફાંસીનો માંચડો ખડો થતો! જમાનાનો રંગ પણ કંઈક બદલાઈ ગયો. નહિ તો અદલ ઈન્સાફની એક કહાની બા-પોકાર ૨જૂ થતી હોત!
અમદાવાદના સ્થાપક અહમદી શાસનના એ દિવસો! એ સમયે અમદાવાદ કલાકારીગરોનું ધામ લેખાય. અદલ ઈન્સાફ એના શહેનશાહની શાન લેખાય! રાય અને રંક એક ત્રાજવે તોળાય. સુલતાન એ ભાવનાને સદાય સાકાર કરે.
‘ખૂન! ખૂન! ખૂન!’ એક વિધવા ઓરત અમદાવાદની ભરી બજારો વીંધતી ચોધાર આંસુએ રડતી ચાલી જતી હતી. જુવાનીની કળી હજી ખીલતી જ હતી, વણપૂર્યા કોડ હજી એને અકળાવી રહ્યા હતા, ત્યાં જ એનું સુહાગ છીનવાઈ ગયું. એકાએક એના પતિનું ખૂન થયું!
રોજ રોજ પોતાના બટકબોલા પતિને એ બાઈ વિનવતી કે, ‘બહુ બટકબોલા થશો મા! આ તો રાજનાં કામ! કાલે બે પાડાની વચ્ચે કુમળું ઝાડ ઝુડાઈ જાય, એમ તું ઝુડાઈ જઈશ. એ દિવસે કોઈ આડો હાથ દેવા નહીં આવે, કોઈ મદદે નહીં દોડે! રાજકાજમાં દખલ કરવી છોડી દે. મોટાને નાના બતાવવાનો ખેલ છોડી દે.’
પણ જુવાનની જીભ ઝાલી ન રહી. ખુદ સુલતાન અહમદશાહના જમાઈની સાથે બાખડી પડયો. ‘અલ્યા! દુનિયાના ન્યાય-અન્યાયની, ખુદાના ઘરના ઈન્સાફની, તારે શી માથાકૂટ! એ તો ખાનદાની છોકરાં કરે એ બહાદુરી, ને ગરીબ છોકરાં કરે એ ચોરી.’
અને શાહોના શાહ અહમદશાહના જમાઈનો રોફ કંઈ સાવ સામાન્ય હોય! અરે, જ્યારે ખુદ સુલતાન પણ એને બે અક્ષર કહેતાં વિચાર કરે, ત્યારે આ તો બિચારું… મગતરૃં! એની શી મજાલ કે સામો હરફ પણ કાઢે!
પણ એ મૂરખ જુવાન ન સમજ્યો. જોશ એવું કે ઝાલ્યો ન રહ્યો. પરિણામે સુલતાનના જમાઈએ મ્યાનમાંથી તલવાર ખેંચીને એ બે અદબ બટકબોલા જુવાનનું માથું ઊડાવી દીધું.
રાજજમાઈએ હુકમ કરતાં કહ્યું, ‘જાઓ, એની લાશ એના સગાંને સોંપો. એ હેવાનને બેઅદબીનો નતીજો મળી ગયો.’
અમદાવાદની શેરીએ શેરીએ હાહાકાર વ્યાપી ગયો. અરે, બે શબ્દો સાચા-ખોટા કહેવામાં જો શિરની સલામતી ન રહેતી હોય તો ચૂપ રહેવું શું ખોટું! જીવનમાં જરા સમજદારી દાખવવી જોઈએ. હવે શું? આમ છતાં પેલી વિધવા ઔરતે સુલતાનના દરબારમાં જઈ ધા નાખી, પણ મોટા માનવીને ત્યાં ગરીબને ન્યાય માટે કોણ જવા દે? ચોકીદારોએ ધક્કા માર્યા, પણ એ પાછી ન હઠી.
આખરે શાહી કાન પર એ શબ્દો અફળાયા. આક્રંદનું કારણ પૂછયું. સ્ત્રીએ અદબની સાથે પોતાની વાત કહી ને છેલ્લેછેલ્લે કહ્યું ઃ
‘જહાંપનાહ, કદાચ મારા ખાવિંદે એમનું બગાડયું હતું, મેં તો કંઈ બગાડયું નહોતું. એમણે તલવાર ઉઠાવતાં પહેલાં વિચાર કરવો હતો, કે હું તલવારના એક વારમાં બે જીવની એક સાથે કતલ કરું છું. સરકાર! ચીભડાંના ચોરને ફાંસીની સજા હોય? તમે તો સહુના પાલક છો. હું તમારી દીકરી છું. મારો ન્યાય તોળો!’
