‘અરે ! આ તો હું જાણું છું’ વ્યક્તિ કોઈ ભાષણ સાંભળવા જાય કે પછી સત્સંગમાં બેઠો હોય, ત્યારે એનું શ્રવણ કરતી વખતે સતત મનમાં આ વાક્ય ઘૂંટતો હોય છે. પોતાને જ્ઞાત હોય તેવી કોઈ ઉક્તિ કે વાક્ય સાંભળે એટલે તરત જ એનું ચિત્ત કૂદકો મા૨શે અને એ વિચારવા લાગશે કે ઓહ ! આ તો હું જાણું છું, માટે આનું શ્રવણ ક૨વાની મારે કશી જરૂર નથી અથવા તો એ થોડો બેધ્યાન બનીને બેસી રહેશે.
આ ‘જાણપણા’નો ભાવ વ્યક્તિના અહંમાંથી જન્મ્યો હોય છે. ઘણી વા૨ વ્યક્તિ શ્રોતાના રૂપમાં ઉપસ્થિત હોય, પણ એનો ભાવ તો દ્રષ્ટા કે પરીક્ષકના રૂપમાં ઉપસ્થિત રહેવાનો હોય છે. એ એક કાને સાંભળે છે અને એમ કહી એ કે બીજે કાને એની સમીક્ષા કરે છે ! એક વાક્યનું શ્રવણ કરે છે અને તરત જ એને વિશેની પ્રતિક્રિયા એના ચિત્તમા જાગે છે. ઘણા માણસોને વાત સમજવા કરતાં વક્તાની કે એના વિચારની ક્ષતિઓ ખોળવાનો શોખ હોય છે. કેટલાંકની દ્રષ્ટિ જ જન્મજાત દોષદર્શી હોય છે. કેટલાક પુરું સાંભળે તે પહેલાં એ વાતનું મૂલ્યાંકન કરીને ફેંસલો આપી દેતા હોય છે.
આ સમયે વ્યક્તિના કાન ખુલ્લા હોય છે. એ વાર્તાલાપ કે સત્સંગનુ શ્રવણ કરતો હોય છે, પરંતુ એને માટે શ્રવણ એ માત્ર આડંબર બની રહે છે, એના ચિત્તને ગહન રીતે સ્પર્શતી બાબત નહીં. આ થવાનું કારણ એ છે કે વકતા કે ઉપદેશની સરળ વાત પોતે સાંભળી છે એમ માનીને નિષ્ક્રિય રહે છે. જો એ નવી વાત કહે તો તેને આઘાત- જનક માનીને એને ટીકાના સ્વરૂપે જુએ છે. એના નવા વિચારને એનું મન સ્વીકારવા તૈયાર થતું નથી અને એટલે એ વિચારને જાકારો આપવાની કે એની હાંસી ઊડાવવાનો પ્રયત્ન કરે છે. ક્યાંક વક્તાથી કોઈ ભૂલ થઈ જાય કે ખોટું બોલાઈ જાય તો તરત જ એનું પરીક્ષક મન ભૂલસુધારણામાં લાગી જાય છે. આમ કથાકારની કથા એ ભીતરી શક્તિને બદલે શ્રોતાઓની અશક્તિ વધુ પ્રગટ કરે છે. આથી જ કોઈ કથાકાર, ઉપદેશક કે વક્તા વચ્ચે વચ્ચે ગીતો કે શાયરીઓની છટાદાર પંક્તિઓ બોલવાનો નુસખો અજમાવે છે, તો કોઈ કથાકાર પોતાની સાથેની ગાયક મંડળીને ગીતોની ૨મઝટ બોલાવવાનું કહે છે અને કોઈ કથાકાર શ્રોતાઓનો પુન: ચેતનવંતા કરવા જયજયકાર પોકારાવાનો નુસખો અજમાવે છે.
હકીકત એ છે કે કથાશ્રવણ કરવા આવતા શ્રોતાઓને શ્રવણ માટેની યોગ્ય તાલીમ આપવામાં આવી હોતી નથી. કેટલાક માત્ર રૂઢિ કે પરંપરાથી કથાશ્રવણ કરવા આવતા હોય છે. કેટલાક બુઢાપાની સાંજ ગાળવા માટે કથાશ્રવણ કરવા સામેલ થતા હોય છે. કેટલાક માત્ર સ્વર્ગસ્થને નિમિત્તે બેસાડેલી કથામાં હાજરી આપવા માટે હાજર થયા હોય છે. જેની પાસે પામવાની ઈચ્છા હોતી નથી, એને કથાશ્રવણ કશા કામનું નથી. તમે કોઈના અવસાન નિમિત્તે બેસાડેલી ગરુડપુરાણની કથામાં ગયા હશો. એમાં શ્રોતા પંદર હોય છતાં માઈકમાં મોટે અવાજે કથા વર્ણન થતું હોય. કથામાં જે કોઈ વર્ણન આવતું હોય, તેનો શ્રોતાના જીવન સાથે લેશમાત્ર પણ સંબંધ ન હોય. એમાં આવતાં વર્ણનો આજના સંદર્ભમાં સાવ અપ્રસ્તુત હોય. આવે સમયે મુંડકોપનિષદ જેવું ઉપનિષદ વંચાવવું જોઈએ, પણ શ્રોતાઓને ક્યાં કોઈ આવો જ્ઞાનરસ કે શાસ્ત્રજિજ્ઞાસા હોય છે ?
