‘યુદ્ધસ્ય કથા રમ્યા’ ‘યુદ્ધની કથા રમ્ય હોય છે’ એ અડધી ઉક્તિ વારંવાર ચાવીને જગત આખું યુદ્ધની રમ્ય કથાઓમાં રમમાણ છે, પરંતુ એ શ્લોકના પછીનાં શબ્દો છે ‘રમ્યાણિ દૂરત:’ એટલે કે દૂરથી મનોરંજક લાગે છે, પણ હકીકતમાં તો એ ત્યારે તબાહી સર્જે છે અને આજે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ઘર પર યુક્રેનના ઝેલેન્સ્કી દ્વારા ડ્રોન હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવે છે અને બાકીની દુનિયા એમાંથી અર્થો, આક્ષેપો અને અફવાઓ શોધવામાં ડુબેલી હોય તો તે માનવજાતિનું દુર્ભાગ્ય જ કહેવાય.
આજના વિશ્વમાં ક્રૂર બર્બરતાએ પોતાનો વિકરાળ શક્તિશાળી લશ્કરી પંજો ફેલાવ્યો છે અને અનેક દેશોમાં એક યા બીજા પ્રકારે બાહ્ય આક્રમણ કે આંતરિક વિગ્રહો દ્વારા યુદ્ધો ચાલી રહ્યા છે. આવા ભીષણ મહાસંહારની વચ્ચે પણ માનવતાની ખેપ કરનારા જવાંમર્દ શાંતિ વિરલાઓ હોય છે, પણ યુદ્ધપ્રેમી દુનિયા અને મસાલેદાર મીડિયાને આવા શાંતિ સમાચારોમાં ક્યાંથી રસ પડે ?
હિંસા પાસે એક ‘દ્રશ્ય’ છે અને જ્યારે અહિંસા અને અદ્રશ્ય આંતરિક બળ છે. એ હકીકત તાજેતરમાં ગ્લોબલ સુમુદ ફ્લોટિલાની ઘટનામાં જોવા મળે છે. આ ફ્લોટિલા એ માનવતાનું ગળું રૃંધનારાઓ સામે નૌકાઓ દ્વારા થતો પ્રતિકાર છે. બીજા અર્થમાં કહીએ તો ગાઝાને ચોતરફથી ઘેરીને ભયાવહ ભૂખમરાના ખપ્પરમાં બાળકોને હોમી દેનારી હિંસક તાકાત સામેનો એક સત્યાગ્રહ છે.
ગયા વર્ષની અધવચ્ચે આંતરરાષ્ટ્રીય નાગરિક સમુદાય દ્વારા દરિયામાં નૌકાઓ લઈ જઈને ગાઝા પર લોખંડી પકડ ધરાવતા ઇઝરાયેલની નાકાબંધી તોડવાનો એનો આશય હતો. ઇઝરાયેલ ગાઝાની ભૂમિ પર એવો પગદંડો જમાવ્યો હતો કે ગાઝામાં જરૂરી રાહત સામગ્રી પણ પહોંચાડી શકાતી નહોતી. આવે સમયે દરિયાઈ માર્ગે જુદા જુદા દેશના શાંતિચાહકો નૌકાઓ લઈને ગાઝા તરફ નીકળી પડયા. મિસાઈલ્સ, ડ્રોન અને બૉમ્બના ભયની વચ્ચે આ મરજીવાઓએ ગાઝાના કિનારે પહોંચીને ભૂખી, દુ:ખી, તડપતી, બેહાલ પ્રજાને રાહતસામગ્રી દ્વારા સહાય કરવાનો પ્રયાસ કર્યો.
જગતમાં હિંસાની ઘટનાઓ તો ઘણી જોઈ રહ્યા છીએ, પરંતુ અહિંસાની આ એક ઘટના એ જગતને મહાત્મા ગાંધીની યાદ અપાવી ગઈ ! જે મહાત્મા ગાંધીએ બ્રિટિશરોના જુલમ સામે સત્યાગ્રહ કર્યો. વિશ્વના ૪૪ દેશોનાં લોકો ૪૪ નૌકાઓમાં જુદા જુદા દેશોના પાંચસો માણસોનો કાફલો લઈને ગાઝાના લોકોને રાહત સામગ્રી આપવા માટે નીકળી પડયા. આ સાહસને ફ્લોટિલા નામ આપવામાં આવે છે. ફ્લોટિલા એ અરબી શબ્દ છે અને એનો અર્થ છે દ્રઢતા.