દરબાર ખામોશ હતો. સહુ માનતા હતા કે સુલતાન સમજાવટ કરીને એને વિદાય આપશે અથવા તો મોટું વળતર ચૂકવશે! સુલતાન પળવાર ગંભીર ચહેરે ઊભા રહ્યા. થોડીવારે એમણે હુકમ કર્યો, ‘ગુનેગારને કેદ કરો ને કાજીને ઈન્સાફ માટે કહો.’
સુલતાનના જમાઈને ગુનેગાર તરીકે હાજ૨ ક૨તાં પણ સિપાઈઓ ધ્રૂજતા હતા. અરે, મોતની તે વળી મિત્રતા હોય? તેઓએ હાથ જોડીને દામાદ સાહેબને નમ્રભાવે, નમીને અરજ ગુજારી અને તેઓને દરબારમાં પધારવા કહ્યું. દામાદ સાહેબે ભારે મહેરબાની કરી. ભર્યા દરબારમાં શાહના જમાઈએ મૂછે વળ દઈ હાસ્ય કર્યું, ‘મારો તે વળી ઈન્સાફ! ભલે એ નાનું ન્યાયનું નાટક ભજવી સુલતાન રૈયતને ખુશ કરે! ઇન્સાફ તો ગરીબોને માટે હોય! દામાદને તે વળી ઇન્સાફ કેવો? એ કહે તે ન્યાય, એ કરે તે સઘળું ન્યાયી.’
અહમદી ઈન્સાફના તખ્ત પર બેસીને કાજીએ હજારોનો ઈન્સાફ કર્યો હતો. હજારોને કેદ, મોત કે રહેમ બક્ષી હતી, પણ આજનો આરોપી અજબ અનોખો હતો. એનો ગુનો પણ સામાન્ય નહોતો, જાહે૨માં ખૂનનો હતો.
‘ખૂનની સજા ખૂન’ એ એની ઈન્સાફી કિતાબ કહેતી હતી. દિલ પણ કહેતું હતું, છતાં કાયદાની કિતાબમાં સુલતાનના જમાઈએ ખૂન કર્યું હોય તો શી સજા કરવી એ લખ્યું નહોતું. અજબ મૂંઝવણ ઊભી થઈ ગઈ.
સમજદાર કાજીએ ચા૨ બીજા સમજદારોની સલાહ લીધી. સહુએ એક જ વાત કરી કે, ‘ગુનો તો ખરો, પણ ગુનો કરનારની લાયકાત તરફ જોવું રહ્યું. ગોળ કે ખોળ એક ભાવે ન વેચાય. ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા ન ખરીદ થાય, નહીં તો એનું નામ તો અંધેરી નગરી કહેવાય.’
કાજીને ગળે વાત ઉતરી ગઈ. દરેક માણસ કંઈ સમાન નથી. કોઈ ટકાના ત્રણ તો કોઈ લાખે પણ એક નથી મળતા. એણે ઈન્સાફની કોર્ટમાં ઈન્સાફ તોળવા માંડયો. વિધવા ઓરતને કહ્યું, ‘તારા પતિના ખૂનના બદલામાં તને ત્રીસ અરબી ઊંટ આપવાનું ફરમાન કરું છું.’
‘એક આદમીના જાનની કિંમત ત્રીસ અરબી ઊંટ બરાબર?’ વિધવા ઓરતે પોકાર કર્યો.
‘ખામોશ! બહુ ડાહી થઈશ નહીં. જા, બસ, ચાલીસ ઊંટ આપીશ.’ સુલતાનના જમાઈએ કહ્યું. એના દિલમાં જરાય રંજ નહોતો. શાહના જમાઈની ઉદારતા પર દરબાર આખો વારી ગયો. કચેરી બરખાસ્ત થઈ. ઈન્સાફ પૂરો થયો. જમાઈરાજે ફરી મૂછ પર તાવ દીધો અને એ વાત પર દિવસો વીતી ગયા.
અચાનક આજ કચેરી ભરવામાં આવી. અચાનક સુલતાન અહમદશાહે પેલા ગુનાના ઈન્સાફની તપાસ કરી. કાજીએ અદબથી કુરનીશ બજાવતા કહ્યું, ‘માલિક ઈન્સાફ તો થઈ ગયો. દામાદ સાહેબ દયાવાન છે. અરે! એમણે તો ત્રીસને બદલે ચાલીસ અરબી ઊંટ આપ્યા.’