વક્તા, ઉપદેશક કે કથાકારના કાર્યક્રમ સમયે કેટલાક ‘જ્ઞાની’ શ્રોતાઓ પણ હોય છે કે જેમનું કામ વક્તા જે પ્રસંગો કહે છે તેવા પ્રસંગો શોધવાનું છે. જે સૂત્રો કહે છે તેવાં બીજાં સૂત્રો ખોળવાનું અને જે ઘટનાઓ કે બનાવો વર્ણવે છે તેવી બીજી ઘટનાઓ કે બનાવો યાદ કરવાનું હોય છે. આથી એ એક બાજુ કથાશ્રવણ કરે છે અને બીજી બાજુ સામ્યસંશોધન ચાલે છે. આને પરિણામે કથાકાર કે ઉપદેશક જે કંઈ કહેવા માગે છે તે એના ચિત્તમાં ઉતરતું નથી, બલ્કે તુલનાઓથી કરેલાં તારણો જ એના મનમા રહે છે. એ સતત શોધતો હોય છે કે આ જે વચનો સાંભળું છું એવાં વચનો કયા ધર્મગ્રંથમાં મળે છે ? કયા મહાપુરુષના મુખે એ પૂર્વે પ્રગટ થયા છે ? અને એની આ શોધને અંતે એ એના બે હેતુ સિદ્ધ કરવા માગે છે. એનો એક હેતુ એ હોય છે કે આ વક્તા કે ઉપદેશક કશું નવું કહેતા નથી. એનો બીજો હેતુ એ હોય છે કે વક્તા કે ઉપદેશક કરતાં તો પોતે જ્ઞાનની બાબતમાં વધુ ચિડયાતા છે અને એમનાં કરતાં એનું વાંચન પણ ઘણું વિશાળ છે.
હવે તમે જ કહો કે સાચો શ્રોતા મળવો કેટલો દુર્લભ છે અને એ દુર્લભ એ માટે છે કે સાચું શ્રવણ કઈ રીતે થઈ શકે એની કલા જ એની પાસે નથી. એ તો પલાંઠી વાળીને નીચે બેસે છે કે ખુરશી પર બિરાજમાન થઈ જાય છે. બીજી કોઈ બાબતની એને લેશમાત્ર ફિકર હોતી નથી. હકીકતમા વક્તૃત્વ જેમ એક કલા છે, એમ શ્રવણ કરવું એ પણ એક કલા છે. શ્રવણ કરતી વખતે તમારે તમારા આગ્રહો અને પૂર્વગ્રહો બાજુએ મુકવા પડે. જો આગ્રહો લઈને સાંભળવા બેઠા તો પછી સમગ્ર વ્યાખ્યાન દરમિયાન સતત તમારા આગ્રહો જ તમારા ચિત્તમાં ડોકિયાં કરતાં રહેશે. તમે માનતા હો કે આ જગત દુષ્ટ માનવીઓથી ભરેલું છે તો તમને કોઈ ઉમદા માનવીના જીવનની સુવાસ કથામાં રસ નહીં પડે. તમને એ મિથ્યા કે બકવાસ લાગશે.
તમારા મનમાં એવો પાકો પૂર્વગ્રહ પેસી ગયો હોય કે આજના યુવાનો વંઠી ગયા છે. એમનામાં જોશ છે, પણ હોશ નથી. એમણે બધાં જીવનમૂલ્યો નેવે મૂક્યાં છે, તો તમને કોઈ ઉપદેશક નવી પેઢીની શક્તિની વાત કરતો હશે તો ગમશે નહીં. એનાં ઉદાહરણો આપતો હશે, તો તમને એ ઉદાહરણો અપવાદરૂપ લાગશે. જો એ વધુ કહેશે તો તમે મનોમન એમ વિચારશો કે આવા ઉપદેશકોને કારણે આજના યુવાનો વધુ વંઠી ગયા છે. આવી જ રીતે વ્યક્તિ એના જીવનમા કેટલાંક સૂત્રો પકડીને બેઠી હોય છે. જો એણે કોઈ એવું સૂત્ર પકડયું હોય કે ‘ધર્મ એટલે માત્ર માનવસેવા’ તો પછી કોઈ ધર્મ દ્વારા અધ્યાત્મ પ્રાપ્તિની વાત કરશે, તો એનું એ સૂત્ર એમાં અવરોધ લાવશે અને એ કહેશે કે આ વાત બરાબર નથી. આપણે વ્રતો, વ્યાખ્યાઓ, સૂત્રોથી આપણા મનને મુશ્કેટાટ બાંધી રાખ્યું છે. એની કોઈ વાત આવે એટલે આપણો વર્ષોથી બાંધી રાખેલો મત એકદમ ઉછળી આવે છે અને આપણું મન એનો ઇન્કાર ક૨વા ધસી જાય છે. આને પરિણામે વક્તાના વક્તવ્યનો આનંદ તો દૂર રહ્યો, પણ આપણી માન્યતા, વિચારો અને પૂર્વગ્રહો આપણા ચિત્તમા દોડાદોડી કરી મૂકે છે. તેને પરિણામે શ્રવણમાં બાધા ઉપજે છે. વક્તા કે ઉપદેશકના વિચારો તમારા મનનાં વિચારોની ભીડમાં ખોવાઈ જાય છે.
