માત્ર સાતસો શ્લોકમાં માનવજીવનની સઘળી ઘટમાળ પર દૃષ્ટિપાત કરીને એના જીવનને ઉપયોગી થાય એવો અદ્ભુત ઉપદેશ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા”માં પ્રાપ્ત થાય છે. અઢાર અધ્યાયમાં વહેતો આ ગ્રંથ એ દેશ, કાળ કે સંપ્રદાયની મર્યાદાથી પર છે. એ માત્ર હિંદુ ધર્મનો ગ્રંથ નથી, કુરુક્ષેત્રના મેદાન પર જ માત્ર એનું સર્જન થયું નથી અને માત્ર ભારતવર્ષનો ગ્રંથ નથી. જગતના ભિન્ન ભિન્ન દેશોના વિદ્વાનો અને વિચારકોએ આ અઢાર અધ્યાયના ગ્રંથને મહાન ગ્રંથ તરીકે ઓળખાવે છે. માત્ર કુરુક્ષેત્રના મેદાન પર ખેલાતા મહાસમરની આ વાત નથી, કિંતુ માનવહૃદયમાં ચાલતા કુરુક્ષેત્રની આ કથા છે. હિંદુ ધર્મનો આ ગ્રંથ જગતના અન્ય ધર્મીઓની તો ઠીક, પરંતુ યોગ, મેનેજમેન્ટ જેવા ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં કાર્ય કરનારને પણ માર્ગદર્શક બન્યો છે.
માનવીની ભીતરમાં ચાલતા કુરુક્ષેત્ર વિશે જગતમાં ઘણા ગ્રંથો લખાયા છે, દર્શનશાસ્ત્રએ એની ઊંડી વિચારણા કરી છે, પ્રત્યેક ઉપદેશકે માનવીના ભીતરમાં ચાલતી દેવ અને દાનવની આ લડાઈ વિશે ચર્ચા કરી છે. પરંતુ માનવહૃદયમાં ચાલતા કુરુક્ષેત્રને બતાવીને એનો સર્વવ્યાપી ઉત્તર ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં મળે છે. આ એક એવો ગ્રંથ છે કે જેને અનેક દ્રષ્ટિએ જોઈ શકાય. ક્યારેક આપણે આપણું પ્રતિબિંબ ગાંડિવધારી અર્જુનની સંશય-દ્વિધામાં જોઈ શકીએ. આપણા જીવનની ઘટમાળના પ્રસંગોનું સ્મરણ બાણાવળી અર્જુનના જીવનમાં આવેલા પ્રસંગો પરથી થઈ જાય. ક્યારેક જીવનમાં ઉત્સાહની ક્ષણો હોય, પ્રગતિના પંથે મીટ માંડીને વ્યક્તિ આગળ વધતી હોય. ક્યારેક જીવનમાં ઘોર નિરાશા અને ઉદાસીનતા હોય. જીવનની વિફળતાનો હૃદયમાં ઊંડો અહેસાસ થતો હોય. પલટાતી ઋતુની જેમ મનના ભાવો અને જીવનની ઘટનાઓ બદલાતી રહે છે, ત્યારે અર્જુન યાદ આવે છે.
જરા બાણાવળી અર્જુન તરફ મીટ માંડી એના મનનો તાગ પામીએ ! એક પછી એક કેટકેટલા અન્યાયો એને સહન કરવા પડ્યા. અપ્રતિમ શક્તિ હોવા છતાં સંજોગોએ એને કેવો લાચાર બનાવી દીધો. વર્ષો સુધી દ્રૌપદીનો વિરહ એને સહેવો પડે છે. કૌરવો પ્રપંચના દાવ ખેલે છે ત્યારે અર્જુન એને સહન કરે છે અને એથીય વધારે ભયાવહ જંગલમાં ગંધર્વ કૌરવોને કેદ કરે છે, ત્યારે એમને મુક્ત કરવા માટે પરાક્રમ ખેલે છે. એક બાજુ વરદાનનો અખંડ આનંદ છે. શ્રીકૃષ્ણ સાથેના સખ્યનું સદ્ભાગ્ય છે. યુદ્ધમાં વિજય અપાવી શકે તેવું શૌર્ય છે. દેવો પાસેથી અમોઘ શક્તિ ધરાવતાં શસ્ત્રો પ્રાપ્ત થયાં છે. ઈન્દ્રનો પુત્ર છે અને ભગવાન શિવ એના પર પ્રસન્ન છે. દ્રુપદ રાજાને પરાસ્ત કરીને પોતાના ગુરુ દ્રૌણને ગુરુદક્ષિણા આપે છે. કુરુક્ષેત્રના મહાયુદ્ધ પૂર્વે બૃહનલ્લાના વેશમાં એ પિતામહ ભીષ્મ સહિત કૌરવોને પરાજિત કરે છે. શું નથી અર્જુન પાસે ? શૌર્ય, સામર્થ્ય અને શ્રીકૃષ્ણનું સખ્ય છે અને છતાં સવાલ એ જાગે કે આટલો સંપન્ન અને સમૃદ્ધ હોવા છતાં એ અર્જુનની સ્થિતિ કેવી છે ?