‘કાજીજી, એક ઈન્સાનનાં જાનની કિંમત ચાલીસ ઊંટ?’ સુલતાન અહમદ ગર્જી ઊઠયા.
‘તો ખુદાવિંદ, આવા એક અદના આદમીના જાનની કિંમત વધારે શું હોય? મેં તો ત્રીસ ઊંટનું જ કહ્યું હતું.’
‘વફાદાર કાજીજી, આજે સુલતાનની સગાઈએ તમારા ઈન્સાફને ફે૨વી દીધો. ઈન્સાફના દરબારમાં સહુ સરખા છે. ગરીબો અને અમીર બંને સરખા છે. ગેરઈન્સાફી કોઈ પણ બળવાન બાદશાહની બાદશાહીનો નાશ કરી નાખે છે. રૈયત પોતાના બેઈન્સાફી શાહથી કદી મહોબ્બત નથી કરતી. ઈન્સાફ તો એક જ હોઈ શકે! ગરીબ કે તવંગર, બંને એક જ ત્રાજવે તોળાય!’
‘એટલે શું જહાંપનાહ?’
‘ખૂનનો બદલો ફાંસી?’
ફાંસી! ફાંસી! શબ્દથી આખો દરબાર થરથરી ઊઠયો. અરે, સુલતાન આ શું કહે છે?
‘બીજી વાર કહું છું, ન સમજ્યા હો તો સમજી લો, કે ખૂનનો બદલો ફાંસી. કાજીજી એક વાત મને કહો કે, આરોપીએ કબૂલ કર્યું છે કે, એણે ખૂન કર્યું છે?’
‘હા, નામદાર! એ બાબતમાં એણે લેશ પણ આનાકાની કરી નથી. સાચા દિલ છે, દામાદસાહેબ.’
‘બસ ત્યારે, એનો ફેંસલો એક જ હોઈ શકે ને તે ફાંસી. કાલે બપોરે શહેરના મધ્ય ચોગાનમાં ફાંસી ખડી કરજો. રૈયત તમામ હાજર રહે. હું પણ હાજર રહીશ.’
‘રહમ માગીએ છીએ, શહેનશાહ! આપ તો રહમદિલ છો.’ જનાનખાનામાંથી આવીને બંદીએ કહ્યું.
આખા દરબારે પણ માફીની ચાહના કરી. ‘રહેમદિલ સુલતાન ઈન્સાફની બાબતમાં બેરહમ છે, એટલું હવેથી સૌ યાદ રાખો. જાઓ, આ બાબતમાં હું કોઈનું સાંભળીશ નહીં. જે સુલતાનનું રાજ ઈન્સાફના પાયા પર નથી હોતું એ ખુદાનો મોટો ગુન્હેગાર છે. ઈન્સાફની નજ૨માં હાથી ને મચ્છર બને સરખા છે.
‘પણ આ આપના જમાઈ, આપની બેટી વિશે તો વિચારો!’
‘જેમ મારી બેટી એમ આ ઓરત પણ કોઈની બેટી હશે ને! સુલતાની પાસે, જેને ખુદાએ સલ્તનત આપી એને પોતાના કે, પારકા ભેદ હોતા નથી. એ પણ મારી જ બેટી છે.’
અને અમદાવાદ આખું થરથરી ગયું. ફાંસીનો માચડો તૈયાર થયો. બીજે દિવસે જે દ્રશ્ય સુલતાન અહમદશાહના અમદાવાદે જોયું, તે અદ્ભુત હતું. તમામ સ્ત્રી-પુરુષોની આંખમાં આંસુ હતાં. ખુદ સુલતાની આંખો પણ જલ ભરીને આવેલી વાદળીથી ઝૂમી રહી હતી.
કવિ શાયરોના મુખમાંથી એકાએક નીકળી પડયુંઃ ‘હો ફરિશ્તે ભી ફીદા જિનપે યે વો ઈન્સાન હૈ…’ એટલે કે સ્વર્ગના દૂત જેના પર આફરીન પોકારે એવો આ મહામાનવ છે.
ઈન્સાફની આલમમાં ચાંદ-સિતારા ચમકે છે ત્યાં સુધી શહેનશાહનું નામ સદા ચમકતું રહેશે. આજે તો અમદાવાદે અનેક રંગ જોયા છે. અહમદી ઈન્સાફની આ કથા સુલતાનની ઈન્સાનિયત બતાવે છે અને કહે છે કે સત્તાનો પાયો છે સત્ય અને ન્યાય.
કુમારપાળ દેસાઈ
તા. 26-2-2026; ઈંટ અને ઈમારત