સૈનિકની આંખ કે બાળકની પીડામાં થતું યુદ્ધનું વાસ્તવિક દર્શન
૧૮૬૭માં જર્મનીના બર્લિન શહેરમાં ઓટો વાન બિસ્માર્કે એક ભાષણમાં કહ્યું, ‘જેણે યુદ્ધભૂમિમાં મૃત્યુ પામતા સૈનિકોના નેત્રોમાં નજર નાખી હશે, એ યુદ્ધનો પ્રારંભ કરતા પૂર્વે ઘણો વિચાર કરશે.’
અને સાચે જ એક સમયે અશ્વ પર ચોપાસ તલવાર વીંઝતા કે જોશભેર ભાલો ફેંકતા યુદ્ધવીરોનું મહિમાગાન થતું હતું. જગતવિજેતા સિકંદર હોય કે સ્વીડનના રાજા ગુસ્તાવ હોય, એ બધા અશ્વ પર બેસીને હથિયાર સાથે રણભૂમિમાં વેગપૂર્વક ધસી જતા હોય એવાં ચિત્રો આપણે જોયા છે. એ પછી માનવીને માનવતાનાશક મહાન શસ્ત્ર એવી બંદૂક મળી અને એને પરિણામે શસ્ત્રવિહોણા લોકો પર બંદૂકના જોરે શ્વેત લોકોએ અશ્વેતો પર ગુલામીનો કોરડો વીંઝ્યો હતો.
એડલ્ફ હિટલરે સાઠ લાખ યહૂદીઓને ગૅસ ચૅમ્બરમાં ગુંગળાવીને મારી નાખ્યા. આજે એ જ યહૂદીઓનો દેશ ઇઝરાયેલ ગાઝા પટ્ટી પર વિનાશ વેરે છે. વળી પાછું યુદ્ધનું શસ્ત્ર બદલાયું અને હિરોશિમા અને નાગાસાકી પર થયેલી બોમ્બવર્ષાએ માનવજાતને થરથરાવી મૂકી. એણે તો ત્યાં એક શિલાલેખ મૂક્યો કે, ‘માનવજાત ફરી કદી આવી મૂર્ખાઈ નહીં કરે.’ પરંતુ માનવજાતના કેટલાક સમૂહે પોતાના સ્વાર્થને ખાતર આવી વારંવાર મૂર્ખાઈ કરી છે અને આજે તો ડ્રોન, બોંબ અને મિસાઇલ્સ દ્વારા ચોતરફ આઘાત થઇ રહ્યો છે.
એક સમયે આવા યુદ્ધનાં દ્રશ્યોમાં રાજા કે સેનાપતિના શૌર્યને દર્શાવતી છબી પ્રગટ થતી હતી. ક્યારેક રણભૂમિ પર સામસામા લડતા સૈનિકોનાં દ્રશ્યો-ચિત્રોમાં જોવા મળતાં હતાં. એક જમાનામાં મહાભારત હોય કે પછી હોમર, વર્જીલ અને શેક્સપિયર જેવાની કૃતિઓ હોય તો એના યુદ્ધનાં વર્ણનોમાં સમર્થ રાજા કે અસાધારણ સેનાપતિઓની વીરતાની વાતો સાંભળવા મળતી હતી અને સર્જકોએ પણ યુદ્ધોના મનોહર વર્ણન કરતાં કાવ્ય, નાટક કે મહાકાવ્યની રચના કરી.
હિંદી સર્જક જયશંકર પ્રસાદે ‘સ્કંદગુપ્ત’માં યુદ્ધનો મહિમા ગાતા કહ્યું છે કે, ‘શું યુદ્ધ એ ગાન નથી, રુદ્રનો શૃંગીનાદ, ભૈરવીનું તાંડવનૃત્ય, શસ્ત્રોનાં વાદ્યો સાથે મળીને ભૈરવી સંગીતની સૃષ્ટિ સર્જાય છે, જીવનનાં અંતિમ દ્રશ્યને જાણવા છતાં એને પોતાની આંખોથી જોવું. જીવનરહસ્યના ચરમ સૌંદર્યની નગ્ન અને ભયાનક વાસ્તવિક્તાનો અનુભવ કેવળ સાચા વીર હૃદયને હોય છે. ધ્વંસમયી મહામાયા પ્રકૃતિનું એ નિરંતર સંગીત છે એને સાંભળવા માટે હૃદયમાં સાહસ અને બળ એકત્ર કરો, અત્યાચારના સ્મશાનમાં જ મંગલ, શિવનો સત્ય સુંદર સંગીતનો સમારંભ થાય છે.’
