વિજ્ઞાન અને અધ્યાત્મનું એવરેસ્ટ એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઇન

અ મેરિકાના પ્રિન્સ્ટન શહેરમાં એક પછી એક શેરી પસાર કરીને આગળ વધતા એક જગાએ કવિ-મિત્ર શ્રી ચંદ્રકાન્ત દેસાઈએ મોટર થોભાવી અને કહ્યું, ‘આ સામે દેખાય છે તે મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું ઘર.’ એને જોતાં જ પરમ આશ્ચર્ય થયું. જો તમે એ ઘ૨નો જૂનો, પુરાણો થઈ ગયેલો ઘર નંબર જાણતા ન હો, તો ક્યારેય જાણી શકો નહીં કે વિશ્વના એક મહાન વિજ્ઞાનીનું આ ઘર છે. બાજુના પડોશીએ પણ એ જ નિસ્પૃહતાથી કહ્યું, ‘હા, અહીં બાજુમાં આઇન્સ્ટાઇન રહેતા હતા.’ આઇન્સ્ટાઇને સ્વયં પોતાના વસિયતનામામાં નોંધ્યું છે કે તેમનું અંતિમ સ્થાન અજાણ્યું રહેશે, જેથી તે કોઈ યાત્રા કે જાહેર સ્થળ બને નહીં. 

આઇન્સ્ટાઇન અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં નોકરી માટે આવ્યા, ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમારે ઓફિસને માટે કઈ-કઈ વસ્તુઓની જરૂ૨ ૨હેશે? 

‘એક બ્લેક બોર્ડ, ચોક, ટેબલ, બે-ચાર ખુરશીઓ અને હા, કચરો નાખવા માટે એક ટોપલી-મોટી ટોપલી.’ 

‘મોટી ટોપલી ?’

આઇન્સ્ટાઇને કહ્યું, ‘હા, મારી ભૂલોને કારણે. તમે જાણો છો કે હું ઘણી ભૂલો કરું છું.’ 

આવા આઇન્સ્ટાઇનની ઓફિસમાં આજે એનું કોઈ સ્મૃતિચિહ્ન જડે નહીં. જે દિવસે ઓફિસ છોડી, તે પછીના જ દિવસે બીજો અધ્યાપક એની ઓફિસમાં કાર્યરત બને, એવો આગ્રહ સેવ્યો. આજે આઇન્સ્ટાઇનનું સ્મારક ક્યું ? પ્રિન્સ્ટનના રસ્તે ચાલતા એક સાવ નાનકડું સાઇનબોર્ડ મળે, જેના પર લખ્યું છે, ‘આઇન્સ્ટાઇન ડ્રાઇવ’ જે રસ્તેથી આઇન્સ્ટાઇન પસાર થયો હતો. 

મજાની વાત એ છે કે પોતાની નોકરીની શરતમાં એણે યુનિવર્સિટીની નજીક ઘર ફાળવવા કહ્યું હતું. મોટ૨ હોવા છતાં એ ચાલીને જ યુનિવર્ર્સિટી જતા હતા. આવા આઇન્સ્ટાઇનની એક વિશેષતા એ લાગે કે કોઈ એક ક્ષેત્રમાં નહીં, પણ અનેક ક્ષેત્રોમાં એની ઉપસ્થિતિ આજે પણ પ્રગટ થઈ રહી છે. વિજ્ઞાન હોય, નીતિશાસ્ત્ર હોય, દર્શનશાસ્ત્ર હોય, નૃવંશશાસ્ત્ર હોય, ભૌતિકશાસ્ત્ર કે ગણિતશાસ્ત્ર હોય – જે શાસ્ત્રનો વિચાર કરીએ, ત્યારે આઇન્સ્ટાઇન એના વિચારોથી મળ્યા વિના રહે નહીં. આઇન્સ્ટાઇનનું મન બ્રહ્માંડનાં રહસ્યોને પામી શકતું હતું, પરંતુ સાથોસાથ એક વિરલ વાત એ પણ હતી કે એ આપણી જ્ઞાનેન્દ્રિયથી આપણે જે જગતને જોઈએ છે, તેનાથી ઉપર ગુણાતીત દૈવી અને નિરંકુશ વિશ્વ છે એમ માનતા હતા. એ દ્રષ્ટિએ વિચારીએ તો આઇન્સ્ટાઇન કુદરતના રહસ્યવાદી માનવી હતા, કારણ કે પ્રાકૃતિક વિશ્વના ધ્યાન દ્વારા એની પાછળ રહેલી વાસ્તવિકતાની એમને ઝાંખી થઈ હતી. 