જજ્યેષ્ઠબંધુ યુધિષ્ઠિરની આજ્ઞાનું પાલન કરવું પડે છે અને વનવાસ બેઠવો પડે છે. પોતાના હાથે જ પોતે છલનાથી જજ્યેષ્ઠ કુંતી પુત્ર ધનુર્ધર કર્ણને વીંધી નાંખે છે. દ્રૌપદીની પ્રાપ્તિ થઈ છતાં પાંચે ભાઈઓ વચ્ચે દ્રૌપદીને રહેવું પડયું અને એક વાર નિયમભંગ થતાં અર્જુનને અભિશાપ પણ વેઠવો પડ્યો.
અર્જુન તમને અને મને કહે છે કે આ જીવનની યાત્રા એ તો કોઈ પર્વતની સફર છે. એમાં ઊંચાઈએ ચડીને તમે શિખર પર પહોંચો છ અને જ્યારે નીચે ઊતરો, ત્યારે છેક તળેટીએ પહોંચી જાવ છો. એમાં જેટલો હર્ષ છે, એટલો શોક છે, જેવું સુખ છે એવું દુઃખ છે. એમાં અગાધ પ્રેમની પ્રાપ્તિ થાય છે અને એ જ રીતે તિરસ્કારયુક્ત ઘૃણાનો અનુભવ થાય છે. ક્યાંક વિજયનો આનંદ છે, પણ એ સદા ટકનારો હોતો નથી. એ વિજયની પાછળ દબાતા પગલે પરાજય દોડતો જ આવે છે. અધિકાર પ્રાપ્ત કરી શકે એવી શક્તિ હોવા છતાં પોતાના છીનવાઈ જતાં અધિકારને મૂંગે મોંએ સહેવો પડે છે.
અરે ! આશ્ચર્યની વાત તો એ બને છે કે મહારાજ યુધિષ્ઠિરને પાંડવોને થયેલા અન્યાય માટે કૌરવો સામે લડવા કાજે બાણાવળી અર્જુન પ્રોત્સાહિત કરે છે. ધર્મરાજ યુધિષ્ઠિરને ધર્મની સ્થાપના કાજે કુરુક્ષેત્રનું યુદ્ધ ખેલવા માટે સજ્જ કર્યા અને જુઓ હવેની પરિસ્થિતિ.
જે અર્જુને યુધિષ્ઠિરને યુદ્ધ માટે સજ્જ કર્યા એ જ અર્જુન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ભયંકર વિષાદનો ભોગ બને છે. જેણે જયેષ્ઠબંધુ યુધિષ્ઠિરમાં યુદ્ધનો ઉત્સાહ પ્રેર્યો અને એને માટે એમને દૃઢ નિશ્ચયી બનાવ્યા, એ જ અર્જુન સ્વયં કુરુક્ષેત્રના રણક્ષેત્રમાં વિષાદનો ભોગ બન્યો. કાયરની જેમ આ યુદ્ધમાંથી પાછો ફરવા માગે છે, મેદાનમાંથી નિવૃત્ત થઈને નિષ્ક્રિય બનીને રહેવા ચાહે છે. કેવી છે માનવજીવનમાં આવતી ચડ-ઉતરની આ ઘટમાળ અને કેવા ખેલાય છે જિંદગીનાં આટાપાટા, કેવું ભમવું પડે છે ભૂલભૂલામણીઓમાં, પણ આવી પરિસ્થિતિની વચ્ચે આપણા અને અર્જુનના જીવનમાં એક પાયાનો તફાવત છે. અર્જુનને એના સારથિ તરીકે શ્રીકૃષ્ણ મળ્યા છે. જેનો રથ સ્વયં ભગવાન રણભૂમિ પર દોરતા હોય, એનો જીવનરથ કદી અટકે ખરો ? અરે ! એના તો ભવોભવ સફળ થઈ જાય. અર્જુને અનન્ય ભાવે શ્રીકૃષ્ણનું શરણ સ્વીકાર્યું છે. એમના પ્રત્યે અશેષ આત્મસમર્પણ કર્યું છે અને કેવું છે એ આત્મસમર્પણ. જે આત્મસમર્પણને કારણે અર્જુન શ્રીકૃષ્ણનો સદાનો સંગાથી બન્યો છે, જે આત્મસમર્પણને કારણે શ્રીકૃષ્ણ અર્જુનને પોતાનો સ્વજન માને છે, પોતાનો ‘સખા’ ગણે છે. આથી શ્રીકૃષ્ણ પણ સદૈવ અર્જુનને સહાયભૂત થાય છે.