યુદ્ધનું આવું વર્ણન એક બાજુએ રાખીએ અને બીજી બાજુ એની વાસ્તવિકતાનો વિચાર કરીએ, ત્યારે ખ્યાલ આવે કે યુદ્ધ એક બર્બરતા છે. જગત પર જે બાબતમાં શાંતિ સ્થાપવા માટે એકસો વર્ષથી વધુ સમય લાગે, એને નષ્ટ કરવા માટે યુદ્ધને માત્ર એકાદ અઠવાડિયું જ જોઇએ. આપણા મહાકાવ્યમાં યુદ્ધનું વર્ણન મળે છે, પરંતુ હકીકત એ છે કે જેણે યુદ્ધની જ્વાળા જોઈ નથી એ જ યુદ્ધને ‘દિવ્ય’ કહી શકે છે.
એ યુદ્ધની જ્વાળામાં રાજવીઓ, સેનાપતિઓની સાથોસાથ સૈનિકોનો વિનાશ થતો હોય છે. અહીં વીર સેનાપતિની પરાક્રમગાથાઓ વર્ણવવામાં આવતી હતી, પરંતુ જ્યારે સૈનિકોની વાત થાય ત્યારે માત્ર ‘લાશોનો ઢગલો’ કહીને એનો ઉલ્લેખ થતો હતો. માનવી જ્યારે કશુંક ઝૂંટવા માટે પ્રયાસ કરતો હોય છે, ત્યારે એ યુદ્ધનો આશરો લેતો હોય છે. કોઇક વસ્તુની પ્રાપ્તિની એની ઝંખના યુદ્ધનું કારણ બનતી હોય છે.
આવે સમયે રાજકર્તા એવા સ્વસ્તિવચનો કહે છે કે, ‘યુદ્ધમાં મૃત્યુ પામશો તો સ્વર્ગ પ્રાપ્ત થશે અને વિજય મેળવશો તો પૃથ્વી પર ભોગ ભોગવવા મળશે અને તમને યશપ્રાપ્તિ થશે.’ આથી કેટલાક તો એમ કહે છે કે, ‘સ્વર્ગ, યશ અને ભોગ ત્રણેય માનવીની ઝંખનાનું સ્વરૂપ છે અને તેથી યુદ્ધ કરનારને એ અર્થમાં ક્યારેય નિષ્ફળતા મળતી નથી.’
જગતના ઇતિહાસમાં યુદ્ધની ઘટનાઓનાં વર્ણન મળે છે, પરંતુ સૌથી કરુણ વર્ણન તો આપણા મહાભારતમાં પ્રાપ્ત થાય છે. મહાભારતનું આ વર્ણન એ વાચકને યુદ્ધભૂમિની પીડા, વેદના, કરુણતા, સંહાર, આઘાત, લાચારી આપણી સમક્ષ પ્રત્યક્ષ કરી દે છે. માનવજાતને જો આ વર્ણન આપવામાં આવે તો એમ લાગે છે કે એ કદી યુદ્ધ કરવાનો વિચાર ન કરે. મહાભારતમાં પ્રચંડ સંહાર બાદ કશુંય બચ્યું નહોતું. ધર્મની રક્ષા કાજે ખેલાયેલા કુરુક્ષેત્રમાં એકેય પક્ષે ધર્મનું પાલન કર્યું નહોતું. સ્નેહસંબંધોના તાંતણે ગૂંથાયેલા સ્વજનોએ પરસ્પરને ક્રૂર પ્રહારોથી રણભૂમિ પર હણી નાખ્યા હતા. કેટલીય સ્ત્રીઓનાં કપાળ પરનાં સિંદૂર તિલક ભૂંસાઈ ગયાં અને કેટલાયને પોતાના પ્રિયજનોનાં કપાયેલા વિકૃત લોહીના ખાબોચિયાંમાં પડેલાં અંગોને શોધવા માટે બહાવરા બનીને રણભૂમિ પર ચોપાસ દોડવું પડયું.