એ પ્રકૃતિમાં આપણા કલાપી કે નરસિંહરાવની માફક કોઈ ઈશ્વરી તત્ત્વના દર્શન કરતા નહોતા. પરંતુ આઇન્સ્ટાઇનનું પ્રકૃતિદર્શન આપણને મહાન તત્ત્વચિંતક સ્પિનોઝાના ઈશ્વરીય સર્વવ્યાપકતાના અભિગમ સાથે જોવા જેવી છે. સ્પિનોઝા પ્રકૃતિના સૌંદર્ય અને વ્યવસ્થાથી અત્યંત અભિભૂત હતો. જ્યારે પ્રકૃતિના ગાણિતિક સૌંદર્ય પ્રત્યે આઇન્સ્ટાઇનનું મન ખેંચાયેલું હતું. આઈન્સ્ટાઇને કદી પોતાની મૂળભૂત માન્યતાના વિચારબીજને ગુમાવ્યું નહતું, પછી ભલેને એ બ્રહ્માંડનાં રહસ્યોને સમજવાના કાર્યમાં ડૂબેલા હોય ! અને તેથી જ આ રહસ્યને સમજવા માટે કરેલા એમનાં વિધાનોમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ વિધાન આ પ્રમાણે છે, 

‘સૌથી સુંદર મનોભાવની લાગણી આપણે અનુભવીએ છીએ, તે ગૂઢ છે. તે આધારભૂત મનોભાવ છે, જે બધી સાચી કળા અને વિજ્ઞાનના પારણામાં રહેલી છે. તે કે જેના માટે આ મનોભાવની લાગણી અણજાણ છે, જે તેને અચંબો પમાડતી નથી અને એકાગ્રતામાં દહેશત કે ધાક બતાવતી નથી, તે નિર્જીવ જેવી છે – એક બુઝાવેલી મીણબત્તી જેવી. તેને સમજવા માટે આપણા મનની શક્તિ નથી. તેના સૌંદર્ય અને સર્વોચ્ચતા આપણા સુધી પરોક્ષ રીતે પહોંચે છે. આમાં જ એક ધાર્મિકતા રહેલી છે. આ અર્થમાં કહીએ તો, ફક્ત આ જ અર્થમાં હું એક ધાર્મિક વ્યક્તિ છું.’ 

આમ આઇન્સ્ટાઇન પાસે માનવમનની મર્યાદાઓની ઊંડી અને સૂક્ષ્મતાભરી સમજ હતી. આઇન્સ્ટાઇન પર યુરોપ, અમેરિકા અને મધ્યપૂર્વમાંથી એમની અપૂર્વ વૈજ્ઞાનિક શોધો વિશે વ્યાખ્યાનો આપવા માટે નિમંત્રણનો વરસાદ વરસતો હતો. ૧૯૨૧માં એમને નોબેલ પારિતોષિક એનાયત થયું. આ નોબેલ પારિતોષિક ‘ફોટોવિદ્યુત નિયમ અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે કરેલા પ્રદાન’ માટે એનાયત કરવામાં આવ્યું. જોકે નોંધપાત્ર બાબત એ છે કે એમાં એના સાપેક્ષતાના સિદ્ધાંતનો કોઈ ઉલ્લેખ નહોતો ! 

આઇન્સ્ટાઇનને હિંસા પ્રત્યે પ્રબળ રોષ હતો. કોઈપણ સંજોગોમાં થતાં કોઈ પણ પ્રકારના અત્યાચાર સામે આક્રોશ હતો. એમણે સ્વયં જર્મનીમાં નાઝીઓના જુલ્મને કારણે જર્મન નાગરિકપદ ત્યજીને અમેરિકામાં વસવાટ કર્યો હતો. નાઝી પોલીસે એમના ઘરની જડતી લઈને આ વિજ્ઞાનીના સંશોધનને લગતા કાગળોની હોળી કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધની સંહારલીલાથી આઇન્સ્ટાઇનને ભારે વિષાદ અનુભવ્યો હતો. 

૧૯૩૦ની ૧૪મી જુલાઈએ આઇન્સ્ટાઇનને ત્યાં ખાણું લેવા માટે કવિવર ૨વીન્દ્રનાથ ટાગોર આવે છે અને ત્યારે આઇન્સ્ટાઇને એમને કહ્યું, ‘મેં જ્યારે વાંચ્યું કે આપે આપને અપાયેલો ખિતાબ પાછો આપી દીધો તેનો મને આનંદ થયો.’ 

રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું, ‘હા, તમે ‘સર’ના ખિતાબની વાત કરો છો ને!’ 

‘હા. એની જ.’ 

‘એ તો મારા દેશ પર ગુજારાતા અત્યાચારનું એક પ્રતિક ગણાય. મારે એ ઉપાધિ લેવાની જ જરૂ૨ નહોતી.’