આપણા ધર્મગ્રંથોમાં શ્રોતાનો પણ મહિમા કર્યો છે, તે એ કારણે કે એ શ્રોતાઓએ કઈ રીતે શ્રવણ થઈ શકે એનો માપદંડ આપ્યો છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુનનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો સમર્પણભાવ જુઓ, ભગવાન બુદ્ધના વચનો પ્રતિ ભિખ્ખુ આનંદની એકાગ્રતા જુઓ કે પછી પ્રભુ મહાવીરની વાણી પ્રત્યેની એમના મુખ્ય શિષ્ય, ગણધર ગૌતમ સ્વામીની લઘુતા કે વિનમ્રતા જુઓ તો ખ્યાલ આવે કે સાચી શ્રવણભક્તિ કોને કહેવાય.
યથાર્થ રીતે શ્રવણ કરવું હોય તો શું કરવું તેનો વિચાર કરીએ. યથાર્થ શ્રવણની પહેલી વાત એ છે કે શ્રોતાની વાણીનું પૂરેપૂરુ રસપાન કરો. એની ભાવસૃષ્ટીને પામો. એની વિચારધારાને સમજો. એની ચેષ્ટાઓ પાછળ પ્રગટ થતાં આંદોલનોને પકડો. આ રીતે જ્યારે શ્રવણ ક૨વામાં આવે, ત્યારે બીજું બધું છોડીને માત્ર શ્રવણ કરવું જોઈએ. ચિત્તને એકાગ્ર રાખી એ વિચારોને પામવાનો પ્રયાસ કરવો જોઈએ. પૂર્વગ્રહો, પક્ષપાતો, માન્યતાઓ, આગ્રહો એ બધાને બાજુએ મુકીને બન્ને કાનથી શ્રવણ કરવું જોઈએ. વક્તા કે ધર્મોપદેશકનો આશય શું છે. એની પાછળ એમનો કયો મનોભાવ રહેલો છે અને તેઓ આ વક્તવ્ય કે વ્યાખ્યાન દ્વારા શુ આપવા માગે છે તે પામવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સમયે માત્ર સારા શ્રોતાની ભૂમિકા ભજવવી જોઈએ. આલોચકની સહેજે નહીં.
શ્રવણ કર્યાં પછી અને એ વિચારો સમજ્યા બાદ તમારે એ વિચારો પર ચિંતન કરવું જોઈએ. એમાંથી કયા વિચારો ગ્રાહ્ય છે અને કયા અગ્રાહ્ય છે. એને વિશે વિચાર કરવો જોઈએ. પહેલાં પરીક્ષા આપીએ છીએ અને પછી અભ્યાસ કરીએ, એવું શ્રવણની બાબતમાં બનતું હોય છે. પહેલાં વિચારની સમીક્ષા કરીએ અને પછી વિચાર જાણવાની તસ્દી લેતા હોઈએ છીએ. જ્યારે યથાર્થરૂપે શ્રવણ કર્યાં પછી જ એના સ્વીકાર કે અસ્વીકાર વિશે વિચારવું જોઈએ. પછી જ એની ચિકિત્સા કરવી જોઈએ કે આ વિચારો પાછળ વક્તાનો શું આશય હશે ? પછી જ એ તપાસ કરવી જોઈએ કે આ વિચારોનુ નાવિન્ય એ માત્ર આઘાત આપવા માટે છે કે વૈચારિક ભૂમિકામાથી આવેલું છે ? ધર્મગ્રંથોને અનુસરનારું છે કે એની વિરુદ્ધનું છે ?
આમ પહેલાં યથાર્થરૂપે શ્રવણ કર્યા પછી જ શ્રોતાએ બીજી ઝંઝટમા પડવું જોઈએ. શ્રવણ કરતી વખતે વક્તા પ્રત્યે આદર અને વિનયનો ભાવ હોવો જોઈએ. જો આવો ભાવ હશે તો જ એની ભાવનાઓને આપણે આપણા અંતરમા યોગ્ય રીતે સન્માની શકીશું. આમ પહેલું પગથીયું તે શ્રવણ કરતી વખતે આગ્રહો, અસહિષ્ણુતા, પૂર્વગ્રહો, બધું બાજુએ રાખવા અને શાંતિપૂર્વક અને સાંભળવામા આવે તો જ એને યથાર્થ શ્રવણ કહેવાય અને એવું શ્રવણ સામે વ્યક્તિના વિચારોને પામવામાં કારગત નિવડે.
કુમારપાળ દેસાઈ
19-7-2026 જાણ્યું છતાં અજાણ્યું