યુદ્ધ ખેલાયું કૌરવ-પાંડવો વચ્ચે, પણ એનો જીવલેણ પ્રહાર તો એમના નારીવૃંદ પર થયો. પોતાના કશાય દોષ કે ઇચ્છા વિના એમને અને એમનાં સંતાનોને આ સંહાર વેઠવો પડયો. ગાંધારીના હદયને સતત પીડા આપતા આ શલ્યને દૂર કરવા માટે મહર્ષિ વ્યાસ એને દિવ્ય દ્રષ્ટિ આપે છે કે જેથી અતીતને એ વર્તમાનરૂપે નીરખી શકે અને ભારતવર્ષની ધર્મપરાયણ, સત્યનિષ્ઠ અને તપસ્વી નારી ગાંધારી દિવ્ય દ્રષ્ટિથી કુરુક્ષેત્રના યુદ્ધક્ષેત્રને નિરખે છે અને સાથોસાથ ‘જુઓ! કમલનયન માધવ, જુઓ!’ એમ કહીને એ યુદ્ધભૂમિના હૃદયવિદારક દ્રશ્યની વાત કરે છે. આની વિસ્તૃત વાત તો ‘અગ્નિશિખા’ નવલકથામાં મેં આલેખી છે, પરંતુ એક મહાસંહાર કેવી પરિસ્થિતિ સર્જે છે એનો ખ્યાલ આમાંથી આવે છે અને પોતાની પુત્રવધૂઓનાં કલ્પાંતનો આઘાત સહન નહીં થતા એ શ્રીકૃષ્ણને કહે છે કે, ‘હે માધવ! સાચે જ મેં પૂર્વજન્મમાં ઘોર પાપ કર્યું હશે તેથી આ જન્મમાં હું મારા પુત્રોને, પૌત્રોને અને ભાઈઓને એક સાથે મૃત્યુ પામેલા જોઉં છું.’
યુદ્ધનો સૌથી વધુ આઘાત નારીહૃદયને થતો હોય છે એન એનું આક્રંદ અહીં જોવા મળે છે. આ અફાટ વેદનાનાં મહાસાગરને જોતાં એમ લાગે કે માનવજાત જ્યારે પાગલ બને છે, ત્યારે યુદ્ધને નિમંત્રણ આપે છે.
જગતના ધર્મગ્રંથોની ખોજ કરીએ, ત્યારે ચીનનાં તાઓ ધર્મના પ્રવર્તક લાઓત્સેએ ‘દાઓ દિર જિંગ’ એટલે કે ‘તાઓ અને એના ગુણો’ નામનું એક પુસ્તક લખ્યું છે. ૮૧ પ્રકરણ, ૬૪૪ વચન અને ૫૨૫૦ શબ્દ ધરાવતા આ તાઓ ધર્મના આકર ગ્રંથે પ્રાચીન ચીનની ભાવનાઓનું ઘડતર કર્યું હતું અને ઇ.સ. પૂર્વે ૧૫૬માં ચીનમાં રાજકીય આજ્ઞાાથી રાજસભામાં આ પુસ્તકનું અધ્યયન અનિવાર્ય હતું.