જર્મનીથી અમેરિકા આવેલા આઇન્સ્ટાઇનના સંશોધનો ચાલુ રહ્યાં. યુરેનિયમ પ૨માણુ વિસ્ફોટના ક્ષેત્રે કામ કરતા અમેરિકામાં વસતા વિજ્ઞાનીઓ ફર્મી અને જીલાર્ડ આઇન્સ્ટાઇનને મળ્યા. આઇન્સ્ટાઇને અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટને પત્ર લખીને જર્મની મહાવિનાશક બોમ્બ બનાવે તેવો સંભવ વ્યક્ત કર્યો. પરિણામે અમેરિકામાં વસતા વિજ્ઞાનીઓએ માનવ અંકુશ નીચે ૫૨માણુ-વિભાજનની ક્રિયા વિકસાવી. દરમિયાનમાં જર્મનીએ શરણાગતિ સ્વીકારતા જર્મની ૫૨માણુ બોમ્બનો ઉપયોગ કરે તે શક્યતાનો છેદ ઊડી જતાં આઇન્સ્ટાઇને પ્રમુખ રૂઝવેલ્ટને ૫૨માણુ બોમ્બનો ઉપયોગ નહીં કરવા વિનંતી કરતો બીજો પત્ર લખ્યો. પરંતુ એ પત્ર વાંચે તે પહેલાં ૧૯૪૫ની ૧૨મી એપ્રિલે પ્રમુખ રૂઝવેલ્ટનું અવસાન થયું અને એ પછી અમેરિકાએ હિરોશીમા ૫૨ ૫૨માણુ બોમ્બ નાખ્યો. આઇન્સ્ટાઇનને થયું કે સંહારનું પહેલું બટન દબાવવામાં તેઓ ‘નિમિત્ત’ બન્યા અને જીવનભર તેનો વિષાદ એમના મનમાં રહ્યો. 

જેમ વિષાદગ્રસ્ત શ્રીકૃષ્ણને દરિયા કિનારે યાદવકુળના જરા નામના પારધિ દ્વારા બાણ વાગ્યું, તે સમયે જેવો વિષાદ હશે તેવો વિષાદ આ વિજ્ઞાનીને હોવો જોઈએ. આઇન્સ્ટાઇન અહિંસામાં આજીવન દ્રઢ શ્રદ્ધા ધરાવતા હતા. એ સમયની રાજકીય ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓમાં તેઓ એકમાત્ર ગાંધીજીના પ્રશંસક હતા. ઘરની દિવાલ પર ગાંધીજીનું ચિત્ર 

શણગારરૂપ હતું અને એમણે કહ્યું હતું કે, ‘હું ફક્ત ગાંધીજીને આપણા યુગના સાચા મહાન વ્યક્તિ તરીકે ગણું છું. ભવિષ્યની પેઢી કદાચ ભાગ્યે જ માનશે કે આવો હાડ-માંસ અને રક્તથી ચાલતો માનવી આ પૃથ્વી પર જન્મ્યો હતો.’ 

આઇન્સ્ટાઇન પોતાના સાથી કાર્યકરોને અને ગરીબ વિદ્યાર્થીઓને વારંવાર આર્થિક મદદ આપતા હતા અને તેઓ માનતા હતા કે બીજા માટે જીવાયેલું જીવન એ જ સાર્થક જીવન છે. 

આઈન્સ્ટાઇન જેમ વિજ્ઞાની તરીકે શ્રેષ્ઠ છે તેમ માનવ-અધ્યાત્મના શિખરે બેઠેલા લાગે છે. એમના જીવનમાં નિસ્પૃહતા અને નિષ્કામભાવ પદે પદે જોવા મળે છે અને એનો વાચકોને સાક્ષાત્ પરિચય એમના આ વિધાનોમાંથી મળશે : 

‘હું સુખી છું, કારણ કે મારે બીજા કોઈ પાસેથી કાંઈ જોઈતું નથી. ધન પ્રત્યે મને આસક્તિ નથી. શણગાર, ખિતાબો કે શ્રેષ્ઠતા મારા મન કંઈ નથી. હું કદી પ્રશંસાની ઝંખના સેવતો નથી. મારા કામ સિવાય મને જો કોઈથી ખુશી મળતી હોય તો મારા વાયોલિનથી કે મારી મુસાફરી કરવાની હોડીથી તેમજ મારા સાથી કાર્યકરની પ્રશંસાથી. કોઈ જ બાબત માટે હું યશનો દાવો કરતો નથી. મારામાં કોઈ વિશિષ્ટ બક્ષિસ નથી. હું તો અત્યંત જિજ્ઞાસુ માનવી છું.’

કુમારપાળ દેસાઈ

26-4-2026 પારિજાતનો પરિસંવાદ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