જુદાં જુદાં જહાજ પર સામેલ કુલ પાંચસો લોકોમાં ડૉક્ટર, કલાકાર, સાંસદ, કર્મશીલ, પત્રકાર તથા નેલ્સન મંડેલાના પરિવારના સભ્ય મંડલા મંડેલા પણ સામેલ હતા. આમ તો છેક ૨૦૧૦થી ‘ફ્રીડમ ફ્લોટિલા અભિયાન’ ચાલી રહ્યું છે અને એનો હેતુ દરિયાઈ માર્ગે માનવતાભરી મદદ પહોંચાડવાનો છે. સૌથી પહેલા ઇટલીના જેનોઆથી ૪૫ ટનની રાહત સામગ્રી લઈને પહેલો નૌકા કાફલો ગાઝા જવા માટે નીકળ્યો. એ પછી બાર્સિલોના, સીરોસ, ટયૂનિસ અને મલેશિયાથી બીજા જહાજો પણ નીકળ્યા. એ બધા સિસિલી અને ક્રીટના દરિયાઈ માર્ગે એકત્રિત થયા. શરૂઆતમાં જ આ બંદરો પર આ જહાજોને એક યા બીજા બહાના હેઠળ અટકાવવાની કોશિશ કરવામાં આવી અને એનાથી જ ખ્યાલ આવી ગયો કે હવે પછી આગળ કેવા વિરોધોનો સામનો કરવાનો છે.
આ જહાજ પર સૌથી પહેલો હુમલો ઇઝરાયેલી ડ્રોન દ્વારા થયો. જેણે ટયૂનિશીયા જહાજ ફૈમિલિયા મદીરને આગના હવાલે કરી દીધું. એ પછી પર્યાવરણના સંદર્ભમાં વિશ્વખ્યાત ગ્રેટા થનબર્ગનાં જહાજ અલ્મા પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો, જેથી આ આખાય અભિયાનની ગતિ ધીમી પડી જાય. ગ્રેટા થનબર્ગ એ વર્તમાન યુગની એક એવી નૈતિક શક્તિ છે કે જે યુદ્ધના મેદાન પર ઉતરીને માનવતાને બચાવવા માટે સતત પ્રયાસ કરે છે. કેટલાકને તો એ સ્મરણ થયું કે મહાત્મા ગાંધી જેમ નોઆખલી તરફ ગયા હતા, તેમ ગ્રેટા થનબર્ગ એના સાથીઓ સાથે ઇઝરાયેલના મહાસંહાર સામે અવાજ ઉઠાવવા નીકળી પડી છે !
ગ્રેટાની તાકાતને ઇઝરાયેલે પબ્લિસિટી સ્ટન્ટ તરીકે બતાવી, ત્યારે ગ્રેટાએ ઉત્તર આપ્યો કે, ‘કોઈ પબ્લિસિટી માટે પોતાના જાનનો દાવ લગાવે નહીં.’ ઇઝરાયેલે એને આતંકવાદીની માફક કેદમાં લેવાની ધમકી આપી, ત્યારે ગ્રેટાએ જવાબ આપ્યો કે, ‘હું ઇઝરાયેલથી સહેજે ગભરાતી નથી, પણ મને એવી દુનિયાનો ડર છે કે જ્યાં માનવતાએ વિદાય લઈ લીધી છે અને ત્યાં હું એ બતાવવાની કોશિશ કરું છું કે આજે પણ માનવતા જીવંત છે.’
ફ્લોટિનામાં સવાર થયેલા આ લોકો માત્ર ગાઝાને માટે નહીં, પણ આવી ભયાવહ હિંસા અને અત્યાચારની સામે પોતાની ભીતરી શક્તિથી લડવા નીકળ્યા હતા. એમને ભય હતો કે એમને બૉમ્બથી ઉડાવી મુકવામાં આવશે અથવા તો કેદ કરવામાં આવશે. બીજી બાજુ ઇટલી, સ્પેન, ફ્રાંસ, ગ્રીસ, સાઈપ્રસ, મોરોક્કો અને જર્મનીના મજૂર મંડળોએ આ અહિંસક સાહસને સાથ આપતાં કહ્યું હતું કે, ‘આ શાંતિ જહાજો પર હુમલો કરવામાં આવશે, તો મોટી હડતાલ પડશે.’
કેટલીક સરકારોએ ઇઝરાયેલને હથિયારો આપવાનું પણ બંધ કર્યું. જે પેલેસ્ટાઈનનું અસ્તિત્વ ઇઝરાયેલ ભૂંસી નાખવા ચાહતી હતું, એ જ પેલેસ્ટાઈનની શેરીઓનાં નામ કાફલાના આ જહાજોને આપવામાં આવ્યા કોઈ જહાજનું નામ હાઈફા હતું તો કોઈનું જેનિન, કોઈનું અલ-લીલ તો કોઈનું ગાઝા સીટી. જાણે સમુદ્રમાં રહેલા જહાજો પર પેલેસ્ટાઈનનાં જુદાં જુદાં ઇલાકાઓ જોવા મળ્યા હતા.