એ પુસ્તકમાં લાઓત્સે દાઓપ્રેમી વ્યક્તિને માટે કહે છે કે, ‘આ સઘળાં શસ્ત્રો એ તો વિપત્તિ લાવનારાં અપશુકનો છે, એ દાઓપ્રેમી લોકોનાં સાધન નથી, કારણ કે શસ્ત્રાસ્ત્રોનો પ્રયોગ કરનારને એનો બદલો ચૂકવવો પડે છે. જ્યાં સેના પોતાની છાવણી નાખે છે, ત્યાં કાંટાની ઝાડીઓ ઊગે છે. મહાયુદ્ધો પછી અનિવાર્ય રીતે એ દેશ વર્ષો સુધી અછતગ્રસ્ત બની રહે છે દાઓપ્રેમી વ્યક્તિ જ્યારે ઘેર હોય છે ત્યારે હાથને સન્માનને પાત્ર બનાવે છે, પરંતુ યુદ્ધભૂમિમાં એ વિવશતાની દશામાં જ શસ્ત્રોનો પ્રયોગ કરે છે, એ પોતાના વિજયથી પ્રસન્ન થતો નથી. જો એનાથી એને પ્રસન્નતા આવે તો એમ સમજવું કે એને નરસંહારથી પ્રસન્નતા થાય છે અને જે નરસંહારથી પ્રસન્ન થતો હોય, તેની કોઈ કામના આ સંસારમાં પૂરી થતી નથી.’
તાઓ ધર્મની આ કેવી ભાવના! એક સમયે યુદ્ધ માટે ચોપાસ શસ્ત્ર વીંઝતા વીરપુરુષોનો મહિમા હતો. એ પછી સમય જતાં એમાં પરિવર્તન આવ્યું અને ધીરે ધીરે યુદ્ધમાં સામાન્ય સૈનિકોનો મહિમા થવા લાગ્યો. યુદ્ધના મેદાનમાં પહેલાં સમ્રાટ, સેનાપતિ, મહાનાયક અથવા તો ક્યાંક ગ્રીક દેવતા દેખાતા હતા, પરંતુ એ પછી યુદ્ધે એની આંખ સામાન્ય સૈનિક પર ઠેરવી છે. યુદ્ધનાં ચિત્રો આલેખનારાઓ પણ રાજાઓ, સેનાપતિઓ કે મંત્રીઓનાં દાવપેચમાંથી રસ ગુમાવી બેઠો છે અને ધીરે ધીરે એ ચિત્રકાર સૈનિકની આંખમાં યુદ્ધની પીડાની ખોજ કરે છે.
આજે એ સૈનિકની નજરને બદલે હવે યુદ્ધથી થતી સામાન્ય માનવીની બેહાલી પર નજર ઠેરવે છે. કારણ એટલું જ છે કે ભૂરી આંખ અને સુંદર વાળ ધરાવતા એલનની સમુદ્રકિનારે લાશ પડી હતી. આ એલનનો પરિવાર જીવ બચાવવા માટે ભૂમધ્ય સમુદ્રથી યુરોપિય દેશમાં જવા નીકળ્યો હતો અને વચ્ચે બોટ ઊંધી વળતા બે વર્ષનો એલન, એનો ભાઈ અને એની માતાના કરુણ મૃત્યુ થયાં હતાં. આખું વિશ્વ આ તસવીર જોઇને યુદ્ધની ભયાવહતાથી ધૂ્રજી ઊઠયું હતું.
હવેનો ચિત્રકાર કે તસવીરકાર એ વધુ સંવેદનશીલ બન્યો છે અને એની નજર બાળકો માટે કબ્રસ્તાન બનતા યુદ્ધ પર છે. યુદ્ધની કિંમત કોણ ચૂકવે છે? એ એને હવે બતાવવું છે. જ્યાં લાખો બાળકો ઘર છોડીને શરણાર્થી તરીકે અભાવો વચ્ચે જીવે છે. કોઈ ગંભીર બીમારી, ખોરાક પાણીની અછત કે જાતિય સતાવણી સામે રોજેરોજ ઝઝૂમે છે. આવાં બાળકોની આંખમાં કોઈ યુદ્ધખોર માનવી જરા નજર નાખે તો એને યુદ્ધની ક્રૂર વાસ્તવિકતાનો અહેસાસ થાય અને આવું કરવાનો કદી વિચાર ન કરે.
સર્જકોની સહાનુભૂતિ તો યુદ્ધગ્રસિત સામાન્ય માનવી સુધી પહોંચી છે, આશા રાખીએ કે યુદ્ધથી સ્વાર્થ સાધવા નીકળેલા નેતાઓના હૃદયમાં આનાથી થોડી સંવેદના જાગે.
કુમારપાળ દેસાઈ
તા. 2-4-2026; ઈંટ અને ઈમારત