શ્રીકૃષ્ણએ પાંડવો પર આવનારી વિપત્તિને અટકાવી રાખી છે, કારણ એટલું જ પાંડવો નીતિવાન અને શક્તિશાળી હતા. એમના સંસ્કારો એમને પુણ્યના માર્ગે ચાલવા પ્રેરતા હતા. શ્રીકૃષ્ણે એમની બુદ્ધિમત્તાથી પાંડવોનું રક્ષણ કર્યું અને તે એ કારણે કે આ પાંડવો જ એટલા સમર્થ હતા કે જે ભારતવર્ષમાંથી અધર્મનો નાશ કરે અને કૌરવો જેવા અધર્મીઓનો નાશ કરે. આનો અર્થ જ એ કે ઈશ્વર એ કોઈ ક્રૂર કર્મ વિધાયક નથી, એ તો સાચા માર્ગે ચાલતા માનવીનો પરમ સખા છે. એના પર આવતી વિપત્તિઓ સમયે પરમ સહાયક બનનારો છે અને દૂર રહ્યું રહ્યું પણ દ્રૌપદીનાં ચીર પૂરનારો પરમ કૃપાળુ છે.
આને કારણે તો કુરુક્ષેત્રના રણક્ષેત્રની મધ્યમાં બંને પક્ષની સેનાઓ સામસામે ઊભી હતી ત્યારે અને યુદ્ધની રણભેરીઓ વાગતી હતી એ સમયે અર્જુન પોતાનો રથ કૌરવો અને પાંડવો બંનેની સેનાના મધ્યમાં લઈ જવા સારથિ શ્રીકૃષ્ણને વિનંતી કરે છે. અર્જુન જુએ છે કે એક બાજુ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, દુર્યોધન, કર્ણ વગેરે શસ્ત્રસજ્જ થઈને ઊભા છે, તો બીજે પક્ષે પોતાના બાંધવો યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ, ધૃષ્ટધુમ્ન, સાત્યકિને યોદ્ધાના રૂપમાં જુએ છે અને અર્જુનના મનમાં વિષાદ જાગે છે.
અદમ્ય ઉત્સાહથી યુદ્ધને માટે સજ્જ થયેલા અર્જુનના મનમાં અણધાર્યો એક વિચાર જાગ્યો. ન્યાય મેળવવા માટે રણસંગ્રામ ખેલવાને આતુર એવું અર્જુનનું મન એકાએક હથિયાર હેઠાં મૂકી દેવાનું વિચારવા લાગ્યું. એક કટોકટીની ક્ષણ ઊભી થઈ.
વ્યક્તિના અંગત જીવનમાં પણ ઘણીવાર લાંબી આગેકૂચ કર્યા પછી ધ્યેય નજીક આવે ત્યારે એકાએક પીછેહઠનો વિચાર આવતો નથી? પ્રચંડ ઉત્સાહથી આદરેલા કામની સફળતાના સમયે એકાએક નિરાશા ઝબકી ઊઠતી નથી ? કુરુક્ષેત્રના રણક્ષેત્રની વચ્ચેવચ્ચ અર્જુન વિચારવા લાગ્યો, ‘ઓહ ! આ બધા ગુરુજનો સામે મારે લડવાનું ? આ બધા તો મારા આપ્તજનો છે. એમને વળી હું કઈ રીતે હણી શકું?”
અને અર્જુન મોહગ્રસ્ત બની જાય છે. એનું મન અણધાર્યો વળાંક લે છે પોતાના સગાંઓને શત્રુ માનતાં એને ક્ષોભ જાગ્યો અને થોડી જ ક્ષણોમાં વ્યથા, ચિંતા અને વિષાદને કારણે અર્જુનની આંખે અંધારું છવાઈ ગયું. એના ગાત્રો ઢીલાં પડી ગયાં. એનું શરીર ધ્રૂજવા લાગ્યું, આંખો અશ્રુભીની બની જાય છે અને હૃદય સાવ દુર્બળ થઈ જાય છે. યુદ્ધ કરવાનો વિચાર માંડી વાળે છે. આ સમયે ધાર્યું હોત તો શ્રીકૃષ્ણે અર્જુનને યુદ્ધ કરવા માટે આજ્ઞા કરી હોત. પોતાના જ્યેષ્ઠબંધુ ધર્મરાજ યુધિષ્ઠિરની આજ્ઞાને અણગમતી હોવા છતાં શિરોધાર્ય કરનાર અર્જુન શ્રીકૃષ્ણની આજ્ઞા તો ક્યાંથી ઉથાપે ?
પરંતુ શ્રીકૃષ્ણ અહીં આજ્ઞા આપતા નથી. માનવીનો અંતરાત્મા આપોઆપ સહજપણે કર્મ કરે એ જ યોગ્ય ગણાય. સત્યનું જ્ઞાન હૃદયમાં સહજપણે પ્રતિષ્ઠિત થવું જોઈએ, આથી જ અર્જુનના મનમાં સંશયપ્રશ્નો જાગવા દે છે.
કુમારપાળ દેસાઈ
17-5-2026 જાણ્યું છતાં અજાણ્યું