ફ્લોટિલાના આ જહાજોમાં લિબિયાના પૂર્વ પ્રધાનમંત્રી સાથે પ્રોગ્રેસિવ ઇન્ટરનેશનલ સંસ્થાના ડેવિડ એડલર, યુરોપિયન યુનિયનનાં સાંસદ રીમા હસન પોલેન્ડના સાંસદ ફ્રાનેક સ્ટેચેવ્સ્કી સામેલ હતા. એમાં વકીલ અને પત્રકાર પણ હતા. વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકર્તાઓ, અભિનેતાઓ અને મેયર પણ હતાં. અને આ બધાનો કાફલો ઇઝરાયેલની નજીક પહોંચ્યો. ૨૦૨૫ની ચોથી ઑક્ટોબરની વહેલી સવારે ભૂમધ્ય સાગર પર આ નૌકાજહાજોનો બેડો આગળ વધી રહ્યો હતો. ૪૪ દેશોનાં ૪૦ જહાજોમાં ૪૬૨ કાર્યકર્તાઓ એમાં બેઠા હતા. એમાં વિપુલ પ્રમાણમાં રાહત સામગ્રી હતી. ગાઝાના દરિયાકિનારાથી ૪૨ નોટિકલ માઈલ દૂર હતા, ત્યારે ઇઝરાયેલના નૌકાદળે કાર્યવાહી કરી.
એક સૈનિકે જહાજનો કેમેરો તોડી નાખ્યો, જેથી વિશ્વભરમાં થતું સીધું પ્રસારણ બંધ થાય અને દુનિયાને આ અદ્ભુત કહાની વધુ જોવા ન મળે. આમાંથી જે પકડાયા તેમને કેત્ઝિયોટની જેલની ભયાવહ દીવાલોની અંદર પૂરી દેવામાં આવ્યા. કલાકો સુધી એમના હાથને ઝીપ-ટાઈથી બાંધીને, ઘૂંટણભેર બેસાડવામાં આવ્યા. એમની દવાઓ અટકાવવામાં આવી અને વધુમાં ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષામંત્રીના અપશબ્દો સાંભળવા મળ્યા.
૩ મહિનાથી સંપૂર્ણ નાકાબંધી ધરાવતા ગાઝાનાં ઓછામાં ઓછા પાંચ લાખ લોકોની જિંદગી બચાવી શકાય એવો માલ જપ્ત કરવામાં આવ્યો. ગાઝાના નેટવર્કને હેક કરવામાં આવ્યું હતું. બધાંના ફોન પર ઇઝરાયેલના નેતન્યાહૂનું ભાષણ સંભળાતું હતું અને લોકોને કહેવામાં આવતું હતું કે હવે તમે ગુલામ બની ચૂક્યા છો. આવે સમયે ફ્લોટિલા દ્વારા અહિંસક તાકાતનો નજારો જોવા મળ્યો. દરિયાની આ લહેરોનો પ્રભાવ છેક સંયુક્ત રાષ્ટ્ર સંઘની જનરલ કાઉન્સિલમાં પડયો, જ્યારે ઇઝરાયેલના નેતન્યાહૂ વક્તવ્ય આપવા માટે ઊભા થયા, ત્યારે ત્યાં ઉપસ્થિત બધા જ દેશનાં પ્રતિનિધિઓ પોતાની ખુરશી છોડીને બહાર ચાલ્યા ગયા હતા. આ લોકોને નેતન્યાહૂને અટકાવવામાં સફળતા મેળવી નહીં, પરંતુ એક નૈતિક પ્રભાવ પાડવામાં સફળ રહ્યા.
આજે હવે ગાઝામાં શાંતિ સ્થપાઈ છે, ત્યારે દુનિયા આખી ફ્લોટિલાને સલામ કરી રહી છે. એનું કારણ એ કે એના અભિયાનને મહાશક્તિઓનાં મહાસંહારના ઇરાદાઓ સામે દ્રઢતાથી પ્રતિકાર કર્યો હતો. સત્તાધારીઓના આત્માને જગાડવાનો વિશ્વભરના સદાશયી નાગરિકોનો આ શાંતિપૂર્ણ પ્રયાસ બન્યો. ડ્રોન, મિસાઈલ્સ કે બૉમ્બના ભય સામે જનમતના સામનાની સત્યાગ્રહી ઘટના બની !
કુમારપાળ દેસાઈ
4-1-2026 પારિજાતનો પરિસંવાદ